વનવગડે વિહરે વીર ૩૩.૨

વનવગડે વિહરે વીર ૩૩.૨

ખીલા કાનમાંથી બહાર ખેંચાયા

દેવાર્ય મધ્યમ અપાપા પધાર્યા . કોઈ અનોખો ૠણાનુબંધ આ ભૂમિ સાથે પણ હતો . ગામ બહાર ઉદ્યાનમાં ધ્યાનસ્થ . ઉપવાસનાં પારણાનો સમય થયો . સિદ્ધાર્થ વણિક્ ના ઘરે પધાર્યા . ભિક્ષાવિધિ સંપન્ન થઈ . એક વૈદ્ય બેઠો હતો . એ સિદ્ધાર્થનો મિત્ર હતો . એણે દેવાર્યને જોયા અને સિદ્ધાર્થને કહ્યું ,

‘ આ તપસ્વીનું તેજ અપૂર્વ છે પણ થોડી ઝાંખપ આવી ગઈ છે . કાયામાં કોઈ શલ્ય હોય એવું લાગે છે . ‘
‘ શું વાત કરે છે ? ‘
‘ હા , એમને પીડા ઘણી છે પણ ધીરજથી ખમી રહ્યા છે . ‘
‘ તને કેવી રીતે ખબર પડી ?’
‘ ચહેરો જોઈને સમજાય . ‘
‘ અરે તો તપાસ કર , શલ્ય શું છે , ક્યાં છે . ખાલી વાતો જ કરવાથી શું વળે ? ‘

સિદ્ધાર્થ ચિંતામાં આવી ગયો . વૈદ્ય સ્તબ્ધ હતો . એણે દેવાર્યને તપાસ્યા . પગમાં , હાથમાં શલ્ય નહોતું . એ ધીરજથી જોતો રહ્યો . એની આંખ દેવાર્યના કાન પાસે અટકી , એણે હળવા હાથે સ્પર્શ કર્યો . શલ્ય કાનમાં હતું , વૈદ્યને ચક્કર આવી ગયા . બીજો કાન તપાસ્યો . એમાં પણ ખીલો હતો . વૈદ્ય પૂરેપૂરો ધ્રુજી ઊઠ્યો . આ કેવી રીતે બને ? પગમાં કાંટો વાગે એ સમજી શકાય . બે પગમાં કાંટા વાગી જાય તેય સમજી શકાય . કાનમાં કાંટો વાગે એવું બની ન શકે . એકીસાથે બે કાનમાં કાંટા વાગે એવું તો ક્યારેય ન બની શકે . કાનમાં કાંટો વાગે તેનાથી કાનનું કાણું બંધ થતું નથી . દેવાર્યના કાનમાં કાંટાથી મોટું કાંઈક હતું . એનાથી આખ્ખા કાન બંધ થઈ ગયા હતા . એ જે પણ હતું એને હથિયાર જ કહેવું પડે . દેવાર્યના કાનમાં હથિયાર હતું . હથિયાર સામે ચાલીને વાગતા નથી , હથિયાર કોઈકના હાથે વાગે છે . મતલબ કે કોઈએ જાણીજોઈને દેવાર્યના કાનમાં હથિયાર માર્યું હતું . બે કાન . બે હથિયાર . મારનારો અણઘડ હુમલાખોર હતો કે સુનિયોજિત હત્યારો હતો તે રાજ્યના ગુપ્તચરોએ શોધવું પડે .


વૈદ્ય કોઈક્કાળે કલ્પના કરી ન શકત કે આવો હુમલો થઈ શકે છે . એને અરેરાટી થઈ રહી હતી . એણે સિદ્ધાર્થને ધ્રુજતા અવાજે કહ્યું :

‘ શલ્ય છે , શલ્ય મોટું છે અને એ કાનમાં છે , બેય કાનમાં . ‘

સિદ્ધાર્થના પગતળેથી જમીન ખસકી પડી . એ તમ્મર ખાઈ ગયો . દેવાર્ય પર આવું ક્રૂર કષ્ટ ? એણે કહ્યું :

‘ કોણે આવું કર્યું હશે ? સમજાતું નથી . આ ભયાનક પાપાત્માનું કામ છે , અત્યારે આપણે વાતોમાં સમય બરબાદ નહીં કરીએ . શલ્ય ચિકિત્સા અને શલ્ય ઉદ્ધારની તૈયારી કરો , વૈદ્યજી . દેવાર્ય બોલશે નહીં . આપણે જ આરોગ્ય ઉપચાર કરવાના છે . ‘

દેવાર્ય કાંઈ ઉપચાર માટે આવ્યા નહોતા . એ ભિક્ષાર્થે પધારેલા . પારણું થયું , નીકળી ગયા . સિદ્ધાર્થ અને ખરક વૈદ્ય દેવાર્યની પાછળ પાછળ ગયા . દેવાર્યે મધ્યમ અપાપાના એક વનખંડમાં કાઉસગ્ગ સ્વીકાર્યો . બેય મિત્રો દેવાર્ય સમક્ષ ઊભા રહ્યા . રડવા લાગ્યા , કહ્યું :

‘ આપ કેમ મૌન રહો છો , આપ શરીર પ્રત્યે ઉદાસીન કેમ રહો છો ? આટલો મોટો જખમ કાનમાં છે , બેય તરફ ખીલો અંદર જ ખૂંપેલો છે , આપ સહન કેવી રીતે કરો છો ? આપે અમને કહેવું જોઈતું હતું , સાહેબ . હવે , અમારી એક વિનંતી સ્વીકારવાની છે . આ ખીલા બહાર કાઢવાની અમારી ભાવના છે . આપ અમને ના પાડશો મા . આપ હા નહીં પાડો , અમને ખબર છે . બસ , ના નહીં પાડતા . અમે अनिषिद्धम् अनुमतम् સમજી લેશું . આટલી કૃપા કરજો . ‘

દેવાર્ય મૌન જ રહ્યા . બાર વરસમાં દેવાર્ય કાયમ દુઃખ સહેવા માટે મૌન રહેતા . આ પહેલીવાર હતું કે દેવાર્ય દુઃખને મિટાવવા માટે મૌન રહ્યા . એક મોટું દુઃખ આવી રહ્યું હતું તેેને સ્વીકારવા માટેય કદાચ , મૌન રાખ્યું . દેવાર્ય મૌન રહ્યા એટલે ઉપચારની આજ્ઞા મળી ગઈ એમ સમજી બે મિત્રો કામે લાગી ગયા .

આયુર્વેદિક તેલ , મોટી તાવડીઓ , ઔષધિઓ , સાણસા અને એવી ઘણી સાધનસામગ્રી દેવાર્ય સમક્ષ ખડકાઈ . વૈદ્યરાજે મોંઘેરા તેલથી દેવાર્યને આખા શરીરે મર્દન કર્યું . દીક્ષા પછી આ પહેલીવાર દેવાર્યના દેહ પર વિલેપન થયું . તૈલમર્દનથી દેવાર્યના સ્નાયુઓ નરમ થયા . કાનમાંથી શલ્ય બહાર લાવવાનું હતું . પ્રયાસ એવો હતો કે આજુબાજુનો ભાગ માલિશ કરતાં કરતાં , બહારથી દબાણ આપીએ અને અંદરનું શલ્ય એની મેળે બહાર નીકળી આવે . એમાં પીડા ઓછી થાય . દેવાર્ય સિવાય કોઈને ખબર નહોતી કે ખીલા કેટલે અંદર સુધી ગયા છે . કાનની પાછળ અંગૂઠેથી મર્દન કરવાથી શલ્ય નિવારણ થઈ જાય એવું વૈદ્યને માનવું હશે . એ અલગ અલગ બિંદુઓથી કોશિશ કરતો રહ્યો . એવું કાંઈ થયું નહીં . કાનના કાણામાંથી ખીલા પકડાય અને ધીમે ધીમે હલાવીને બહાર લાવી દેવાય , એવી કોશિશ નિષ્ફળ નીવડી .

‘ ખીલા ગાઢ રીતે ચીપકી ગયા છે , ઘણે અંદર સુધી ગયા હોય એવું પણ લાગે છે . માની શકાતું નથી . ખીલા નાંખનારે ખીલા અંદર નાંખ્યા શી રીતે ? એના હાથ કાંપ્યા નહીં ? અને દેવાર્ય આ કષ્ટને સહે છે કેવી રીતે ? ‘ વૈદ્યે સિદ્ધાર્થને કહ્યું . ‘ મેં કે મારી સાત પેઢીના પૂર્વજોએ આવો નિઘૃણ કિસ્સો જોયો નથી . આનો ઈલાજ કરવા માટે મારે બધું એકડેએકથી વિચારવું પડે છે . ઉપચારશાસ્ત્રોના ઈતિહાસમાં આવું વિકટ દર્દ આજસુધી કોઈનામાં જોવા મળ્યું નથી . હું સુંવાળા હાથે ઉપચાર કરવા માંગતો હતો . પણ આ તકલીફ , કડક અને કઠોર ઉપચાર વિના જવાની નથી . ‘

સિદ્ધાર્થ પણ એ જ મતનો હતો કે દેવાર્યની પીડા ઓછી થવી જોઈએ અને દેવાર્યને નવી કોઈ પીડા ના થવી જોઈએ . જોકે , કાનમાં શલ્ય હતું તે સરળતાથી બહાર નીકળશે જ નહીં એમ હવે સમજાતું હતું . ઝાટકો આપવાથી ખીલો એક ક્ષણમાં નીકળી જાય ખરો પણ એક ક્ષણની પીડા કેવી હશે તેનો કોઈ અંદાજો લગાવી શકાતો નહોતો . એ પીડા આપવાની હિંમત કેળવવાની હતી . કાંટો અંદર રહે અને લાંબા સમય સુધી પીડા આપતો રહે તેના કરતાં વધારે ઉચિત એ હતું કે એક વખતની , થોડા સમયની પીડા આપીને કાંટાને બહાર જ કાઢી નાંખવો . ઉપચારશાસ્ત્રની આ નિર્દયતા જ ચિર આરોગ્ય આપી શકે છે . કાંટો અંદર રહીને સડો જ બનાવે , કાંટાની જગ્યા બહાર જ હોય , અંદર નહીં .

આગળ જે થયું તેનું વર્ણન મુશ્કેલ છે . સાણસો કાનના કાણા પાસે પહોંચ્યો . સાણસાનું મોઢું ખુલ્લું હતું . સાણસાના બેય ટોપચાં કાનના કાણા પર દબાયાં . કાનની ચામડી દબાઈ . સાણસો વધારે અંદર દબાયો . ખીલો બે ટોપચાની વચ્ચે પકડમાં આવશે , એવું લાગ્યું પણ પકડ બની શકી નહીં . સાણસો વધારે જોરથી દબાયો . હવે ખીલો સાણસાની પકડમાં આવ્યો . સાણસાને બહારની તરફ ખેંચ્યો . ખીલો હલે જ નહીં . સાણસાને ઉપરનીચે ડાબેજમણે હલાવી જોયો , ખીલો બિલકુલ ન હલે . હવે ? એક જ રસ્તો બચ્યો હતો , જોરથી ખેંચવાનો . દેવાર્ય આખી પ્રક્રિયામાં ધ્યાનમુદ્રાએ સ્થિર હતા . એમને પીડા થતી હશે , પણ એ શાંત હતા .

વૈદ્યે સિદ્ધાર્થની સામે જોયું , આંખોથી પૂછ્યું . સિદ્ધાર્થે માથું હલાવીને હા કહી . વૈદ્યે સેવામાં આવેલા બધા જ સેવકોને બોલાવ્યા . દેવાર્યના બંને કાન પર સાણસાનો આગલો હિસ્સો દબાયેલો હતો . સેવકોએ એક જ સમયે , એક સાથે , એક સરખો ઝટકો લાગે એ રીતે જોરથી સાણસો ખેંચ્યો .

એક સાથે બે વાત બની .
ખચ્ચાક કરતા ખીલા બહાર નીકળી આવ્યા . ખીલા પર દેવાર્યનું સફેદ લોહી બાઝેલું હતું . કાનમાંથી લોહીની ધાર નીકળી આવી .
સાથોસાથ , દેવાર્યનાં મોઢામાંથી રાડ નીકળી ગઈ . દેવાર્યથી સહન થયું હશે ખરું પણ પીડા તીવ્ર હશે . ખરબચડા ખીલા ઠોકાયા ત્યારે , કાન અંદરથી પૂરેપૂરા છોલાયા હશે . ખરબચડા ખીલા બહાર નીકળ્યા ત્યારે કાન ફરીથી પૂરેપૂરા છોલાયા હશે . ખીલા અંદર ગયા ત્યારે કાનમાં પહેલેથી જખમ કે સોજો નહોતા , ખીલા બહાર આવ્યા ત્યારે કાનમાં જખમ હતો અને શરીર જખમની જે પ્રતિક્રિયા બતાવે તે પ્રતિક્રિયા બની ચૂકી હતી . ખીલા બહાર ખેંચાયા એ ક્ષણે ઘોર , અઘોર , અતિઘોર પીડા બની હતી . દેવાર્યનાં સમગ્ર જીવનની આ સૌથી મોટી પીડા હતી . એનો જ પડઘો હતો કે દેવાર્યનાં મોઢામાંથી રાડ નીકળી આવી . એનો ઉચ્ચાર પ્રચંડ હતો . સિદ્ધાર્થ , વૈદ્ય અને અન્ય સેવકોના કાનમાં એકદમ ધાક બેસી ગઈ . વગડામાં હજારો વાદળના ગગડાટ જેવો ઘનઘોષ ફેલાયો . વીજળી જમીન પર પડે અને કડાકો થાય એવી રીતે દેવાર્યની રાડનો બુલંદ અવાજ સામે ઊભેલી ટેકરીને વચોવચ અથડાયો અને ટેકરીમાં લાંબી તિરાડ પડી ગઈ . પળભર માટે આસમાન હલી ગયું , ધરતી ધ્રુજી ઊઠી .

એ રાડના ભણકારા શમ્યા તે પછી સમજાયું કે કાનમાંથી ખીલા નીકળી ચૂક્યા હતા . આશા હતી કે ખીલા નીકળી જશે પણ વિશ્વાસ નહોતો . હવે વિશ્વાસ બેઠો . જોકે , રાહતનો અહેસાસ બન્યો નહીં . લોહિયાળ ખીલા એક એક આંગળ જેટલા લાંબા હતા . ખીલાના જખમ પણ કાનમાં એવા જ લાંબા હતા . વૈદ્યે મોંઘી અને શ્રેષ્ઠ ઔષધિઓનો લેપ દેવાર્યના કાને લગાવ્યો . દેવાર્ય વારંવાર ઉપચાર લે એવી સંભાવના ઓછી હતી . દેવાર્ય ઉપચાર લેવા માટે અહીં રોકાયેલા રહે એવું પણ બનવાનું નહોતું . એકવારમાં એવો ઔષધપ્રયોગ કરવાનો હતો કે પીડા પણ જાય અને જખમ પણ ભરાય . જેમ ઘાબાજરિયું નાના જખમ પર અકસીર નીવડે છે એમ સંરોહિણી ઔષધિ મોટા જખમ પર કારગર પુરવાર થતી આવી છે . દેવાર્યના કાને તેના લેપ થયા . દેવાર્યના ચહેરાને વૈદ્યે ચકાસ્યો . હવે દેવાર્યને કોઈ શલ્ય સતાવી રહ્યું નહોતું .

દેવાર્યે અપાપાપુરીથી જૃંભકગ્રામ તરફ વિહાર કર્યો . એક નમણી નદી દેવાર્યની પ્રતીક્ષા કરી રહી હતી . ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *