કૌશાંબી તીર્થ : પુરાતાત્ત્વિક ભૂમિ

કૌશાંબી તીર્થ : પુરાતાત્ત્વિક ભૂમિ

૧ . કાવ્યની કલ્પનામાં યમુના

કૌશાંબી કાલે પહોંચવાનું થશે . આજે એક માર્ચ(૨૦૨૩)ની સવારે યમુના પરના સેતુને પાર કર્યો ત્યારે મોટા અક્ષરે લખાયેલા कौशांबी जनपद આ બે શબ્દ વાંચી રોમાંચ અનુભવ્યો હતો . નીચે યમુનાને જોતી વખતે ગીતગોવિંદના શબ્દો મનમાં ચાલી રહ્યા હતા : धीरसमीरे यमुनातीरे . રાજાપુર ગામના સીમાડે બંધાયેલા ઊંચા પૂલ પરથી જોયું  : નદીનું પાણી ઊડું હતું , પટ પહોળો હતો , ખુલ્લો ભાગ રેતીથી ખીચોખીચ ભરેલો હતો . સૂરજનો પડછાયો પાણીને ચમકાવી રહ્યો હતો . આ યમુના નદીનું પાણી પાંચ કરોડ લોકોને કામ આવે છે . રાજાપુર પૂલની નીચે વહેતાં પાણીમાં પાંચ નદીઓ હતી . યમુના , ચંબલ , બેટવા , સિંધ અને કેન . કેવી રીતે ? સાવધાન થઈ સાંભળો . 
યમુના સ્વતંત્ર રીતે ૧૩૭૬ કિ.મી. લાંબી છે . ઉત્તરાખંડમાં હિમાચલ પર્વતના બંદરપુચ્છ શિખર પરથી યમુના પ્રસ્થાન આદરે છે . દિલ્હી , મથુરા , આગ્રા , ફિરોઝાબાદ થઈને આ નદી ઈટવાહ પહોંચે છે  . ત્યાંથી આગળ આ નદીઓ અલગ અલગ સ્થાનથી યમુના નદીમાં આત્મ સમર્પણ કરે છે . ચંબલ નદી , જે ૧૦૨૪ કિલોમીટર લાંબી છે અને જેની વાર્તાઓ વિશ્વવિશ્રુત છે . બેટવા નદી , જે ૬૧૦ કિલોમીટર લાંબી છે અને વેત્રવતી નદી તરીકે પ્રખ્યાત છે . સિંધ નદી જે ૪૭૦ કિમી લાંબી છે ( સિંધુ મહાનદી અલગ છે ) અને કેન નદી જે ૪૨૭ કિમી લાંબી છે . આ નદીઓ અલગ અલગ જગ્યાએથી  યમુનામાં નિલીન થાય છે . આમ , કૌશાંબી પાસે એક યમુના નદીમાં પાંચ નદીનું જોશ જોવા મળે છે . 
 હિંદુ પરંપરામાં યમુનાને સૂર્યની પુત્રી અને યમરાજની બહેન કહેવાય છે . મહામહોપાધ્યાય શ્રી મેઘવિજયજી મહારાજાએ દિગ્ વિજય મહાકાવ્યમાં અગિયારમા સર્ગમાં શ્લોકાંક ૧૦ થી ૨૦ સુધી યમુનાનું વર્ણન કર્યું છે . એમાં આ વૈદિક માન્યતાઓના આધારે ઘણીય કલ્પનાઓ રજૂ કરી છે . એ કલ્પનાઓ મહાકાવ્યના અભ્યાસીને જ સમજાય એવી અઘરી છે . 
યમુના જો માનવીય અવતારમાં હોય અને એને જે કરવું હોય તે કરવાની એને છૂટ હોય તો એ શું કરે એની કલ્પનાઓ આજે પણ  થઈ શકે છે . કલ્પના એક , યમુના રોજેરોજ પદ્મપ્રભસ્વામીની , કલ્યાણક મંદિરે બિરાજિત મૂર્તિની પ્રક્ષાળપૂજા કરવા આવે  . કલ્પના બે , યમુના પદ્મપ્રભસ્વામીની માટે બગીચો બનેલો હોય એના ફૂલછોડને પાણી સિંચવા એ આવે  છે . કલ્પના ત્રણ , યમુનાનાં જળ શ્યામ છે એવી કવિસમયની માન્યતા છે , યમુના પદ્મપ્રભ સ્વામી ભગવાન્ ના સંગે રહે છે માટે એનાં પાણીએ  એ શ્યામલતા ગુમાવી  છે અને ગંગા જેવી ઉજળી દેખાવા લાગી છે . કલ્પના ચાર , દરવરસે એકવાર યમુના પૂર બનીને પદ્મપ્રભ સ્વામી ભગવાન્ નાં ચૈત્ય સુધી ઉછળતી આવે છે , ગભારાના દરવાજા સુધી ધસી આવે છે , પોતાનાં પાણીમાં પદ્મપ્રભ સ્વામી ભગવાન્ નાં જિનબિંબનો પડછાયો પડે એટલી નજીક આવે છે . અને પછી એ પડછાયા રૂપે પ્રભુનો સ્પર્શ મળ્યો એનો હરખ પામીને , ફરી પાછી પોતાની સીમામાં પાછી વળી જાય છે . કલ્પના પાંચ , યમુનાએ પ્રભુનું વરસીદાન જોયું છે એટલે યમુનાનું જળ સૂકાતું જ નથી .કલ્પના છ , યમુનાને ઘણો ગર્વ છે એ વાતનો કે એણે નેમિનાથ દાદાનાં ચ્યવન અને જન્મ કલ્યાણકની ભૂમિ સ્વરૂપ શ્રી શૌરીપુરી તીર્થને અર્ધપ્રદક્ષિણા આપવા દ્વારા નેમિનાથ દાદાની અપરિસીમ કૃપા મેળવી છે . 
જોકે , યમુનાનાં પાણી દિલ્હીની પાસે એટલાં ગંદા છે કે ત્યાં યમુનાનાં ઓક્સિજનશૂન્ય પાણીને ડેડ વોટર કહેવામાં આવે છે . મથુરા અને વૃંદાવનની યમુનાનાં ભવ્ય વર્ણન કરનારા કવિઓ અને સ્તોત્રકારો – દિલ્હીની પાસેની યમુનાને જુએ તો બેભાન જ થઈ જાય . અલબત્ત , કોરોના વખતે લોકડાઉન દરમ્યાન દિલ્હીની યમુનાનાં પાણીમાં જળચરોની ભારે ભીડ જોવા મળેલી . આજે જે યમુના મનેં જોવા મળી તેનાં જળ લીલાઝગ હતાં એટલે કલ્પનાઓ આવતી હતી . ૧૦૮ તીર્થનદીઓમાં યમુનાનું નામ આવે છે . યમુના કલ્યાણકનદી છે . પદ્મપ્રભ સ્વામી ભગવાન્ . ચ્યવન કલ્યાણક , જન્મ કલ્યાણક , દીક્ષા કલ્યાણક , કેવળજ્ઞાન કલ્યાણક . આવતીકાલે એ કલ્યાણક ભૂમિની સ્પર્શના થશે . આનંદ અહો આનંદ . આ કલ્યાણક ભૂમિ યમુનાના કાંઠે છે . 

કૌશાંબી સાથે કોનાં કોનાં નામ જોડાયાં છે ? મહાવીર પ્રભુ , છપ્પન દિશાકુમારી , સૌધર્મ ઈન્દ્ર , નવ લોકાંતિક , ચંદનબાળા , ગોશાળો , શતાનીક , જયંંતી , મૃગાવતી , ઉદયન રાજર્ષિ , ચંડપ્રદ્યોત , વાસવદત્તા , અશોક , સંપ્રતિ . એક એક નામની આગવી કથા છે . એક વિશ્વવિદ્યાલયની પણ જાણકારી મળે છે . તીર્થો પોતાની કથા લઈને બેઠા હોય છે . એ કથા શોધવી જોઈએ , એ કથાને મળવું જોઈએ , એ કથાને યાદ રાખવી જોઈએ અને પ્રચારમાં લાવવી જોઈએ . તીર્થકથા તીર્થની જેમ જ પવિત્ર હોય છે .

 . ચાર સ્પર્શના કરવાની છે 

ચિત્રકૂટથી સાંંજે કર્વી . કર્વીથી સવારે પહાડી બુઝુર્ગ અને સાંજે અર્જુનપુરા . અર્જુનપુરાથી સવારે બેરામપુર અને સાંજે સર્પતાહી . સાડા ત્રણ દિવસમાં ૭૭ કિ.મી.નો વિહાર કરીને કાલે પ્રભુ પાસે પહોંચ્યા હતા . પ્રભુની ભૂમિ પર ઘણું રહેવું જોઈએ . ચાર કલ્યાણકના ચાર દિવસ અથવા એથી વધુ . પણ પાંચ તારીખે પ્રયાગરાજ પહોંચવાનું જ હતું  . ભગવાનની માફી માંગી , ઓછું રોકાવા બદ્દલ . અને સાંજે પ્રયાગરાજ તરફ પ્રયાણ કર્યું , રાતનો મુકામ રકસઈમાં . આજે તિલાહાપુર મોડ . ગઈકાલે આખો દિવસ કૌશાંબી નિમજ્જનમાં ગયો એટલે કશું જ લખાયું નહીં . આજે ગઈકાલની યાત્રાની યાદમાં ઝકઝોળ છું .
અલબત્ત , મનેં તો ખબર જ નહીં કે કૌશાંબીમાં આપણાં બે જિનાલય છે . એટલું સારું લાગ્યું એ જોઈને કે અહીં બે બે ધવલ સુંંદર જિનાલય આભની સાથે દિવસરાત વાતો કરી રહ્યા છે . પ્રથમ જિનાલય છે કૌશાંબી તીર્થ શણગાર નિર્મલ ચંપા પદ્મપ્રભ જિન પ્રસાદ , આનું સંચાલન હસ્તિનાપુરથી થાય છે .

બીજું જિનાલય છે જૈન શ્વેતાંબર તીર્થ કૌશાંબી , આનું સંચાલન શિખરજીથી થાય છે .

શ્રી પદ્મપ્રભ ભગવાનનો દેહવર્ણ રક્તકમળ સમાન લાલાશવાળો હતો એની સ્મૃતિમાં બેય મંંદિરના મૂૂળનાયકની પ્રતિમા પદ્મવર્ણી જ છે .


કૌશાંબીમાં મારો સમય આ મુજબ વીત્યો .

૧ . કૌશાંબીનાં પુરાતાત્ત્વિક સ્થાનો .

૨ . પદ્મપ્રભ સ્વામીનું સૂક્ષ્મ શિલ્પકલાબદ્ધ જિનાલય

૩ . સમવસરણમંદિર / ચિત્રશાલા

૪ . નિર્મલ ચંપા પદ્મપ્રભ જિન પ્રસાદ .
ચારેય વિશે લખવું છે , સૌથી વધુ ચિત્રશાલા વિશે .

૩ . પુરા તાત્ત્વિક અવશેષોનું અવલોકન

શતાનીક રાજા . ઉદયન રાજા . અશોક રાજા . એમનો મહેલ અને એમનો કિલ્લો અને એમનો જલમાર્ગીય ડક્કો . કૌશાંબીની વર્લ્ડ ફૅમસ આર્કિયોલોજિકલ સાઈટ્સની સાથે આ દિગ્ગજ નામો જોડાયેલાં છે . આ રાજાઓનો સમય છે ૨૫૦૦થી ૨૨૦૦ વરસજૂનો . મતલબ એ છે કે કૌશાંબીનાં પુરાતાત્ત્વિક અવશેષોમાં તમને જે ભાંંગીતૂટી ભીંતો , જમીની ચણતર , ઈંટોડા , પથ્થરો જોવા મળે છે તે પ્રાયઃ મહાવીર સ્વામી ભગવાનના સમયનો સ્પર્શ ધરાવે છે . કેવી ગજબની વાત ? લાલ ઈંટોનું બાંધકામ ઘણું છે પણ બાંધકામ શું છે બરોબર સમજાતું નથી . કોઈ કહે છે કે આ રાજાનો મહેલ છે , કોઈ કહે છે કે આ પૌરજનોનાં નિવાસસ્થાન છે . આ ભાંગેલી ભીંતો જ્યારે ઊંચા , રોનકદાર મકાન તરીકે સાબૂત હશે ત્યારે અભિગ્રહધારી પ્રભુ મહાવીર શું આ લાલ ઈટાળવી દીવાલો વચ્ચે ખુલ્લા પગે ચાલ્યા હશે ?  પ્રભુ શીદ પારણું નથી કરતા એની ચિંતા આ મહેલવાસીઓએ , મકાનવાસીઓએ આ જ ઈલાકામાં કરી હશે ? કૌશાંબીમાં પ્રભુ મહાવીરને પાંચ મહિના અને પચીસ દિવસોના ઉપવાસનું પારણું ચંદનબાળાએ કરાવેલું . રોતી ચંદનબાળાનો ઉંબરો , હું આ પુરાણા અવશેષોમાં શોધતો રહ્યો . ઉદયન-વાસવદત્તાની ભૂમિ પણ આ જ કૌશાંબી . વીણા વાદનથી હરણાઓને મંત્રમુગ્ધ કરનારા ઉદયન રાજાને , આ લાલ ખંડેરો વચ્ચે સાદ દેવાનું મન થતું હતું . ખંડિત અશોકસ્તંભ છે અહીં . એની પર જૂની લિપિમાં ઉદયનનું નામ કોરાયેલું જોયું ત્યારે રોમાંચ અનુભવ્યો હતો .

અશોકસ્તંભ પર કશુંક બીજું પણ લખ્યું છે પુરાતન લિપિમાં . 

કૌશાંબીની બહાર યમુના તરફના રસ્તે ચાલીસ પચાસ ફૂટ જાડી દીવાલોની લંગાર જોવા મળે . એ જ છે કૌશાંબીનો કિલ્લો . વચ્ચે વચ્ચે ગાળા બની ગયા છે એને લીધે કિલ્લો ટેકરીઓના શ્રેણિબદ્ધ સમૂૂહમાં ફેરવાઈ ગયો છે . દૂર દૂર સુધી દેખાતી ટેકડીઓ એ વસ્તુત: કૌશાંબીનો જગ વિખ્યાત ગઢ , મહાગઢ છે .

મારી સાથે જે યુવાન આવેલો એણે મને કેટલાય ખેતરો બતાવ્યાં , ખેતરોમાં સેંકડો સેંકડો વરસ જૂના ઈંટ પથ્થરો પથરાયેલા હતા .

લોકો એને ઘરનો પાયો ભરવામાં , ખેતરની પાળ બનાવવામાં વાપરતા આવ્યા છે . ખુદાઈમાં જૂૂના રત્નો , દાગીનાઓ પણ નીકળી આવે છે જે હજારો , લાખોનાં મોલે વેંચાઈ જાય છે . હમણાં પ્રયાગ રાજમાં , સાતસો વરસ જૂના ૧૭૦ સિક્કા વેંચનારાને પોલીસે પકડેલા . એની કિંમત નવ લાખ થતી હતી . આંતરરાષ્ટ્રીય બજારમાં એ ઊંચા દામે વેંચાત . આવું વારંવાર થાય છે એટલે સરકાર હવે કડક છે , ખોદકામ પર પૂરો પ્રતિબંધ છે . પણ જે ગયું તે ગયું જ . ઘણી મૂર્તિઓ અને મુદ્રાઓ નીકળી જે  પ્રયાગરાજ મ્યુઝિયમમાં આરક્ષિત છે .

 આપણાં દેરાસરના મેનેજર પાસેથી જાણવા મળ્યું કે કૌશાંબીની ભૂમિમાં ઘણું ઘણું દટાયેલું છે એ બહાર લાવવા સરકારી સ્તરે મોટાપાયે ખોદકામ શરૂ કરવામાં આવેલું પણ એ વખતે જમીનમાંથી એવા એવા અવાજો સંભળાયા , સંભળાતા રહ્યા કે કામ જ પડતું મૂકી દેવું પડ્યું . કૌશાંબી ગેબી રહસ્યોની ભૂમિ છે .

ખાસ જગ્યા ગમી હતી યમુનાકિનારે બનેલો પોર્ટ એરિયા . શતાનીક રાજાના સમયમાં નદીમાર્ગે વ્યવસાય ચાલતો , સેનાઓ નીકળતી , આનંદપ્રમોદના પ્રવાસો પણ ગોઠવાતા .  લાંબી અને વિશાળ યમુનાની ઉપર એ જમાનામાં કેટકેટલાં વહાણો સરકતાં હશે . લોકોની અને માલ સામાનની ભરચક અવરજવર રહેતી હશે . તોસ્તાન ડેમ જેવી એક બુરજબંદ દીવાલ યમુનાને અડોઅડ ઊભી હતી . બધા જહાજો એને અડકીને અટકતા. એ દીવાલનું કન્સ્ટ્રકશન એટલું મજબૂત છે કે જમનાનો ધસમસતો વેગ , કિનારાની જમીનને ન ઘસારો પહોંચાડી શકે છે , ન નુકસાન . 

આ જલમાર્ગનો ઉપયોગ શતાનીક રાજાએ કાયમ કર્યો હશે .  ચંપાનગરી પર ગુુપ્ત આક્રમણ કરવા શતાનીક રાજાનાં સૈન્યે આ જલમાર્ગથી જ  પ્રસ્થાન કર્યું હતું .

કમાલની વાત એ છે કે વૈશાલી નરેશ્વર ચેટકરાજાની સાત દીકરીમાંની એક દીકરી મૃગાવતી , એ રાજા શતાનીકની રાણી હતી અને ચેટકરાજાની જ સાત દીકરીમાંની એક દીકરી જ્યેષ્ઠા , પ્રભુ વીરના બંધુ રાજા નંદીવર્ધનની રાણી હતી . આનો અર્થ એ થાય કે કૌશાંબી નગરી સાથે પ્રભુ વીરનો પારિવારિક સંબંધ હતો . કૌશાંબી નગરીના અવશેષો જોયા વિના જે નીકળી જાય છે તે પ્રભુ વીર , પ્રભુ વીરના સ્વજનો અને પ્રભુ વીરના ભક્તોની સ્પર્શના પામેલી પુરાણી નગરીને જોવાથી અને સ્પર્શવાથી વંચિત રહી જાય છે . અહીં પુરાણી દીવાલોને ઘસાઈને જે હવા આવે છે એમાં ૨૫૦૦ વરસ પુરાણી ઊર્જા હોય છે . એનો સ્પર્શ ચૂકાય જ કેમ ?  

ઈતિહાસની વાત કરીએ તો કૌશાંબી રામાયણના સમયે પણ હતું એમ હિંદુ પરંપરા કહે છે . રામચંદ્રજીનો પુત્ર કુશ . કુશનો પુત્ર કુશંભ .  કુશંભે આ નગરી રચી તેથી એનું નામ પડ્યું કૌશાંબી  . મહાભારતના સમયમાં અર્જુનપુત્ર અભિમન્યુનો પુત્ર પરીક્ષિત. એની પાંચમી પેઢીએ નિચક્ષુ રાજા થયો . મહાભારતનું સર્વજન પ્રિય નગર હસ્તિનાપુર ગંગા નદીના પૂરમાં નાશ પામ્યું તે પછી નિચક્ષુએ કૌશાંબીને રાજધાની બનાવી હતી . પ્રભુ વીરના સમયમાં આ શહેરો મહાનગર તરીકે પ્રખ્યાત હતા : ચંપા . શ્રાવસ્તી . અયોધ્યા . રાજગૃહી . વારાણસી . કૌશાંબીનું નામ આ શહેરોની સમકક્ષ હતું . અલબત્ત , પાટલીપુત્ર મગધની રાજધાની બન્યું તે પછી  કૌશાંબીનો દબદબો ઘટ્યો હતો . મૌર્યકાળમાં એટલે કે ઈસાપૂર્વ ૩૨૧થી ૧૮૫ સુધી કૌશાંબી એકદમ સમૃદ્ધ હતી . પાંચમી શતાબ્દીમાં ચીની યાત્રી વા હિયાન પગે ચાલીને ચીનથી ભારત આવેલો અને દસ વરસ ભારત રહ્યો હતો .  એણે કૌશાંબીની સમૃદ્ધિનું વર્ણન કરેલું છે . સાતમી શતાબ્દીમાં ચીની યાત્રી હ્યુ એન ત્સંગ  ભારત આવેલો , એણે પણ કૌશાંબીનાં ઐશ્વર્યનું વર્ણન કરેલું છે . સાતમી શતાબ્દીથી અગિયારમી શતાબ્દી સુધીમાં પરમાર વંશીય ગઢવાલ રાજાઓનું રાજ્ય ચાલ્યું પરંતુ દેેશમાં કૌશાંબીનો દબદબો ઘટતો રહ્યો  . બારમી શતાબ્દીમાં યવન આક્રમણ થયું . ( હૂૂણ રાજા તોરમાણનું નામ આવે છે ) .  એ પછી કૌશાંબી તૂટતું ગયું . 

દેશ પર અંગ્રેજોની હકૂમત આવી . સન્ ૧૮૬૧માં અલેક્ઝાંડર કનીંઘમ ભાંગીતૂટી કૌશાંબીને જોવા આવ્યા , એમણે અહીં  પુુરાણા અવશેષો છે એમ જાહેર કર્યું .  સન્ ૧૯૩૬માં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ તરફથી નની ગોપાલ મઝુમદારે કૌશાંબીનું સર્વેક્ષણ કરાવ્યું . અંગ્રેજો ભારત છોડીને ગયા તે પછી સન્ ૧૯૪૯માં ઈલાહાબાદ વિશ્વવિદ્યાલયના ગોવર્ધન રાય શર્માએ ઉત્ખનન કરાવ્યું . એમણે પોતાના રિપોર્ટમાં એમ જણાવ્યું કે કૌશાંબીના અવશેષો , હડપ્પાના સમકાલીન છે . બાય ધ વે , હડપ્પા સંસ્કૃતિ ૮૦૦૦ વરસ જૂની છે . એ વખતની ખુદાઈમાં આટલા અવશેષ વાસ્તુ મળેલા . 

૧ . ઘોષિતારામ વિહાર ( આને જ ઉદયન કા કિલ્લા કહે છે )

૨ . સુરક્ષા પ્રાચીર ( વિશાલ દુર્ગ વિસ્તાર )

૩ . પાષાણ નિર્મિત પ્રાસાદ 

૪ . અશોક સ્તંભ  . સ્તંભ બે નીકળેલા . એક અહીં છે , એક પ્રયાગરાજ લઈ ગયા છે . સ્તંભ પર અશોકના શિલાલેખ છે . 

બાકી , આજની તારીખે કૌશાંબી પર ગરીબીનો પડછાયો પથરાયેલો છે . ઘરો જુઓ કે ગલીઓ , ગરીબી છાપરે ચડીને બોલે છે . કૌશાંબી શહેરનો ભૂતકાળ રોમાંચક છે , વર્તમાન સાધારણ છે .

કૌશાંબીના પુરાતાત્ત્વિક મહત્ત્વની વાત આપણે કરી . હવે પછી કરીશું કૌશાંબીની જૈૈન તીર્થભૂમિ તરીકેની વાતો .  

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *