વનવગડે વિહરે વીર . ૩૫

વનવગડે વિહરે વીર . ૩૫

અક્રિયા સમાધિનો અનાહત નાદ

૧ .

દેવાર્ય , અક્રિયા સમાધિ સાધી રહ્યા હતા . ચાર સમાધિ છે : વિજય સમાધિ , આનંદ સમાધિ , સત્ ક્રિયા સમાધિ અને અક્રિયા સમાધિ .

વિજય સમાધિમાં અનાદિ કાલીન રાગ દ્વેષની ધારાનું વર્ચસ્વ કમજોર પડે છે . રાગ દ્વેષની ધારાનું વર્ચસ્વ આત્મિક ચિંતનને જાગવા દેતું નથી . આત્મિક ચિંતન ન હોય તે પરાજય છે . આત્મિક ચિંતન શરૂ થાય અને વિકસતું જાય તે વિજય છે . અનાદિ કાલીન રાગ દ્વેષની તીવ્ર છાયામાં જે વિચારો બને તે આત્માને નુકશાન કરે છે . એ છાયાની તીવ્રતા તૂટે તેનાથી બે ફાયદા થાય છે : એવા વિચારો આવવા લાગે છે જે આત્માને નુકસાન નથી કરતા , એક . એવા વિચારો આવવા લાગે છે જે આત્માને લાભ કરે છે , બે . આ બેય વિચારોનું પ્રારૂપ કાંઈક આવું હોય છે . પ્રશ્નો શરૂ થાય છે કે હું મારા આત્માનું સુખ પામવા માટે શું કરું છું અને શું કરી શકું છું ? ભાવનાઓ જાગે છે કે હું આ રીતે આ ધર્મ કરીશ , હું આ રીતે આ અધર્મ ઓછો કરીશ . આ પ્રશ્ન અને આ ભાવના દ્વારા એક ભવિષ્યની કલ્પના બને છે . એવું ભવિષ્ય જેમાં આત્માનું સુખ મળી ચૂક્યું હશે , ધર્મ ઘણોબધો થયો હશે અને અધર્મ ઘણોબધો ઘટી ગયો હશે . એ ભવિષ્યની વાસ્તવિક કલ્પના પૂર્વકનું યથાશક્તિ ધર્માચરણ એ વિજય સમાધિ છે . ધર્મની દિશામાં આગળ વધારનારા સાત્ત્વિક વિચારો આવવા લાગ્યા , અને એ વિચારો વધતા ગયા તે વિજય સમાધિ .

આનંદ સમાધિ . જે જે ધર્મક્રિયા કરવા મળે તેમાં ઘણો આનંદ આવે છે . અને એ આનંદ વર્તમાન ધર્મભાવનાને પ્રબળ બનાવતો જાય છે . ધર્મક્રિયા દ્વારા મળનારો આનંદ ધર્મભાવનાને મજબૂત બનાવે છે અને ધર્મભાવનાનો હાર્દિક આનંદ , ધર્મક્રિયાઓની શ્રેણિને આગળ વધારતો જાય છે . આધ્યાત્મિક આનંદ દ્વારા આત્મા પોતાના અંતરંગ ધર્મને બળવાન્ બનાવતો જાય એ આનંદ સમાધિ છે . ગૃહસ્થ અવસ્થામાં જ દેવાર્યે વિજય સમાધિ અને આનંદ સમાધિને સિદ્ધ કરી લીધી હતી કેમ કે દેવાર્ય સ્વયંસંબુદ્ધ હતા .

સત્ ક્રિયા સમાધિ : ઉત્કટ આત્મશુદ્ધિ અને ઉત્કૃષ્ટ કર્મનિર્જરા માટે જે જે અપેક્ષિત હોય તે તમામ ધર્મક્રિયાઓ કરવાનું સામર્થ્ય પ્રગટે તેમ જ ક્રિયાઓનું અણિશુદ્ધ પાલન કરતાં કરતાં મન આનંદિત બનેલું જ રહે . શુદ્ધ વ્રતપાલન . કોઈ અવિધિ નહીં , કોઈ વિરાધના નહીં . પરિપૂર્ણ રીતે નિર્મલ અધ્યવસાય . કઠિનમાં કઠિન વ્રતસાધનામાં પણ પારાવાર પ્રસન્નતા . તપત્યાગમય કઠોર જીવનચર્યાનું પરમોચ્ચ સભાનતાપૂર્વક પાલન . ક્રિયાની નિર્ધારિત મુદ્રાઓ ( = સ્થાન ) , સૂત્રના શુદ્ધ પાઠ ( = ઊર્ણ ), એકધારું પદાર્થચિંતન ( = અર્થ ) અને મૂર્તિ – સ્થાપનાજી આદિ બાહ્ય સાધન ( = આલંબન) આ ચારેય હોય છે સત્ ક્રિયા સમાધિમાં . દેવાર્ય સત્ ક્રિયા સમાધિમાં હતા એવું લાગે કેમ કે દેવાર્ય વિધવિધ મુદ્રાઓ અને આસનોમાં કાઉસગ્ગ કરતા . પરંતુ દેવાર્યને આલંબનની આવશ્યકતા નહોતી . દેવાર્ય સત્ ક્રિયા સમાધિથી એક ડગલું આગળ હતા , અક્રિયા સમાધિમાં .

અક્રિયા સમાધિ . આ એવી અવસ્થા છે જેમાં કોઈ ઘટના કે પરિસ્થિતિની સામે મનમાં પ્રતિભાવ જાગતા જ નથી એટલે કે સંકલ્પ વિકલ્પ આકાર લેતા નથી , પ્રતિક્રિયા રૂપે વાણીપ્રયોગ થતો નથી . શરીર પણ એવું કેળવાયેલું હોય છે કે સાધના સિવાયની પ્રવૃત્તિમાં આનંદ માનતું નથી . મણેણં , વાયાએ , કાયેણં – આત્મનિમજ્જન ચાલતું હોય છે . દેવાર્યને રોજીંદી આવશ્યક ક્રિયાઓની જરૂર નહોતી કેમ કે સમગ્ર ધર્મક્રિયાઓ દ્વારા સંપાદિત થનારો પરમ વિશુદ્ધ મનોયોગ દેવાર્યે સિદ્ધ કરી લીધો હતો . ભીતરમાં શુદ્ધ અધ્યવસાય સિવાય કશું બચ્યું જ નહોતું . ચિર સ્થાયી શુભધ્યાનનો ચિદાનંદ સ્પર્શ અખંડ ધારે બન્યો રહેેેતો . પોતાનાં શરીર પર જ ધ્યાન નહોતું તો પછી ક્રિયાઓ પર ધ્યાન રહે શી રીતે ?

૨ .

સાડા બાર વરસમાં જ્યારે જ્યારે ઉપસર્ગ આવ્યા ત્યારે ત્યારે દેવાર્યને એ ઉપસર્ગ દુઃખરૂપ છે તેની જાણકારી રહેતી પરંતુ દેવાર્ય એ દુઃખને દુઃખ રૂપે સંવેદતા નહીં . સામાન્ય સાધકો દુઃખમાં ત્રણ આશ્વાસન બનાવે છે . આ આશ્વાસન આરાધ્ય છે એમાં કોઈ શક નથી .
૧ . હું દુઃખ સહન કરીશ તો કર્મ ખપશે . આ ભવમાં વેઠીશ નહીં તો આવતા ભવે વેઠવું પડશે . આવતા ભવે સમ્યક્ સમજણ હશે નહીં . માટે સમજણપૂર્વક સમતા બનાવુું છું અને દુઃખ વેઠી લઉં છું .
૨ . દુઃખ આપનાર , મારી કર્મનિર્જરામાં સહાયક થઈ રહ્યો છે , હું તેની પર દ્વેષ નહીં કરું .
૩ . જેમ જેમ દુઃખ વધે છે તેમ તેમ કર્મનિર્જરા વધે છે અને જેમ જેમ કર્મનિર્જરા વધે છે તેમ તેમ મારો મોક્ષ નજદીક આવે છે . આ દુઃખ ઉપકારી છે કેમ કે મારો મોક્ષ દુઃખને કારણે નજીક આવી રહ્યો છે . પૂર્વ મહાપુરુષો કેવું કેવુું સહન કરી ગયા ? હું પણ સહન કરીશ.

શું દેવાર્ય દુઃખની ક્ષણોમાં આવા આશ્વાસનો બનાવતા હતા ? જવાબ છે , ના . આવા વિચાર એને આવે જેને દુઃખ સહન કરવાનું અઘરું પડે છે . દેવાર્યનું સ્તર અલૌકિક હતું . દેવાર્ય , આત્મ ગુણ ચિંતન અને તત્ત્વ ચિંતનમાં એટલી હદે ડૂબેલા રહેતા કે શરીરને નડનારા કષ્ટ પર ધ્યાન જ જતું નહીં . એમ કહો કે દેવાર્યની આત્મરમણતા એવી ઉત્કૃષ્ટ હતી કે શરીર પર આવેલા કષ્ટ , એમને આત્મરમણતાથી ચલિત કરી શકતા નહીં . કષ્ટની તીવ્રતા ઓછી નહોતી . દેવાર્યની દૃઢતા સામે તે તે કષ્ટની અસરકારકતા કમજોર પડી જતી . પ્રશ્ન એ નથી કે દેવાર્ય કેવી રીતે સહન કરતા હશે ? દેવાર્યે , સહન કરતી વખતે , ઉપર લખેલા ત્રણ આશ્વાસનોથી મનને મક્કમ બનાવ્યું હોય એવી પરિસ્થિતિ બની જ નહોતી . દેવાર્યનું મન પહેલેથી જ એવું મક્કમ હતું કે હું સહન કરું છું અથવા મારે સહન કરવું જોઈએ , એવી સભાનતા રહેતી નહીં . દેવાર્ય દુઃખને અનાયાસે જીરવી લેતા .

પ્રશ્ન એ જરૂર થવો જોઈએ કે દેવાર્ય એવી તે કેવી આત્મરમણતા બનાવતા કે કષ્ટ શરીરને અડતા , પણ મનને અડી શકતા નહોતા ? આ જ રહસ્ય છે . આ પ્રશ્નનો જવાબ જડવાનો નથી . એક વનવગડો બહાર હતો , ત્યાં દેવ , મનુષ્ય અને તિર્યંચ કષ્ટ આપવા આવતા હતા . એક વનવગડો દેવાર્યની ભીતરમાં હતો . ત્યાં દેવાર્યનું વર્ચસ્વ ચાલતું . એ વગડામાં દુષ્ટ , અશુભ , અશુદ્ધ અને અનુચિત વિચારો પર સંપૂર્ણ પાબંધી હતી . શરીર સાથે જે થતું હોય તે દેવાર્ય થવા દેતા . પણ ભીતરના વગડામાં એની અસર પડવા દેતા નહીં . ભીતરનો વગડો પણ એવો છલોછલ હતો કે બહારનો વગડો દેવાર્યની કાયા સાથે જે કરે તેની અસર એ અંદર સુધી આવવા દેતો નહીં . દુનિયાએ દેવાર્યને બહારના વનવગડે વિહરતા જોયા અને એ વનવગડાના કષ્ટોની કથા જાણી . એ કથા બેલાશક , મહાન્ હતી . દુનિયા દેવાર્યને ભીતરના વનવગડે વિહરતા જોઈ શકી નહીં અને એ વનવગડાના પરમ આનંદની કથા જાણી પણ ન શકી . એ કથા અગમ અગોચર હતી .

મન , પ્રતિભાવ આપવાનું સદંતર છોડી દે , મન પ્રતિક્રિયાઓથી સર્વાંશે મુક્ત થઈ જાય , મન સંકલ્પવિકલ્પની ધારામાં તણાવાનું એકદમ છોડી દે તે પછી અંદરથી એક અનાહત નાદ પ્રગટે છે . એ નાદના અનહદ સૂર , દુઃખમાત્રની સંવેદનાને ખતમ કરી નાંખે છે . જે માણે તેને સમજાય , એવી વાત આ છે . જેણે માણ્યું નથી તેને આ વાત સમજાવાની નથી . ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *