પક્ખી સૂત્ર : શ્રમણધર્મની આત્મચિંતન યાત્રા

પક્ખી સૂત્ર : શ્રમણધર્મની આત્મચિંતન યાત્રા


પક્ખી સૂત્ર . નાનકડો ગ્રંથ. સાડાત્રણસો ગાથા. આજકાલ કેટલાય બાળમુનિઓ એક જ દિવસમાં કંઠસ્થ કરી લે છે. શું આ ગ્રંથ ખરેખર નાનો છે ? જવાબમાં એક કલ્પના સૂઝે છે. આવશ્યક નિર્યુક્તિની ટીકા લખનારા શ્રીમલયગિરિસૂરીશ્વરજી મહારાજાએ પક્ખી સૂત્ર પર સંસ્કૃત ભાષામાં વિવરણ લખ્યું હોય . શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પક્ખી સૂત્ર પર લલિતવિસ્તરા જેવી ટીકા લખી હોય, એવી કલ્પના.

नमुत्थुणं સૂત્રમાં પ્રભુનાં વિશેષણોની પ્રલંબ શ્રેણિ છે. પક્ખી સૂત્રમાં પ્રભુનિરૂપિત ધર્મના વિશેષણોની પ્રલંબ શ્રેણિ છે. जं मए इमस्स धम्मस्स, આ શબ્દોની આગળનાં એક એક વિશેષણો અદ્ભુત છે. केवलीपन्नत्तस्स થી પ્રારંભ. निव्वाणगमण-पज्जवसाण फलस्स થી પર્યવસાન. ધર્મની આવી પ્રશસ્તિ ભાગ્યે જ બીજા કોઈ ગ્રંથમાં જોવા મળે. વાત અહીં પૂરી થતી નથી. આગળની વાતો પણ ગજબ છે.


ભૂલોનાં પંદર કારણ


પક્ખી સૂત્ર ધર્મપાલનમાં થનારી ભૂલોનાં કારણો વિશે વિસ્તારથી વાત કરે છે.
૧ . ભૂલોનું પ્રથમ કારણ છે અજ્ઞાનતા . જે આવડવું જોઈએ એ આવડતું ન હોય તે અજ્ઞાન .
૨ . ભૂલોનું બીજું કારણ : અશ્રવણતા . જે સાંભળવું જોઈએ , જેમનું સાંભળવું જોઈએ
એ ન સાંભળવું .
૩ . ભૂલોનું ત્રીજું કારણ : અબોધિતા . જેમાં જેવી શ્રદ્ધા હોવી જોઈએ એમાં એવી શ્રદ્ધા ન હોય .
૪ . ભૂલોનું ચોથું કારણ : અનભિગમ . તથ્યનો સ્વીકાર ન કરવો .
૫ . ભૂલોનું પાંચમું કારણ : પ્રમાદભાવ . જે તથ્યનો બોધ છે એ તથ્ય માટે અપેક્ષિત સક્રિયતાનો અભાવ .
૬ . ભૂલોનું છટ્ઠું કારણ : રાગદ્વેષ પ્રતિબદ્ધતા . રાગ અને દ્વેષની તીવ્ર છાયામાં રહેવાનો સ્વભાવ .
૭ . ભૂલોનું સાતમું કારણ : બાલબુદ્ધિ . વિચારોમાં પરિપક્વતાનો અભાવ .
૮ . ભૂલોનું આઠમું કારણ : મોહતા . વિચાર સંબંધી અધૂરપ કે ભ્રમણા .
૯ . ભૂલોનું નવમું કારણ : મંદતા . અપેક્ષિત ઝડપનો અભાવ . અપેક્ષિત સ્ફૂર્તિનો અભાવ .
૧૦ . ભૂલોનું દશમું કારણ : ક્રીડાશીલતા . જે ધર્મને અનુકૂળ નથી એની માટેનું આકર્ષણ .
૧૧ . ભૂલોનું અગિયારમું કારણ : ત્રણ ગારવની તીવ્રતા . સ્વાદનો રસ , ઐશ્વર્યનો રસ અને આનંદપ્રમોદનો રસ .
૧૨ . ભૂલોનું બારમું કારણ : ચાર કષાયોની ઉગ્ર અવસ્થા .
૧૩ . ભૂલોનું તેરમું કારણ : પાંચ ઈન્દ્રિયો સંબંધિત સુખલાલસા .
૧૪ . ભૂલોનું ચૌદમુું કારણ : પૂર્વબદ્ધ એવા પ્રતિકૂળ કર્મોનો ઉદય .
૧૫ . ભૂલોનું પંદરમું કારણ : પ્રતિકૂળતા સહન કરવી છે એવી માનસિકતાનો અભાવ . અનુકૂળતા છોડવી છે એવી માનસિકતાનો અભાવ .

પક્ખી સૂત્ર કહે છે . ભૂલ શું થાય છે તે સમજવું જેમ જરૂરી છે, તેમ એ પણ સમજવું જરૂરી છે કે ભૂલ શું કામ થાય છે ? ધર્મમાં થનારી ભૂલોથી બચવા ઈચ્છનારે अन्नाणयाए થી માંડીને साया सुक्खमणुपालयंतेणं સુધીનાં પદો પર ખૂબબધું ચિંતન કરવું જોઈએ.

સાધકની છ અવસ્થા

સાધક સાધના કરતો હોય ત્યારે એની છ અવસ્થા બનતી હોય છે. एगओ वा, परिसागओ वा, એ એકાંતમાં હોય અથવા સભાની વચ્ચે હોય. सुत्ते वा जागरमाणे वा એ નિદ્રાધીન હોય અથવા જાગૃત હોય. दिआ वा … राओ वा… એ દિવસના સમયે પ્રવર્તમાન હોય અથવા રાત્રિના સમયે નિવર્તમાન હોય. આ છએ છ પરિસ્થિતિમાં સાધના સંબંધી વફાદારી અને કટ્ટરતા તૂટવી ન જોઈએ. સંકલ્પ રાખવાનો છે. સમજો કે આ પરિસ્થિતિઓમાંથી એકાદ પરિસ્થિતિમાં ભૂલ થઈ. હવે શું કરવાનું ? ભૂલના રૂપનો વિચાર કરવાનો. ત્રણ રીતે ભૂલ થાય कओ वा काराविओ वा कीरंतो वा परेहिं समणुन्नाओ. ન કરવાનું કામ થાય. ન કરવાનું કામ બીજાના હાથે કરાવીએ. ન કરવાનું કામ કોઈ કરે એની અનુમોદના કરીએ. કરણ, કરાવણ ને અનુમોદન.
આ ભૂલને લઈને માફી માંગવાની.
આ ભૂલ ફરી નહીં થાય એવો સંકલ્પ લેવાનો.
આ ભૂલ કરી તેનો પસ્તાવો બનેલો રાખવાનો .
આ ભૂલનું આત્મનિવેદન ગુરુ સમક્ષ કરવાનું, આલોચના લેવાની અને આલોચના પૂરી કરવાની.
જેની આલોચના લીધી છે તે ભૂલ પ્રત્યે પક્ષપાત ન બનવો જોઈએ.
ભૂલ કરવી નથી. ભૂલ કરવા જેવી નથી, ભૂલ કરનારનું ભલું થતું નથી આવો દૃઢ વિચાર બને છે તે ભાવધર્મનો અનિવાર્ય અંશ છે.
આવો ભાવ બને તેને વિરમણ કહેવાય અથવા વિરમણની ભૂમિકા કહેવાય .

વિરમણ ધર્મની વાતો

પાપનું વિરમણ પવિત્ર હોય છે. તમારાં જીવનમાં આચરણ કેવું છે તે અગત્યનું છે તેમ તમારાં જીવનમાં વિરમણ કેટલું છે તે પણ મહત્ત્વનું છે. વિરમણ કલ્યાણકારી છે, વિરમણ સુખકારી છે. વિરમણ મોક્ષદાયક છે, વિરમણ શક્તિસ્વરૂપ છે, વિરમણ ભવોભવનું ભ્રમણ ટાળે છે. વિરમણ દુર્ગતિને અટકાવે છે. વિરમણ એટલે વિરતિ. વિરમણ જેટલું નાનું ધર્મ એટલો જ નાનો . વિરમણ જેટલું મોટું ધર્મ એટલો જ મોટો .

વિરમણના વિધવિધ રૂપ છે. તેમાનું એક રૂપ છેઃ अदुक्खणयाए, असोयणयाए, अजूरणयाए अतिप्पणयाए, अपीडणयाए, अपरियावणयांए अणुददवणयाए. મારૂં પાપ વિરમણ અન્ય જીવોને સાત રીતે દુઃખથી બચાવે છે.
૧ . વિરમણનો અર્થ છે અન્યને તકલીફ નથી દેવી.
૨ . વિરમણનો અર્થ છે અન્યને શોક નથી કરાવવો.
૩ . વિરમણનો અર્થ છે અન્યનો શક્તિભંગ નથી કરવો.
૪ . વિરમણનો અર્થ છે અન્યને ખેદ થાય તેવું નથી કરવું.
૫ . વિરમણનો અર્થ છે અન્યને પીડામાં મૂકવા નથી.
૬. વિરમણનો અર્થ છે અન્યને સંતાપ થાય તેવું નથી કરવું .
૭. વિરમણનો અર્થ છે અન્યને હેરાન નથી કરવા.
આ વિરમણની છ ભૂમિકા છે. પ્રાણતિપાતનું વિરમણ . મૃષાવાદનું , અદત્તાદાનનું , મૈથુનનું , પરિગ્રહનું અને રાત્રિભોજનનું વિરમણ. મહાવ્રત છે તેથી વિરમણ મહાન્ છે. અણુવ્રત હોય ત્યારે વિરમણ નાનું બને. આ વિરમણનો ધર્મ કેવો છે, તેની વાત ૨૨ વિશેષણ દ્વારા કરવામાં આવી છે. केवलिपन्नत्तस्स આ પ્રથમ વિશેષણ અને निव्वाणगमण पज्जवसाण फलस्स આ બાવીશમું વિશેષણ . પક્ખી સૂત્રનો પરમ આસ્વાદ આ વિશેષણોમાં છે. આ બિલકુલ नमुत्थुणं જેવી ધારા છે. આ વિશેષણોને કોઈ ભાષ્યકાર મળે, કોઈ લલિતવિસ્તરાકાર મળે એ પછી સંઘને સમજાશે કે પક્ખી સૂત્ર કેટલો વિરાટ ગ્રંથ છે. આપણે લોકોએ પક્ખી સૂત્ર ને ફક્ત સૂત્ર, ક્રિયાનું સૂત્ર માની લીધું છે. બોલવાનું છે એટલે બોલવાનું લાંબું છે એટલે ફટાફટ બોલવાનું બસ. જેવું સન્માન બારસા સૂત્ર કે ઉત્તરાધ્યયન સૂત્ર કે ભગવતી સૂત્રનું થયું છે તેવુ સન્માન પક્ખી સૂત્રનું થયું છે ખરૂં ? પ્રશ્ન ખાસ વિચારવા લાયક છે. વિરમણધર્મના વિશેષણો છ વાર બોલવાના થાય છે. દરેક મહાવ્રત સાથે. આમાં પદોનું જે પુનરાવર્તન થાય છે તે આત્મિક ઉપચાર જેવું નીવડે છે.

ધર્મનાં ૨૨ વિશેષણો

એક એક વિશેષણની અર્થગંભીરતા જુઓ.
૧. મારો ધર્મ, કેવલી ભગવાને પ્રરૂપેલો છે. દરેક કેવલજ્ઞાની આ જ ધર્મનો ઉપદેશ આપે છેઃ
૨. મારો ધર્મ, અહિંસાના પાયા પર ઊભો છે.
૩. મારો ધર્મ, સત્ય પર અવલંબિત છે અને અસત્યથી મુક્ત છે.
૪. મારો ધર્મ, વિનયને મુખ્યતા આપે છે.
૫. મારા ધર્મમાં, બીજાને માફ કરવા અને બીજાની માફી માંગવી – આ બેયનું મહત્ત્વ ઘણું છે.
૬. મારા ધર્મમાં સાદગીનું ગૌરવ થાય છે. સોનાનું કે સોનાના દાગીનાઓનું અહીં કોઈ મહત્ત્વ નથી.
૭. મારો ધર્મ આવેશથી મુક્ત રહેવાની શીખ આપે છે અને એનો આગ્રહ રાખે છે.
૮. મારો ધર્મ બ્રહ્મચર્યને અને બ્રહ્મચર્યની નવ મર્યાદાઓને પૂર્ણ આદર આપે છે.
૯. મારો ધર્મ ચૂલાથી, રસોડાથી અને તેની વિરાધનાઓથી દૂર રહેવાનું કહે છે.
૧૦ . મારો ધર્મ ભિક્ષાવૃત્તિ પર નિર્ભર છે, ભેગું કરવા પર નિર્ભર નથી.
૧૧ . મારો ધર્મ આવતી કાલનો આહાર આવતી કાલે જ લાવીશું , એવો ઉપદેશ આપે છે. ગઈ કાલનો લાવેલો આહાર આજે નથી વાપરવો , તેનો પણ ઉપદેશ આપે છે.
૧૨ . મારો ધર્મ અગ્નિની સહાય લેવી પડે તેવી પ્રવૃત્તિઓનો નિષેધ કરે છે. અગ્નિ એટલે અગ્નિકાય. અગ્નિકાયની વિરાધના જે જે રીતે થતી હોય તેનાથી દૂર રહેવાની સૂચના આપે છે મારો ધર્મ.
૧૩. મારા ધર્મનું મુખ્ય લક્ષ્ય છે કર્મની નિર્જરા. જ્યાંથી, જે રીતે, જેટલી પણ કર્મ નિર્જરા થાય તેટલી કર્મ નિર્જરા કરી જ લેવાની છે એવી પ્રેરણા આપે છે મારો ધર્મ.
૧૪. મારો ધર્મ કહે છે કે ખુદના દોષ જુઓ અને એ દોષને ઓછા કરવાની પુરુષાર્થ યાત્રા કરતા જ રહો.
૧૫. મારો ધર્મ ગુણોને ગ્રહણ કરવા પર કેન્દ્રિત છે . જે ગુણ અન્યમાં છે તે જોવાના છે અને રાજી થવાનું છે. જે ગુણ મારામાં નથી તે પ્રગટ કરવાના છે.
૧૬. મારો ધર્મ કહે છે કે મનના વિકારોમાં તણાઈ ન જવાય. વિકારને સમજણપૂર્વક વારવાના . અન્યથા વિકાર વધતા જ રહેશે.
૧૭. મારો ધર્મ સમજાવે છે કે છોડવા લાયક બાબતો ઘણી છે. છોડવાનું શીખો અને છોડતા રહો. પકડી રાખશો મા.
૧૮ . મારો ધર્મ પાંચ મહાવ્રતમાં સમાયેલો છે. પાંચ મહાવ્રતનું પાલન કરવાનું છે. પાંચ મહાવ્રત સુધી પહોંચવાનું મન બનાવવાનું છે. પાંચેય મહાવ્રતનું ભાવ તત્ત્વ સંવેદવાનું છે.
૧૯. મારો ધર્મ કહે છે કે શરીર માટેના આહાર/ઔષધનો સંગ્રહ કરવાનો નહીં. આહાર/ઔષધનો સંગ્રહ ઘણાઘણા પ્રમાદને જન્મ આપે છે.
૨૦. મારો ધર્મ ભૂલ વિનાનો છે , વિખવાદ વિનાનો છે , પૂર્વાપર વિરોધ વિનાનો છે, તર્કબદ્ધ છે.
૨૧ . મારો ધર્મ જન્મમરણની પરંપરાને ખતમ કરવા સક્ષમ છે. મારે આ પરંપરાને ખતમ કરવા માટે જ ધર્મ કરવાનો છે.
૨૨ . મારો ધર્મ મને મોક્ષમાં અવશ્ય પહોંચડવાનો છે. હું સારો ધર્મ કરીશ અને એકાદ બે ભવમાં મોક્ષમાં પહોંચીશ. મને ખબર છે કે હું ધર્મમાં ઢીલાશ રાખીશ એના લીધે મારાં મોક્ષગમનમાં વિલંબ થવાનો જ છે.

ધર્મનાં આ બાવીશ વિશેષણો છે. જેમ જેમ ચિંતન કરીએ તેમ તેમ એનું મહત્ત્વ વધતું જાય.

દશ ના અને દશ હા


આ ચિંતન પછી આવે છે. દશ don’ts અને દશ do’s. મતલબ દશ એવી ના જેને યાદ રાખવી પડે ( परिवज्जंतो गुत्तो ) અને દશ એવી હા જેને જીવંત રાખવી જ પડે. ( उवसंपन्नो जुत्तो )
સાધનામાં ઝીણી ઝીણી હજારો વાતો યાદ રાખવાની છે. આ વાતોને બે સ્તરે યાદ રાખી શકાય શું શું નથી કરવાનું અને શું શુ છોડવાનું ? શું શું કરવાનું છે અને શું શું ઉમેરવાનું છે? આ રીતે દશ ના અને દશ હા નો સ્વ-અધ્યાય પક્ખી સૂત્ર કરાવે છે.
अप्पसत्था य जे जोगाથી માંડીને एवं तिदंडविरओ સુધીમાં no and yes ની સ્પષ્ટતાઓ થાય છે સ્પષ્ટતાઓ જરૂરી હોય છે.

સ્વાધ્યાયનું સિંહાવલોકન


અને છેવટે એક પ્રશ્ન ઊઠે છે ? શું મારો સ્વાધ્યાય ખરોખર ચાલુ છે ? આનો જવાબ વારંવાર ખોજવામાં આવે છે. વસ્તુતઃ ત્રણ પ્રશ્ન બને છે. ૧ . શું મારું મહાવ્રત પાલન ખરોખર ચાલુ છે. ? ૨ . શું મારું આચાર પાલન ખરોખર ચાલુ છે. ? ૩ . શું મારું આત્મચિંતન ખરોખર ચાલુ છે. ?
પક્ખી સૂત્રમાં સૌપ્રથમ મહાવ્રત પાલન સંબંધી આત્મનિરીક્ષણ થાય છે. उवसंपज्जिताणं विहरामि સુધીમાં . પક્ખી સૂત્રમાં બીજા તબક્કે આચારપાલનસંબંધી આત્મનિરીક્ષણ થાય છે. ठाणं अब्भुवगया સુધીમાં. અને ત્રીજા તબક્કે ચાર આલાવા દ્વારા આત્મચિંતન સ્વરૂપ સ્વાધ્યાય સંબંધી સ્વ-અવલોકન થાય છે કે શું મેં છ આવશ્યક સાથે આત્મચિંતન જોડ્યું ? શું મેં અંગબાહ્ય ઉત્કાલિક આગમસૂત્રો, અંગ બાહ્ય કાલિક આગમસૂત્રો અને દ્વાદશાંગી અંતર્ગત આગમસૂત્રોનો સ્વાધ્યાય કર્યો ? તે સ્વાધ્યાય દ્વારા શું મેં આત્મચિંતન કર્યું અને વધાર્યું ?
જવાબમાં જ્યારે જ્યારે સ્વાધ્યાય થયો તે યાદ આવે છે અને મન પ્રસન્ન ભાવે પ્રાર્થના કરે છે કે મારો સ્વાધ્યાય, दुक्खक्खयाए कम्मक्खयाए मुक्खयाए बोहिलाभाए संसारुत्तरणयाए બનશે એવો મારો વિશ્વાસ છે. હવે યાદ એ પણ આવે છે કે ક્યારે ક્યારે સ્વાધ્યાય ના જ થયો અને સ્વાધ્યાયમાં ગડબડો કેવી કેવી થઈ ? આનો પસ્તાવો પણ થવા લાગે છે. મારામાં શક્તિ છે, ઉલ્લાસ છે અને પુરુષાર્થ વૃત્તિ છે છતાં સ્વાધ્યાય પર બરોબર ધ્યાન ન અપાયું. संते बले संते वीरिए संते पुरिसकारपरक्कमे । હું એની આલોચના યાચું છું, પ્રતિક્રમણા કરૂં છું, નિંદા કરૂં છું, ગર્હા કરૂં છું , એવા સંસ્કારનો વિચ્છેદ કરૂં છું અને સ્વયંની અશુદ્ધિને ટાળવા ચાહું છું.

વારંવાર नमो तेसिं खमासमाणं દ્વારા ધર્મદાતાઓ, સૂત્રદાતાઓ, જ્ઞાનદાતાઓનો અઢળક આદર થાય છે. અને છેવટે શ્રુતદેવતાની સ્તવના દ્વારા સમાપન થાય છે.

પક્ખીસૂત્રનો કાઉસગ્ગ દર પંદર દિવસે એકવાર પક્ખી પ્રતિક્રમણમાં કરીએ છીએ. યથાસમય પક્ખીસૂત્રનો કાઉસગ્ગ રોજે રોજ કરવો જોઈએ. મનમાં સૂત્ર સ્મરણ અને સાથે સાથે અર્થ ચિંતન . આનો લાભ મોટો થશે. જેમની ચારિત્રસાધના ઉગ્ર અને ઉત્કૃષ્ટ છે તેમની એ સાધના વધુમાં વધુ નિર્મળતા ધારણ કરતી જશે. હું હજી વધારે શું કરી શકું તેની કલ્પના બનતી રહેશે. જેમની ચારિત્ર સાધના ઉગ્ર અને ઉત્કૃષ્ટ નથી તેમનો શુદ્ધ આચરણ પ્રત્યેનો પક્ષપાત્ર સુદૃઢ બનેલો રહેશે . હું જે કહું છું તેમાં આટલી આટલી ભૂલ છે અને એ ભૂલ મારે સુધારવાની છે આ યાદ બનેલી રહેશે .

શ્રી ગૌતમસ્વામી મહારાજા અનંત લબ્ધિઓના નિધાન હતા . પક્ખી સૂત્ર એ મહાગણધરની રચના છે. રચનાને અને રચનાકારને, ગ્રંથને અને ગ્રંથકારને અનંત વંદના.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *