વનવગડે વિહરે વીર . ૩૧.૧

વનવગડે વિહરે વીર . ૩૧.૧

કૌશાંબી : પાંચ મહિના , પચીસ દિવસ

દેવાર્ય ભોગપુર આવ્યા . ધ્યાનસ્થ બન્યા . માહેન્દ્ર નામનો એક ક્ષત્રિય , ખજૂરીના દંડાથી દેવાર્યને મારવા આવ્યો . એ જ વખતે , ત્રીજા દેવલોકના ઈન્દ્ર સનત્ કુમાર , દેવાર્યને વાંદવા આવ્યા . એમણે પેલાને ભગાવી દીધો . ઈન્દ્રે પ્રભુને ઊંડી લાગણીપૂર્વક સુખશાતા પૂછી .


દેવાર્ય નંદિગ્રામ આવ્યા . અહીં પિતા સિદ્ધાર્થ રાજાના મિત્રે દેવાર્યને વંદન કર્યા . આગળ આવ્યું મિંઢિક ગામ . દેવાર્ય ગામ બહાર કાઉસગ્ગમાં ઊભા રહ્યા . એક ગોવાળિયો દેવાર્યને હેરાન કરવા લાગ્યો . દેવરાજે આવીને તેને ઠપકાર્યો અને ભગાડ્યો .


દેવાર્ય કૌશાંબી પધાર્યા . અત્યાર સુધી ઘણાં કષ્ટો આવ્યાં . દેવાર્ય પોતાને તરાશી તરાશીને સોનાની જેમ અણિશુદ્ધ બનાવી રહ્યા હતા . સમતા તૂટી નહોતી . પ્રસન્નતા ખંડિત થઈ નહોતી . સહેજ પણ નહીં . હજી વધુ સમતાનો આનંદ લેવા માટે દેવાર્યે એક અભિગ્રહ લીધો . એ ઉપવાસનાં પારણા સંબંધી નિયમ હતો . ઉપવાસના તપસ્વીને બે વિચાર આવી જ શકે : એક , પારણું કયા દિવસે થશે ? બે , પારણામાં શું વાપરવું છે ? આ વિચાર ઉપવાસની નિર્લેપતાને ખતમ કરે છે અને છતે ઉપવાસે મનમાં આહારવૃત્તિના ઘોડા દોડાવે છે . ઉપવાસ એટલે ન ખાવું એ જેટલું સાચું છે એટલું જ સાચું છે : ઉપવાસ એટલે ખાવાનો વિચાર ન કરવો . ઉપવાસનો એક અર્થ એ પણ છે કે ખાવાનું ન મળે તોય રાજી રહેવું . દેવાર્ય દર વર્ષે આશરે ત્રણસોથી વધુ ઉપવાસ કરતા . પોતાનો એક એક ઉપવાસ ચોખ્ખો ચણક રહે તેની દેવાર્ય કાળજી લેતા . હવે આ અભિગ્રહ દ્વારા દેવાર્યે ઉપવાસને એકદમ નિર્લેપ બનાવી દીધો .

અભિગ્રહમાં દેવાર્યે નક્કી કર્યું કે ઉપવાસનાં પારણે એક જ દ્રવ્ય લેવું છે અને તે દ્રવ્ય છે અચિત્ત અડદ . અત્યાર સુધીના પારણાઓમાં કોઈ પણ દ્રવ્ય લેવાની છૂટ હતી . આ વખતે એક જ દ્રવ્યની છૂટ . એ દ્રવ્ય મોઢામાં જાય તો સ્વાદ શું આવે અને પેટ શું ભરાય ? કશું નહીં . પારણામાં શું નથી વાપરવું એ સંબંધી આ વિરાટ નિયમ હતો . અડદ સિવાયનું કાંઈ જ વાપરવું નથી . ગજબનો નિયમ . અડદ તરત કોઈ વહોરાવે નહીં . કોઈ ખીર આપે , કોઈ દૂધપાક આપે , કોઈ મીઠાઈ આપે , કોઈ ખાજા આપે . અડદ જવલ્લે જ કોઈ આપે . દ્રવ્ય સ્વાદ કારક નહીં અને દ્રવ્ય સહજ લભ્ય નહીં . નિયમનો આ પહેલો મુદ્દો હતો . આ એક જ મુદ્દો કાફી હતો . આમાં બીજા કોઈ નિયમોને જોડવાની આવશ્યકતા નહોતી . અપેક્ષિત નિર્લેપતા બની રહેતી હતી . દેવાર્યે નિયમને વધુ ધારદાર બનાવ્યો : અડદ સૂપડાના ખૂણે હશે તો લઈશ . મતલબ એ થયો કે અડદના દાણા – કોઈ હાથથી આપશે , ચમચાથી આપશે કે બીજી કોઈ રીતે આપશે તો લઈશ નહીં . આ ધારણાને લીધે એક વાત પાક્કી થઈ ગઈ કે અડદ મળશે એટલે લઈશ જ , એવું પણ નહીં થાય . સૂપડાના અડદ લઈશ , બાકીના અડદ નહીં લઉં . આવા અડદ ક્યાંથી મળે ? – દેવાર્યે વિચાર્યું જ નહીં . ન મળે તો ન મળે , શો ફેર પડે છે ? – દેવાર્યે વિચાર્યું . અભિગ્રહ હવે ઘણો જ કડક થઈ ગયેલો . દેવાર્યે એને હજી કસ્યો .

અડદ આપનાર કોણ હશે , કેવી પરિસ્થિતિમાં હશે એ પણ દેવાર્યે વિચારી લીધું : અડદ આપનારે ત્રણ ઉપવાસ કર્યા હશે , મસ્તક મુંડાવ્યું હશે , હાથ પગમાં બેડી હશે , એ પુરુષ નહિ હોય મહિલા હશે , એ સામાન્ય મહિલા નહીં બલ્કે રાજકુમારી હશે , એ રાજકુમારી હોવા છતાં સંયોગવશ દાસી બની હશે , એ રડતી હશે , એનો એક પગ ઉંબરાની બહાર હશે અને એક પગ ઉંબરાની અંદર હશે .

આટલી બધી શરતો ? એક નિયમને આટલો કડક કેવી રીતે બનાવી શકાય ? આવો અભિગ્રહ પૂરો થાય ખરો ? દેવાર્યે શું પારણું કર્યા વિના લાંબા ઉપવાસ કરવાનો વિચાર બનાવી ચૂક્યા હતા ? દેવાર્યે ગજ્જબ અભિગ્રહ લીધો હતો . અને હજી એક શરત દેવાર્યે ઉમેરી : ભિક્ષાનો સમય વ્યતીત થઈ જાય તે પછીનો સમય હોય ત્યારે જ અડદ સ્વીકારીશ . ઘરોમાં ભોજન થઈ જાય તે પછીનો સમય ભિક્ષાચરોને અનુકૂળ હોય . લોકો ઘરમાં જે બચ્યું હોય તે કોઈને આપી દેવા ઉત્સુક હોય . આવો સમય દેવાર્યને મંજૂર નહોતો . ગૃહસ્થોએ રસોડું વાળીઝૂડીને સાફ કરી લીધું હોય અને બપોરિયો વિશ્રામ લેવાતો હોય તે સમયે અડદ મળે તો જ લઈશ , દેવાર્યે ધારણા બાંધી .

આવો ભારેખમ નિયમ લઈ દેવાર્ય કૌશાંબીમાં લાંબો સમય રોકાયા . કઠણ અભિગ્રહ તુરંત પૂરા થતા નથી , ઘણી પરીક્ષા લે છે . છ મહિનામાં જો અભિગ્રહ પૂરો ન થાય તો દેવતા વચ્ચે હસ્તક્ષેપ કરી અભિગ્રહ પૂરો કરાવે છે , એવી માન્યતા બનેલી છે . દેવાર્યે , પારણામાં દેવતાનો હસ્તક્ષેપ નહીં હોય , એવો કોઈ સંકલ્પ રાખ્યો નહોતો . પરંતુ દેવતાઓ જાણતા હતા કે દેવાર્યને દેવતાઓનો હસ્તક્ષેપ મંજૂર હોતો નથી . આમ એક એવો અભિગ્રહ દેવાર્યે લીધો જે આસાનીથી પૂરો થઈ શકવાનો નહોતો . ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *