વનવગડે વિહરે વીર : ૩૧.૪

વનવગડે વિહરે વીર : ૩૧.૪

દેવાર્યનું પારણું થયું ત્યાં દેવોએ પંચ દિવ્ય પ્રગટાવ્યા . આકાશમાં દુંદુભિનાદ થયો . દેવો તુમુલ હર્ષનાદ સાથે નૃત્ય કરવા લાગ્યા . સુવર્ણમુદ્રાઓની વર્ષા થઈ . દેવતાઈ પ્રભાવે ચંદનાના સુંદર વાળ પાછા આવી ગયા , પગની બેડી સોનાના ઝાંઝર થઈ ગઈ . શરીર પર ઉત્તમ વસ્ત્રો અને રત્નના દાગીના આવી ગયા . ચંદના પહેલા કરતાં પણ વધુ સુંદર દેખાવા લાગી . એને દેવાર્યના કઠિન અભિગ્રહને પૂર્ણ કરાવવાનો અને પાંચ મહિના , પચીસ દિવસના લાંબા ઉપવાસના પારણાનો લાભ મળ્યો હતો .

ધનાવહ શ્રેષ્ઠીના દરવાજે મહારાજા અને મૃગાવતી , મંત્રી અને નંદા , દેવરાજ અને નગરજનો ભેગા થઈ ગયા . ચંપાનગરીના યુદ્ધમાં પકડાયેલા કેદીઓમાંથી સત્તાવાર મુક્ત થયેલો એક કેદી પણ ત્યાં પહોંચ્યો . સંપુલ એનું નામ . એ ચંપાનગરીના અંતઃપુરનો આરક્ષક કંચુકી હતો . એણે ચંદનાને જોઈ અને ઓળખી . એ ભીડ વચ્ચેથી જગ્યા બનાવીને ચંદના પાસે પહોંચ્યો અને એના પગમાં પડી રડવા લાગ્યો . મહારાજાએ એને પૂછ્યું :
‘ આ શું કરે છે ? આમ રડે છે શું કામ ? ‘
‘મહારાજ , આ કુમારીને આપ ઓળખો છો ?’ ચંદના તરફ હાથ લંબાવીને તેણે પૂછ્યું .
‘ હા , એણે જ દેવાર્યને પારણું કરાવ્યું છે . ‘ મહારાજા બોલ્યા .
‘ એ વાત બરોબર છે પણ એ ધનાવહ શેઠની દીકરી નથી ‘
‘ તો કોણ છે ? ‘
‘ એ દધિવાહન રાજાની દીકરી છે , વસુમતી . હું ચંપાપુરીના અંતઃપુરમાં કંચુકી હતો . મારી વાતમાં મીનમેખનો ફેર નહીં પડે . ‘
‘ શું વાત કરે છે ? સાચ્ચે ? ‘
‘ હા પ્રભુ , ‘
‘ પણ એ અહીં કેવી રીતે ? ‘
‘ આપ એને પૂછી જુઓ . ‘
મહારાજાએ ચંદના સામે જોયું . એ પણ સંપુલને જોઈને રડવા લાગી હતી .
‘ બેટા , ચંપાયુદ્ધમાં રાજા દધિવાહન ભાગી ગયા ત્યારે તું સાથે નહોતી ગઈ ? ‘ મહારાજાએ ચંદનાને પૂછ્યું .
‘ ના , હું અને મારી માતા ધારિણી , રાજાથી છુટ્ટા પડી ગયા હતા . મારી માએ , ધારિણીરાણીએ આત્મહત્યા કરી . મનેં ધનાવહ શેઠે દાસી તરીકે ખરીદી લીધી ‘ ચંદનાએ કહ્યું .
‘ ઓહો , તું ધારિણીની દીકરી છો ? ‘ મહારાણી મૃગાવતી બોલ્યા . ‘ ધારિણી મારી બેન છે . હું તારી માસી થાઉં . તારી આ હાલત ? મારા જ શહેરમાં તું દાસી તરીકે રહે છે ? હે ભગવાન્ . મનેં કેમ આની ખબર ન પડી ? ‘ મહારાણીએ ચંદનાને ગળે લગાવી .

ચંદનાના હાથે દેવાર્યનો અભિગ્રહ પૂરો થઈ ગયો . જવાબમાં દેવાર્યના પ્રભાવે ચંદનાનાં દુઃખના બધા દિવસો પૂરા થઈ ગયા . ચંદનાનું દાસીપદ દૂર થઈ ગયું . એને રાજકુમારી વસુમતી તરીકેની ઓળખ પાછી મળી . મહારાજા/મહારાણીએ એને દીકરી તરીકે સ્વીકારી લીધી . દેવાર્યે ચંદનાને કેટલો સમય આપ્યો ? સોબસ્સો ક્ષણો . પણ એટલામાં ચંદનાના ભાગ્યના દરવાજા ઉઘડી ગયા . દેવાર્ય ચંદના પાસે ન આવ્યા હોત તો ચંદનાની જિંદગી કેટલી અધૂરી રહી જાત . અરે , એનું નામ સુદ્ધાં લોકોને ખબર પડત નહીં . દેવાર્યે ચંદનાને સાવ થોડો સમય આપ્યો એમાં ચંદના મશહૂર થઈ ગઈ અને એનું નામ અમર થઈ ગયું . આ દેવાર્યની તાકાત હતી .

દેવાર્ય ધનાવહનાં ઘરેથી પાછા નીકળ્યા . આજ કૌશાંબીનગરી રાજી હતી . દેવાર્યે આજે પહેલીવાર કૌશાંબીને પારણાનો લાભ આપ્યો હતો . મહિનાઓની પ્રતીક્ષાનો આજે સુખદ અંંત આવ્યો હતો .


દેવતાઓએ પંચ દિવ્યમાં કરેલી ધનવૃષ્ટિના અગણિત સોનેરી સિક્કા જમીન પર પથરાયેલા હતા , રત્નો પણ વેરાયા હતા . મહારાજાને લાગ્યું આ રાજ્યની સંપદા છે , આને હું લઈ જઈશ . એમને દેવરાજે રોક્યા . કહ્યું : આ ચંદનાનું ધન છે , રાજ્યનું નહીં . ચંદના જેને આપવા ચાહે એને એ મળશે .

મહારાજાએ ચંદનાને પૂછ્યું : આ ધન કોને આપવું છે ?

ચંદનાએ ધનાવહ શેઠ સામે જોયું . શેઠ ક્યારના આવીને ઊભા હતા . એ લુહારને લઈને આવ્યા હતા . પગની બેડી તોડવા . અચાનક દેવાર્ય પધાર્યા , ચંદનાના હાથે પારણું થયું , દેવરાજ , દેવો , મહારાજા/મહારાણી/મંત્રી અને નગરજનો આવી ગયા એમાં એ બાજુ પર રહી ગયા હતા . ચંદનાના નવા દેદાર જોઈને એ શેઠ પણ અવાચક હતા. જે અનુમાન સાથે એમણે ચંદનાને ખરીદી હતી એ અનુમાન સાચું પડ્યું હતું . ચંદના ખરેખર મહાકુલપ્રસૂતા હતી . ચંદનાએ કહ્યું :

‘ આ ધન , પૂજનીય શેઠજીને સોંપવું છે . એમણે પિતા બનીને મારું બધું જ ધ્યાન રાખ્યું . એમનો બહુ મોટો ઉપકાર છે મારી પર . ‘ ચંદના અને શેઠની આંખમાં દીકરી અને પિતા જેવા જ આંસુ વહી નીકળ્યા . કરોડોનું ધન સત્તાવાર રીતે ધનાવહ શેઠને સોંપી દેવાયું . નિઃસ્વાર્થ પરોપકારનુું આ ઉત્કૃષ્ટ ફળ હતું .

દેવરાજે મહારાજા શતાનીકને કહ્યું : આ ચંદના તમારાં ઘરે માન સન્માનપૂર્વક રહેશે . દેવાર્યને કેવળજ્ઞાન થશે તે પછી ચંદના દેવાર્યની પ્રથમ શિષ્યા બનશે . ત્યારસુધી તમે ચંદનાનું ધ્યાન રાખશો . ‘


‘ જી , બિલકુલ ‘ મહારાજાએ જવાબ આપ્યો . સાક્ષાત્ સૌધર્મ ઈન્દ્ર સાથે વાર્તાલાપ કરવાનો આ પહેલો મોકો હશે . શું બોલે બીજું ? એ બસ , દેવરાજને જોતા રહી ગયા . મહારાજાને સમજાઈ રહ્યું હતું કે દેવરાજ સામે હું સાવ ફીક્કો છું અને તદ્દન કમજોર છું . દેવરાજે વિદાય લીધી .

દેવાર્યે કૌશાંબી પાસેથી થોડા અડદના દાણા લીધા . તેય એક જ વાર . આની સામે દેવાર્યે કૌશાંબીને કેટલું બધું આપ્યું ? શક્રસ્તવના ઉદ્ગાતા સૌધર્મ ઈન્દ્રનું આગમન . કૌશાંબીના ઈતિહાસની સૌથી મોટી તપસ્યા . ચોવીસમા તીર્થંકરના પ્રથમ સાધ્વી સંબંધી ભવિષ્યવાણી . દેવો દ્વારા નિર્મિત પંચ દિવ્યને નરી આંખે જોવાનો લહાવો . વિખૂટા પડેલા સ્વજનોનો મેળાપ . દેવાર્યે કૌશાંબીને એક એવી ઘટનાનું સ્થાન બનાવ્યું જેની કથા ઈતિહાસમાં યુગયુગાંતર સુધી ગવાયા જ કરશે . દેવાર્યે લીધું થોડું અને આપ્યું ઘણું . (ક્રમશઃ)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *