વનવગડે વિહરે વીર : ૩૩.૧

વનવગડે વિહરે વીર : ૩૩.૧

કાનમાં ખીલા ઠોકાયા

દીક્ષા પછીના બાર ચોમાસાં થઈ ચૂક્યાં હતાં . તેરમા ચોમાસાને ઘણીવાર હતી . દેવાર્ય ગામ બહાર કાઉસગ્ગમાં ઊભા રહ્યા . જંગલ હતું . એકાંત હતું . રડ્યોખડ્યો કોઈ માણસ ટપકી પડે એ વાત અલગ , બાકી સૂમસામ વાતાવરણ હતું . દેવાર્યને જનસંપર્કથી દૂર રહેવું હોય એટલે એમણે નક્કી કરેલી જગ્યામાં એકાંતની જ મુખ્યતા રહેતી . એક ગોવાળે એ એકાંતમાં પ્રવેશ કર્યૉ . તે પોતાની ધૂનમાં હતો . એની પાછળપાછળ બળદ આવ્યા . એમના છીંકોટા , ભાંભર અને પગની પછાડે શાંતતાને ડહોળી નાંખી . ગોવાળે દેવાર્યને જોતાવેંત કહ્યું કે તમે આ બળદ પર નજર રાખજોને , હું ગામમાં મારી ગાય દોહીને તરત પાછો આવું છું .

સવાલ એ હતો કે શું દેવાર્ય એના બળદિયા સાચવવા માટે અહીં આવ્યા હતા ? શું દેવાર્ય સાથે એની કોઈ ઓળખાણ હતી ? એ કંઈ રીતે દેવાર્યને કહી શકે કે તમે આમનું ધ્યાન રાખજો . એણે સમજવું જોઈએ કે દેવાર્ય પોતાનાં અંતરંગ ધ્યાનમાં લીન છે . જે પવિત્ર ધ્યાન કરી રહ્યા હોય તે કોઈનું ધ્યાન શું કામ રાખે ? દેવાર્ય હા કે ના – માં જવાબ ન આપે ત્યારસુધી એણે ત્યાંથી હટવું પણ ના જોઈએ . વગડો હતો . ક્યારે પણ કંઈ પણ થઈ શકે . આમ મવેશીઓને છુટ્ટા મૂકીને થોડી જવાય ? હટ્ટાગટ્ટા જનાવરોને અજાણ્યાના હાથમાં સોંપવાનું કેટલું ઉચિત હતું ? પણ એ ગોવાળ સમજદાર નહીં હોય . દેવાર્યને ચીલાચાલુ ચરવાહો સમજી બેઠો હશે , એ એની ભૂલ હતી . દેવાર્ય એના પાલતુ જનાવરોની જવાબદારી સ્વીકારે એવો કોઈ મુદ્દો જ બનતો નહોતો .

કદાચ , એને ચોખ્ખી ભાષામાં ના કહો તે જ સમજાય એવું બને . પણ દેવાર્ય એને ના પાડવા માટે કાઉસગ્ગ છોડે , એવું ન જ બનેને . દેવાર્યે હોંકારો ભર્યો હોય અને કહ્યું હોય કે , તમતમારે નિરાંતે કામ પતાવીને આવો , હું આમની સાથે અહીં જ ઊભો છું . જો આમ થયું હોય તો ગોવાળ બળદને ત્યાં રાખીને જઈ શકે . અન્યથા એના બળદને એણે જ સંભાળવાના હોય . દેવાર્યની એમાં કોઈ ભૂમિકા ન હોય . ગજબનો ગોવાળ હતો . દેવાર્યને બળદ થમાવીને ગામ ઉપડી ગયો . બળદને દોરીથી બાંધવામાં જોખમ હતું . કોઈ જંગલી પશુ આવી પડે અને બળદ બંધાયેલા હોય , એમાં સલામતી નહીં . ગોવાળ તરત પાછો આવવાનું આશ્વાસન દઈને ગયો .

બાંધ્યા વિનાના ઢોર , ચારો ખાવા આમતેમ નીકળી ગયા . દૂરદૂર ચાલી ગયા . દેવાર્ય એ બળદને રોકવા પોતાનો કાઉસગ્ગ ન છોડી શકે . જેમનો કાઉસગ્ગ ચંડકૌશિક કે સંગમને લીધે પણ ના છૂટ્યો તેમનો કાઉસગ્ગ ગોવાળ કે બળદને લીધે કેવી રીતે છૂટી શકે ? થોડી વારે ગોવાળ પાછો આવ્યો . એણે દેવાર્યને જોયા પણ બળદ ત્યાં નહોતા .

‘ મારા બળદ ક્યાં ગયા ? ‘ એણે પૂછ્યું . દેવાર્ય મૌન રહ્યા .
‘ હું તમને પૂછું છું ? સાંભળો છો કે નહીં ? મારા બળદ તમને ભળાવેલા એ ક્યાં જતા રહ્યા ? ‘ ગોવાળ ગુસ્સામાં બોલ્યો . દેવાર્ય અબોલ .


‘ તમારા કાનની બખોલમાં અવાજ ઘૂસે છે કે નહીં ? સાંભળવું ન હોય તો તમારા કાનના કાણા બંધ કરી દઉં ? ‘ એ બબડ્યો . આ ગજબ વાક્ય હતું . આવું કોઈ વિચારે પણ ખરું ? કાનના કાણા ? આ તે કંઈ વાત છે ? કાણા પૂરવાનો શો મતલબ છે ? દેવાર્ય કોઈ દીવાલ છે ?


‘ તમારે સાંભળવું જ નથી ને ? ‘ એ ગોવાળિયો બળદ નહોતા દેખાઈ રહ્યા એને લીધે ભૂંરાટો થયો હતો . ગુસ્સામાં ગાંડો થઈ રહ્યો હતો . ગામમાં જતા પહેલાં પણ એણે દેવાર્યને કાંઈક કહ્યું અને ત્યારે પણ દેવાર્યે જવાબ નહોતો આપ્યો . એ વખતે એ ધુનકીમાં હતો . એને ન સમજાયું કે જવાબ નથી મળ્યો . અત્યારે એને દેવાર્ય જવાબ નહોતા આપી રહ્યા એ બરોબર સમજાઈ રહ્યું હતું . એને કોણ કહે કે અલા ભાઈ , પહેલીવારમાં સમજી ગયો હોત ને વગડામાં બળદ રેઢા ન મૂક્યા હોત તો તારો આ વારો જ ન આવત .

એનું માથું ભમી ગયું . એ ઝાડવાઓમાં ગયો . તાંબાના તીર જેવી કઠણ , લાંબી અને અણીદાર સૂકી દાંડીઓ લઈ આવ્યો . ધાર કાઢીને અણીને ખીલાની જેમ તીવ્ર બનાવી . એક હાથમાં પથ્થર અને બીજા હાથમાં ખીલાદાંડી લઈને એ ઘુરક્યો .
‘ જવાબ આપો છો કે આ ખીલા કાનમાં ઠોકી દઉં ? ‘


દેવાર્યે એટલું જ બોલવાનું હતું કે ‘તારા બળદ પેલી તરફ ગયા છે , તું ત્યાં જઈને જો .’ દેવાર્ય મૌન રહ્યા . એ જડભરત ગોવાળે દેવાર્યના કાનના કાણાને – ખરેખર , ખીલાનો છેડો અડાડ્યો . હાથ સ્થિર કર્યો અને બીજા હાથે ખીલાના ટોપચા પર પથ્થર ઝીંક્યો . દેવાર્યના કાનમાં ખચ્ચ એવો બોદો અવાજ થયો , લોહીની સફેદ ધાર ફૂટી અને ખીલો કાનમાં ખૂંપી ગયો . મહાભયંકર પીડાની એ ક્ષણ હતી . દેવરાજ શું કરતા હતા ? પેલો સિદ્ધાર્થ ક્યાં ભટકતો હતો ? દેવાર્યના કાનમાં ખીલો ઠોકાઈ રહ્યો હતો . ગોવાળને રોકવાવાળું કોઈ હાજર નહોતું . એણે ફરી હથોડાની જેમ પથ્થર માર્યો , ખીલો પડદાના પેટાળમાં ઉતરી ગયો . સામાન્ય માણસ – કાન પર મચ્છર કરડે તોય ચમકી ઊઠે છે , કાનમાં પાણી ભરાય તેમાંય ત્રાસે છે . દેવાર્યના કાનમાં એક આંગળ લાંબો ખીલો ખૂંતી ગયો . દેવાર્ય હલ્યા નહીં , બોલ્યા નહીં , પીડાર્ત થયા નહીં . ગોવાળ બીજા કાન પાસે આવ્યો . ત્યાં પણ એણે ખીલો ઠોકી દીધો . આ અકલ્પનીય હતું . દેવાર્યે ગોવાળનું શું બગાડ્યું હતું ? આટલો ભયાનક ફટકો , કાનમાં ? દેવાર્યે આ સહન કેવી રીતે કર્યું હશે ? ભીંતમાં ખીલો ઠોંકાય ત્યારે આખી ભીંત ધ્રુજે છે , દેવાર્યના એક એક કાનમાં ખીલો ઠોકાયો ત્યારે એમની કાયાને કેવા ઉગ્ર ઝટકા લાગ્યા હશે ? એમના મોઢામાંથી એક ઉંહકારો પણ ન નીકળ્યો . એમના ચહેરા પર પીડાની એક રેખા પણ ન ફરકી .

ગોવાળે દેવાર્યની સામે ઊભા રહીને જોયું . કાનમાંથી બહાર તરફ ખીલાની દંડી દેખાઈ રહી હતી . ‘ આ જેને કોઈને દેખાશે તે બહાર કાઢી લેશે . આ દંડીને કાનના કાણા સુધી અંદર રહેવા દઉં છું અને બહારનો ભાગ કાપી જ લઉં છું . ‘ એ મનોમન બોલ્યો .

તમારા પગમાં ક્યારેક કાંટો વાગ્યો જ હશે . એ કાંટો સાવ ઝીણો હોય છે . કાંટો કાઢનારે કાંટો કાઢતી વખતે એ કાંટાને , થોડો હલાવ્યો હશે , એ કાંટો પગની અંદર થોડો પણ હલે તો કેવી પીડા થાય છે એ તમે અનુભવ્યું હશે . હવે વિચારો કે દેવાર્યના કાનમાં જે ખીલા ઠોંકાઈ ચૂક્યા છે તેને બહારથી કાપવા માટે ગોવાળે કરવત ઘસી હશે કે ચાકુ ઘસ્યું હશે . એ ઘસાતી વખતે કાનની અંદરનો એક એક ખીલો કેટલું બધું હલ્યો હશે ? એની પીડા કેવી કાળઝાળ હશે . આ નરકનો સાક્ષાત્કાર કરાવી દેનારું મહાકષ્ટ હતું . દેવાર્ય પલકમાત્ર પણ વિચલિત થયા નહીં . ગોવાળે પોતાનું પરમાધામી કર્મ પૂરું કર્યું અને ચાલ્યો ગયો .

દેવાર્ય કાઉસગ્ગ પારી શકતા હતા . ડોક એક તરફ ઝૂકાવીને , પોતાની આંગળીથી ખીલાને બહાર કાઢવાની કોશિશ કરી શકતા હતા . માથું ગોળગોળ ફેરવીને ખીલાને બહાર લાવવા ઝટકા લગાવી શકતા હતા . વસતિમાં જઈને કોઈને કહી શકતા હતા કે આ જુઓ , બેય કાનમાં ખીલા છે . દેવાર્યે કંઈ પણ કર્યું હોત , એ ખીલા તરત નીકળી જાત . તાજો તાજો ઘા હતો , ઓછી વેદનામાં ઈલાજ થઈ જાત .

દેવાર્યે ન કાઉસગ્ગ પાર્યો , ન આંગળી ઊઠાવી , ન ગરદન હલાવી , ન કોઈને જાણકારી આપી . જાણે કશું થયું જ ન હોય તે રીતે પોતાના કાઉસગ્ગમાં દેવાર્ય સ્થિર ઊભા રહ્યા . ખીલાની આસપાસ લોહી થીજે , સોજો ચડે , ફાટેલી નસોનો દુખાવો થાય , સણકા ઉપડે . ઘણું કષ્ટ થઈ શકતું હતું . . દેવાર્ય એ અંગે બેપરવા રહ્યા . જાણે કાનમાં ખીલા ઠોકાયા જ ન હોય એવી દૃઢ માનસિકતા સાથે દેવાર્યે ત્યાં ઊભા રહીને ધ્યાનસાધના યથાવત્ ચાલુ રાખી . ( ક્રમશ: )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *