કથાઓનો કુબેર ખજાનો : કૌશાંબી

કથાઓનો કુબેર ખજાનો : કૌશાંબી

૧ . વસુધારા ગામ : ધનપુર ગામ 

કૌશાંબી નગરીનું નામ વસુધારા વિદ્યા સ્તોત્રમાં વાંચવા મળે છે . એમાં કૌશાંબીનું અને ઘોષિત આરામનું પણ નામ છે . બૌદ્ધ પરંપરાનું આ સ્તોત્ર  મારો સ્વાધ્યાય પુસ્તકમાં છપાયેલું છે . વસુધારા અને કૌશાંબી નગરી વચ્ચે શો સંબંધ છે આની જાણકારી શ્રી વિવિધ તીર્થ કલ્પમાં મળે છે . અહીં પ્રભુ વીરે પાંચ મહિના અને પચીસ દિવસના ઉપવાસનું પારણું કર્યું ત્યારે દેવોએ આકાશમાંથી સાડા બાર કરોડ સુવર્ણ મુદ્રાઓની વૃષ્ટિ કરી હતી . આ વસુધારા હતી .  શ્રી જિનપ્રભ સૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે એ વસુધારાનાં સ્મરણો આજે પણ અહીં સચવાયેલા છે .  જેઠ સુદ દશમના દિવસે  કૌશાંબીમાં તીર્થસ્નાન , દાન આદિ આચારોનું પાલન થાય છે . એટલું જ નહીં કૌશાંબીની પાસે વસુધારા નામનું ગામ પણ વસેલું છે . અત્રે આજે પણ જેઠ સુદ દશમે પ્રભુનાં સ્મરણમાં આનંદ ઉત્સવનો માહોલ રચવામાં આવે છે . વિ.સં.૧૩૮૯ માં સૂરિભગવંતે એ આનંદ ઉત્સવ જોયો હતો . તેઓ લખે છે કે अओ चेव वसुहार त्ति गामो नयरी संनिहिओ पसिद्धो वसइ . पंच दिव्वाणि पाउब्भूआणि . इत्तु च्चिय तद्दिणाओ पहुडि जिट्ठसुद्धदसमीए  सामिपारणदिणे तित्थन्हाणदाणाई आयारा तत्थ अज्जवि लोए पयट्टंति . આજે વિ.સં.૨૦૮૦માં કૌશાંબીથી થોડેક દૂર બસુહાર ગામ છે એમ ગૂગલ મેપ પણ બતાવે  છે . 
આવું જ  બીજું એક ગામ વસેલું હતું કૌશાંબીની પાસે . એનું નામ હતું ધનપુર . પ્રભુ વીરના સમયમાં એ ગામને વસાવેલું ધન્નાજી શેઠે . આ ગામમાં શું શું હતું ? પૂજ્યપાદ શ્રી જિનવિજયજી મહારાજા શ્રી ધન્ના શાલિભદ્રના રાસમાં લખે છે : કોશંબીથી બાહિરે , વાતો ધનપુર ગામ ગઢ મઢ પોલ પ્રાસાદથી , સુંદર અતિ શુભ ઠામ. જિનમંદિર મોટા રચ્યાં , થાપ્યા શ્રી જિનરાજ પૂજા સત્તર પ્રકારથી , દિન દિન અધિક સાજ .ચોરાશી ચહુંટા સુભગ , બિસરી તિહાં બજાર વર્ણ અઢાર વિશેષથી , કરે વિવિધ રોજગાર .( ત્રીજો ઉલ્લાસ  : ચોથી ઢાળ : દુહા )ધનપુર ગામમાં મોટી ઈમારતો હતી , મોટા બજાર હતા , ભવ્ય જિનાલય હતા , ઊંચા કિલ્લા હતા . આ ગામની બહાર ધન્નાજી શેઠે જન સાધારણ માટે તળાવ બનાવડાવ્યું હતું .  આજે એ ગામ છે કે નથી એનો ખ્યાલ આવતો નથી .   ગૂગલમેપ એક ધનગઢ  બતાવે છે . એનો અને આ જૂનાં ગામનો સંબંધ છે કે કેમ  એ શોધવું જોઈએ.  અથવા એ ગામ અત્યારે ક્યાં છે એની તપાસ થવી જોઈએ  .
કૌશાંબીને લીધે આજુબાજુ નવાં ગામો વસી જતાં હોય તો વિચારો કે કૌશાંબીનો દબદબો કેવો હશે ? કૌશાંબીના રાજા શતાનીકે ધન્ના શેઠને પાંચસો ગામડાંઓ ભેટમાં આપી દીધા હતા અને પાંચસો ગામડાંઓના સ્વામી તરીકે જ એમણે ધનપુર વસાવ્યું હતું . ધન્ના શેઠના જીવનની ઘણી બધી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ ધનપુરમાં બની હતી . એકવાર તો કૌશાંબીના રાજા સાથે યુદ્ધની નોબત પણ વાગી હતી . એ બધું જાણવું હોય તો ધન્ના શાલિભદ્રનો રાસ વાંચજો.  

૨ . કલ્યાણક ભૂમિ 

કલ્યાણક ભૂમિ એટલે શું ? આકાશમાંથી તીર્થંકરના આત્માનું અવતરણ થાય , માતાને ચૌદ મહાસ્વપ્ન દેખાય , નિવાસમાં અભિવૃદ્ધિ જોવા મળે , ત્રણ લોકમાં આનંદની લહેરો પસરે , છપ્પન દિક્ કુમારી આવે , ઇન્દ્ર એક રૂપે આવે  અને પ્રભુને લઈ પાંચ રૂપે મેરૂ પર્વત સિધાવે , ઘરે પુનરાગમન થતાવેંત બત્રીસ કોડી કનક મણિ માણેક વસ્ત્રની વૃષ્ટિ થાય , કુલ મર્યાદા મહોત્સવ પ્રવર્તે , મંત્ર સ્વરૂપ નામકરણ થાય , શૈશવ વીતે અને બાળપણ પણ વીતી જાય . તારૂણ્ય પ્રગટે અને પછી યૌવનના ઉન્મેષ પ્રગટે . વિવાહ મંડાય , રાજ્ય અભિષેક થાય . દશે દિશામાં આણા પ્રવર્તે . સંતાન અવતરે . એક દિવસ નવ લોકાંતિક આવે અને જય જય નંદાનો ઘોષ ગાજે . વર્ષીદાન મંડાય . સૌના દુઃખ દારિદ્રનું નિવારણ થાય . એક દી’  દીક્ષાભિષેક થાય , દીક્ષા કલ્યાણકનો વરઘોડો નીકળે . નગર બહાર વનમાં દીક્ષા થાય . નગરની નજીકમાં દીક્ષા પછીનું સર્વપ્રથમ પારણું થાય . પ્રભુ ગામોગામ વિહરે. પુનઃ નગર સમીપે પધારે . ક્ષપક શ્રેણી મંડાય અને કેવળજ્ઞાન થાય . 

આ બધું જ કૌશાંબીએ જોયું છે . પ્રભુનું ઉપસ્થિત હોવું એ પણ એક અલૌકિક ઘટના જ હોય છે ત્યાં પ્રભુનાં ચારેચાર કલ્યાણક  સંપન્ન થવા એ કેટલી મોટી ઘટના કહેવાય . પ્રભુનાં ચાર કલ્યાણકની ઘટનામાં જે પરમાત્મ તત્ત્વ સ્ફુરિત થાય છે તેનાં અનંતબલી અણુપરમાણુ કૌશાંબીમાં વસેલાં છે . કૌશાંબીનિવાસની ક્ષણે ક્ષણ પ્રભુમય હોય છે . એ કાળ કેવો હશે , એ સમય કેવો હશે એની કલ્પના મનમાં રમતી રહે . 
પ્રભુનું ગૃહસ્થજીવન :  સર્વવિરત અવસ્થા ન હોય . વીતરાગ ભાવ ન હોય .  સંસારી વેશ હોય . દાગીના પહેર્યા હોય . દુનિયાદારીની વચ્ચે બેઠા હોય . સઘળા વ્યવહારની સાથે જોડાયા હોય . પરિવાર સાથે મીઠો વાર્તાલાપ પ્રવર્તતો હોય . એ અવસ્થામાં પ્રભુને જેણે જેણે જોયા એ કેવા ભાગ્યશાળી કહેવાય ?
અને તીર્થંકર પ્રભુની ભૂમિ એટલે ? તીર્થંકરનાં ચરણોનો સ્પર્શ પામેલી ભૂમિ .  પ્રભુએ પહેલો શ્વાસ લીધેલો .  વિશ્વમંગલકારી તીર્થંકર નામકર્મની ઉર્જા વાતાવરણ સાથે સતત જોડાયેલી . નિખિલ બ્રહ્માંડને સુખ આપનારો પ્રભુનો કંઠધ્વનિ વરસો વરસો સુધી ગુંજતો રહ્યો . કરુણા અમૃત છલકાવતી આંખોનું તેજ ચોતરફ રેલાતું રહ્યું . દેવાધિદેવ શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાન્ , કૌશાંબીની ભૂમિ પરથી સમગ્ર રાજલોકમાં અભયદાનનો મહાદુંદુભિ ગજવે છે એ દૃશ્ય જોઈને એમના પરિવારજનો કેવી અહોભાવ પૂર્ણ પ્રેમસંવેદના અનુભવતા હશે એની યાદ આવ્યા કરે . 
કૌશાંબી સાથે જોડાયેલી શ્રી પદ્મપ્રભકથાઓ અગણિત છે . ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત જણાવે કે પ્રભુની માતા પદ્મની શય્યાનો દોહદ થયો હતો અને પ્રભુની કાયા પદ્મ જેવી લાલ હતી તેથી પ્રભુનું નામ પદ્મ રાખવામાં આવ્યું . આજે તીર્થના બંને જિનાલયમાં મૂળનાયક પ્રભુપ્રતિમાની વર્ણછાયા આછેરી લાલ જ છે . 
પ્રભુનો દીક્ષાતપ હતો છઠ . દીક્ષાના બીજા દિવસે છઠનું પારણું પ્રભુએ, બ્રહ્મ સ્થળ નગરમાં સોમદેવ રાજાના હાથે પરમાન્ન દ્વારા કર્યું હતું . જ્યાં પ્રભુ ઊભા રહ્યા હતા ત્યાં એ રાજાએ રત્નની પીઠિકા રચાવી હતી . બહુ જ સ્વાભાવિક છે કે આજે એ નગર અને એ પીઠિકા જોવા મળતા નથી . પ્રભુ છ માસ અન્યત્ર વિહાર કરી ફરીથી આ નગરીના આંગણિયે પધાર્યા . સહસ્ર આમ્ર વન હતું .ચૈત્રી પૂનમે પ્રભુને કેવલજ્ઞાન થયું . પ્રભુનું સમવસરણ રચાયું . પ્રથમ દેશનામાં પ્રભુએ સંસારની દરેક ગતિમાં કેવા કેવા દુઃખ પડે છે એનું વર્ણન કર્યું . એ દેશનાની મુદ્રિત આવૃત્તિ દેરાસરમાં નહોતી . કૌશાંબીમાં બેસીને , કૌશાંબીમાં જ કેવલજ્ઞાની બનેલા , કૌશાંબીના નાથની એ દેશનાનો સ્વાધ્યાય કરવા મળે જે કૌશાંબીમાં જ પ્રભુએ ફરમાવી હોય . એનો આનંદ અનેરો હોય . શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાનનાં જીવન કથાનકો જેટલાં લખાયા હોય , ગુજરાતી – હિંદી – અંગ્રેજી – સંસ્કૃત – પ્રાકૃત અને અન્ય ભાષામાં , એ અત્રે સંગૃહીત હોવા જોઈએ . અહીં બેસીને એનું વાંચન થાય એનો રોમાંચ પણ કોઈ જુદો જ હોય .
 શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાનની પર્ષદામાં ત્રણ લાખ ત્રીસ હજાર સાધુઓ હતા , ચાર લાખ વીસ હજાર સાધ્વીજી હતા .  એમાં કેવળજ્ઞાની ભગવંતો હતા બાર હજ્જાર . કેવો દબદબો હશે શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાનનો ? 

૩ . ચિત્રશાળા એટલે ભૂતકાળની ભાવયાત્રા 

કૌશાંબી સાથે કોનો કોનો ઈતિહાસ જોડાયો છે ? એ વિચાર કૌશાંબી પહોંચતા પહેલાં આવવો જોઈએ . એવું સાહિત્ય ઉપલબ્ધ હોવું જોઈએ કે કૌશાંબી આવીએ તે પહેલાં એ આસાનીથી વાંચવા મળી જાય . કૌશાંબી વિશેની વિવિધ જાણકારી મેળવીને પછી જ કૌશાંબી આવવું છે આવો અભિગમ રાખનારો યાત્રાળુ કૌશાંબી આવીને અહોભાવપૂર્ણ ક્ષણોની કમાણી કરી શકે છે . અહીં દેરાસર છે અને આ દેરાસર સરસ છે અને દેરાસરમાં પૂજા કરવાની વ્યવસ્થા સારી હતી આ બધી લાગણીઓ  સર્વ સામાન્ય છે . મુખ્ય વાત એ છે કે આ ભૂમિ પર આટલા વર્ષ પહેલાં આ ઘટના બની હતી , આ પ્રસંગ થયો હતો એ રીતે ભૂતકાળનું સ્મરણ કરવું અને એનો પવિત્ર આનંદ લેવો . 
કૌશાંબી વિશે કોઈ જ જાણકારી લીધા વિના તમે કૌશાંબી પહોંચી ગયા અને હવે તમને એમ થાય છે કે મારે ભૂતકાળની ભાવયાત્રા કરવી છે આવી પરિસ્થિતિમાં તમને  ચિત્રશાળા બહુ કામ આવશે . કૌશાંબીનું મુખ્ય દેરાસર જીર્ણોદ્ધાર પામ્યું છે અને એમાં અત્યંત સૂક્ષ્મ શિલ્પ અંકન થયું છે . જીર્ણોદ્ધાર પ્રેરક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી નયવર્ધનસૂરીશ્વરજી મહારાજાએ જિનાલયને ચિર આયુ મળે એનું ધ્યાન તો રાખ્યું જ છે . એમણે વિશેષ ધ્યાન એ રાખ્યું કે કૌશાંબીનો ઈતિહાસ ચિર આયુ પામે . આ ઉદ્દેશથી એક ચિત્રશાળા બની છે . મને સૂરિ ભગવંત તરફથી સંદેશો પણ આવ્યો હતો કે ચિત્રશાળા પૂરતો સમય લઈને જોજો . બપોરે નિરાંતે ચિત્રશાળા જુહારી . એક એક પ્રસંગો સરસ ચિત્રાંકન પામ્યા છે .  ભૂતકાળના પાનાંઓ અહીં દિલ ખોલીને વાતો કરે છે . આવો , એક એક પાનાને વાગોળીએ . 

 ૧ . વચોવચ સમવસરણ છે . પ્રભુને કેવલજ્ઞાન થયું , પ્રભુએ પ્રથમ દેશના આપી એની સ્મૃતિઓ . 

૨ . ચંદનબાળાના હાથે પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થયો અને એકસો પંચોતેર ઉપવાસનું પારણું થયું . આંખોમાં આંસુ , આંગળીમાં સૂપડી અને એમાં બાકળા . 

૩ . મહાસાધ્વી શ્રી ચંદનબાળા સમક્ષ મિચ્છામિ દુક્કડં કહેતાં કહેતાં સાધ્વી શ્રી મૃગાવતીજીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ક્ષમાયાચનાનો મહિમા ઉજાગર થાય છે . 

૪ . સવા લાખ જિનાલયનું નિર્માણ કરાવનાર મહારાજા સંપ્રતિ , પૂર્વભવમાં ભીખારી હતા એ આપણને ખબર છે પણ એ ભીખારી કૌશાંંબી નગરીમાં રહેતો એ આપણને નથી ખબર .  કૌશાંંબી નગરીના ભીખારીએ જૈન ગુરુ પાસે દીક્ષા લીધી અને એ જ ભીખારી આગામી ભવમાં સમ્રાટ સંપતિ બન્યો. શું ગજબનાક વાત છે ભાઈ . 

૫ . કૌશાંંબીની મહારાણી મૃગાવતીની કથા ઇતિહાસ પ્રસિદ્ધ છે . એક ચિત્રકાર  કૌશાંંબીના રાજદરબારમાં આવ્યો . એણે રાણીનું ચિત્ર બનાવ્યું . ચિત્રના અમુક અંશને જોઈને રાજા શતાનીક નારાજ થયા . એમણે ચિત્રકારને જેલમાં પૂર્યો . ગુસ્સે ભરાયેલો ચિત્રકાર જેલમાંથી છૂટ્યા બાદ ચંડપ્રદ્યોત પાસે ગયો અને એને મૃગાવતીનું ચિત્ર બતાવ્યું .  ચંડપ્રદ્યોતે મૃગાવતીને મેળવવા આ નગરી ઉપર આક્રમણ કર્યું . રાજા શતાનીક મરણ પામ્યો . મૃગાવતીએ કટોકટીનો સમય સંભાળી લીધો .ચંડપ્રદ્યોતને તેણીએ મૂર્ખ બનાવ્યો . અને છેવટે મહાવીર સ્વામી ભગવાન પાસે મૃગાવતીએ દીક્ષા સ્વીકારે છે . એની સાથે જ ચંડપ્રદ્યોતની અવંતિકા આદિ આઠ રાણીઓએ પણ દીક્ષા સ્વીકારી . કોઈ રોમાંચક નવલકથા બની શકે એવો સંપૂર્ણ ઘટનાક્રમ કૌશાંંબી નગરીમાં આકાર પામ્યો હતો . 

૬ . શ્રી મહાવીર સ્વામી ભગવાન , પાંચ વાર કૌશાંંબી નગરીમાં પધાર્યા હતા . બે વાર  છદ્મસ્થ અવસ્થામાં , ત્રણ વાર તીર્થંકર અવસ્થામાં . તીર્થંકર અવસ્થાનું ત્રીજું ચોમાસું વૈશાલીમાં કરીને પ્રભુ કૌશાંંબી થઈને શ્રાવસ્તી પધાર્યા હતા . એ વખતે પ્રભુએ જયંતી શ્રાવિકા ઉપદેશ આપ્યો હતો . તીર્થંકર અવસ્થાનું સાતમું ચોમાસું રાજગૃહીમાં કરીને પ્રભુ કૌશાંંબી પધાર્યા હતા . આ વખતે મૃગાવતીજીની દીક્ષા થઈ હતી . તીર્થંકર અવસ્થાનું અગિયારમું ચોમાસું વાણિજ્ય ગ્રામમાં કરીને પ્રભુ કૌશાંંબી પધાર્યા હતા . આ વખતે સૂર્ય અને ચંદ્ર મૂળ વિમાન સાથે પ્રભુ દર્શનાર્થે આવ્યા હતા . બૃહત્કલ્પ ભાષ્યમાં એમ જણાવ્યું છે કે ચંદ્રનું અવતરણ જ્યાં થયું ત્યાં ચંદ્રાવતરણ ચૈત્ય બન્યું  .

૭. અનાથી મુનિનું કથાનક કોણ નથી જાણતું ? શ્રેણિક રાજાને સમકિતનું બીજ મળ્યું અનાથી મુનિ દ્વારા . આ અનાથી મુનિ કૌશાંંબીના રાજકુમાર હતા . એમની કથા ઉત્તરાધ્યયનમાં મળે છે .  

૮ . કપિલ કેવલી એટલે લોભને થોભ નથી એ ઉપદેશના ઉદ્ ગાતા . આ કપિલ કેવલી પણ પૂર્વ અવસ્થામાં કૌશાંંબીવાસી હતા . 

૯ . તરંગવતીની કથા પણ કૌશાંંબીની જ કથા છે .  બે પંખીડા શિકારીના વેધથી વિખૂટા પડે છે અને બીજા ભવમાં વિલક્ષણ સંયોગોમાં પ્રેમી અને પ્રેમિકા તરીકે ભેગા થાય છે .  એમનો વિરોધ થાય છે . બન્ને ઘર છોડીને ભાગી છૂટે છે . જંગલમાં ડાકુઓના હાથમાં સપડાય છે . માંડ બચીને ભાગે છે . કૌશાંંબી આવે છે . પરિવાર સહાનુભૂતિપૂર્વક એમના વિવાહ કરાવે છે . હવે એમને એક મહાત્મા મળે છે . આ મહાત્મા જ પૂર્વભવમાં શિકારી હતા . તેઓ પૂર્વભવની કથા બેયને જણાવે છે . જાતિ સ્મરણ દ્વારા પ્રતિબોધ પામીને તરંગવતી દીક્ષા લે છે . પૂજ્યપાદ શ્રી પાદલિપ્તસૂરિજી મહારાજા દ્વારા લિખિત તરંગવતી કથા સાહિત્યજગતમાં અમર છે .

૧૦ . માન સન્માન પામવાની લાલચ વિના ધર્મ કરવો જોઈએ આવો બોધ સુણાવતી એક કથા બે મહાત્માઓની છે જે શ્રી જંબૂ સ્વામીજીના શિષ્યો હતા . બેય મહાત્માઓ અનશન સ્વીકારે છે . એક મહાત્મા માન સન્માન પામવા માટે કૌશાંંબીમાં સૌને દેખાય એવા સ્થાને બિરાજમાન થાય છે પણ યુદ્ધનું વાતાવરણ બને છે અને એમને માન સન્માન મળતું નથી . બીજા મહાત્મા માળવાની સરહદે વત્સિકા નદીના કિનારે પહાડી પર એકાંતમાં રહીને અનશન આદરે છે . એમણે માન જોઈતું નહોતું . બન્યું એવું કે યુદ્ધમાં સમાધાન થયું એટલે કૌશાંંબીના રાજા મણિપ્રભ અને અવંતિષેણ એ જ પહાડીના માર્ગે ઉજ્જૈન જવા નીકળેલા . એમણે આ મહાત્માને જોયા . તેઓ સેવામાં રોકાઈ ગયા . મહાત્માનું આયુષ્ય પૂરું થયું . રાજાએ એમની માટે ત્યાં વિશાળ સમાધિ સ્તૂપ રચાવ્યો . કથાનો સાર એ છે કે જે માન સન્માન પામવા કૌશાંંબી રોકાયા એમને કોઈ માન ના મળ્યું અને જે માન સન્માનથી બચવા જંગલમાં ગયા તેમને  કૌશાંંબીના રાજાએ જીવતેજીવત પણ માન આપ્યું અને મરણોત્તર સન્માન પણ આપ્યું . કૌશાંંબી સાથે કેવી કેવી વાર્તાઓ જોડાયેલી છે ?

ચિત્રશાળામાં હું ફરતો રહ્યો . ચિત્રો વારંવાર જોતો રહ્યો . એમ લાગતું હતું કે આ ચિત્રશાળામાં આખું કૌશાંંબીવિશ્વ શ્વાસ લઈ રહ્યું છે . ચિત્રશાળાની વાસ્તુ રચના બિલકુલ જિનાલય જેવી છે . એને લીધે ચિત્રશાળા તીર્થશાળા જેવી લાગે છે . દરેક તીર્થમાં આવી ચિત્રશાળા હોવી જોઈએ . કૌશાંંબીના બંને જિનાલયો સુંદર છે . શિલ્પકામ ,  પ્રતિમા , વાતાવરણ , વ્યવસ્થા બધું જ સુંદર છે . આ બધું તમે જોયું હોય અને તમે ચિત્રશાળા શાંતિથી ના જોઈ હોય તો તમારી કૌશાંંબીયાત્રા અધૂરી છે એમ સમજજો . 

કૌશાંંબી , કથાઓનો કુબેર ખજાનો છે . વિવિધ તીર્થ કલ્પ જણાવે છે કે અહીં જૂના જિનાલયમાં ચંદનબાળાની મૂર્તિ છે અને આ જિનાલયમાં સિંહ , પ્રશાંત વદન લઈને આવે છે અને પ્રભુની ભક્તિ કરે છે . અલબત્ત, આ કથા વિ.સં. ૧૩૮૯ની છે .  (ક્રમશ:)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *