ધન્નાજીનું કથાનક

ધન્નાજીનું કથાનક

૧ . દત્તકુમારની ખીર 

ધન્નાજીની કથાનો પ્રારંભ પ્રતિષ્ઠાનપુર શહેરથી થાય છે . શહેરની બહાર ગરીબોની વસ્તિમાં એક ઝૂંપડી છે . એમાં મા દીકરો રહે છે . મા શ્રીમંત લોકોનાં ઘરમાં ઝાડુંપોતું મારીને , કપડાંવાસણ ધોઈને જે કમાય છે એનાથી ઘર ચલાવે છે . દીકરો આઠ વરસનો  છે , નામ છે દત્ત . એ લોકોના ગાયભેંસ જંગલમાં ચારવા લઈ જાય છે. એકવાર  દત્તકુમાર ઘેર ઘેર રંધાયેલી ખીર જુએ છે . એને ખીર આરોગવાનું મન થાય છે . એ ઘેર આવીને માતા પાસે ખીર માંગે છે . માતાને પારાવાર લાચારીનો અહેસાસ થાય છે કેમ કે ઝૂંપડીમાં દૂધ ચોખા સાકર ઘી વગેરે સીધુંસામાન નથી . બાળક ખીર માટે જીદ્દ કરીને રડે છે . મા , બાળકની ઈચ્છા પૂરી નહીં થાય એની પીડાથી રડે છે . રડવાનો અવાજ બાજુનાં ઘરોમાં જાય છે . પાડોશણો ઝૂંપડીમાં આવીને માતાને સાંત્વના આપે છે . ચાર પાડોશણો ખીર માટેનો સામાન આપે છે , ચાર પાડોશણો સામાન આપનારની પ્રશંસા કરે છે . બધી પાડોશણો પાછી ગઈ એ પછી મા ખીર બનાવે છે , બાળકને થાળીમાં ખીર પીરસે છે . હવે મા ઘરોમાં કામ કરવા જાય છે . બાળક ખીરની થાળી પાસે બેસે છે . મનમાં એ રાજી છે કે એની ઈચ્છા આજે પૂરી થઈ છે . 

૨ . દત્તકુમારે મહાત્માને ખીર વહોરાવી

 દત્તકુમારે મઘમઘતી ખીર આરોગતાં પહેલાં ઝૂંપડીની બહાર જોયું . એક તપસ્વી મહાત્મા આવતાં દેખાયા . એણે મહાત્માને પોતાની થાળીમાંની ખીર વહોરાવી દીધી . જે મહાત્મા પધારેલા એમને માસક્ષમણ હતું . દત્તકુમારે પ્રચંડ પુણ્ય બાંધી લીધું . મહાત્મા ગયા તે પછી મા આવી . દત્તકુમારની ખાલી થાળીમાં માતાએ બાકીની ખીર પીરસી દીધી . દત્તકુમારે એ ખીર હરખભેર આરોગી . જોકે , એ ખીર દત્તકુમારને હજમ ના થઈ  . એ જ દિવસે મધ્યરાત્રિના સમયે એનું આયુષ્ય પૂરું થઈ ગયું . અંતિમ સમયે એનાં મનમાં દાનધર્મની અનુમોદનાનો આનંદ રમતો હતો . એ શુભધ્યાનના પ્રભાવે એ બીજા ભવમાં પ્રતિષ્ઠાનપુર નગરે ધનસાર શેઠનાં ઘરે , શીલવતી શેઠાણીની કૂખે ચોથા પુત્ર તરીકે અવતરિત થયો . ત્રણ ઘટના એવી બની જે નામકરણનું કારણ બની . એક , ગર્ભવતી માતાએ સ્વપ્નમાં કલ્પવૃક્ષ જોયું . સ્વપ્નલક્ષણપાઠક જોશીજીએ ભવિષ્ય વાણી ભાખી કે સંતાન , ગુણવાન્ , રૂપવાન્ અને ધનવાન્ થશે .બે , ગર્ભકાળના ત્રીજા મહિને માતાને જિનભક્તિ , ગુરુભક્તિ , સાધર્મિક ભક્તિ , જીવદયા , અનુકંપા , પંચાચાર પાલન આદિના દોહદ જાગ્યા. ત્રણ , જન્મ થયાબાદ નવજાત બાળકની નાળ દાટવા માટે જમીનમાં જ્યાં ખાડો ખોદવામાં આવ્યો ત્યાં એ ખાડાની જગ્યાએથી જ સુવર્ણ નિધાન પ્રગટ થયાં . આ બધું જોયા બાદ માતાપિતાએ ધન્યતાનો અનુભવ કર્યો હતો અને નામ પડ્યું હતું : ધન્ય કુમાર . ઉત્તમ સુપાત્રને ઉત્તમ ભાવપૂર્વક ઉત્તમ દ્રવ્યનું દાન કર્યું એના પ્રભાવે દત્તકુમારને ચાર ઉત્તમ તત્ત્વ મળ્યાં . એક , મનુષ્યગતિમાં જન્મ મળ્યો  . બે , જૈન ધર્મ મળ્યો . ત્રણ , ઉત્તમ પુણ્યાઈ અને ઉત્તમ પ્રજ્ઞા મળી . ચાર , દીક્ષા લેવાની સાચી પાત્રતા મળી . 

૩ . ધન્યકુમારનું પરિવાર જીવન 

ધન્યકુમારને ત્રણ ભાઈ હતા : ધનદત્ત , ધનદેવ અને ધનચંદ્ર . ધન્યકુમારના જન્મ પછી ઘરનો વૈભવ ઘણો વધ્યો હતો તેથી પિતા ધનસાર પોતાના ત્રણ દીકરાની પ્રશંસા ઓછી કરતા અને અને ધન્યકુમારની પ્રશંસા વધારે કરતા .  ધન્યકુમાર યુવાન થયા તે પછી ત્રણ ભાઈઓએ પિતા ધનસારને વિનંતી કરી હતી કે ધન્યકુમારની આવી રીતે એકતરફી પ્રશંસા ન કરે  . જોકે , પિતા ધનસારે ત્રણ ભાઈઓને ધન્યકુમારનાં ઉત્કૃષ્ટ પુણ્યની હકીકત જણાવી હતી . ત્રણ ભાઈઓનું પુણ્ય અને ધન્યકુમારનું પુણ્ય આ બે પુણ્યમાંથી કોનું પુણ્ય વધે એ નક્કી કરવા પિતાએ ચારેય ભાઈઓની ભાગ્યપરીક્ષા ત્રણવાર લીધી હતી . ત્રણેય વાર સાબિત થયું હતું કે ત્રણ ભાઈઓનું પુણ્ય કમજોર છે . ત્રણ ભાઈઓની પત્નીઓ પણ માનવા લાગી હતી કે પુણ્ય તો ધન્યકુમારનું જ સર્વશ્રેષ્ઠ છે . આનાથી ત્રણ ભાઈઓની ઈર્ષાવૃત્તિ વધી હતી . આ ત્રણ ભાઈઓ પૂર્વ ભવમાં સુગ્રામ ગામના રહેવાસી કઠિયારા હતા . સાથે મળીને જંગલમાં જતા અને વૃક્ષોનાં લાકડાં કાપતા . એકવાર એમણે જંગલમાં ભોજનસમયે તપસ્વી જૈન મુનિને જોયા . પોતાનું ભોજન એમણે તપસ્વીને વહોરાવી દીધું . પોતે ભૂખ્યા રહ્યા . સાંજે ગામ પાછા આવ્યા . લાકડાં વેંચાયા નહીં . ભોજન બની શકે એવી સગવડ ના થઈ  . રાતે ભૂખ્યા પેટે સૂવાનો વારો આવ્યો . ત્રણેય કઠિયારાએ વિચાર્યું કે સવારે જમવાના સમયે સુપાત્રદાન કર્યું છતાં આમ ભૂખ્યા સૂવાનો વારો આવ્યો , આપણું સુપાત્રદાન નિષ્ફળ છે . એમણે ચાર વખત પોતાનાં સુપાત્રદાનની નિંદા કરી . આથી અંતરાય કર્મ બંધાયું . આયુષ્ય પૂરું કર્યા બાદ સુપાત્રદાનના પ્રભાવે ધનસાર શેઠનાં ઘરે જન્મ મળ્યો પરંતુ સુપાત્રદાનની નિંદા કરી હતી એના પ્રભાવે એવું અંતરાય કર્મ ઉદયમાં આવેલું હતું કે સ્વ પુરુષાર્થથી ધન ઉપાર્જન કરી જ ના શકે . આનાથી બોધપાઠ એ મળે છે કે ઉત્તમ રીતે દાન જરૂર કરવું પરંતુ સુપાત્રદાનનો પસ્તાવો ન કરવો , સુપાત્રદાનની નિંદા ન કરવી .મોટા ભાઈઓની ઈર્ષાથી કંટાળીને નાના ભાઈએ ગૃહત્યાગ અને નગરત્યાગ કર્યો હતો . જે વ્યક્તિગત ક્લેશ કલહથી દૂર રહે છે એ ધર્માત્મા કહેવાય  .

૪ . રાજગૃહી નગરી પહોંચ્યા 

ધન્યકુમાર પ્રતિષ્ઠાનપુરને અલવિદા કહીને  ગામોગામ ફરતાં ફરતાં માલવદેશ ઉજ્જૈની પહોંચ્યા . ત્યાં બુદ્ધિનું પરાક્રમ બતાવી ઉજ્જૈની નગરીના મંત્રીશ્વર પદે બિરાજીત થયા હતા . અહીં લાંબો સમય રહ્યા . એકવાર એમના માતાપિતા અને ભાઈભાભીઓ દરિદ્ર અવસ્થામાં ત્યાં પહોંચ્યા . ધન્યકુમારે એમને પોતાનાં ઘરમાં સમાવ્યા . ભાઈઓની ઈર્ષાપ્રવૃત્તિ ફરી જોવા મળી . એ કારણે ધન્યકુમાર ઉજ્જૈનીનું સ્વનિર્મિત ઘર માતાપિતા અને ભાઈભાભીઓના હાથમાં છોડીને વારાણસી આવી ગયા . અહીં ગંગાદેવીએ ધન્યકુમારની પરીક્ષા લીધી જેમાં ધન્યકુમાર ઉત્તીર્ણ થયા . પ્રસન્ન ગંગાદેવીએ ધન્યકુમારને મહાપ્રભાવશાળી ચિંતામણિરત્ન આપ્યું . હવે ધન્યકુમાર રાજગૃહી આવ્યા . રાજગૃહીનું ઐશ્વર્ય વિશ્વવિખ્યાત હતું . રાજગૃહી નગરીમાં શ્રી મહાવીર સ્વામી ભગવાને ૧૪ ચોમાસાં કર્યાં હતાં . રાજગૃહી નગરીમાં શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા સ્વયં સકલ શ્રી સંઘને નવપદજીની ઓળી આદિ આરાધના કરાવવા પધારતા .રાજગૃહી નગરીમાં શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા સ્વયં પધારતા અને સકલ શ્રી સંઘ એમની દેશનાનો લાભ લેતો . રાજગૃહી નગરીમાં શ્રેણિક મહારાજાનું રાજ હતું અને મંત્રીશ્વર અભયકુમારનું સંચાલન હતું . રાજગૃહી નગરીમાં ગૌભદ્ર શેઠ , સુદર્શન શેઠ , જિનદાસ શેઠ જેવા મહાશ્રીમંત શ્રેષ્ઠી રહેતા . એમની હવેલીઓ પર કોટિધ્વજાઓ લહેરાતી .રાજગૃહી નગરીની આસપાસ પાંચ પહાડ હતા : વિપુલગિરિ , રત્નગિરિ , ઉદયગિરિ , સ્વર્ણગિરિ અને વૈભારગિરિ .

૫ . શ્રેણિક રાજાની પુત્રી સાથે વિવાહ 

+ ધન્યકુમાર રાજગૃહીમાં એકલા જ આવ્યા હતા . નગરની બહાર બગીચામાં મુકામ કર્યો હતો . આશ્ચર્યની વાત એ હતી કે તે બગીચામાં લાંબા સમયથી ફૂલો આવતા નહોતાં . પરંતુ ધન્યકુમાર એ બગીચામાં રાત રોકાયા તો સવારે બગીચામાં ઘણાબધા ફૂલો વિકસિત થયેલાં જોવા મળ્યાં . એ બગીચાના માલિક હતા મહાશ્રીમંત કુુસુમપાલ શેઠ . ધન્યકુમારનું મહાપુણ્ય પારખીને એમણે પોતાની દીકરી કુસુમશ્રીના વિવાહ ધન્યકુમાર સાથે કરાવ્યા . ગંગાદેવી પ્રદત્ત ચિંતામણિ રત્નના પ્રભાવથી પોતાની માટે સાતમાળની આલીશાન હવેલી બનાવી ધન્યકુમાર એમાં પત્ની સમેત રહેવા લાગ્યા .

+ ઉજ્જૈનીના રાજા ચંડપ્રદ્યોત ચાલાકીપૂર્વક રાજગૃહીના મંત્રીશ્વર અભયકુમારનું અપહરણ કરી એમને ઉજ્જૈની લઈ ગયા અને નજરકેદમાં રાખ્યા . રાજગૃહીમાં મંત્રીશ્વર અભયકુમાર વિના શ્રેણિક મહારાજા ખાલીપો અનુભવતા હતા . એકવાર રાજાનો મુખ્ય હાથી સેેચનક ગાંડો થઈ ગયો અને આખી નગરીને રંજાડવા લાગ્યો .  રાજાએ નગરમાં ઉદ્ ઘોષણા કરાવી કે જે હાથીને વશમાં લાવશે એના વિવાહ રાજાની પુત્રી સાથે થશે અને રાજા એને એક હજાર ગામ ભેટમાં આપશે . ધન્યકુમારે ચિંતામણિરત્નની સહાયથી હાથીને શાંત કર્યો  . પ્રસન્ન બનેલા શ્રેણિક રાજાએ ધન્યકુમાર સાથે પોતાની પુત્રીના લગ્ન કરાવ્યાં અને ધન્યકુમારને એક હજાર ગામના સ્વામી બનાવ્યા .

૬ . શાલિભદ્રજીની નાની બહેન સાથે વિવાહ 

રાજગૃહી નગરીમાં ગૌભદ્ર શેઠ વસે છે , પત્ની છે ભદ્રા શેઠાણી . શેઠ અત્યંત ધનાઢ્ય છે . ઘણો મોટો વ્યવસાય છે . સાત માળની દેદીપ્યમાન હવેલીમાં એમનો નિવાસ છે . એમના પુત્ર છે શાલિભદ્રજી . ગૌભદ્ર શેઠે બત્રીસ શ્રેષ્ઠીકન્યાઓ સાથે શાલિભદ્રજીના લગ્ન કરાવ્યા હતા .  ગૌભદ્ર શેઠની સાથે ગામોગામના વેપારીઓનો  લેણદેણનો વહેવાર છે . એકવાર  ચંપાપુરીનો કોઈ નકલી વેપારી આવ્યો . એ કાણો હતો , એને એક જ આંખે દેખાતું . એ શેેઠને કહે છે કે મારી એક આંખ તમારી પાસે ગિરવે પડી છે  , એ મને પાછી આપો . ગૌભદ્ર શેઠ કહે છે કે તું ખોટું બોલે છે . પેલો વેપારી કહે છે કે તમે મને ચંપાપુરીમાં એક લાખ સોનામહોર આપી હતી . એના બદલામાં મેં મારી આંખ તમને આપી હતી . હવે તમારી આ સોનામહોર તમે પાછી લો અને મારી આંખ મને પાછી આપો . વેપારીએ એવો ગૂંચવાડો ઊભો કર્યો કે ગૌભદ્ર શેઠ પાસે જવાબ ન રહ્યો . શેઠે રાજાને વાત જણાવી . રાજા વિચારે છે કે અભયકુમાર હાજર હોત તો એ જરૂર કોઈ રસ્તો સુઝાડત . ઉકેલ શોધવા રાજાએ ઉદ્ ઘોષણા કરાવી કે ગૌભદ્ર શેઠની સમસ્યાનું સમાધાન જે શોધી આપશે એના વિવાહ ગૌભદ્ર શેઠની પુત્રી સુભદ્રાકુમારી સાથે થશે . હવે ધન્યકુમારે રાજાની અનુમતિથી પેલા વેપારી સાથે ચર્ચા કરી . વેપારી પાક્કો હતો . એણે તુરંત મચક ના આપી . એને ધન્યકુમારે કહ્યું કે અમે ઘણા લોકોને પૈસા આપીએ છીએ  . આથી અમારી પાસે ઘણી આંખો જમા છે . તમે તમારી બીજી આંખ થોડાક સમય માટે અમને આપો . પહેલાં તમે જે આંખ આપી હતી એની સાથે આ આંખ મેળવીને અમે તમને , બંને આંખો એકસાથે પાછી આપી દઈશું . પેલો વેપારી ગભરાયો . એણે પોતાની જૂઠમાયા કબૂલી લીધી . એ નકલી વેપારી સોનામહોર ચૂકવીને  ભાગી ગયો . રાજગૃહીની ઈજ્જત બચી એનાથી રાજા રાજી થયા . પોતાનું આત્મસન્માન સુરક્ષિત રહ્યું એનાથી ગૌભદ્ર શેઠ પ્રસન્ન થયા . ગૌભદ્ર શેઠની પુત્રી સુભદ્રાકુમારી સાથે ધન્યકુમારના લગ્ન થયાં . આ રીતે ધન્યકુમાર અને શાલિભદ્રજી વચ્ચે સાળાબનેવીનો સંબંધ બન્યો . સુભદ્રાકુમારી ઉંમરમાં શાલિભદ્રજીથી નાની હતી . 

૭ . રાજગૃહીનો ત્યાગ 

+ ધન્યકુમાર સાથે વ્યાપાર સંબંધ રાખનારા શ્રેષ્ઠીવર્યોનાં નામ આ મુજબ હતા : કુુસુમપાલ શેઠ . ગૌભદ્ર શેઠ . સુભદ્ર શેઠ . દેવપાલ શેઠ . મહિપાલ શેઠ . દેવેન્દ્ર શેઠ . અમિતેજ શેઠ . મહિતેજ શેઠ . દયાલ શેઠ . પુણ્યપાલ શેઠ . જિનાલય શેઠ . કૃપાલ શેઠ . ધનપાલ શેઠ . ધર્મપાલ શેઠ . મયાલ શેઠ . ભુદર શેઠ . શ્રીધર શેઠ . શ્રીપાલ શેઠ . આસપાલ શેઠ . ગુણપાલ શેઠ  . ખેમકરણ શેઠ . જયકરણ શેઠ . દેવકરણ શેઠ . કુંભકરણ શેઠ . વિજય કરણ શેઠ . ગજ કરણ શેઠ  . ગોદાસ શેઠ . જિનરક્ષિત શેઠ . જઇ જિનદત્ત શેઠ . જયંત શેઠ . દેવદત્ત શેઠ . ઋષિદત્ત શેઠ .  સાગરચંદ શેઠ . શિવચંદ શેઠ . મુકુંદ શેઠ . ગોવિંદ શેઠ . માધવ શેઠ . ધવલ શેઠ . આણંદ શેઠ . શંખ શેઠ . સુનંદ શેઠ . સુજશ શેઠ . જયસેન શેઠ . વીરસેન શેઠ . દેવસેન શેઠ . મહસેન શેઠ . અને અન્ય અનેક શેઠ પણ હતા .આટલા બધા વ્યાપારીઓ સાથે જોડાયેલા ધન્યકુમારને દુનિયા – ધન્ના શેઠ અને ધન્નાજી શેઠઆવા નામથી ઓળખવા લાગી .  + ધન્યકુમારના માબાપ ભાઈભાભી ઉજ્જૈનીમાં આર્થિક સંકડામણનો ભોગ બન્યા . ગામોગામ ભટકીને તેઓ રાજગૃહી આવ્યા . ધન્યકુમારે એમને ઘરમાં સમાવી લીધા . થોડા દિવસમાં ભાઈઓની ઈર્ષાપ્રવૃત્તિ શરૂ થઈ . હવે ધન્યકુમાર પરિવારને રાજગૃહી છોડીને કૌશાંબી જતા રહ્યા . એમને કલહ ક્લેશનું વાતાવરણ જોઈતું નહોતું .  + પૂર્વભવનાં સુપાત્રદાનનું પ્રચંંડ પુણ્ય હંમેશા ધન્યકુમારની સાથે રહ્યું . કૌશાંબીના રાજા શતાનીકના ખજાનામાં અતિશય મૂલ્યવાન્ એવોસહસ્રકિરણ મણિ હતો . એની અસલી હોવા તરીકેની પરખ બાકી હતી . રાજાએ ઉદ્ ઘોષણા કરાવી હતી કે એ પરખ જે કરી આપશે એના વિવાહ શતાનીક રાજાની દીકરી સૌભાગ્યમંજરી સાથે થશે અને રાજા એને પાંચસો ગામ ભેટમાં આપશે . ધન્યકુમારે મણિની સાચી પરખ કરી આપી . શતાનીક રાજાએ રાજકુમારી સાથે ધન્યકુમારના વિવાહ કરાવ્યા અને એમને પાંચસો ગામ ભેટમાં આપ્યા . ધન્યકુમારે કૌશાંબી પાસે ધનપુર નામનું નવું ગામ વસાવ્યું . + ધન્યકુમારના માબાપ ભાઈભાભી હવે ઉજ્જૈનીમાં આર્થિક સંકડામણનો ભોગ બન્યા . ગામોગામ ભટકીને તેઓ ધનપુર આવ્યા . ધન્યકુમારે એમને ઘરમાં સમાવી લીધા . થોડા દિવસમાં ભાઈઓની ઈર્ષાપ્રવૃત્તિ શરૂ થઈ . હવે ધન્યકુમાર પરિવારને ધનપુર છોડીને લક્ષ્મીપુર જતા રહ્યા .+ લક્ષ્મીપુરમાં ધન્યકુમારના ચાર વિવાહ થયા .પ્રથમ વિવાહ લક્ષ્મીપુરના રાજા જિતારિની પુત્રી ગીતકલા સાથે થયા . બીજા વિવાહ લક્ષ્મીપુરના મંત્રી સુગુપ્તની પુત્રી સરસ્વતી સાથે થયા . ત્રીજા વિવાહ લક્ષ્મીપુરના શેઠ પત્રામલની પુત્રી લક્ષ્મી સાથે થયા . ચતુર્થ વિવાહ લક્ષ્મીપુરના શેઠ ધનપાલની પુત્રી ગુણમાલિકા સાથે થયા .

૮ . પરિવારજનોની દીક્ષા 

હવે ધન્યકુમાર રાજગૃહી પાછા આવ્યા . શ્રેણિક રાજાએ ઠાઠમાઠથી સ્વાગત કર્યું . ધન્યકુમાર અને આઠ પત્ની હવે એકસાથે રહે છે . ધન્યકુમારે પોતાને રહેવા માટે સાત માળની હવેલી બનાવી જ હતી . હવે એમણે આઠેય પત્નીઓને સાત માળની એક એક હવેલી બનાવી આપી . ધન્યકુમારની સંપત્તિ આ મુજબ હતી  . ધન્નાજી શેઠ – સાત માળની નવ હવેલી , ૫૦૦ હાથી , ૫૦૦ અશ્વ , ૫૦૦ રથ , ૫૦૦ મકાન , ૫૦૦ દુકાન , ૮ ગોકુળ અને ૧૫૦૦ ગામના માલિક હતા . એમણે પોતાનો વ્યવસાય સંભાળવા ૧૦૦૦ મુનીમને કામે રાખ્યા હતા . ધન્નાજી શેઠની તિજોરીમાં અનેક દૈવી રત્નો હતા . ધન્ના શાલિભદ્ર રાસમાં ધન્યકુમાર માટે લખ્યું છે : દેવ તણાં સુખ ભોગવે , માનવને અવતાર .+ કૌશાંબી ધનપુરમાં ધન્યકુમારના માબાપ ભાઈભાભી ફરી આર્થિક સંકડામણનો ભોગ બન્યા .  તેઓ રાજગૃહી આવ્યા . ધન્યકુમારે એમને ઘરમાં સમાવી લીધા અને જીવનમાં સ્થિર થવા માટે દરેક ભાઈને  અલગ અલગ ૧૪ કરોડ રૂપિયા આપ્યા  . એટલે કે ત્રણ ભાઈઓને કુલ મળીને ૫૬ કરોડ રૂપિયા આપ્યાં . આ જોઈને ભાઈઓની ઈર્ષાવૃત્તિ અને સ્પર્ધા ભાવના ખતમ થઈ ગઈ . તેમણે ધન્યકુમારનાં માર્ગદર્શન મુજબ રહેવાનું વચન આપ્યું . + રાજગૃહીમાં ધર્મઘોષ મુનિરાજ પધાર્યા . સંઘ દેશના સાંભળવા બેઠો . ધન્યકુમાર પણ સંપૂર્ણ પરિવાર સાથે દેશનામાં આવ્યા . પિતા ધનસારની વિનંતી માનીને મુનિરાજે ધન્યકુમાર અને ત્રણ ભાઈઓના પૂર્વભવની કથા પરિવારને સંભળાવી. માતાપિતા અને ભાઈઓને દીક્ષા લેવાની ભાવના જાગી . ધન્યકુમારે ભવ્ય દીક્ષા મહોત્સવ કર્યો . દીક્ષા થઈ  . 

૯ . ધન્નાજીની દીક્ષા 

પૂર્વભવમાં ધન્નાજી જ્યારે દત્તકુમાર હતા ત્યારે ચાર પાડોશણે ખીર બનાવવાની સામગ્રી માતાને આપી હતી અને ચાર પાડોશણે સામગ્રી આપનારની અનુમોદના કરી હતી. ખીરનાં દાન સાથે જોડાયેલી એ આઠ પાડોશણ જ વર્તમાન ભવમાં ધન્નાજીની આઠ પત્ની બની હતી . આઠ પત્નીમાં મુખ્ય પત્નીનું સ્થાન શાલિભદ્રજીની બહેન સુભદ્રાજીને મળ્યું હતું . તે સમયના પારિવારિક રીતરીવાજ મુજબ એકવાર આઠેય પત્નીઓ સાથે મળીને ધન્નાજીને સ્નાન કરાવી રહી હતી ત્યારે સુભદ્રાજીની આંખમાંથી આંસુ ટપક્યા અને એ ધન્નાજીના ખભા પર પડ્યા . ધન્નાજીએ સુભદ્રાજીને પૂછ્યું કે તમે શું કામ રડો છો ? સુભદ્રાજીએ જવાબ આપ્યો કે મારો ભાઈ દીક્ષા લેવાની ભાવના રાખે છે અને દીક્ષા લેવાની તૈયારી રૂપે રોજ એક એક પત્નીનો ત્યાગ કરે છે . મારો ભાઈ સૌને છોડીને દીક્ષા લઈ લેશે એના દુઃખથી મારી આંખમાં આંસુ આવી રહ્યા છે . આ વાત સાંભળીને ધન્નાજી બોલ્યા : ત્યાગ કરવો જ હોય તો એક સાથે બધી જ પત્નીઓનો ત્યાગ કરવો જોઈએ ને . તમારો ભાઈ તો કાયર લાગે છે માટે એક એક પત્નીનો ત્યાગ કરે છે .આ વાત સાંભળીને સુભદ્રાજી બોલ્યા કે મારો ભાઈ ત્યાગ કરે છે એ તો જુઓ . મોટી મોટી વાતો કરવી સહેલી છે . શું તમારામાં તાકાત છે એકસાથે બધી પત્નીઓનો ત્યાગ કરવાની ? આ વાત સાંભળીને ધન્નાજીએ તુરંત આઠેય પત્નીઓનો ત્યાગ કરીને દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો . ધન્નાજીની સાથે આઠેય પત્નીઓએ પણ દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો . ધન્નાજી દીક્ષા લે છે એ જાણ્યા બાદ શાલિભદ્રજીએ પણ વિલંબ કર્યા વિના દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો હતો . ટૂંક સમયમાં રાજગૃહી નગરીમાં પ્રભુ વીરના સમવસરણમાં ધન્નાજી , શાલિભદ્રજી અને ધન્નાજીની આઠ પત્નીઓએ એકસાથે દીક્ષા સ્વીકારી . 

૧૦ . મહાત્મા ધન્નાજીની જય હો 

ધન્નાજીએ દીક્ષા લીધી . ધન્નાજીના માતાપિતાએ દીક્ષા લીધી .ધન્નાજીના ત્રણ ભાઈઓએ દીક્ષા લીધી .ધન્નાજીની આઠ પત્નીઓએ દીક્ષા લીધી .ધન્નાજીના સાળા શાલિભદ્રજીએ દીક્ષા લીધી . ધન્નાજીને પોતાના પૂર્વભવની કથા શ્રી ધર્મઘોષ મુનિરાજનાં શ્રીમુખે સાંભળવા મળી હતી .દીક્ષા લીધા બાદ શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા પાસે મહાત્મા ધન્નાજીએ ૧૧ અંગ આગમસૂત્રોનો અભ્યાસ કર્યો હતો . દીક્ષા લીધા બાદ મહાત્મા ધન્નાજીએ બાર વરસનું દીક્ષાપાલન કર્યું એમાં એકમાસી ઉપવાસ એટલે કે માસક્ષમણ , બેમાસી ઉપવાસ , ત્રણમાસી ઉપવાસ , ચારમાસી ઉપવાસ આદિ તપસ્યાઓ કરીને શરીરને સૂકવી દીધું હતું . દીક્ષા લીધા બાદ મહાત્મા ધન્નાજીએ જે પણ આરાધના કરી એમાં મહાત્મા શાલિભદ્રજી સાથે જોડાયેલા રહ્યા હતા .પ્રભુવીરનાં સાંન્નિધ્યમાં ઉભય મહાત્માઓ બાર વરસે રાજગૃહી પધાર્યા . માસક્ષમણનાં પારણાની ઘટના બની તે પછી ઉભય મહાત્માઓ વૈભારગિરિ પર પધાર્યા . શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાનાં શ્રીમુખે સંલેખનાનાં પચ્ચખાણ લીધાં . એક મહિનાનું અનશન કરી ઉભય મહાત્માઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિન્દ્ર દેવ તરીકે અવતાર પામ્યા . ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યા બાદ તેઓ મહાવિદેહમાં મનુષ્યનો અવતાર પામી મોક્ષમાં જશે . મહાત્મા ધન્નાજીના સંસારી પક્ષે માતાપિતા , ભાઈઓ અને પત્નીઓ પણ ઉત્તમ આરાધનાઓ કરી દેવલોકમાં અવતાર પામ્યા . ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યા બાદ તે સૌ મહાવિદેહમાં મનુષ્યનો અવતાર પામી મોક્ષમાં જશે .એકવાર એક ઉત્તમ મહાત્માને ઉત્તમ ભાવપૂર્વક ઉત્તમ દ્રવ્યનું સુપાત્રદાન કરનાર કેવું ઉત્થાન સાધે છે એ શ્રી ધન્નાજીનાં સમગ્ર જીવનમાં જોવા મળે છે . 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *