વનવગડે વિહરે વીર . ૩૪

વનવગડે વિહરે વીર . ૩૪

તપસ્યા : આહારની ઉપેક્ષા , પાણીની ઉપેક્ષા , શરીરની ઉપેક્ષા

વનવગડે વિહરે વીર . ચાર હજાર આઠસો ચોસઠ દિવસની અંતર્યાત્રા . ઉપવાસ કર્યા ચાર હજાર પાંચસો પંદર . પારણાં કર્યાં , ત્રણસો ઓગણપચાસ . એકવાર સળંગ એકસો એંશી ઉપવાસ કર્યા . એકવાર સળંગ એકસો પિંચોત્તેર ઉપવાસ કર્યા . નવ વખત સળંગ એકસો વીશ ઉપવાસ કર્યા . બે વખત સળંગ નેઉં ઉપવાસ કર્યા . બે વખત સળંગ પિંચોત્તેર ઉપવાસ કર્યા . છ વખત સળંગ સાંઈઠ ઉપવાસ કર્યા . બે વખત સળંગ પિસ્તાળીસ ઉપવાસ કર્યા . બાર વખત સળંગ ત્રીસ ઉપવાસ કર્યા . બોત્તેર વખત સળંગ પંદર ઉપવાસ કર્યા . બાર વખત સળંગ ત્રણ ઉપવાસ કર્યા . બસ્સો ઓગણત્રીસ વખત સળંગ બે ઉપવાસ કર્યા . એક વખત સળંગ સોળ ઉપવાસ દ્વારા ત્રણ પ્રતિમા ( કઠિન ધ્યાનમુદ્રા ) આરાધી : ભદ્ર , મહાભદ્ર અને સર્વતોભદ્ર .

એક પણ ઉપવાસ એવો નહોતો જેમાં જલપાન થયું હોય . દરેક ઉપવાસ નિર્જલ જ . એક પણ પારણું એવું નહોતું જેમાં બે ટંક આહાર લીધો હોય . દરેક પારણે એકાસણું જ . કોણ પારણું કરાવશે તેની કોઈ પૂર્વધારણા ન હોય . શેનાથી પારણું થશે તે નક્કી ન હોય .

શેષકાળમાં દેવાર્યનો તપ અનિયત રહેતો . કોઈવાર બે ઉપવાસ પછી પારણું કરે , કોઈ વાર ત્રણ ઉપવાસ પછી પારણું કરે , કોઈ વાર ચાર ઉપવાસ પછી પારણું કરે , કોઈ વાર પાંચ ઉપવાસ પછી પારણું કરે . ( સંગમે છમાસી ઉપવાસ કરાવ્યા તે અલગ કિસ્સો હતો , બાકી ) ભિક્ષા લેવા નીકળે અને આહાર ન મળે એવું બનતું નહીં . પણ પાણીનો પ્રશ્ન બનેલો રહેતો . સૂઝતું પાણી સહેલાઈથી મળતું નહીં . ક્યારેક બે મહિના સુધી પાણી મળતું નહીં , ક્યારેક છમાસથી વધારે સમય સુધી પાણી મળતું નહીં . ( સંદર્ભ : આચારાંગ શીલાંકાચાર્ય ટીકા ) દેવાર્ય જેમ ભૂખને ઘણી ખમતા તેમ દેવાર્ય તરસને પણ ઘણી ખમતા . ખાધા વિના ટકવું મુશ્કેલ છે , પણ માનો કે ખાધા વિના ટકી જવાય પરંતુ પાણી પીધા વિના લાંબા સમય સુધી ટકી રહેવું ઘણું જ અઘરું છે . પાણી વિના દેવાર્યનું ગળું સોસાયું હોય , હોઠ સૂકાયા હોય અને ચક્કર આવી ગયા હોય એવું બનતું નહીં . દેવાર્યનાં મક્કમ આત્મબળની આ નિશાની હતી .

દેવાર્ય પારણું કરવા નીકળે તે વખતે પોતાના કારણે પશુપંખીનો ચારો છિનવાઈ ન થાય , પોતાને લીધે પશુપંખી ભાગી કે ઉડી ન જાય , એ રીતે જ પગ માંડતા . કબૂતર , પારેવડું , કાગડો કે અન્ય પંખી જ્યાં બેઠા હોય ત્યાંથી ડરીને બીજે ન જતાં રહે એ રીતે એક એક પગલું ભરતાં .

દેવાર્ય ભિક્ષા લેવા નીકળતા ત્યારે કોઈ રાજર્ષિ કે રાજગુરુનો વિશેષ દરજ્જો બનાવતા નહીં , તેઓ સામાન્ય માણસ તરીકે નીકળતા . દેવાર્ય ગામમાં કે શહેરમાં ગોચરી માટે આવતા એ વખતે આસપાસ નજર રાખતા અને બીજા કોઈ ભીખારીનો , મજૂરનો , બાવાજીનો કે યાચકનો કોળિયો પોતાના કારણે છિનવાઈ ન જાય એની ચિંતા રાખતા . આના લીધે એવું બનતું કે દેવાર્યને જે ઘરેથી આહાર મળવો જોઈએ તે ઘરેથી બીજા કોઈને આહાર અપાઈ જતો . દેવાર્ય પારણું કરવા બીજા કોઈનાં ઘર તરફ નીકળી જતા . બીજાબીજા માંગણિયાઓને પોતપોતાનું અન્ન મળી જાય તે પછી કોઈક ઘેર , કોઈ સાદા દ્રવ્યથી દેવાર્યનું પારણું થતું . દેવાર્ય આવી ઉપેક્ષાવૃત્તિ રાખીને પણ પ્રસન્ન જ દેખાતા .

હવે પારણું કરાવનારાઓની વાત . ક્યારેક પારણું કરાવનારા આદર આપે , ક્યારેક આદર ન આપે . ક્યારેક પારણું કરાવનારા આવકાર આપે , ક્યારેક આવકાર ન આપે . દેવાર્ય માનસન્માનની મનોવૃત્તિથી મુક્ત હતા .

પારણું ઊભા ઊભા થતું , બેઠા બેઠા નહીં . પારણું બે હાથના ખોબામાં દ્રવ્ય લઈને થતું , પાત્રમાં દ્રવ્ય લઈને નહીં . પારણું કરાવનારને ખબર નહોતી રહેતી કે આજે દેવાર્ય આવવાના છે , પરિણામે પારણાના ઉપલક્ષમાં રસોડે કોઈ તૈયારી થયેલી રહેતી નહીં . ક્યારેક રસોઈ બની ન હોય , ક્યારેક ખપે તેવી રસોઈ ન હોય , ક્યારેક વધેલી ઠંડી રસોઈ હોય . ક્યારેક સૂકુંપાકું લઈને નીકળી જવાનું . ઢંગની પૂરેપૂરી રસોઈ ભાગ્યે જ મળતી .

ઉપવાસનું પારણું મોટેભાગે એક જ દ્રવ્યથી થતું . ભાત , બોરનું ચૂર્ણ , અડદના દાણા . આ ત્રણમાંથી એક દ્રવ્ય સર્વસામાન્ય રીતે બધે જ મળી રહેતું . શેષકાળમાં ઘણેભાગે એનાથી શરીરને ટેકો આપતા દેવાર્ય . ( આ ત્રણ દ્રવ્ય કે ત્રણમાંનું એક દ્રવ્ય – શું પેટ ભરે અને શું ટેકો આપે ? અહીં તો ભાઈ , ટેકો લેનારો જ વધુ શક્તિશાળી હતો . ટેકો આપનારો બસ , નામ કમાઈ લેતો . એટલું જ . ) આ ત્રણ સિવાયનાં દ્રવ્યો પણ મળી જતાં : સાદી ખીર . ઘીવાળી ખીર . દૂધપાક . દહીભાત . સત્તું . ઘઉંના ખાખરા . સૂકા વાલ . સૂકા ચણા . સિઝેલા વાલ . સિઝેલા ચણા . આ બધામાંથી એકાદ દ્રવ્યથી પારણું થતું . એકાદવાર સર્વ કામગુણ ( એ જમાનાનું પ્રચલિત ખાદ્ય ) દ્વારા પારણું થયેલું . એકાદવાર ખાજા દ્વારા પારણું થયેલું . બીજા ચોમાસા દરમિયાન , રાજગૃહીમાં માસક્ષમણનાં પારણે વિવિધ ભોજનસામગ્રીથી પારણું થયેલું . આવી અન્ય સામગ્રીઓ પણ હશે , જેનાથી પારણું થયું હશે . બધી વાતોની નોંધ થઈ નથી . મુદ્દાની વાત એ છે કે શાંતિથી કે શોખથી ખાવાની મજા લેવાનું દેવાર્ય ટાળતા . જે મળ્યું તેનાથી કામ ચલાવી લેતા .

સાડાબાર વરસમાં દેવાર્યે કરેલા ઉપવાસની સંખ્યા ઘણીમોટી હતી , પારણાની સંખ્યા નાની હતી . પણ જે જે પારણું થયું તેમાં પણ ભરીથાળી કે ભર્યુંભાણું કહી શકાય એવું આહારગ્રહણ ભાગ્યે જ થયું હશે . દેવાર્ય વાપરવાના સમયને ટૂંકો રાખતા . એકાદ બે ઘડી જેટલો લાંબો સમય વાપરવામાં લાગતો નહીં . અડઘી ઘડીમાં દેવાર્યનું દરેક પારણું સમેટાઈ જતુું .

દેવાર્ય તપસ્વી હતા . એમને શું તપસ્યા ચાલે છે તે કોઈ જાણી શકતું નહીં . એમને પારણું કોણ કરાવશે તેની કોઈને ખબર રહેતી નહીં . એટલું ખરું કે પારણું શબ્દનો અર્થ દેવાર્યે બદલી નાંખ્યો હતો . દેવાર્યનું પારણું એટલે આજે ઉપવાસ નથી , એમ કહેવાની વ્યવસ્થા . દેવાર્યનું પારણું એટલે આજે શાંતિથી બેસીને બધું વાપર્યું , એમ કહી જ ન શકાય . દેવાર્યે કર્યા એવા ઉપવાસ બીજા તપસ્વીઓ ન કરી શકે , એ તો સાચું જ છે . દેવાર્યે કર્યાં એવા પારણાં પણ બીજા તપસ્વીઓ ન કરી શકે . જે દેવાર્ય કરી શકે તે ફક્ત દેવાર્ય જ કરી શકે . ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *