વનવગડે વિહરે વીર . ૩૬

વનવગડે વિહરે વીર . ૩૬

દેવાર્ય , શાતામાં રહેજો

અપાપાપુરીથી જૃૃૃંભકગ્રામનો માર્ગ . કુદરતી સામ્રાજ્ય . ચોતરફ પહાડીઓ . બેસુમાર જંગલ . કરોડો કરોડો વૃક્ષો અને એમની હજારો જાતિ . અગણિત પશુપંખીઓ અને એમની હજારો પ્રજાતિ . નદીઓ , ધોધ અને ઝરણા , તળાવો . સવારનો સમય અને ધુમ્મસ . બપોરનો વખત , તીખો તડકો અને શીતળ પડછાયા . સાંજનો સમય અને દખણાદો વાયરો . રાતનો સમય અને રાની પશુઓની ઘોર ત્રાડો . નવલખ રોશની રેલાવતા સૂર્યોદય . અજબની મોહિની ફેલાવતા ચંદ્રોદય . દેવાર્યે આ રસ્તે વિહાર કર્યો , વનવગડે વિહરે વીર .

અપાપાપુરીથી જૃૃૃંભકગ્રામના માર્ગને દેવાર્યે આરામથી પસાર કર્યો . વચ્ચે , કર્દમ ગ્રામ ( કોદરમા ) આવ્યું હતું . દક્ષિણ દિશાએથી ૠજુવાલિકા નદીએ દેવાર્યનાં દર્શન કર્યા હતા . આગળ , ગામો આવ્યા અને ગયા . બજારો . સમશાનો . પાદરે ઊભેલા કૂવાઓ , વડલાઓ . પનિહારીઓ અને માલધારીઓ . ઘરો પરના નળીયા અને ઝૂૂંપડી પરના ઘાસ . મહેલવાળા મહારાજાઓ અને હવેલીવાળા શેઠિયાઓ . લહેરાતા ખેતરો અને લચી પડેલી વાડીઓ . દેવાર્યને સૌ દેખતા રહ્યા .

સાવ એકલા હતા દેવાર્ય . સાથે સાધુ નહીં , સમુદાય નહીં , પ્રચારક નહીં , નોકરચાકર નહીં . એકલા રહેવું એ પણ ઉપસર્ગ છે , મોટો ઉપસર્ગ . કોઈ સેવા ન કરે , કોઈ પ્રચાર ન કરે , કોઈ બચાવ ન કરે , કોઈ સમર્થન ન કરે . મોટો આત્મ સંયમ જોઈએ નહીં તો ભૂલો પર ભૂલો થયા જ કરે . દેવાર્યે આ ઉપસર્ગ પણ પચાવી લીધો હતો . જેને જે રીતે જેટલું હેરાન કરવું હોય તે કરે . જેને જે બોલવું હોય તે બોલે . દેવાર્ય ડગતા નહીં , ડરતા નહીં . ભલે એકલા હતા દેવાર્ય , પણ દેવાર્ય સ્વયં એક વાતાવરણ હતા . એ જ્યાંથી નીકળતા ત્યાં સુગંધ ફેલાઈ જતી . સૌ જોતા રહી જતા . દેવાર્ય પાસે નિજી એકાંતનું મહાન્ સામ્રાજ્ય હતું . કોઈની સાથે વાતો કર્યા વિના અને કોઈનાં મોઢેથી વાતો સાંભળ્યા વિના દેવાર્ય , મહિનાઓના મહિના વીતાવી શકતા . આવી અંદરની તાકાત ભાગ્યે જ કોઈનામાં જોવા મળે .

દેવાર્ય જૃંભકગ્રામની સીમાએ પહોંચ્યા . ન ઢોલ ધ્રબુક્યા , ન શરણાઈ વાગી , ન શંખ ફૂંકાયા , ન આગતા સ્વાગતા થઈ . દેવાર્યને કશો ફેર ના પડ્યો . દેવાર્યને જૃંભકગ્રામ દેખાયું . જૃંભકગ્રામમાં વિશાળ જનસમુદાય રહેતો . સૌ સુખી સંપન્ન . એવી ઊંચી ઈમારતો પણ હતી જૃંભકગ્રામમાં કે સૂરજનો તડકો અમુક જગ્યાઓમાં જમીનને અડી ન શકે . ( સંદર્ભ : મહાવીર ચરિયં ) દેવાર્યને વસતિમાં જવું જ નહોતું . દેવાર્ય બારોબાર સમેતશિખરના રસ્તા પર ચાલ્યા . થોડુંક જ આગળ વધ્યા હશે ત્યાં એક નદી આવી : ૠજુવાલિકા એનું નામ . દેવાર્ય વળ્યા , એના કિનારે ઉતર્યા અને ચાલ્યા . નદીની રેતીમાં દેવાર્યનાં પગલાં અંકાતાં ગયાં . ૠજુવાલિકા નદી પાસે વનવાસીઓ અને વન્ય પશુઓ ઘણા આવતા . અરે , મોટામોટા હાથીઓ પણ આવતા . પણ એની રેત પર , પરમ પિતાએ પહેલીવાર પગ મૂક્યો હતો . નદીના કણકણમાં હરખના હિલ્લોળ ઊઠ્યા હતા .

જૃંભકગ્રામથી પૂરવ તરફ આશરે સાંઠસિત્તેર ગાઉ દૂર , ઝારખંડ રાજ્ય હજારીબાગ જિલ્લાના , પદમા ગામના ખોળે ઋજુવાલુકાનો ઉગમ થયો છે . જૃંભકગ્રામ પાસેથી આગળ નીકળીને , પશ્ચિમ તરફ આશરે સોએક ગાઉ દૂર , બંગાલ રાજ્યમાં આસનસોલ પાસે એ દામોદર નદીમાં ભળી જાય છે . ખબર નહીં કેમ પણ ઋજુવાલુકાને , બરાકર નદી કહેવામાં આવે છે . આ નદી વરસના સાત આઠ મહિના નાની , પાતળી દેખાય છે પરંતુ ચોમાસામાં આ નદીના તોફાન ચરમસીમાએ હોય છે , એટલું પાણી આવે છે નદીમાં અને એટલું જોશ હોય છે પાણીમાં કે ભલભલા સેતુઓ અને જલબંધો એના ધક્કાથી તૂટતા જ રહે છે . બરાકર નદીમાંથી બે ઉપનદી નીકળી છે , ઉસરી નદી અને બરસોતી નદી . અલગ અલગ સ્થાનોમાં , આશરે પંદરેક નાની નદીઓ બરાકર નદીમાં આત્મ સમર્પણ કરતી જોવા મળે છે . આ નદીને એક નાયક , એક ભગવાન્ મળ્યો નહોતો . એટલે એનું નામ લોકોના કંઠે રમતું નહોતું . આ નદી અખંડસ્વરા છે . ગમ્મે ત્યારે જાઓ , એ ખળખળ અવાજ કરતી જ હોય . આજે આ બોલકણી નદી પાસે , મૌનનો મહારથી આવ્યો હતો . નદી ઉછળીને ઉછળીને દેવાર્યને જોતી રહી .

દેવાર્ય ચાલતા ચાલતા એક જીર્ણશીર્ણ ચૈત્ય પાસે આવ્યા . આમ તો જીર્ણ સ્થાનમાં રોકાવાનો દેવાર્યને છોછ નહોતો . પણ આ ચૈત્યને છોડીને થોડુંક આગળ નીકળ્યા . એક નાનું વૃક્ષ આવ્યું , શાલ વૃક્ષ . ત્યાં ઊભા રહ્યા . શ્યામાક ગાથાપતિના ખેતરની એ ભૂમિ હતી . નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહી રહી હતી . દેવાર્યે ગોદોહિકા આસન સ્વીકાર્યું . વર્ષોથી – દેવાર્ય શિયાળામાં ઉગ્ર ઠંડીને સહન કરતા , ઉનાળામાં ભારે તડકાનો તાપ ખમતા . આજે વૈશાખ માસનો સૂરજ બપોરની પ્રખર ગરમી વરસાવી રહ્યો હતો . દિવસનો ચોથો પ્રહર આવ્યો . દેવાર્યની કાયા સૂરજના તડકામાં તપી રહી હતી . ખુલ્લા પગનીચેની રેતી તડકે તપી ગઈ હતી . નદીનાં પાણીમાં તડકો ઉગ્ર ચળકાટ વેરી રહ્યો હતો . દેવાર્યની આંખો અર્ધી મીંચાયેલી હતી . છઠની તપસ્યાનો બીજો ઉપવાસ હતો .

ભીતરમાં એક ધ્યાન આંદોલન સરજાયું . પૃથક્ત્વ વિતર્ક સવિચાર અને એકત્વ વિતર્ક અવિચાર , આ બે તબક્કાનું શુક્લધ્યાન અનુભવીને આગલા તબક્કે પહોંચ્યા . આજસુધી છઠ્ઠાસાતમા ગુણઠાણે બિરાજતા હતા . આજે પહેલી વાર આઠમા ગુણસ્થાનકને સ્પર્શ કર્યો , ક્ષપકશ્રેણિએ આરોહણ કર્યું . જોતજોતામાં બારમા ગુણઠાણે પહોંચ્યા અને પળવારમાં તેરમા ગુણઠાણે બિરાજમાન થયા . જ્ઞાનાવરણ , દર્શનાવરણ , મોહનીય અને અંતરાય , આ ચાર ઘાતી કર્મનો નાશ થયો . કેવળજ્ઞાન ઉત્પન્ન થયું . ૠજુવાલિકાએ દેવાર્યને છદ્મસ્થમાંથી કેવલી બનતા જોયા , સાધકમાંથી તીર્થંકર બનતા જોયા . જેમ લછવાડની બહુવારી નદીને દીક્ષા કલ્યાણકના સાક્ષિ બનવાનો લાભ મળેલો તેમ જૃંભકગ્રામની ૠજુવાલિકાને કેવળજ્ઞાન કલ્યાણકના સાક્ષિ બનવાનો લાભ મળ્યો . એ કલકલતી નદી , વૈશાખ સુદ દશમના દિવસે સદાસોહાગણ બની ગઈ .

દેવલોકમાં ઈન્દ્રોના સિંહાસન કંપ્યા . દેવતાઓ કૈવલ્ય મહોત્સવ મનાવવા આવી પહોંચ્યા . સમવસરણ રચાયું . દેવાર્યની આસપાસ અગણિત દેવતાઓએ જયઘોષ ગજવ્યા . વાજીંત્ર વાગ્યા , ફૂલ વરસ્યા .

દેવાર્ય ધીમેથી ઊભા થયા . ગોદોહિકા આસનને લીધે પગની દશ આંગળીઓ પર આખા શરીરનું વજન હતું તે અવસ્થા બદલાઈ . પગના પંજા , આંગળીથી પાની સુધી જમીનને અડક્યા . ચાલવા માટે દેવાર્યે એક પગ ઊંચક્યો અને દેવતાઓએ દેવાર્યના પગની નીચે સુવર્ણ કમલ મૂક્યું , દેવાર્યે બીજો પગ ઊંચક્યો અને દેવતાઓએ દેવાર્યના બીજા પગની નીચે પણ સુવર્ણ કમલ મૂક્યું . દેવાર્યની તીર્થંકર અવસ્થાનો આ પ્રારંભ હતો , હવે દેવાર્યના પગ જમીનને અડવાના નહોતા .

સામાકિનારેથી વનવગડો એ દૃશ્ય , એ સુવર્ણ કમલ જોઈને ખૂબ રોયો હશે કેમ કે વૈશાખ સુદ દશમના દિવસે , સાંજે – દેવાર્યનો વનવગડા સાથેનો સંબંધ સમાપ્ત થઈ ગયો હતો . કાર્તક વદ દશમે દેવાર્યની દીક્ષા બાદ જેવો વિલાપ મહારાજા નંદીવર્ધને કરેલો એવો જ વિલાપ , વૈશાખ સુદ દશમની સાંજે વનવગડાએ કર્યો હશે . કેમ કે હવે દેવાર્ય વનવગડા ભણી ક્યારેય જોવાના નહોતા . વનવગડા પાસે એક મોટું આશ્વાસન હતું કે આજથી દેવાર્ય દુનિયાને જ્ઞાન આપવાના હતા તેની પૂર્વતૈયારી દેવાર્યે વનવગડામાં જ કરી હતી . વનવગડાને દેવાર્યે શું આપ્યું ? દેવાર્યે પોતાના કમલસુગંધી શ્વાસ-ઉચ્છ્વાસથી વનવગડાને ભરી દીધો હતો , પોતાના ઉઘાડા પગનો પરમ સ્પર્શ આપ્યો , સાચુકલો ચરણ સ્પર્શ . વનવગડાએ દેવાર્યને શું આપ્યું ? વનવગડાએ દેવાર્યને નિર્જન એકાંત આપ્યું , તાજી હવા આપી , કાઉસગ્ગ કરવા લાયક જમીન આપી અને વૃક્ષોનો છાંયડો આપ્યો . વનવગડાએ દેવાર્યને લાંબાસમય સુધી મૌન રહેવાની સ્વતંત્રતા આપી . આવી સ્વતંત્રતા શહેરમાં કે ગામમાં મળે જ નહીં . એવું ઘણુંબધું હતું વનવગડા પાસે જેનો દેવાર્યને ખપ હતો , દેવાર્ય એ બધું વનવગડા પાસેથી લેતા રહ્યા . વનવગડાએ દેવાર્યનું એ રૂપ જોયું હતું જે દુનિયાને જોવા મળતું નહીં અને જોવા મળશે પણ નહીં . વનવગડાએ દેવાર્યને ધ્યાનસ્થ અવસ્થાએ , પ્રચંડ કર્મનિર્જરા કરતા જોયા , કષ્ટોમાં ધૈર્ય ધરતા જોયા . વરસાદમાં / તડકામાં / આંધીમાં / ઠંડીમાં / વસંતમાં / પાનખરમાં નિજાનંદે નિમગ્ન જોયા .

જેનો સાથ લાંબા સમય સુધી રહે છે તેની આદત થઈ જાય છે . વનવગડાને દેવાર્યનાં સતત સાંનિધ્યનું વ્યસન લાગી ગયું હતું . આજથી વનવગડાનો ઝુરાપો શરૂ થતો હતો . દેવાર્ય સાથે વનવગડામાં શું શુંં થયુું એની કથા તો લખાતી આવી છે અને લખાતી જ રહેશે . વનવગડાએ દેવાર્યને જે પ્રેમ કર્યો તેની પ્રેમકથા કોઈ કવિ લખી શક્યો નથી અને લખી શકશેે પણ નહીં . વનવગડો જો માણસની જેમ બોલી શકતો હોત તો , હાથ જોડીને , વરસતી આંખે , ધ્રુજતા સાદે જરૂર કહેત :
‘ દેવાર્ય , શાતામાં રહેજો . આપના વિના ગમવાનું નથી , અહીંંનો સૂનકાર દૂર કરવા ફરીથી પધારજો , આ વનવગડો કાયમ આપની પ્રતીક્ષામાં રહેશે .’ ( સમાપ્ત )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *