વિષાદયોગ :  न कृतं सुकृतं किंचित् અને तं निंदे तं च गरिहामि

વિષાદયોગ : न कृतं सुकृतं किंचित् અને तं निंदे तं च गरिहामि


( મારો પ્રિય યોગ આ વિષય પર એક ગ્રંંથ સંપાદિત થઈ રહ્યો છે જેમાં અલગ અલગ સમુદાયના મહાત્માઓએ પોતાના પ્રિય યોગ વિશે લેખ લખ્યો છે . ગ્રંથસંપાદક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પીયૂષભદ્રસૂરીશ્વરજી મ.સા. ડહેલાવાળાની આત્મીય માંગણીથી આ લેખ લખ્યો છે . )


વિષાદ યોગથી ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે : મારાથી આ નહીં થાય અને હું આ કેવી રીતે કરું – એનો વિષાદ . પછી કૃષ્ણજી સમજાવવાનું શરુ કરે છે અને ગીતાના અધ્યાયો એક પછી એક ઉઘડવા લાગે છે . અર્જુન વિષાદ ન કરે તો ગીતાને આકાર મળે શી રીતે ? શક્તિશાળી વિષાદ ઈતિહાસ લખી આપે છે . મહાત્મા મેઘકુમારનો વિષાદ , કલ્પસૂત્રના धम्मसारहीणं પદમાં અમર બને છે . મહાસતી ચંદનબાળાનો વિષાદ , પ્રભુ જેવા પ્રભુ બીજીવાર આંગણે આવે , એવો જાદુ કરે છે . મહાગુરુ ગૌતમનો વિષાદ એવું પરિણામ લાવી બતાવે છે જે પ્રભુ મહાવીરની હાજરીમાં સંભવિત નહોતું બન્યું . નંદીવર્ધન રાજાનો વિષાદ , ભાઈબીજનું પ્રવર્તન કરાવી જાય છે . અરે , ક્રૌંચ પક્ષીના વિષાદને લીધેસ્તો शोक: श्लोकत्वमागत: એ પંંક્તિપૂર્વક શ્લોકયુગનાં મંડાણ થયાં હતાં . વિષાદની શક્તિ ક્યાંયથી ઓછી નથી . ફરક ફક્ત એટલો આવે છે કે વિષાદની અનુભૂતિ સુખાત્મક નથી .

ઈચ્છાયોગ , પ્રતિક્રમણ અને ક્ષમાપનાને વિષાદયોગ વિના ચાલતું નથી . એવું કશુંંક છે જે કરવું છે પણ કરી શકાતું નથી , શક્તિ ઓછી પડે છે , સંયોગોનો સાથ નથી , હિંમત નથી અથવા હાથ ફસાયેલા છે . અહીં વિષાદયોગ આવે છે . અમુક ભૂલો થઈ છે , અમુક ભૂલો ચાલુ છે , યાદ છે કે આ બધી ભૂલો થવી ના જોઈએ એટલે એ ભૂલોનો પસ્તાવો જાગેલો જ રહે છે , આ પણ વિષાદયોગનું રૂપ છે . સંબંધોમાં કડવાશ , નારાજગી , ગેરસમજ , દૂરી આવેલી હોય અને મીઠાશ મરી પરવારી હોય ત્યારે પોતાના હાથે થયેલ ગડબડ યાદ આવ્યા કરે છે . મેં આમ ના કર્યું હોત , મેં આવું ના કહ્યું હોત તો , એવા વિચારો ચાલ્યા કરે છે . એમાંથી સંબંધ સુધારવાની કોશિશ થાય , સામેવાળો મચક ન આપે અને અંદર અફસોસ રહ્યા કરે . આ પણ છે વિષાદયોગ .

વિષાદયોગમાં બે સંવેદના અગત્યની : જે કરવા જેવું છે તે હું કરી શકતો નથી અને જે કરવું ના જોઈએ તે હું કરી રહ્યો છું .

મેં જોયા છે શ્રી તીર્થચન્દ્ર વિજયજી મહારાજને . કર્મયોગે આંખેથી દેખાવાનું બંધ થઈ ગયું હતું અને ગાંડપણનો આછોપાતળો ઉદય થયેલો . સેવા કોઈની લેવી ન હોય . અમદાવાદ , જ્ઞાનમંદિરે સ્થિરવાસ . મનસુખભાઈની પોળમાં જાતે ગોચરી લેવા જાય . ગોચરી પાત્રામાં આવી જાય તે પછી દેરાસર જાય , ગભારાની સામે ઊભા રહે , ભગવાનને ગોચરી બતાવે અને રડતાં રડતાં બોલે : મારે ઉપવાસ કરવો જોઈએ એને બદલે હું નવકારશી કરી રહ્યો છું , મારે આંબેલ કરવું જોઈએ એને બદલે હું વિગઈ વાપરી રહ્યો છું , મારે એકાસણું કરવું જોઈએ એને બદલે હું આજે છુટ્ટા મોઢે રહેવાનો છું , આ જુઓ હું શું વાપરવાનો છું ? મારો આહાર છૂટે અને હું અનાહારી બનું , તેવું ક્યારે બનશે પ્રભુ ?

એમનું ગોચરી લઈને દેરાસરમાં જવું , એને વિધિશુદ્ધ પ્રવૃત્તિ કહી શકાય નહીં અને આ પ્રવૃત્તિની અનુમોદના કરી શકાય નહીં . પરંતુ એમની પર ગાંડપણની છાયા હતી એને લીધે આમ થતું . કમાલ એ હતી કે ગાંડપણની છાયામાં પણ એ વિષાદયોગ સાધી શકતા . એ દેરાસરમાં વાપરતા નહીં , એ પ્રભુસાક્ષિએ પોતાને ઠપકો આપતા : રોજ સવાર પડે અને મનેં ખાવા જોઈએ . તપ યાદ ન આવે , તપસ્વીઓ યાદ ન આવે , કંઈ શરમ આવે છે ? આમાં ઉદ્ધાર ક્યારે થશે ? ….. રડતાં જાય અને ઊંચા અવાજે બોલતા જાય .
એ વિષાદયોગ , યાદ રહી ગયો છે .

શ્રી મુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજા સાધુસાધ્વીઓને વાચનામાં કહેતા કે ‘ આપણે નવકારશી વાપરવી છે તે માટે વિધિ જાળવવા દેરાસરે જઈએ છીએ અને દર્શન કરીએ છીએ . આપણે અણહારી બનવાની ભાવનાપૂર્વક દેરાસર જઈએ તે વિધિ કહેવાય . દેરાસરમાં વિચારવું કે હું ભગવાનની જેમ મોક્ષમાં હોત તો આ ખાવાપીવાની પળોજણ હોત જ નહીં . ‘ આ જ તો છે વિષાદયોગ .

જીવનમાં આચારશુદ્ધિ અને ભાવશુદ્ધિનું મહત્ત્વ ઘણું મોટું છે . આચાર સંબંધી ભૂલો , નાની પણ હોય છે અને મોટી પણ હોય છે . તપ ન કરતા હોઈએ , કષ્ટ સહન ન કરતા હોઈએ , ક્રિયાઓમાં ગોટાળા થતા હોય , બોલવાસંબંધી મર્યાદાઓ તૂૂટ્યા કરતી હોય , મનોયોગમાં અશુદ્ધિઓનાં રમખાણ ચાલતા હોય – એ બધું યાદ રહેવું જોઈએ , યાદ આવવું જોઈએ . એ ભૂૂલોનો સાચુકલો અફસોસ જીવંત રહેવો જોઈએ . પશ્ચાત્તાપની ભૂમિકાએ જીવ બળતો રહે એ જ છે વિષાદયોગ . રત્નાકર પચીસી વિષાદયોગની ગંગા , જમના , સરસ્વતી છે .

મારા ગુરુદેવ શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા પોતાના દાદા ગુરુ મહારાજ શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાને અને ગુરુ મહારાજ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાને યાદ કરીને ક્યારેક બોલતા : સાહેબજીએ જીવનભર ઘણી કૃપા રાખી પણ દેવલોકમાં ગયા બાદ તો જાણે ભૂલી જ ગયા . ક્યારેય ખબર લેેવા આવ્યા નહીં . સંબંધની ભૂમિકાનો આ વિષાદયોગ છે . હિંંદુ પરંપરામાં ગોકુળવાસીઓના વિયોગને વ્યક્ત કરનારા કેટલાય પદ લખાયા છે . એમાં ભગો ચારણ , કૃષ્ણને યાદ કરીને એક પદ લખે છે :
માને તો મનાવી લેજો રે ,
હે ઓધાજી રે મારા વાલાને વઢીને કે’જો રે .
એકવાર ગોકુળ આવો , માતાજીને મોઢે થાવો રે
ગાયોને હંભારી જાઓ રે હે ઓધાજી રે મારા વાલાને વઢીને કે’જો રે
મથુરાના રાજા થયા છો , ગોવાળોને ભૂલી ગયા છો ,
માનીતીને મહેલે ગયા છો રે , હે ઓધાજી રે મારા વાલાને વઢીને કેજો રે .
આ પદનો જે દેશી રાગ છે તેય અદ્ભુત છે . હું આ રાગમાં રાજીમતીજીનું એક પદ સજ્ઝાય તરીકે ગાતો હોઉં છું :
કરમે કુંવારા રહ્યા રે
સાહેલી મોરી , કરમે કુંવારા રહ્યા રે
નેમ નેમ કરતી નારી , કાંઈ નહીં ચાલી કારી ,
રથ લીધો પાછો વાળી રે . સાહેલી મોરી , કરમે કુંવારા રહ્યા રે
જાવ મા જાદવ રાયા , આઠ ભવની મેલી માયા
આવો શિવાદેવીના જાયા રે . સાહેલી મોરી , કરમે કુંવારા રહ્યા રે

વિષાદયોગનું ઊડું સંવેદન રાજીમતી સંબંધી દરેક પદોમાં મળે છે . વિષાદયોગે એમને વફાદારી આપી , વૈરાગ્ય આપ્યો અને વીતરાગત્વ આપ્યું . મરૂદેવી માતાનો વિષાદયોગ , આંસુ નિર્મિત અંધતા પાસે થઈને છેવટે કેવળજ્ઞાન સુધી પહોંચે છે . મહાયોગી આનંદઘનજીનો વિષાદ આ શબ્દોમાં વ્યક્ત થયો છે : નિશદિન જોઉં તારી વાટડી ઘર આવોને ઢોલા . વાચક જસનો વિષાદ : ચેતન અબ મોહે દરિશન દીજે .

જેમની યાદથી આંખ તરબોળ થાય છે અને છતાં જે મળતા નથી તેમની માટેની પ્રીતિ પણ વિષાદયોગ સુધી લઈ જાય છે . પ્રીતિભંગની પ્રતીતિ , અપ્રીતિની આશંકા , અપ્રાપ્તિની સંવેદના જેવી વિષાદછાયાઓ , પ્રભુ સાથે પણ જોડાતી હોય છે , ગુરુ અને કલ્યાણમિત્ર સાથે પણ .

શૂલપાણિ યક્ષનો વિષાદયોગ બહુ જાણીતો નથી . પ્રભુએ એને પ્રતિબોધ આપ્યો , શેષ ચોમાસું એનાં મંદિરે રોકાયા અને પછી વિહાર કર્યો . શૂલપાણિ યક્ષ પ્રભુને વળાવવા ગયો હતો . પ્રભુથી છૂટા પડવાની ક્ષણે એણે વિલાપ જેવી ભાષામાં ભરપૂૂર ક્ષમા માંગી હતી . આ પણ વિષાદયોગ જ હતો . વિવિધ તીર્થકલ્પમાં લખ્યું છે કે પ્રતિબોધ પામ્યા પછી શૂલપાણિને નવું નામ મળ્યું હતું : બ્રહ્મશાંતિ .

મૃગાવતીજીએ ગુરુની ક્ષમાયાચના કરી એમાં વિષાદયોગ એવો તીવ્ર હતો કે ઘાતીકર્મ બળીને ખાખ થઈ ગયા . અઈમુત્તા મુનિ પોતાની ભૂલની માફી માંગતા માંગતા , વિષાદયોગમાં વહી ગયા અને બાળકેવલી બની ગયા .

મેં જે કર્યું તે મારી ભૂલ છે , મનેં મારી ભૂલનો અહેસાસ છે , હું અપરાધી છું , મનેં મારી ભૂલની સજા મળવી જોઈએ , હું મારી ભૂલની માફી માંગું છું : આ બધી સંવેદનાઓ વિષાદયોગનું રૂપ ધારણ કરી લે છે .
મહાકવિ ભવભૂતિ કહે છે : एको रस: करुण एव . કરુણ રસ જ સાચો રસ છે . બીજા રસ ફિક્કા છે . યોગ ઘણા છે , સૌ પ્રભાવશાળી છે પણ આ વિષાદયોગનું ગૌરવ અનેરું છે . અલબત્ત , વિષાદયોગનું કોઈ પ્રદર્શન ન હોય , એને બિલકુલ અંગત રાખવાનો હોય . સુંદરમ્ કહે છે તેમ , મૈં તો ચુપ ચુપ ચાહ રહી . એટલે લેખનાં માધ્યમે હું મારા વિષાદયોગનું વર્ણન કરી ના શકું . હું દુઃખી છું , એની જાહેરાત થોડી કરાય , ભલા ભાઈ ?

છતાં અમુક વાતો અંગતની સરહદમાં નથી . મારા વિષાદયોગમાંની અમુક વાતો આ મુજબ છે :

  • આ જનમમાં એક પણ તીર્થંકર ભગવાનનાં સાક્ષાત્ દર્શન થયા નથી . એકવાર મહાવિદેહમાં , સીમંધર પ્રભુુનાં દરશન કરવા મળે એવી ઈચ્છા છે . દેવલોકના કોઈ શાશ્વત જિનબિંબનાં દરશન કરવા મળે , એવી ભાવના છે . મેરુપર્વત અને અને મેેરુશિખર નજરે નિહાળવા મળે એવી કામના છે . મહાવિદેહ અને ઐરવત ક્ષેત્રમાં વિહરતા મુનિ ભગવંતોને જોવા છે . એકવાર , કમસેકમ એકવાર કોઈ કેવળજ્ઞાની ભગવંત સાથે વાત કરીને મારે મારા પૂૂર્વ ભવ અને આગામી ભવ જાણવા છે . આવી ઢગલાબંધ ઈચ્છાઓ છે . મનેં ખબર છે કે આ ઈચ્છાઓ પૂરી થવાની નથી . એનો અફસોસ મનમાં બનેલો જ રહે છે . આ વિષાદયોગ યાવજ્જીવ રહેવાનો છે . આ વિષાદયોગ , ઈચ્છાયોગ છે .
  • જીવનના જેટલાં વરસો વીતી ગયા એટલાં વરસો હવે બાકી નથી , કદાચ . ઘણાંઘણાં ગ્રંથો અને પુસ્તકો વાંચવાના બાકી છે . અમુક વાંચ્યાં છે તેને ફરીએક વાર વાંચવા છે . અમુુક ભાષાઓ શીખવી છે . લાગતું નથી કે એ બધાં ગ્રંંથો અને પુસ્તકો વંચાશે . સમય ઓછો પડશે અને ઘણુંબધું વાંચવાનું શીખવાનું રહી જશે . સમજાય છે . જે જે રહી જશે , એનો વિષાદયોગ , અખંડ છે .
  • ઉત્તમ ચારિત્રપાલન કરી રહેલા મહાત્માઓને જોઉં છું અને અહોભાવથી આંખો ભીની થાય છે . કપડાં મેલાં અને કધોણાં . ગોચરી અને પાણીમાં નિર્દોષતાનો કટ્ટર આગ્રહ . રજોહરણની પ્રમાર્જના વિના શરીર હલે જ નહીં . મુહપત્તી મોઢે રાખ્યા સિવાય બોલે જ નહીં . સ્વાધ્યાય ખૂબ . જ્ઞાનોપાર્જન સદૈવ વર્ધમાન . વિહાર ખુલ્લા પગે કરે : ન ડોળી , ન વ્હીલચેર . ભક્તોની કે ભીડની ભૂખ નહીં . વિરાધનાઓથી અને વિરાધનાનાં સાધનોથી દૂૂર ભાગે . મહત્ત્વાકાંક્ષાનું નામોનિશાન નહીં . શાસનની અપભ્રાજના ન થવી જોઈએ એની જાગૃતિ અવિરત રાખે . વ્યાખ્યાન અને વાંચનામાં વૈરાગ્ય નીતરતો રહે . નિંદાનો રસ નહીં . આત્મપ્રશંસાની તલપ નહીં . આવા મહાત્માઓને જોઈને અપરંપાર અનુમોદનાના ભાવ જાગે . સાથોસાથ મારાં ખુદના વિશે એક અસંતોષ જાગે કે મારું આચારપાલન આવું ઊંચું કેમ નથી ? હું આ સ્તરે ક્યારે પહોંચીશ ? તે દિન ક્યારે આવશે. આ પણ વિષાદયોગ છે .

જોકે , વિષાદયોગમાં રોત્તલવેડા હોતા નથી . બલ્કે એક એકરાર હોય છે સચ્ચાઈનો . સચ્ચાઈને સમજ્યા બાદ જ , વિષાદયોગ આવે છે . વિષાદયોગમાં સ્વહીનતાનો અહેસાસ નથી , વિષાદયોગમાં અધૂરી રહેલી જવાબદારીનો અહેસાસ છે . વિષાદયોગમાં લઘુતાગ્રંથિનો અનુભવ નથી , વિષાદયોગમાં પારાવાર સ્વભાનતા અને સભાનતા છે . મંત્રીશ્વર વસ્તુપાળ , જીવનની છેલ્લી ઘડીએ વિષાદયોગની ભૂમિકાથી જ આ શબ્દો બોલ્યા હતા : न कृतं सुकृतं किंचित् सतां संस्मरणोचितम् । मनोरथैकसाराणाम् एवमेव गतं वयः ।। મેં મારાં જીવનમાં સજ્જનોને ગમે એવું કોઈ જ ઉત્તમ કામ કર્યું નહીં . હું બસ , વિચાર કરતો રહ્યો . એમાં ને એમાં બધી ઉંમર વહી ગઈ .

વિષાદયોગનો ફાયદો એ છે કે વિષાદયોગ ઘમંડને ભગાવી દે છે , મિથ્યા સંતૃપ્તિને દૂર રાખે છે અને આળસ , અનુત્સાહને ખંખેરતો રહે છે . સવાર સાંજ બોલાતું વંદિત્તુ સૂત્ર વિષાદયોગને જગાડવા વારંવાર કહે છે : तं निंदे तं च गरिहामि .

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *