પ્રયાગરાજ પહોંચ્યો નહીં એનો એળે ગયો અવતાર : આદિનાથ દાદાની કૈવલ્યભૂમિ છે પુરિમતાલ તીર્થ

પ્રયાગરાજ પહોંચ્યો નહીં એનો એળે ગયો અવતાર : આદિનાથ દાદાની કૈવલ્યભૂમિ છે પુરિમતાલ તીર્થ

 
૧ . આ તીર્થ જૈનોને યાદ નથી

આદિનાથ ભગવાનના ભક્તો સમગ્ર વિશ્વમાં કેટલા હશે આ પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબમાં લાખો લાખો ભક્તોનાં નામ જમા થાય . લાખો ભક્તો દર વર્ષે એકવાર કે વારંવાર પાલીતાણા આવે છે , દાદાની યાત્રા કરે છે , ભક્તિ કરે છે અને થોડા સમયમાં ફરી પાછા આવીશું એવા વચન આપીને વિદાય લે છે . સિદ્ધગિરિરાજની યાત્રા કરનારા લાખો ભક્તજનો ખરેખર ભાગ્યશાળી છે . શાશ્વત તીર્થની યાત્રા કરી તેનું પુણ્ય સૌથી મોટું ગણાય . સવાલ એ થાય છે કે શું સિદ્ધિગિરિના આદિનાથદાદાના ભક્તજનો આદિનાથ દાદાની કલ્યાણક ભૂમિની યાત્રા કરતા હોય છે ? આ પ્રશ્ન સૌએ પોતાની જાતને પૂછવાનો છે . 


આદિનાથ દાદાના ધામ તરીકે જે સિદ્ધગિરિની યાત્રા કરે છે તેમાં કોઈ નવાણું કરે છે , કોઈ છઠ કરીને સાત યાત્રા કરે છે  , કોઈ અઠ્ઠમ કરીને અગિયાર યાત્રા કરે છે , કોઈ માસખમણ કરીને એકસો આઠ યાત્રા કરે છે . યુવાનો તો યાત્રાઓ કરે જ છે , વૃદ્ધજનો અને બાળકો પણ યાત્રા કરે છે . સવાલ એ ઊભો જ રહે છે કે શું સિદ્ધિગિરિના આદિનાથદાદાના ભક્તજનો આદિનાથ દાદાની કલ્યાણક ભૂમિની યાત્રા કરતા હોય છે ? દર વરસે હજ્જારો ભાગ્યશાળીઓ આદિનાથ દાદાના નામે વરસીતપ આરાધે છે . શું આ બધા જ તપસ્વીઓ આદિનાથ દાદાની કલ્યાણક ભૂમિની યાત્રા કરતા હોય છે ? 


જવાબ હા હોય એનાથી ઘણો આનંદ થાય પરંતુ જવાબ હા નથી . બહુ ઓછા લોકો આદિનાથ દાદાના કલ્યાણક તીર્થ સુધી પહોંચે છે .  પ્રભુનાં ચ્યવન કલ્યાણકતીર્થ ,  જન્મ કલ્યાણકતીર્થ અને દીક્ષા કલ્યાણકતીર્થની યાત્રા કરવા અયોધ્યા તીર્થની યાત્રા કરવાની છે.  પ્રભુનાં કેવળજ્ઞાન કલ્યાણકતીર્થની યાત્રા માટે પ્રયાગરાજની યાત્રા કરવાની છે .  પ્રભુનાં મોક્ષ કલ્યાણકતીર્થની યાત્રા માટે અષ્ટાપદની યાત્રા કરવાની છે . જોકે , અષ્ટાપદની યાત્રા આજે સંભવિત નથી રહી . જે પોતાની શક્તિથી અષ્ટાપદની યાત્રા કરે તેને એ જ ભવમાં મોક્ષ મળે છે એવું પ્રભુ વીરે શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાને જણાવેલું . શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાએ અષ્ટાપદની યાત્રા કરી હતી , એમને પાછળથી કેવળજ્ઞાન પણ થયું હતું. આજે આપણને કેવળજ્ઞાન થવાનું નથી એટલે અષ્ટાપદની યાત્રા આજના સમયમાં સંભવિત નથી રહી . ખેર , પ્રભુનાં ચાર કલ્યાણકની યાત્રા દરેક જૈન કરે તોય ઘણું છે . સચ્ચાઈ એ છે કે  બધા જ જૈનો અયોધ્યાની યાત્રા નથી કરતા અને પ્રયાગરાજની યાત્રા તો બહુ જ ઓછા જૈનો કરે છે . 


હું ભદ્રાવતીથી નીકળ્યો ૨૬ ડિસેમ્બરે અને સતના પહોંચ્યો ૨૦ ફેબ્રુઆરીના દિવસે .  ભદ્રાવતી તીર્થની સાથે સતનાનો કોઈ સંબંધ હશે એની કલ્પના નહોતી . સતનામાં આદિનાથ દાદાની જાજરમાન પ્રાચીન પ્રતિમા છે .

એ પ્રતિમા ભદ્રાવતી તીર્થમાં બિરાજમાન હતી . એની પ્રતિષ્ઠા ભદ્રાવતી તીર્થમાં જ થવાની હતી . સતનાના કોઈ ભાગ્યશાળીને આ આદિનાથ ભગવાન સપનામાં વારંવાર  દેખાતા હતા . આ કારણે આ ભગવાન સતના પધારે એવી સતના શ્રી સંઘે ભદ્રાવતી તીર્થના ટ્રસ્ટીઓને વિનંતી કરી અને આ ભગવાન ભદ્રાવતીથી સતના પધારી ગયા . કેવી ગજબની વાત ? સતનામાં આ આદિનાથ દાદાને જોયા બાદ લાગ્યું કે સતના શ્રી સંઘ સાથે આદિનાથ દાદાનું કોઈ વિશેષ ઋણાનુબંધ હશે . ગૂગલ મેપ દ્વારા ખબર પડી કે સતનાથી પ્રયાગરાજ આશરે ૧૮૮ કિલોમીટર દૂર છે . 


સતનામાં મેં  વ્યાખ્યાન આપ્યું એમાં આદિનાથ દાદાના કૈવલ્યતીર્થની વાત માંડી હતી . ખાસ કહ્યું કે ભારતના અન્ય અન્ય સંઘોને હું પ્રયાગરાજની યાત્રાએ જવાનું કહીશ તો એમની પાસે જવાબ હશે કે અમારા શહેરથી પ્રયાગરાજ દૂર પડે છે . પરંતુ સતનાવાસીઓ માટે પ્રયાગરાજ દૂર નથી . દર મહિને એકવાર કે દર વરસે એકવાર અવશ્ય પ્રયાગરાજ જવું જોઈએ અને આદિનાથ દાદાની કેવળ જ્ઞાન કલ્યાણકની ભૂમિને જુહારવી જોઈએ . બહુ ઓછાં જૈનો પ્રયાગરાજ આવે છે . નજીક રહેનારાઓ પણ ઓછું આવતા હશે તો દૂર રહેનારને શું કહી શકાય ? 


આનો સરસ પ્રતિભાવ એ આવ્યો કે થોડા દિવસ પછી જે દિવસે હું વિહાર કરીને પ્રયાગરાજ પહોંચ્યો હતો એ દિવસે સતનાથી એકસો જેટલા ભાગ્યશાળીઓ પ્રયાગરાજની યાત્રાએ આવ્યા હતા . સહુએ પ્રભુને વચન આપ્યું હતું કે અમે દર વરસે આવશું , વારંવાર આવશું . 


મારો અનુભવ એમ કહે છે કે પ્રાચીન તીર્થો માટે મહાત્માઓ દ્વારા શ્રાવકોને પ્રેરણા આપવામાં આવે છે તો શ્રાવકો જરૂર જોડાય છે . જો કોઈ તીર્થમાં અવરજવર ઓછી છે તો એનો અર્થ એ છે કે એ તીર્થ માટે પ્રેરણા આપવામાં શ્રમણસંઘની કોઈ કમી રહી છે . બાકી પ્રેરણા બરોબર આપવામાં આવે તો શ્રાવકો જરૂર જોડાય છે . ભારતભરના શ્રાવકોને પ્રયાગરાજ માટે પ્રેરણા આપવાની જવાબદારી શ્રમણસંઘની છે . બધા જ સમુદાયના બધા જ મહાત્માઓ બધા જ સંઘોને પ્રયાગરાજ યાત્રાની પ્રેરણા કરે તો પ્રયાગરાજ એટલું દૂર નથી કે લોકો આવી જ ના શકે . 


મને નાગપુરમાં સુરેશભાઈ ચેન્નાઈવાળા મળવા આવ્યા હતા . બે દિવસમાં કલ્યાણક તીર્થ અંગે ઘણી વાતો થઈ હતી . મેં એમને  કહ્યું હતું કે તમારી વાત તમે જો હજારો , લાખો જૈનોને પહોંચાડી શકો છો તો તમે બે વાત આપણા જૈનોને ખાસ પહોંચાડજો . એક , જૈનોને આદિનાથ દાદાનું પાલીતાણા યાદ છે પણ આપણા આદિનાથ દાદાને પ્રયાગરાજ તીર્થમાં કેવળજ્ઞાન થયું હતું એ જૈનોને યાદ નથી . બે , જૈનોને નેમનાથ દાદાનું ગિરનારતીર્થ યાદ છે પણ  આપણા નેમનાથ દાદાનું ચ્યવન કલ્યાણક અને જન્મકલ્યાણક શૌરીપુરી તીર્થમાં થયું એ જૈનોને યાદ નથી . જે દિવસે પ્રયાગરાજમાં પાલીતાણા જેવી ભીડ થશે અને શૌરીપુરી તીર્થમાં ગિરનાર જેવી  અવરજવર જોવા મળશે એ દિવસે સમજજો કે જૈન સંઘ જાગી ગયો છે . બાકી અત્યારે તો બેય મહાતીર્થ ઉપેક્ષિત હોય એવું દૃશ્ય બનેલું છે . 

૨ . અકબર રાજાનો કિલ્લો 

પ્રયાગરાજમાં અકબર રાજાએ  બંધાવેલો તોતિંગ કિલ્લો યમુનાના કિનારે ઊભો છે . દરેક પર્યુષણમાં જેને આપણે યાદ કરીએ છીએ તે રાજા અકબર ,  ઈ.સ.૧૫૮૩માં જગદ ગુરુ શ્રીહીરસૂરીશ્વરજી મહારાજાને મળ્યો હતો એમ ગુજરાતી વિશ્વકોશ જણાવે છે . આ કિલ્લાનું કામ ઈ.સ.૧૫૮૩માં પૂરું થયું હતું . રાજા અકબરે  પોતાનાં પચાસ વરસના રાજ્યકાળમાં પાંચ ઐતિહાસિક કિલ્લા બનાવ્યા . રાજસ્થાનમાં અજમેરનો કિલ્લો . દિલ્હી પાસે આગરાનો લાલ કિલ્લો . લાહોરનો શાહી કિલ્લો . ફતેહપુર સિક્રીનો કિલ્લો .  અને આ ઈલાહાબાદનો કિલ્લો . અકબરની કારકિર્દીનો આ સૌથી મોટો કિલ્લો હતો . એક કિલ્લો બને એમાં બહાર ઊંચો દુર્ગ હોય અને અંદર સેંકડો મકાનો હોય  , રાજા રાણીના મોટા મહેલ હોય , બગીચા હોય , કચેરી હોય , રાજ દરબાર હોય ,  વિશાળ રાજ સૈન્યને રહેવાની પ્રચંડ વ્યવસ્થા હોય . મધ્ય ભારત પર અંકુશ જમાવવા અકબરે આ કિલ્લો બંધાવેલો . અહીં એની ખૂંખાર મુગલ સેના બારેય મહિના તૈનાત રહેતી . અફઘાન વિદ્રોહને અકબરે આ કિલ્લામાં રહીને ડામ્યો હતો . અકબરનો રાજ્ય આશ્રિત ઇતિહાસકાર અબુલ ફઝલ જણાવે છે કે ઈલાહાબાદનો  કિલ્લો બનવામાં ૪૫ વરસ , ૫ મહિના અને ૧૦ દિવસ લાગ્યા હતા . કિલ્લો બન્યો એમાં  ૬ કરોડ , ૧૭ લાખ , ૨૦ હજાર અને ૨૧૪ રૂપિયા લાગ્યા હતા . આશરે વીસ હજાર મજૂરોએ કામ કર્યું હતું . કિલ્લો ઊભો થઈ ગયો તે પછી અકબર રાજાએ પ્રયાગ શહેરને નવું નામ આપ્યું : ઈલાહાબાદ , એટલે કે ઈશ્વરોનું શહેર . 


પહેલાં અકબરે અને પછી જહાંગીરે આ કિલ્લાને ,  આ શહેરને રાજકીય ગતિવિધિઓનું મુખ્ય સ્થાન બનાવ્યું હતું . કાળનું ચક્ર ફર્યું અને ઈ.સ .૧૭૭૩માં આ કિલ્લા પર અંગ્રેજોએ કબજો જમાવી દીધો . ભારતદેશ પર સામ્રાજ્ય જમાવી ચૂકેલા ગોરાઓનું હોનહાર લશ્કર આ કિલ્લામાં રહેતું . ઈ.સ.૧૯૪૭માં ભારતને  સ્વતંત્રતા મળી તે પછી ઇન્ડિયન આર્મીને આ કિલ્લો સોંપી દેવાયો છે . અત્યારે પણ કિલ્લામાં ભારતીય સેના રહે છે . સન્ ૧૫૮૭માં ઊભો થયેલો અકબર રાજાનો લશ્કરી કિલ્લો આજે સન્ ૨૦૨૪માં પણ લશ્કરી કિલ્લો જ છે . કિલ્લાની ઉપર ઉત્તુંગ ભારતીય તિરંગો ચોવીસેય કલાક લહેરાતો હોય છે . 


( આટલો મોટો કિલ્લો બન્યો એનો એકસરખો પથ્થર ક્યાંથી આવ્યો આ પ્રશ્ન બને છે . યમુનાના કિનારે કિનારે ૧૮ કિલોમીટર જઈએ તો દેવરિયા નામનું ગામ આવે છે , અહીં ૪૦૦ વરસ પહેલાં મોટી મોટી ચટ્ટાનો હતી , એને તોડીતોડીને નદીમાર્ગે પ્રયાગ મોકલવામાં આવી હતી . એક ચટ્ટાન પર હિંદુ મંદિર હતું તે હજી ત્યાં જ છે . એની આજુબાજુનો આખો શિલાવિસ્તાર કિલ્લામાં જોતરાઈ ગયો . એ વિસ્તારમાં એક ગુફા છે તે સાત હજાર વરસ જૂની છે એવી માન્યતા છે . ગુફાનું નામ : સીતા કી રસોઈ . દેવરિયાથી બે કિલોમીટર દૂર ભીટા ગામ છે . ત્યાં ૨૪૦૦ વરસ પ્રાચીન પુષ્કળ અવશેષો , પુરાતત્ત્વ વિભાગના સંરક્ષણમાં જળવાયેલા છે . આમાં કોઈ જૈન અવશેષ પણ હોય એવું બની શકે છે . )


જાહેર જનતાને  અકબરના કિલ્લામાં પ્રવેશ મળતો નથી . કિલ્લો મુગલ સ્થાપત્યકલાનું આગવું સ્થાન છે . પ્રવાસીઓ અને યાત્રાળુઓને વિશેષ પરમિશનથી પ્રવેશ મળે છે . પ્રવાસીઓને સમગ્ર કિલ્લામાંથી ફ્કત જોધાબાઈનો મહેલ  , પાતાલપુરી મંદિર , અશોક સ્તંભ  , સરસ્વતી કૂપ અને અક્ષય વટ  જોવા મળે છે . 
જોધાબાઈના મહેલનું નામ છે , બાકી એમાં વિશેષ કશું નથી . અકબર મુસલમાન હતો . એમની રાણી બનેલી જોધાબાઈ હિંદુ હતી . રાણીને રાજી રાખવા રાજાએ આ કિલ્લામાં ૪૪ હિંદુ મૂર્તિઓ લાંબા ભોંયરામાં મુકાવી હતી એ રીતે જોધાબાઈનું નામ સ્થાનિક પૂજારીઓ જોડે છે .  હિંંદુ યાત્રાળુઓ આ ભોંયરાને પાતાલપુરી મંદિર કહે છે . 


લોકવાયકા એવી છે કે રામાયણના સમયમાં વટવૃક્ષ નદીના કિનારે હતું . એક તરફથી ગંગા નદી આવતી . બીજી તરફથી યમુના નદી આવતી . વટવૃક્ષ બંનેની વચ્ચે હતું . વટવૃક્ષને અક્ષયવટ નામ મળેલું .  આ વટવૃક્ષની નીચે જ એક વિશાળ કૂવો હતો જેમાં પાતાળમાંથી પાણી આવતું . આ પાણીને સરસ્વતી નદીનું પાણી માનવામાં આવતું . કૂવાનું નામ બન્યું કામકૂપ અથવા સરસ્વતી કૂપ .  જે  સરસ્વતીના પાણીમાં ડૂબકી લગાવે છે એનો મોક્ષ થઈ જાય એવી શ્રદ્ધા હિન્દુઓમાં બની હતી . લોકો આવતા .  વટવૃક્ષ પર ચડતા .  કૂવામાં કૂદી પડતા . ડૂબીને મરી જતા .  કૂવામાં મૃતક પડ્યું રહેતું અને હાડપિંજર બની જતું . તીર્થનો મશહૂર કૂવો આ રીતે હાડપિંજરોનો કૂવો બની ગયો હતો . ઈ. સ. ૬૪૪માં રાજા હર્ષવર્ધનના સમયમાં આ પરિસ્થિતિ હતી .  અકબર રાજા જ્યારે પ્રયાગરાજ આવ્યો ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી . લોકવાયકા અનુસાર એ સમયે  અકબર રાજાની કુંડલી જોઈને પ્રયાગના એક પૂજારીએ રાજાને કહ્યું હતું કે તમે પૂર્વભવમાં આ પ્રયાગમાં મુકુંદ બ્રહ્મચારી નામના તપસ્વી હતા . તમે એકવાર ગાયનું દૂધ પીધું એની સાથે ભૂલથી ગાયનો એક વાળ પણ ગળી ગયા . આના પ્રાયશ્ચિત્ત રૂપે તમે આ જ કામકૂપમાં ડૂબકી લગાવી આયુષ્ય સમાપ્ત કર્યું અને રાજા બન્યા . હવે તમે આ કૂવો પૂરાવી મંદિર બનાવો . 


આ લોકવાયકા સાચી હશે કે ખોટી તેનો વિવેક સ્વયં કરી શકાય છે . ડૂબકીની પરંપરાને બંધ કરવા માટે અકબર રાજાએ કૂવાની ઉપર મોટા મોટા પથ્થર પાથરીને કૂવો બંધ કરાવી દીધો અને એની ઉપર પાતાળ મંદિર બનાવીને એમાં ૪૪ હિન્દુ મૂર્તિઓને બેસાડી દીધી . ત્રિવેણી સંગમ પર રહેનારા પૂજારીઓ આવી કથા સંભળાવતા હોય છે . પાતાળ મંદિરમાં જમીન પર લાલ પટ્ટો બનાવેલો છે . એને જોવાથી સરસ્વતીકૂપની સીમા કેવી હતી તે સમજાય છે . એક જગ્યાએ છેદ છે જેમાંથી આજે પણ  કૂવામાં પાણી ઉતરી જાય છે એમ પૂજારી જણાવે છે . પાતાલપુરી મંદિરના એક ગભારામાં વટવૃક્ષની વડવાઈઓની પૂજા થાય છે .  


અશોક સ્તંભ ૩૫ ફૂટ ઊંચો છે . એ ઇસુથી ૨૩૨ વરસ પહેલાંનો છે .  આ સ્તંભ ગુપ્તકાલીન કે મૌર્યકાલીન છે . અકબર અથવા જહાંગીરે  એ કૌશાંબીથી લાવીને અહીં સ્થાપિત કર્યો એવી એક માન્યતા છે . પણ ઘણા સંશોધકોનું મંતવ્ય એવું છે કે આ અશોક સ્તંભ પહેલેથી જ અહીં હતો . આ સ્તંભ પર અશોકના સમયનો શિલાલેખ  બ્રાહ્મી લિપિમાં છે , ભાષા પાલિ . અશોકરાજાની બીજી રાણી કારૂવાકીએ કૌશાંબીમાં એક બૌદ્ધવિહારને આમ્રવન ભેટમાં આપ્યું એવું એમાં જણાવ્યું છે . રાજા  સમુદ્રગુપ્તના સમયનો બીજો શિલાલેખ પણ બ્રાહ્મી લિપિમાં છે , ભાષા સંસ્કૃત . આ શિલાલેખને પ્રયાગ પ્રશસ્તિ કહેવામાં આવે છે . આ પ્રશસ્તિના લેખક છે : કવિ હરિષેણ . રાજા સમુદ્રગુપ્તે ઉત્તર ભારતમાં ત્રણ રાજાઓને હરાવ્યા ,  દક્ષિણ ભારતમાં બાર રાજાઓને હરાવ્યા , એ પછી  ઉત્તર ભારતમાં નવ રાજાઓને હરાવ્યા એનું વર્ણન પ્રશસ્તિમાં વાંચવા મળે છે . ત્રીજો શિલાલેખ પર્શિયન લિપિમાં છે જેમાં જહાંગીરે પોતાની વંશ પરંપરા લખાવી  છે .  આ શિલાલેખના લિપિકારે જાણીજોઈને પ્રાચીન શિલાલેખને અમુક હદે નુકશાન પહોંચાડ્યું છે . ભારતમાં આશરે વીશ અશોકસ્તંભ મૌજૂદ છે. સારનાથ અને વૈશાલીના અશોકસ્તંભની ચર્ચા વધારે થતી હોય છે .  


૩ . પ્રયાગમાં વડલો છે એક વિશાળ 

અકબરના કિલ્લામાં કલોઝ સર્કિટ ટીવી કેમેરાની નજરતળે અને રેલિંગની જાળ વચ્ચેથી ચાલતાં ચાલતાં જઈએ તો કિલ્લાના પશ્ચિમી ખૂણે એક આડશ પાસે ઊભા રહી જવું પડે . અહીંથી તમને વડલો દેખાય . હજાર હાથ ફેલાવીને એ એકલો ઊભો હોય એવું લાગે . પણ સ્પેશ્યલ પરમિશન વિના વડલા પાસે જવા મળતું નથી . અમે લોકો પરમિશન મેળવીને આવ્યા છીએ એ જાણ્યા બાદ સિક્યુરિટી ગાર્ડે જાળી ખોલીને અમને અંદર લીધા . 
હવે અમે આદિનાથ દાદાના કૈવલ્ય વૃક્ષ તરીકે પ્રસિદ્ધ બનેલા અક્ષયવટની સમક્ષ હતા . આ વટવૃક્ષ પ્રભુના સમયે શકટમુખ નામનાં ઉદ્યાનમાં હતું . એ સમયે પ્રયાગરાજ પુુરિમતાલ તરીકે પ્રસિદ્ધ હતું . પુુરિમતાલ અયોધ્યાનું ઉપનગર હતું . પુરિમતાલમાં હતું આ શકટમુખ ઉદ્યાન . પ્રભુએ આ ઉદ્યાનમાં અઠ્ઠમ તપ કર્યો હતો . ત્રીજા ઉપવાસે પ્રભુને અનંત , અપરિસીમ , અપરિમેય , અનુપમ , અવ્યાબાધ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું . તિથિ હતી : મહા વદ અગિયારસ.


જોકે , આ વૃક્ષ આદિનાથ ભગવાનના સમયનું વૃક્ષ છે એવું માની શકાય એમ નથી .  જૈન જીવશાસ્ત્ર અનુસાર વૃક્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦.૦૦૦ વરસનું હોય છે . આદિનાથ ભગવાનનો સમય તો કેટલો દૂર છે ? ત્રીજો આરો પૂરો થયો અને ચોથો આરો શરૂ થયો એ આદિનાથ ભગવાનનો સમય . બારસાસૂત્ર અનુસાર આદિનાથ ભગવાન્ મોક્ષમાં ગયા તે પછી એક કોડાકોડી સાગરોપમ જેટલો સમય વીત્યો ( બેંતાલીસ હજાર વરસ , ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન) ત્યારે મહાવીર સ્વામી ભગવાન્ મોક્ષમાં ગયા . એક વટવૃક્ષનું આયુષ્ય એક કોડાકોડી સાગરોપમ જેટલું લાંબું તો હોય નહીં . એમ જરૂર માની શકાય કે જે ભૂમિ પર આદિનાથ દાદાને વટવૃક્ષ તળે કેવળજ્ઞાન થયું એ ભૂમિ ઉપર પર આ વડલો સૈકાઓથી ઊભો છે . વડલાઓની વંશપરંપરા બનતી હશે . એક વડલો કરમાય તે પૂર્વે એની પાસે બીજો વડલો ઊભો થઈ જતો હશે . એમ કહેવાય છે કે મુસ્લિમ આક્રાંતાઓએ આ વૃક્ષને ૨૩ વાર તોડ્યું પણ દરેક વખતે એ વૃક્ષ ફરીથી ઉગી નીકળ્યું . આ વટવૃક્ષ ૩૦૦ વરસ જૂનું છે એવો દાવો દૈનિક જાગરણ (15 માર્ચ 2021 ) માં બ્રિજેશ શ્રીવાસ્તવે કર્યો છે . ઉત્તર પ્રદેશની સરકારે આ વૃક્ષને વિરાસત વૃક્ષનો વિશેષ દરજ્જો આપ્યો છે . જોકે , પ્રયાગવાસી હિંદુઓ આ વૃક્ષને રામાયણકાલીન માને છે . 

અલબત્ , પ્રયાગરાજના વડલાને જોઈને લાગણી  તો એવી જ જાગે છે કે આ આદિનાથ દાદાને છાંયડો ધરનારો વડલો છે . વડલાની વડવાઈઓ ઘણી ફેલાયેલી છે . એની નીચે નાની એવી દેરી છે . પ્રાચીન તીર્થમાળાના આધારે જાણવા મળે છે કે સં.૧૫૫૬માં અહીં પ્રભુની ચરણપાદુકાઓ હતી . સં.૧૬૪૮માં રાય કલ્યાણ નામના શૈવ વણિકે એને ઉત્થાપી દીધી હતી અને એની જગ્યાએ શિવલિંગ બેસાડી દીધું હતું . પાછળથી ઔરંગઝેબે એ શિવલિંગ તોડી નાંખ્યું હતું . લાંબા સમય સુધી વટવૃક્ષની નીચે જૈન મૂર્તિ કે પાદુકા નહોતી . આણંદજી કલ્યાણજી પેઢીના પ્રયત્નોથી થોડા સમય પહેલાં  વટવૃક્ષની નીચે નાનકડી દેરી બની છે . 

એમાં ઋષભદેવ ભગવાનની નાની એવી મૂર્તિ છે , કાયોત્સર્ગ મુદ્રાવંત ધવલમૂર્તિ સમક્ષ  ચરણપાદુકા છે . એને જોતાં જોતાં તિલકમંજરીનો એક જ શ્લોક વારંવાર મનમાં આવે  : ध्वानेनाsमृतवर्षिणा श्रवणयोरायोजनं भ्राम्यता , भिंदाना युगपद् विभिन्न-विषयं मोहं हृदि प्राणिनाम् । आद्ये धर्मकथा-विधौ जिनपते-राद्यस्य वाणी नृणां , वृंदैरुद्यदपूर्व-विस्मयरसै-राकर्णिता पातु व: ।। ભાવાર્થ : લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા . સૌ ભાવવિભોર અને એકાગ્ર અને અભિભૂત હતા કેમ કે એમના કાનને એક અદ્ભુત અવાજ દ્વારા અમૃતનું આચમન મળી રહ્યું હતું . એ અવાજ એક યોજન સુધી ગુંજી રહ્યો હતો . એ અવાજ થકી જે ઉપદેશ મળી રહ્યો હતો તેનાથી સૌનો પોતપોતાનો મોહ એકસાથે તૂટી રહ્યો હતો . આવું દૃશ્ય આજપહેલાં કોઈએ જોયું નહોતું . આ શું ઘટના હતી , જાણો છો ? 


પ્રથમ તીર્થંકર ભગવાન્ સૌ પ્રથમવાર દેશના ફરમાવી રહ્યા હતા . મહાકવિ ધનપાલે જે લખ્યું તે દૃશ્ય નજર સામે આવી રહ્યું હતું . સમવસરણ . ચૌમુખ ભગવાન્ . પ્રભુનો અવાજ . પ્રભુનો ઉપદેશ . અનુયુગલિકકાળના માસૂમ ભોળા શ્રોતાઓને કલ્પના જ નહોતી કે સમવસરણ જેવું પણ કંઈક હોય અને દેશના જેવું પણ કંઈક હોય . એ સૌ મુગ્ધ ભાવે આવેલા . પ્રભુએ એમને ખોબલે ખોબલે આપ્યું . એ જે આપ્યું એનો વારસો આજસુધી વહેતો આવ્યો છે .


પ્રભુએ ત્રિપદી આપી , દેશના આપી , દીક્ષાઓ આપી . તે પૂર્વે પ્રભુએ આ વટવૃક્ષની છાયામાં જ્ઞાનાવરણ , દર્શનાવરણ , મોહનીય અને અંતરાયનો નાશ કર્યો . જે આદિનાથ દાદા અગણિત આત્માઓને અપરિસીમ કૃૃપાદાન આપી ચૂક્યા છે એ પ્રભુને આ વૃક્ષે વીતરાગ ભાવ , કેવળજ્ઞાન , કેવળદર્શન આપ્યાં . ધન્ય વૃક્ષ . ધન્ય ભૂમિ . ચરણપાદુકાને જોતાંજોતાં જાપ કર્યો . સમય ઘણો ઓછો પડ્યો . ત્રણ પ્રદક્ષિણા આપી , બાર ખમાસમણાં આપ્યાં . મન ધરાયું જ નહીં . 


એમ લાગે છે કે દાદા બેઠા છે . કાઉસગ્ગનો આખરી તબક્કો ચાલુ છે . હમણાં ઘાતીકર્મનો ક્ષય થશે અને કેવળજ્ઞાનની દેવદુંદુભિ વાગશે . હમણાં ભૂમિદેવતા આવશે અને સમગ્ર વિસ્તારની ભૂમિને પવિત્ર બનાવશે , અલબત્ત , પ્રભુ આવ્યા એટલે પવિત્રતા તો આવી જ હોય પણ ભૂમિદેવતા સમવસરણ રચવાની તૈયારી કરશે . એમના પછી જલદેવતા અને વાયુદેવતા આવશે અને સમવસરણ રચનાનો માહોલ રચશે . એ પછી આવશે સમવસરણના નિર્માતા દેવો અને પછી નિર્માણ પામશે ભવ્ય સમવસરણ . આપણે ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય આ શબ્દ એટલીબધી વાર વાપરી લીધા છે કે આ શબ્દો પોતાનો ચાર્મ ખોઈ બેેઠા છે .


 સમવસરણની રચના માનવીય રચનાશક્તિની હેેસિયતમાં બેસે એવી નિર્મિતિ નથી . એ કેવળ દેવોના જ વશની વાત છે . દશાર્ણભદ્ર જેવા રાજાઓ , દેવતાઓની સામે આ મામલે હારે જ છે . એ હાર પણ વૈરાગ્યને ખેંચી લાવે છે એ અલગ વાત છે . અક્ષય વટની નીચે દેવો આવે છે , સમવસરણ રચે છે , આખાય સમવસરણને ઢાંકી દે એવું અપ્રતિમ અશોક વૃક્ષ બને છે અને દેેવો એ અશોક વૃક્ષની ઉપર કૈવલ્ય વૃક્ષ તરીકે આ વટવૃક્ષને બિરાજમાન કરે છે . પ્રભુએ પ્રથમ દેશના આપી ત્યારે આ વટવૃક્ષ પ્રભુનાં મસ્તક પર છાયા પાથરી રહ્યું હતું  અને સમવસરણમાં રહેલા  દેવ મનુષ્ય તિર્યંચનાં મસ્તક પર પણ છાંયડો બિછાવી રહ્યું હતું . શું આ વટવૃક્ષનું સૌભાગ્ય ? 


અક્ષય વટથી પાંચ કિલોમીટર દૂર પ્રયાગરાજ ગામમાં આપણું જિનાલય છે એમાં પ્રાચીન મૂર્તિ છે આદિનાથ દાદાની . એ અદભુત છે  . વીતરાગ દશા અને કેવળજ્ઞાન પામ્યા પછીનો આનંદ કેવો હોય તે પ્રભુની મુખમુદ્રા થકી સમજાય . આભાનો ઝળહળાટ છે . ઊર્જાનો ધોધ છે . તેજની લખલૂટ ધારા છે . એમ લાગે કે પ્રભુ બોલે છે , પ્રભુ સાંભળે છે , પ્રભુ જુએ છે , પ્રભુ દેખાડે છે . કલ્યાણક તીર્થની મૂળનાયક પ્રતિમા આવી રોમહર્ષકારી જ હોવી જોઈએ . 

પ્રભુદરશન કરતાં કરતાં એમ વિચાર આવ્યો કે પાલીતાણામાં દરવરસે કેટલા જૈનો આવે છે ? ગણ્યા ગણાય નહીં એટલા . પ્રયાગરાજમાં દર વરસે કેટલા જૈનો આવે છે ? પૂજારીને પૂછ્યું તો સારો આંકડો મળ્યો નહીં . 

૪ . પ્રયાગરાજ માહાત્મ્ય 

પ્રયાગરાજમાં  પ્રભુનાં કેવળજ્ઞાન કલ્યાણકની સાથે સાથે બીજું શું શું સંપન્ન થયું ?

૧ .વર્તમાન અવસર્પિણીનું સર્વપ્રથમ કેવળજ્ઞાન પ્રયાગરાજની ભૂમિ પર પ્રકાશિત થયું . 

૨ . વર્તમાન અવસર્પિણીનું સર્વપ્રથમ સમવસરણ પ્રયાગરાજની ભૂમિ પર રચાયું . 

૩ . વર્તમાન અવસર્પિણીમાં સર્વપ્રથમવાર તીર્થંકર સમક્ષ દેવકૃત ઓગણીસ અતિશયોનું પ્રાગટ્ય પ્રયાગરાજની ભૂમિ પર રચાયું .

૪ . વર્તમાન અવસર્પિણીની સર્વપ્રથમ તીર્થંકર દેશના પ્રયાગરાજની ભૂમિ પર સંપન્ન થઈ . 

૫ .વર્તમાન અવસર્પિણીની સર્વપ્રથમ બાર પર્ષદા પ્રયાગરાજની ભૂમિ પર જોવા મળી . 

૬ . વર્તમાન અવસર્પિણીમાં સર્વપ્રથમ વાર દેવ પર્ષદા , મનુષ્ય પર્ષદા અને તિર્યંચ્ પર્ષદા પ્રયાગરાજની ભૂમિ પર એકસાથે બેસેલી જોવા મળી હતી . 

૭ . વર્તમાન અવસર્પિણીની સર્વપ્રથમ દીક્ષા પ્રયાગરાજની ભૂમિ પર સંપન્ન થઈ . 

૮ . વર્તમાન અવસર્પિણીના સર્વપ્રથમ ગુરુ પ્રયાગરાજની ભૂમિ પર ઉદ્ ઘોષિત થયા હતા . એ અર્હદ્ ગુરુ હતા શ્રી આદિનાથ દાદા .

૯ . વર્તમાન અવસર્પિણીના સર્વપ્રથમ શિષ્ય પ્રયાગરાજની ભૂમિ પર જોવા મળ્યા . એ હતા શ્રી ૠષભસેનજી એટલે કે શ્રી પુંડરીક સ્વામી . 

૧૦ . વર્તમાન અવસર્પિણીની સર્વપ્રથમ શાસ્ત્રીય વાચના પ્રયાગરાજની ભૂમિ પર સંપન્ન થઈ . વાચનાદાતા હતા પ્રભુના ચોર્યાસી ગણધરો . 
૧૧ . વર્તમાન અવસર્પિણીની સર્વપ્રથમ ગ્રંથરચના પ્રયાગરાજની  ભૂમિ પર સંપન્ન થઈ . એ હતી દ્વાદશાંગીની રચના . 

૧૨ . વર્તમાન અવસર્પિણીના સર્વપ્રથમ  શ્રમણી ભગવંત પ્રયાગરાજની ભૂમિ પર જોવા મળ્યા . એ હતા આર્યા શ્રી બ્રાહ્મીજી . 

૧૩ . વર્તમાન અવસર્પિણીના સર્વપ્રથમ બારવ્રતધારી શ્રાવક શ્રાવિકા પ્રયાગરાજની ભૂમિ પર જોવા મળ્યા . એ હતા શ્રેયાંસકુમાર  અને સુભદ્રા દેવી આદિ . ( સંદર્ભ : બારસાસૂત્ર )

૧૪ . મહામાતા મરુદેવાને કેવળજ્ઞાન આ ભૂમિ પર થયું . મહામાતા મરુદેવાનું મોક્ષગમન પ્રયાગરાજની ભૂમિ પરથી થયું . માતાની આંસુભરી અંધ આંખોમાં કેવળજ્ઞાનનો પ્રકાશ અહીં રેલાયો . ત્રિષષ્ટિ પ્રથમ પર્વમાં એમ જણાવ્યું છે કે મોક્ષગામી મરુદેવીમાતાની અચેતન કાયાને દેવોએ સન્માન સાથે વિસર્જીત કરી . આ જોઈને લોકોએ મૃતકને આદર આપવાની પરંપરા શરૂ કરી . 

૧૫ . પ્રભુનાં કેવળજ્ઞાનથી દરેક ઈન્દ્રોનાં સિંહાસન કંપાયમાન થયા હતા . પ્રથમ દેવલોકના સૌધર્મ ઈન્દ્ર ઐરાવણ હાથી પર બેસીને પ્રયાગરાજની ભૂમિ પર આવ્યા હતા . ઐરાવણ હાથી કેવો હતો ? દેવલોકથી સૌધર્મ ઈન્દ્ર નીકળ્યા ત્યારે ઐરાવણ હાથી એક લાખ યોજનનો હતો . એને મુખ આઠ હતાં. દરેક મુખને આઠ આઠ દાંત હતા. દરેક દાંત પર એક એક વાવડી હતી. દરેક વાવડીમાં આઠ આઠ કમળ હતાં . દરેક કમળને આઠ આઠ પાંદડી હતી . દરેક પાંદડી પર આઠ આઠ નાટક શોભી રહ્યા હતા . દરેક નાટકમાં બત્રીસ પાત્ર હતાં . આમાં ગણતરી કરો તો હાથીના દાંત થાય ૬૪ . વાવડીની સંખ્યા થાય ૬૪ . વાવડીનાં કમળની સંખ્યા થાય ૫૧૨ .  કમળની પાંદડીઓની કુલ સંખ્યા થાય  ૪૦૯૬ . દરેક પાંદડી પર આઠ નાટક હતાં એટલે નાટકની સંખ્યા થાય ૩૨,૭૬૮ . દરેક નાટકમાં પાત્ર હતાં ૩૨ એટલે નાટકના પાત્રોની કુલ સંખ્યા થાય ૧૦,૪૮,૫૭૬ . તીર્થંકર પરમાત્માનો કેવો પ્રભાવ હશે ? એક ઈન્દ્ર આટલો મોટો પરિવાર લઈને આવ્યા તો બાકીના ઈન્દ્રો અને દેવો કેવી રીતે આવ્યા હશે એની કલ્પના કરવાની . 

૧૬ . વિવિધતીર્થકલ્પ અનુસાર અહીં શીતલનાથ ભગવાનનાં ચરણપાદુકા બિરાજતા હતા . 

૧૭.  પ્રયાગરાજમાં જ્યારે મહાબલ નામનો રાજા હતો ત્યારે પ્રભુ વીરે પુુરિમતાલના શકટમુખ ઉદ્યાનમાં ધ્યાનસાધના કરી હતી .

 ૧૮ . પ્રયાગરાજમાં અમોઘદર્શી ઉદ્યાનમાં પ્રભુ મહાવીરનું સમવસરણ મંડાયું હતું . પ્રભુએ અભગ્નસેનના પૂર્વભવનું વર્ણન કર્યું હતું .

 ૧૯ . સાધ્વી પુષ્પચૂલા અને આચાર્ય અર્ણિકાપુત્રને પ્રયાગરાજમાં કેવળજ્ઞાન થયું હતું . 

૨૦ . પ્રયાગનું વર્ણન રામાયણ અને મહાભારતમાં મળે છે . પાંડવોનો નાશ કરવા મય નામના શિલ્પીએ અહીં લાક્ષાગૃહની રચના કરી હતી .

૨૧ . સૌથી અલગ પડી જાય એવી વાત : પ્રભુનાં કેવળજ્ઞાનનો મહોત્સવ દેવતાઓ કરી રહ્યા હતા તે ભરતરાજાના પુત્ર મરીચિએ જોયો . એનાથી ભાવિત થઈ એણે દીક્ષાગ્રહણ કરી . અર્થાત્  પ્રભુ મહાવીરના જીવે સત્યાવીસ ભવની પરંપરામાં ત્રીજો ભવ હતો ત્યારે પુુરિમતાલ તીર્થમાં દીક્ષા લીધી હતી . આમ તો ભરતના ૫૦૦ પુત્રોએ અને ૭૦૦ પૌત્રોએ આદિનાથ દાદા પાસે તે દિવસે દીક્ષા લીધી હતી . પણ મરીચિની દીક્ષા એક અલાયદું કથાનક કહેવાય . 


પ્રયાગરાજની ભૂમિ પર જે જે બન્યું છે એની વાત કરવા બેસીએ તો પાર ન આવે . પ્રયાગરાજના સરકારી મ્યુઝિયમમાં કેટલીય જૈન કલારચનાઓ  સંગૃહીત છે . પ્રયાગરાજનો નદીકિનારો ત્રિવેણી સંગમ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે . સન્ ૨૦૧૩ના અર્ધકુંભસ્નાનમાં ૫ કરોડ હિંદુઓ આવ્યા હતા . સન્ ૨૦૧૯ના મહાકુંભસ્નાનમાં ૩ કરોડ હિંદુઓ આવ્યા હતા . આમાંથી મોટ્ટા ભાગના લોકોને ખબર જ નહોતી  કે પ્રયાગરાજ એક જૈન મહાતીર્થ પણ છે . જો લાખો જૈનો પ્રયાગરાજમાં આદિનાથ ભગવાનની યાત્રા કરવા આવતા હોત તો આ કરોડો લોકોને આદિનાથ ભગવાનની કૈવલ્યકથા ખબર જ હોત . મુશ્કેલી એ છે કે લાખો જૈનો પણ જાણતા નથી કે પ્રયાગરાજમાં આદિનાથ દાદાનું કૈવલ્યતીર્થ છે અને એનો મહિમા ઘણો જ મોટો છે .


હે વ્યાખ્યાનદાતા ગુરુ ભગવંતો ,  સૌને એક વિનંતી છે . દરેક ગચ્છ અને દરેક સમુદાયના દરેક પ્રવચનકાર ,  દરેક સંઘમાં દરેક ભાગ્યશાળીને પ્રયાગરાજના આદિનાથ દાદાની યાત્રા કરવાની પ્રેરણા આપે એ વિશે વિચારશોજી . આપનાં વચનથી અસંભવ કાર્યો સંભવિત થયાં છે , આપનાં કથનની અસર હજારો , લાખો લોકોને થાય છે . સિદ્ધગિરિરાજના દરેક યાત્રાળુઓ અને વર્ષીતપના દરેક તપસ્વી દરવરસે કમસેકમ એકવાર પ્રયાગરાજના આદિનાથ દાદાની યાત્રા કરવા અવશ્ય આવે એવું વાતાવરણ બનાવો . ઠીક લાગે તો ભક્તોને કડક ભાષામાં કહેજો : જૈન કુળે તું અવતર્યો , સુધારી લે સંસ્કાર . પ્રયાગરાજ પહોંચ્યો નહીં , એનો એળે ગયો અવતાર . 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *