શાલિભદ્રજીનું કથાનક

શાલિભદ્રજીનું કથાનક

૧ . સંગમકુમારની ખીર 

શ્રી શાલિભદ્રજીની કથા રાજગૃહી નગરીથી શરૂ થાય છે . નગરીની બહાર શાલિગ્રામ નામનું એક નાનું ગામ છે . ત્યાં એક પશુપાલક રહે છે . સુખી જીવન છે .  પશુપાલકને પત્ની છે , દીકરો છે . એકદા યુવાન વયે જ પશુપાલકનું મરણ થઈ ગયું . ઘરમાં પૈસાની આવક બંધ થઈ ગઈ .  માદીકરો ગરીબ થઈ જાય છે . માતાનું નામ ધન્યા . દીકરાનું નામ સંગમ : ઉંમર આઠ વરસ . તેઓ રાજગૃહી આવી રહે છે . માતા લોકોનાં ઘરમાં ઝાડુ પોતા લગાવે છે . દીકરો લોકોનાં ગાયભેંસ જંગલમાં ચારવા લઈ જાય છે . એકવાર  સંગમકુમાર ઘેર ઘેર રંધાયેલી ખીર જુએ છે . એને ખીર આરોગવાનું મન થાય છે . એ ઘેર આવીને માતા પાસે ખીર માંગે છે . માતાને પારાવાર લાચારીનો અહેસાસ થાય છે કેમ કે ઝૂંપડીમાં દૂધ ચોખા સાકર ઘી વગેરે સીધુંસામાન નથી . બાળક ખીર માટે જીદ્દ કરીને રડે છે . મા , બાળકની ઈચ્છા પૂરી નહીં થાય એની પીડાથી રડે છે . રડવાનો અવાજ બાજુનાં ઘરોમાં જાય છે . પાડોશણો ઝૂંપડીમાં આવીને માતાને સાંત્વના આપે છે .  પાડોશણો ખીર માટેનો સામાન આપે છે , ઘી દૂધ સાકર ચોખા વગેરે . મા ખીર બનાવે છે , બાળકને થાળીમાં ખીર પીરસે છે . હવે મા ઘરોમાં કામ કરવા જાય છે . બાળક ખીરની થાળી પાસે બેસે છે . મનમાં એ રાજી છે કે એની ઈચ્છા આજે પૂરી થઈ છે . 

૨. સંગમકુમારે મહાત્માને ખીર વહોરાવી 

સંગમકુમારે મઘમઘતી ખીર આરોગતાં પહેલાં ઝૂંપડીની બહાર જોયું . એક તપસ્વી મહાત્મા આવતાં દેખાયા . એણે મહાત્માને પોતાની થાળીમાંની ખીર વહોરાવી દીધી . જે મહાત્મા પધારેલા એમને માસક્ષમણ હતું . સંગમકુમારે પ્રચંડ પુણ્ય બાંધી લીધું . મહાત્મા ગયા તે પછી સંગમ ખીરની થાળી ચાટવા લાગ્યો . મા આવી . સંગમકુમારે ખીરનાં દાનની વાત માતાને ન જણાવી . સંગમકુમારની ખાલી થાળીમાં માતાએ બાકીની ખીર પીરસી દીધી .   સંગમકુમારે એ ખીર હરખભેર આરોગી . જોકે , એ ખીર સંગમકુમારને હજમ ના થઈ . એ જ દિવસે રાત્રિના સમયે એનું આયુષ્ય પૂરું થઈ ગયું . અંતિમ સમયે એનાં મનમાં દાનધર્મની અનુમોદનાનો આનંદ રમતો હતો . એ શુભધ્યાનના પ્રભાવે એ બીજા ભવમાં રાજગૃહીનગરે ગૌભદ્ર શેઠનાં ઘરે સાત માળની હવેલીમાં , ભદ્રા શેઠાણીની કૂખે પુત્ર તરીકે અવતરિત થયો . ગર્ભવતી માતાએ સ્વપ્નમાં શાલિનું ખેતર જોયું . ( શાલિ એટલે ડાંગર , ચોખા ) .  ગૌભદ્ર શેઠે ભવિષ્ય વાણી ભાખી કે સંતાન થશે અને એ તેજસ્વી થશે . શુભ દિને બાળકનો જન્મ થયો . સ્વપ્ન સંકેત અનુસાર બાળકનું નામ રાખવામાં આવ્યું : શાલિભદ્ર . 
ઉત્તમ સુપાત્રને ઉત્તમ ભાવપૂર્વક ઉત્તમ દ્રવ્યનું દાન કર્યું એના પ્રભાવે દત્તકુમારને ચાર ઉત્તમ તત્ત્વ મળ્યાં . એક , મનુષ્યગતિમાં જન્મ મળ્યો . બે , જૈન ધર્મ મળ્યો . ત્રણ , ઉત્તમ પુણ્યાઈ અને ઉત્તમ પ્રજ્ઞા મળી . ચાર , દીક્ષા લેવાની સાચી પાત્રતા મળી . 
શાલિભદ્ર નાનપણમાં પ્રજ્ઞાવાન્ છે . વિદ્યા અભ્યાસ ઉત્તમ રીતે સંપન્ન કરે છે . ગૌભદ્ર શેઠ અને ભદ્રા શેઠાણીને એક દીકરી પણ છે . એ ઉંમરમાં શાલિભદ્રથી  નાની છે . શાલિભદ્ર યુવાન થાય છે . રૂપ , બુદ્ધિમત્તા , વિનય વિવેક આદિ ગુણો એનામાં ઝળહળે છે . રાજગૃહી નગરીના બત્રીસ શેઠિયાઓએ પોતપોતાની યુવાન દીકરીઓ શાલિભદ્ર સાથે વિવાહિત થાય એવો પ્રસ્તાવ ગૌભદ્ર શેઠ સમક્ષ મૂક્યો . દરેક કન્યા પદ્મિની હતી . ગૌભદ્ર શેઠે એ પ્રસ્તાવ સ્વીકાર્યો અને બત્રીસ પદ્મિની કન્યાઓ સાથે શાલિભદ્રના વિવાહ સંપન્ન થયાં . 
પિતા ગૌભદ્ર શેઠ વ્યવસાય આદિ સર્વ કાર્ય સંભાળે છે , માતા ભદ્રા શેઠાણી – ઘર , પરિવાર આદિની જવાબદારીનું નિર્વહન કરે છે . શાલિભદ્રજી બત્રીસ પત્નીઓ સાથે આનંદપ્રમોદમાં નિમગ્ન રહે છે . 

૩ . ગૌભદ્ર શેઠની દીકરીના વિવાહ ધન્નાજી સાથે 

ગૌભદ્ર શેઠની સાથે ગામોગામના વેપારીઓનો  લેણદેણનો વહેવાર છે . એકવાર  ચંપાપુરીનો કોઈ નકલી વેપારી આવ્યો . એ કાણો હતો , એને એક જ આંખે દેખાતું . એ શેેઠને કહે છે કે મારી એક આંખ તમારી પાસે ગિરવે પડી છે  , એ મને પાછી આપો . ગૌભદ્ર શેઠ કહે છે કે તું ખોટું બોલે છે . પેલો વેપારી કહે છે કે તમે મને ચંપાપુરીમાં એક લાખ સોનામહોર આપી હતી . એના બદલામાં મેં મારી આંખ તમને આપી હતી . હવે તમારી આ સોનામહોર તમે પાછી લો અને મારી આંખ મને પાછી આપો . વેપારીએ એવો ગૂંચવાડો ઊભો કર્યો કે ગૌભદ્ર શેઠ પાસે જવાબ ન રહ્યો . શેઠે રાજગૃહી નગરીના રાજા શ્રેણિકને વાત જણાવી . રાજા વિચારે છે કે અભયકુમાર હાજર હોત તો એ જરૂર કોઈ રસ્તો સુઝાડત . પરંતુ અભયકુમાર રાજગૃહીમાં હાજર નથી . હવે અભયકુમાર જેવું બુદ્ધિબળ ધરાવનાર વ્યક્તિને શોધવી પડશે .  રાજાએ ઉદ્ ઘોષણા કરાવી કે ગૌભદ્ર શેઠની સમસ્યાનું સમાધાન જે શોધી આપશે એના વિવાહ ગૌભદ્ર શેઠની પુત્રી સુભદ્રાકુમારી સાથે થશે . 
રાજગૃહીમાં ધન્નાજી શેઠ સ્વ નિર્મિત સાત માળની હવેલીમાં રહેતા હતા . તેમની જન્મભૂમિ હતી પ્રતિષ્ઠાનપુર ( એટલે કે આજનું પૈઠણ . ) એમનો રાજા સાથે પારિવારિક સંબંધ હતો . એમણે રાજાની અનુમતિથી પેલા વેપારી સાથે ચર્ચા કરી . વેપારી પાક્કો હતો . એણે તુરંત મચક ના આપી . એને ધન્નાજી શેઠે કહ્યું કે અમે ઘણા લોકોને પૈસા આપીએ છીએ  . આથી અમારી પાસે ઘણી આંખો જમા છે . તમે તમારી બીજી આંખ થોડાક સમય માટે અમને આપો . પહેલાં તમે જે આંખ આપી હતી એની સાથે આ આંખ મેળવીને અમે તમને , બંને આંખો એકસાથે પાછી આપી દઈશું . પેલો વેપારી ગભરાયો . એણે પોતાની જૂઠમાયા કબૂલી લીધી . એ નકલી વેપારી સોનામહોર ચૂકવીને  ભાગી ગયો . રાજગૃહીની ઈજ્જત બચી એનાથી રાજા રાજી થયા . પોતાનું આત્મસન્માન સુરક્ષિત રહ્યું એનાથી ગૌભદ્ર શેઠ પ્રસન્ન થયા . ગૌભદ્ર શેઠની પુત્રી સુભદ્રાકુમારી સાથે ધન્નાજીના લગ્ન થયાં . આ રીતે ધન્નાજી અને શાલિભદ્રજી વચ્ચે સાળાબનેવીનો સંબંધ બન્યો .  

૪ . પિતા ગૌભદ્ર બન્યા ગૌભદ્ર દેવ 

રાજગૃહી નગરીમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન પધાર્યા . રાજા અને પ્રજા એક સાથે પ્રભુની દેશના સાંભળવા સમવસરણમાં બેસે છે . ગૌભદ્ર શેઠ પણ દેશના સાંભળે છે અને વૈરાગ્ય ભાવ ધારણ કરે છે . ભદ્રા શેઠાણીને વિશ્વાસમાં લઈને ગૌભદ્ર શેઠ દીક્ષા ગ્રહણ કરે છે . પ્રભુનાં સાંનિધ્યમાં ઉત્તમ સાધના કરીને ગૌભદ્ર શેઠ પ્રથમ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે . દેવ લોકમાંથી ગૌભદ્ર દેવ શાલિભદ્રને જુએ છે અને વિચારે છે કે મારા પુત્ર માટે મારે વિશેષ કંઈક કરવું છે . ગૌભદ્ર દેવ પુત્ર અને ૩૨ પુત્રવધુઓ માટે રોજ ૩૩ પેટી વસ્ત્રની ૩૩ પેટી આભૂષણની અને ૩૩ પેટી દિવ્ય ભોજનસામગ્રીની મોકલે છે . શાલિભદ્ર પોતાની બત્રીસ પત્નીઓ સાથે મનુષ્ય લોકમાં રહીને દેવલોકના આનંદનો આસ્વાદ લે છે . 
પૂર્વ ભવમાં સંગમકુમાર તરીકે જ્યારે એમણે તપસ્વી મહાત્માને ખીર વ્હોરાવી હતી ત્યારે આવા કોઈ સુખની કામના એમનાં મનમાં હતી જ નહીં . પણ ખીરનું દાન આપતી વખતે એમનાં મનમાં જે ઉત્સાહ હતો અને ખીરનું દાન આપ્યા બાદ એમનાં હૃદયમાં જે આત્મસંતોષ હતો એના થકી જે પુણ્ય બંધાયું હતું તે પુણ્ય આ રીતે ઉદયમાં આવ્યું હતું . રોજ નવા વસ્ત્રો અને નવા દાગીના દેવલોકથી આવે . ગઈકાલના વસ્ત્રો અને દાગીના આજે કાઢી નાંખવાના . આજના  વસ્ત્રો અને દાગીના આવતીકાલે કાઢી નાંખવાના . એકવાર જે વસ્ત્રો અને દાગીના ઉતરી ગયા તે ફરીથી પહેરવાના ના હોય એટલે એ નિર્માલ્ય તરીકે ખાળકૂવામાં ફેંકી દેવાના . આવું અલૌકિક સુખ એ જમાનામાં કોઈ રાજા મહારાજાના નસીબમાં પણ નહોતું . 

૫ . રત્નકંબલની ખરીદી 

રત્નકંબલ એટલે એવી શાલ જે શિયાળામાં ગરમી આપે અને ઉનાળામાં ઠંડક આપે . ઉનાળાના દિવસોમાં પીગળીને પ્રવાહી બની ગયેલા ઘીનાં વાસણ પર રત્નકંબલ ઢાંકીએ તો એ ઘી ફરીથી એકદમ થીજી જાય . શિયાળાના દિવસોમાં થીજીને કઠણ બની ગયેલા ઘીનાં વાસણ પર રત્નકંબલ ઢાંકીએ તો એ ઘી પીગળીને પાણી જેવું થઈ જાય . એક રત્નકંબલની કિંમત મોંઘા દાગીનાઓ જેટલી થતી . એકવાર નેપાળ દેશથી કંબલના વેપારીઓ રાજગૃહી આવ્યા . એમની પાસે સોળ રત્નકંબલ હતી . એમણે રાજાને રત્નકંબલ બતાવી . રાજાએ ભાવ પૂછ્યો . વેપારીઓએ એક રત્નકંબલનો ભાવ કહ્યો : સવા લાખ સુવર્ણમુદ્રા . રાજાને આ ભાવ વધારે લાગ્યો . રાજાએ એક પણ રત્નકંબલ ના ખરીદી . હતાશ વેપારી પાછા જતા હતા . ભદ્રા શેઠાણીએ વેપારીઓની વાત જાણી . એમને બોલાવીને ભદ્રા શેઠાણીએ પોતાની બત્રીસ વહુઓ માટે બત્રીસ રત્નકંબલ માંગી . વેપારીઓ પાસે સોળ જ રત્નકંબલ હતી તો ભદ્રા શેઠાણીએ સોળમાંથી અખંડ આકારવાળી બત્રીસ રત્નકંબલ દેખાય એ રીતે બત્રીસ ટુકડા કરાવીને એ રત્નકંબલ ખરીદી લીધી . પૈસા ચૂકવ્યા વીશ લાખ સુવર્ણમુદ્રા . વેપારીઓ રાજી થયા . ભદ્રા શેઠાણીએ એ બત્રીસ રત્નકંબલ બત્રીસ વહુઓને આપી દીધી . બત્રીસ વહુઓને દેવતાઈ વસ્ત્રોની આદત હતી . આ રત્નકંબલથી પગ લૂંછીને એમણે એ બત્રીસ રત્નકંબલ ઘરની ખાળમાં ફેંકી દીધી .બીજા દિવસે શ્રેણિક રાજાના મહારાણી ચેલણાએ એક રત્નકંબલ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી .  રાજાએ વેપારીઓને બોલાવીને રત્નકંબલ માંગી . વેપારીઓએ કહ્યું કે બધી કંબલ ભદ્રામાતાએ ખરીદી લીધી છે . અમારી પાસે એક પણ નથી બચી . રાજાએ એક રાજસેવકને ભદ્રા શેઠાણી પાસે સવા લાખ સુવર્ણમુદ્રામાં એક રત્નકંબલ લેવા મોકલ્યો . રાજસેવકને ભદ્રા શેઠાણીએ કહ્યું કે શાલિભદ્રની વહુઓએ રત્નકંબલ એકવાર વાપરીને ખાળમાં ફેંકી દીધી છે . રાજસેવકે પાછા આવીને રાજાને વાત જણાવી . રાજાને વિસ્મય થયું .  રાજાએ મંત્રીશ્વર અભયકુમારને ભદ્રા શેઠાણી પાસે મોકલ્યા.  અભયકુમારે ભદ્રા શેઠાણીને કહ્યું કે મહારાજા શ્રેણિક શાલિભદ્રને મળવા માટે રાજમહેલમાં બોલાવે છે . 
હવે ભદ્રા શેઠાણી રાજા શ્રેણિકને મળવા આવે છે અને જણાવે છે કે શાલિભદ્ર કદી હવેલીની બહાર નીકળ્યો નથી . એની દેવતાઈ સુખની દુનિયામાંથી એ બહાર આવે એવી અમારી ઈચ્છા પણ નથી . આપ જ અમારી હવેલીએ પધારો . 
રાજા આમંત્રણ સ્વીકારે છે . 

 ૬ . સ્વામીનાં કારણે શાલિભદ્રજીને વૈરાગ્ય થયો 

+ શ્રેણિક રાજા શાલિભદ્રને મળવા માટે ભદ્રા શેઠાણીની હવેલીએ આવ્યા . શ્રેણિક રાજાનાં આગમનની ખુશાલીમાં ગૌભદ્રદેવે નગરીના મુખ્ય માર્ગને દૈવી શણગારથી સજાવ્યો હતો . હવેલીનું વાતાવરણ અદ્દલ દેવલોક જેવું હતું . રાજા ચોથા માળ સુધી પહોંચ્યા .  રાજાને બેસાડી ભદ્રા શેઠાણી શાલિભદ્રને બોલાવવા સાતમા માળે ગયા .  શેઠાણીએ શાલિભદ્રને કહ્યું કે શ્રેણિકજી આવ્યા છે , તારે મળવાનું છે . શાલિભદ્રે જવાબ આપ્યો કે એ જે પણ સામાન આવ્યો હોય તે ખરીદી લો . મને શું કામ બોલાવો છો ? 
માતાએ કહ્યું કે આ કોઈ કરિયાણું નથી . આ આપણા સ્વામી છે . આપણા સ્વામીના  સેવક તરીકે આપણે એમને મળવું પડે . 
મારાં માથે સ્વામી છે આ સાંભળીને શાલિભદ્રને આશ્ચર્ય થયું .  શાલિભદ્ર માતાની સાથે  શ્રેણિકને મળવા આવ્યા . શ્રેણિક શાલિભદ્રને જોઈને અભિભૂત થઈ ગયા . એમણે શાલિભદ્રને વાત્સલ્યથી ખોળે બેસાડ્યો .  શાલિભદ્રથી  રાજા શ્રેણિકનો સ્પર્શ સહન ના થયો . એ આકુલવ્યાકુલ થઈ ગયા . રાજા સાથે થોડો વાર્તાલાપ કરી શાલિભદ્રજી સાતમા માળે જતા રહ્યા . 
ભદ્રા શેઠાણીએ શ્રેણિક રાજાને આતિથ્ય સ્વીકારની વિનંતી કરી . રાજાને તૈલમર્દન કરવામાં આવ્યું . રાજા સ્નાન કરવા સ્નાનકક્ષમાં ગયા . એમની સુવર્ણમુદ્રિકા આંગળીમાંથી નીકળીને પાણીમાં વહી ગઈ . રાજાએ સ્નાનકક્ષમાંથી બહાર આવ્યા .  ભદ્રા શેઠાણીએ રાજાની ખાલી આંગળી જોઈ . ભદ્રા શેઠાણીએ  સ્નાનકક્ષની ખાળમાંથી રોજેરોજના દાગીના એક થાળમાં ભરીને મંગાવ્યા . રાજાએ થાળમાં  જોયું . શાલિભદ્રના દિવ્ય દાગીનાની વચ્ચે રાજાની મુદ્રિકા કોલસાના ટુકડા જેવી લાગતી હતી . રાજાએ એ લીધી . રાજા ભોજન લેવા બેઠા . વાસણો પાથર્યા સેવકોએ અને એમાં ભોજન પીરસાયું દિવ્ય તત્ત્વો દ્વારા . આ જોઈ રાજા પ્રસન્ન થયા . રાજા પાછા પધાર્યા .જોકે શાલિભદ્રનાં મનમાં વૈરાગ્યના વિચારો શરૂ થઈ ચૂક્યા હતા . 


૭ . શાલિભદ્રજીની દીક્ષાની ભૂમિકા 

+ બત્રીસ પત્નીઓને સમજાયું કે શાલિભદ્રજીનું મન આનંદ પ્રમોદથી ઊઠી ગયું છે . એમણે ભદ્રા શેઠાણીને જણાવ્યું . ભદ્રા શેઠાણીએ શાલિભદ્રજીને પૂછ્યું કે તારું મન કેમ નારાજ જણાય છે ? શાલિભદ્રજીએ જણાવ્યું કે હું દેવતાઈ સુખો ભોગવું છું તો મારા માથે કોઈ નાથ છે એ હું કલ્પના પણ કરી ના શકું . જ્યારે મને ખબર પડી કે શ્રેણિક રાજા મારા માથે મારા સ્વામી તરીકે બેઠા છે તો મારો સુખસંસારનો રસ ખતમ થઈ ગયો છે . + એક દિવસ રાજગૃહી નગરીમાં શ્રી ધર્મઘોષ મુનિરાજ પધાર્યા . શાલિભદ્રજી સપરિવાર દેશના સાંભળવા ગયા . એમનાં મનમાં દીક્ષા લેવાનો સંકલ્પ પાક્કો થયો . ઘેર આવી એમણે માતાને પોતાની ભાવના જણાવી . માતાએ એમને પહેલાં તો દીક્ષા લેવાની ના જ પાડી .  શાલિભદ્રજીનો આગ્રહ ઘણો હતો તો માતાએ મમતાવશ એમ કહ્યું કે : તમે ધીમે ધીમે સુખનો ત્યાગ કરો. તમે કોમળ છો . એક સાથે ત્યાગ કરવાનું તમારા માટે કઠિન છે . સુખનો ત્યાગ પણ વિશેષ પુરુષાર્થ માંગી લે છે . જે સુખ છોડી ના શકે તે દુઃખ સહન કરી ન શકે તો અને જે દુઃખ સહન કરી ન શકે તે સાધુ બની ના શકે . માટે તમે સુખના ત્યાગનો અભ્યાસ કરો . + શાલિભદ્રજીએ માતાનું મન રાખવા ધીમે ધીમે સુખત્યાગ શરૂ કર્યો . એ રોજ એક પત્નીનો ત્યાગ કરે છે . સુભદ્રાજી દ્વારા આ સમાચાર ધન્નાજીને મળ્યા . એમણે સુભદ્રાજીને કહ્યું કે જેણે ત્યાગ કરવો જ છે તે ધીમે ધીમે ત્યાગ શું કામ કરે ? એણે એકસાથે જ બધો ત્યાગ કરવો જોઈએ . જવાબમાં ભાઈનો પક્ષ લઈ સુભદ્રાજીએ કહ્યું કે તમારામાં એક સાથે બધો ત્યાગ કરવાની તાકાત છે ? આ સાંભળી ધન્નાજીએ આઠ પત્નીનો ત્યાગ કરી દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો . શાલિભદ્રજીને આ સમાચાર મળે છે તો એ પણ સમગ્ર ત્યાગ એક સાથે કરવાનો સંકલ્પ કરે છે . એવું કહી શકાય કે ધન્નાજીની દીક્ષામાં શાલિભદ્રજી નિમિત્ત બન્યા અને શાલિભદ્રજીની દીક્ષામાં ક્યાંક  ધન્નાજી નિમિત્ત બન્યા .+ જોકે , ભદ્રા શેઠાણી શાલિભદ્રજીને દીક્ષાની અનુમતિ આપતા નથી . આ સમયે ગૌભદ્ર દેવ પ્રગટ થાય છે અને ભદ્રા શેઠાણીને સમજાવે છે કે શાલિભદ્રજીને દીક્ષા માટે અનુમતિ આપી દો . ગૌભદ્ર દેવના કહેવાથી ભદ્રા શેઠાણીએ શાલિભદ્રજીને દીક્ષા માટે અનુમતિ આપી . વિધિનું વિધાન જુઓ કે જે ગૌભદ્ર દેવ શાલિભદ્રજીનાં સંસારી સુખમાં પ્રમુખ સહાયકારી હતા એ જ ગૌભદ્ર દેવ શાલિભદ્રજીની દીક્ષામાં પ્રમુખ સહાયકારી બન્યા .+ હવે શાલિભદ્રજીની દીક્ષા થશે એ પાક્કું થયું . સ્વયં શાલિભદ્રજીએ ગૌભદ્ર દેવને વિનંતી કરી કે આપે આજસુધી મારાં સંસારી સુખની ઘણી તૈયારી કરી છે . હવે આપ મારી દીક્ષાની તૈયારી કરો કેમ કે જે દીક્ષા આપે લીધી હતી તે હવે હું લઈ રહ્યો છું . પ્રસન્ન પિતા દેવે પોતાના પુત્ર શાલિભદ્રજીની દીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી  . 


૮ . ધન્નાજી અને શાલિભદ્રજીની દીક્ષા

રાજગૃહી નગરીની બહાર દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામી ભગવાન પધાર્યા હતા . સમવસરણ મંડાયું હતું . ધન્નાજી અને શાલિભદ્રજી પ્રભુના   હાથે જ દીક્ષાગ્રહણ કરશે એવી મંગલ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું .  

ધન્નાજી અને શાલિભદ્રજીનો દીક્ષાનો શાનદારવરઘોડો  પોતપોતાની સાત માળની હવેલીથી એક જ દિવસે નીકળ્યો હતો . ઉભય દીક્ષાર્થી વિશાલ શિબિકામાં બિરાજમાન થયા હતા. ઉભય દીક્ષાર્થીની શિબિકા એક હજાર પુરુષોએ ઊંચકી હતી . શિબિકામાં દીક્ષાર્થી અને દીક્ષાર્થીના પરિવારજનો બિરાજિત થયા હતા . 
ધન્નાજીની દીક્ષાના વરઘોડામાં મંત્રીશ્વર અભય કુમાર અને મગધ સામ્રાજ્યના તમામ ઐશ્વર્યવંત શ્રીમંતો અને અગણિત નરનારીઓ જોડાયા હતા . ધન્નાજી શેઠે ભવ્ય દીક્ષા મહોત્સવ માંડીને સાત ક્ષેત્રમાં તેમ જ જીવદયા અને અનુકંપામાં ભરપૂર દાન આપ્યું હતું . 
શાલિભદ્રજીની દીક્ષાના વરઘોડામાં રાજા શ્રેણિક સેચનક હાથી ઉપર બિરાજમાન થઈને સાથે રહ્યા હતા . ગૌભદ્ર દેવ પણ દીક્ષાના વરઘોડામાં આસમાન માર્ગે જોડાયા હતા . રાજગૃહી નગરીના અગણિત પ્રજાજનો પણ વરઘોડામાં ઉમંગભેર સામેલ થયા હતા .  ભદ્રા શેઠાણીએ પણ ભવ્ય દીક્ષા મહોત્સવ માંડીને સાત ક્ષેત્રમાં તેમ જ જીવદયા અને અનુકંપામાં ભરપૂર દાન આપ્યું હતું . 

રાજગૃહી નગરીની બહાર એક જગ્યાએ બંને દીક્ષાર્થીના વરઘોડા ભેગા થયા હતા . બંને એક સાથે સમવસરણમાં મહાવીર સ્વામી ભગવાન પાસે પહોંચ્યા હતા. પ્રભુ મહાવીરના હાથે ઉભય દીક્ષાર્થીને દીક્ષા મળી હતી. વિશેષમાં ધન્નાજીની આઠ પત્નીઓએ પણ એ જ સમયે દીક્ષા સ્વીકારી હતી . દીક્ષાર્થીઓનાં ઉપકરણની વ્યવસ્થા કુત્રિકાપણ નામના દિવ્યસ્થાનથી કરવામાં આવી હતી . 


૯ . રાજગૃહીમાં માતાના હાથે પારણું 

શાલિભદ્રજીએ દીક્ષા લીધી . દીક્ષા લીધા બાદ શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા પાસે મહાત્મા શાલિભદ્રજીએ ૧૧ અંગ આગમસૂત્રોનો અભ્યાસ કર્યો હતો . મહાત્મા શાલિભદ્રજીએ બાર વરસનું દીક્ષાપાલન કર્યું એમાં એકમાસી ઉપવાસ એટલે કે માસક્ષમણ , બેમાસી ઉપવાસ , ત્રણમાસી ઉપવાસ , ચારમાસી ઉપવાસ આદિ તપસ્યાઓ કરીને શરીરને સૂકવી દીધું હતું . 
દીક્ષા લીધા બાદ મહાત્મા શાલિભદ્રજીએ જે પણ આરાધના કરી એમાં મહાત્મા ધન્નાજી  સાથે જોડાયેલા રહ્યા હતા . પ્રભુવીરનાં સાંન્નિધ્યમાં ઉભય મહાત્માઓ બાર વરસે રાજગૃહી પધાર્યા . માસક્ષમણનાં પારણે ઉભય મહાત્માઓ વહોરવા જઈ રહ્યા હતા ત્યારે પ્રભુ વીરે કહ્યું કે આજે તમારું પારણું તમારી માતાના હાથે થશે . ઉભય મહાત્માઓ ભદ્રા શેઠાણીની હવેલીએ પહોંચ્યા . હવેલીમાં આખો પરિવાર સમવસરણમાં પ્રભુ દર્શન અને મુનિ દર્શન માટે નીકળવાની તૈયારીમાં ડૂબેલો હતો . તપસ્યાને કારણે ઉભય મહાત્માઓ એટલા કૃશ થઈ ગયા હતા કે એમને કોઈ ઓળખી જ ના શક્યું . ઉભય મહાત્માઓ પાછા નીકળી ગયા . રસ્તામાં એમને એક વૃદ્ધ ગોવાળણે જોયા . એ શાલિભદ્રજીની પૂર્વ ભવની માતા હતી . નામ ધન્યા . એ મહાત્માને જોઈ ભાવવિભોર થઈ . એણે મહાત્માઓને ભરપૂર દહી વહોરાવ્યું. ગોવાળણને મુનિઓના પૂર્વભવની કથા ખબર નહોતી . મુનિઓને ગોવાળણનો સાચો પરિચય નહોતો . ઉભય મહાત્માઓ પ્રભુ પાસે આવીને પૂછે છે કે  માતા પારણું કરાવશે એ કથનનું રહસ્ય શું છે ?
ઉત્તરમાં પ્રભુએ ઉભય મહાત્માઓને શાલિભદ્રજીના પૂર્વભવની કથા સુણાવીને જણાવ્યું કે  પૂર્વ ભવની માતાએ જ પારણું કરાવ્યું છે . ઉભય મહાત્માઓ પારણું કર્યા બાદ સંવેગભાવે અનશનનો સંકલ્પ કરે છે . પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપીને સમગ્ર અતિચારની આલોચના લે છે , પ્રભુનાં શ્રીમુખે ફરીથી મહાવ્રત ગ્રહણ કરે છે . તે પછી શ્રી ગૌતમસ્વામીને નિશ્રાદાતા તરીકે સાથે રાખીને વૈભાર ગિરિ પધારે છે .  


૧૦ . ધન્નાજી અને શાલિભદ્રજીનું અનશન 

+ શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા , શ્રી સુધર્મા સ્વામી મહારાજા આદિ અગિયાર ગણધરોની મોક્ષગમન ભૂમિ બનવાનું ગૌરવ ધારણ કરે છે વૈભારગિરિ પર્વત . વૈભારગિરિ પર શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાનાં શ્રીમુખે ઉભય મહાત્માઓએ સંલેખનાનાં પચ્ચખાણ લીધાં . કાળા રંગની કઠોર પથ્થર શિલા પર સંથારો કર્યો અને કાયાનો ઉત્સર્ગ કરીને ધ્યાનમાં લીન થઈ ગયા . શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા પ્રભુની સેવામાં પાછા આવી ગયા . + હવે ભદ્રા શેઠાણી અને બત્રીસ વહુઓ પ્રભુનાં દર્શનાર્થે સમવસરણમાં પહોંચ્યા . પ્રભુનાં દર્શન વંદન કર્યા બાદ ઉભય મહાત્મા વિશે પૃચ્છા કરી . પ્રભુએ પારણાંનો કિસ્સો જણાવીને કહ્યું કે ઉભય મહાત્માઓએ અનશન સ્વીકારી લીધી છે . હતપ્રભ  ભદ્રા શેઠાણી અને બત્રીસ વહુઓ તેમ જ રાજા શ્રેણિક અને અભયકુમાર મંત્રી –  વૈભારગિરિ પર જ્યાં ઉભય મહાત્માઓ હતા ત્યાં પહોંચ્યા . અનશન ધારી મહાત્માઓને જોઈને માતાએ ખૂબ વિલાપ કર્યો . 

+ વિલાપનો સારાંશ એ હતો કે -આપ મારાં ઘેર આવ્યા અને અમે આપને ઓળખી ન શક્યા એ મારો મોટો અપરાધ છે . એમણે ક્ષમા આપો . એકવાર અમારી સાથે વાર્તાલાપ કરો , એકવાર અમારા હાથે ગોચરી સ્વીકારો . એ પૂરવભવની માતાને ધન્ય છે જેણે ગયા ભવમાં ખીર બનાવી , એ ખીર મુનિએ  વહોરી અને આ ભવમાં દહી બનાવ્યું એ પણ મુનિઓએ વહોર્યું . એના મુકાબલે હું સાવ અભાગી છું કે મને તો કોઈ લાભ જ ન મળ્યો . મારું ચાલે તો એ પૂર્વ ભવની માતાને બહેન બનાવી મારા ઘરે રહેવા બોલાવી લઉં . એક વાર મારી સામે જુઓ . એક વાર મારી સાથે વાત કરો . મારું હૃદય ભાંગી ગયું છે . મારી વેદનાનો કોઈ પાર નથી . 

+ મહાત્માઓ ધ્યાનમાં એકાકાર જ રહ્યા . કોઈ પ્રતિભાવ આપ્યો નહીં . રાજા શ્રેણિક અને અભયકુમાર મંત્રીએ માતાને સાંત્વના આપતા કહ્યું કે વીરના વારસદારને શોભે એવું મહાન્ પરાક્રમ આ મહાત્માઓ કરી રહ્યા છે એની અનુમોદના કરો . ભદ્રા શેઠાણી અને બત્રીસ વહુઓ આશ્વસ્ત થઈ પાછા ફર્યા . +એક મહિનાનું અનશન કરી ઉભય મહાત્માઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિન્દ્ર દેવ તરીકે અવતાર પામ્યા . ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યા બાદ તેઓ મહાવિદેહમાં મનુષ્યનો અવતાર પામી મોક્ષમાં જશે . ભદ્રા શેઠાણી અને બત્રીસ વહુઓએ પ્રભુ પાસે આજીવન શ્રાવક વ્રતનો સ્વીકાર કર્યો . તેઓ આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં દેવ થયા . ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યા બાદ તેઓ પણ મહાવિદેહમાં મનુષ્યનો અવતાર પામી મોક્ષમાં જશે .

( આધાર ગ્રંથ : પૂજ્યપાદ પંડિત શ્રી જિનવિજયજી મહારાજા વિરચિત શ્રી ધન્ના શાલિભદ્રનો રાસ / રચના સમય : વિ.સં.૧૭૯૯ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *