વનવગડે વિહરે વીર : ૩૧.૩

વનવગડે વિહરે વીર : ૩૧.૩

ચંદનાએ કરાવ્યું પારણું

મહારાજા શતાનીકની મહત્ત્વાકાંક્ષા ઘણી મોટી રહેતી . રાજ્યનો સીમાડો વિસ્તારવાનો એક પણ મોકો એ ગુમાવતા નહીં . કોઈ રાજા નબળો પડે તેને હરાવીને પોતાનો ખંડિયો રાજા બનાવવામાં મહારાજાને ઘણો આનંદ આવતો . એક રાતે મહારાજાએ ચંપાનગરી પર અચાનક , નદીમાર્ગેથી નૌસેના દ્વારા હલ્લો કર્યો . ચંપાનગરીનો રાજા દધિવાહન ગભરાઈને ભાગી નીકળ્યો . શતાનીકની આસાન જીત થઈ . રાજાએ સૈનિકોને જે લૂંટવું હોય તે લૂંટી લેવાની જાહેરાત કરાવી . સૈનિકોએ મનફાવે તે રીતે શહેર લૂંટ્યું . એક સૈનિકે દધિવાહનની રાણી ધારિણી અને રાજકુમારી વસુમતીનું અપહરણ કર્યું . બેયને લઈને ઊંટ દ્વારા એ સૈનિક કૌશાંબી તરફ આવી રહ્યો હતો . રસ્તામાં તેણે ધારિણીને કહ્યું કે હવેથી તું મારી પત્ની છે . ધારિણીએ જીભ કચડીને આત્મહત્યા કરી લીધી .

સૈનિક ગભરાયો . એણે વસુમતીને કાંઈ ન કહ્યું . કૌશાંબી પહોંચીને તેણે આ કુમારીને રસ્તાના છેડે ઊભી રાખી દીધી . કોઈ દાસી તરીકે એને ખરીદી લે એવી એની ઉમ્મીદ હતી . એ જમાનામાં દાસદાસીઓને આમ બજારમાંથી ખરીદવામાં આવતા . એ જ રસ્તેથી કૌશાંબીના પ્રખ્યાત શ્રેષ્ઠી ધનાવહ જઈ રહ્યા હતા . એમણે વસુમતીને જોઈ . વિચાર્યું કે આવી નાજુક અને સુંદર કન્યા કોઈ ઊંચા ખાનદાનની જ હોય , બિચારી ખોટી જગ્યાએ આવી ગઈ છે . તેમણે એને ખરીદી લીધી . ઘરે લાવ્યા . તેમણે વસુમતીને પૂછ્યું કે તું કોણ છે , તારા માબાપ કોણ છે ? ડઘાયેલી વસુમતીએ કોઈ જ જવાબ આપ્યો નહીં . શેઠે પોતાની જ દીકરી માનીને એને સાથે રાખી લીધી .

મૂળા શેઠાણીને ગમ્યું નહીં પણ એ ચૂપ રહ્યા . ધીમેધીમે વસુમતી હળીમળી ગઈ . એ હંમેશા શાંતિ નીપજે એવું મીઠું મીઠું બોલતી . એથી એનું નામ રાખ્યું : ચંદના . એ ધનાવહ શેઠની લાડકી હતી અને સેવા ઘણી કરતી . મૂળાને લાગ્યું કે ચંદના યુવાન છે તે મારા પતિને વશમાં કરી લેશે . એ ઈર્ષા અને શંકામાં અટવાઈ ગઈ . એક કિસ્સો એવો બન્યો કે એનો પૂર્વગ્રહ દૃઢ થઈ ગયો . એકવાર ગરમીનો સમય હતો . ધનાવહ શેઠ ઘરે પહોંચ્યા ત્યારે બીજા નોકરચાકર હાજર હતા નહીં . ચંદના શેઠના પગ ધોવા બેસી ગઈ . શેઠે ના પાડી પણ તે ન માની . પગ ધોતા ધોતા ચંદનાના લાંબા વાળ શેઠના પગ પર તરફ સરકવા લાગ્યા . ચંદનાના હાથ , શેઠના પગ ધોવામાં રોકાયેલા હતા . એ વાળ , માટીવાળી જમીનને અડશે તો ગંદા થશે એમ વિચારી શેઠે , વાળને ચંદનાના ખભા પર ગોઠવી દીધા . આ દૃશ્ય મૂળા શેઠાણીએ જોઈ લીધું . એમને લાગ્યું કે ચંદનાએ જાળ બિછાવી છે અને શેઠ એમાં ફસાઈ રહ્યા છે . એમને ગુસ્સો ચડ્યો . એ વખતે મૂળા શેઠાણી કશું ન બોલ્યા .

થોડા સમય પછી શેઠ ક્યાંક બહાર ગયા . શેઠાણીએ ચંદનાને બોલાવીને ખૂબ ધમકાવી . એના લાંબા વાળ નાઈના હાથે કપાવી નાંખ્યા . પગમાં બેડી બાંધી દીધી . ઘણો માર માર્યો . એક ઓરડામાં બંધ કરી દીધી . તાળું લગાવી દીધું . નોકરોને કરડાકીથી કહ્યું કે ચંદના ક્યાં છે અને ચંદના સાથે શું થયું છે તે શેઠને કહેવાનું નથી . કહ્યું છે તો મારો ગુસ્સો વેઠવો પડશે .

થોડીવારે શેઠ આવ્યા . ચંદના દેખાઈ નહીં . નોકરોને પૂછ્યું તો જવાબ મળ્યો કે ક્યાંક રમતી હશે . એ દિવસે શેઠ ચંદનાને ન મળ્યા . બીજા દિવસે પણ શેઠે ચંદના વિશે પૂછ્યું , બધાએ ઉડાઉ જવાબ આપ્યા . બીજા દિવસે પણ શેઠ ચંદનાને ન મળ્યા . ત્રીજા દિવસે પણ શેઠને ચંદના દેખાઈ નહીં . પૂછ્યું તો સરખા જવાબ ન મળ્યા . શેઠે બધા નોકરોને ધમકાવ્યા , મૂળા શેઠાણીના ડરથી કોઈ બોલ્યું નહીં . એક વૃદ્ધ દાસીએ હિંમત કરીને સાચી વાત શેઠને કહી દીધી . શેઠ તાળું ખોલી એ ઓરડામાં ધસી ગયા . ચંદના સાવ મુરઝાયેલા ફૂલ જેવી બેહાલ પડી હતી . શેઠે એને સાંત્વના આપી . બે દિવસથી કાંઈ ખાધું નથી તે ખબર પડી . રસોડામાંથી કશુંક લાવવા ગયા . એક સૂપડામાં અડદ પડ્યા હતા તે લઈ આવ્યા . કહ્યું કે આ ખાઈ લે . હું પગની બેડી તોડવા લુહારને લઈને આવું છું .

શેઠ ગયા . ચંદના મહામહેનતે ઊભી થઈ . એનો માનસિક આઘાત ઓસરવા લાગ્યો હતો . સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખનું ચક્કર ખતમ નહોતું થઈ રહ્યું . એ જિંદગીનો ઘટનાક્રમ યાદ કરતી રહી . ભૂખ લાગી હતી . એને વિચાર આવ્યો કે અચાનક ત્રણ ઉપવાસ થઈ ગયા છે . કોઈ અતિથિને દાન આપું તો કેવું ? એણે દરવાજાની બહાર નજર કરી .

અત્યાર સુધીની કથામાં દેવાર્ય નથી પણ આ કથા દેવાર્યની જ છે . દેવાર્યના લાંબા ઉપવાસનાં પારણા માટે કુદરતે કેટલો પ્રલંબ ઘટનાક્રમ યોજ્યો હતો ? ચંપા નગરી હારી . રાણી મરી . રાજકુમારી બજારમાં વેંચાઈ . દાસી બનીને શેઠનાં ઘરે આવી . મૂળાને ઈર્ષા થઈ . ચંદનાનું માથું મુંડાયું અને પગે બેડી લાગી . ત્રણ ઉપવાસના છેડે ચંદનાના હાથમાં , સૂપડાના ખૂણે ગોઠવાયેલા અડદના દાણા પહોંચી ગયા . હવે બસ , દેવાર્યે અહીં પધારવાનું હતું .

ચંદનાએ દરવાજામાંથી બહાર જોયું અને એને દેવાર્ય દેખાયા . ચંદના માટે આ અકલ્પ્ય બીના હતી . એણે એક પગ દરવાજાની બહાર મૂક્યો , એક પગ દરવાજાની અંદર રહેવા દીધો . દેવાર્યને લાભ આપવાનો સાદ દીધો . દેવાર્યે એને શાલીનતાથી જોઈ . અભિગ્રહની બધી શરતો મહદંશે પૂરી થઈ ચૂકી હતી . એક વસ્તુ ખૂટતી હતી . ચંદનાની આંખમાં આંસુ નહોતા . દેવાર્ય પાછા ફર્યા . ચંદના દેવાર્યને જતા જોઈને રડવા લાગી . અભિગ્રહની છેલ્લી શરત પૂરી થઈ હતી . ચંદનાએ દેવાર્યને રડતા સાદે પાછા બોલાવ્યા . દેવાર્ય પાછા આવ્યા . પાંચ મહિના અને પચીસ દિવસના ઉપવાસ પછી દેવાર્યે આજે હાથ લંબાવ્યા . ચંદનાએ સૂપડા દ્વારા દેવાર્યની અંજલિમાં અડદ ભરી દીધા . દેવાર્યે પારણું કર્યું . ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *