વનવગડે વિહરે વીર . ૩૦

વનવગડે વિહરે વીર . ૩૦

સુંસુમારપુર : દેવરાજ અને ચમર ઈન્દ્ર

વૈશાલીથી શ્રાવસ્તી સુધીનો વિસ્તાર ભગ્ગ દેશ તરીકે ઓળખાતો . સુંસુમાર પુર આ દેશની રાજધાની ગણાતું . દેવાર્ય વૈશાલીથી નીકળીને સુંસુમાર પુર આવ્યા . અશોક વનમાં , અશોક વૃક્ષની નીચે , એક રાતની પ્રતિમા ધારણ કરી . અટ્ઠમનું પચ્ચખાણ .

થોડીવારમાં અચાનક એક દેદીપ્યમાન દેવ આવ્યો . એના હાથમાં એક ભયંકર હથિયાર હતું , પરિઘ . દેવાર્યને ત્રણ પ્રદક્ષિણા આપીને તેણે વિનંતી કરી : ‘ હું આપનાં શરણે છું . એક મોટો પુરુષાર્થ કરવા જઈ રહ્યો છું . સૌધર્મ દેવલોકનો ઈન્દ્ર બહુ ઘમંડી છે . એને પાઠ પઢાવવો છે . આપની છત્રછાયા સ્વીકારીને જાઉં છું . મારું નામ ચમર ઈન્દ્ર . ‘

દેવાર્ય કશું જ બોલ્યા નહીં . એ ગયો . સમય આગળ વહી ગયો . દેવાર્ય હતા ત્યાં ને ત્યાં ધ્યાનસ્થ હતા અને ઘણીવાર પછી ચમર ઈન્દ્ર ડરનો માર્યો ધસમસતો આવ્યો અને દેવાર્યનાં બે પગની વચ્ચે નાનું રૂપ બનાવીને છૂપાઈ ગયો . એની પાછળ એક વિકરાળ હથિયાર આવ્યું , એ વજ્ર હતું : દેવરાજનું હથિયાર . વજ્ર જેને વાગે તેના ભુક્કા બોલાઈ જાય . એ વજ્ર દેવાર્યને વાગવાનું જ હતું કે અચાનક દેવરાજે આવીને એને અટકાવી દીધું . વજ્ર દેવાર્યથી ચાર આંગળ છેટું રહ્યું , બસ .

દેવરાજે હાથ જોડ્યા , ગળગળા સાદે દેવાર્યની માફી માંગી : ` પ્રભુ , મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો . આ વજ્ર આપની પર ત્રાટકી રહ્યું હતું તે . પણ મેં વજ્ર આપની પર નહીં બલ્કે આ ચમર પર છોડ્યું હતું . એ અચાનકથી મારી સભામાં ટપકી પડ્યો હતો . એણે મોટો ઉત્પાત મચાવ્યો , મનેં પડકાર ફેંક્યો , મારું ઘોર અપમાન કર્યું . એણે આવું શું કામ કર્યું તે એ જાણે . મનેં એની પર તત્કાળ ગુસ્સો ચડ્યો . મેં આવેશમાં એની પર આ વજ્ર ફેંક્યું . એ વજ્રથી ડરીને નાઠો . વજ્ર એની પાછળ . મનેં વિચાર આવ્યો કે ચમર મારા કરતાં કમજોર કક્ષાનો ઈન્દ્ર છે , અસુરેન્દ્ર . તે મારા પર હુમલો કરવા સુધી પહોંચ્યો કેવી રીતે ? મેં અવધિજ્ઞાનથી જોયું ત્યારે મનેં સમજાયું કે ચમર આપનું શરણ સ્વીકારીને નીકળેલો એટલે એનામાં આટલું બળ આવ્યું . પછી મેં જોયું કે ચમર વજ્રથી ડરીને આપની તરફ ભાગી રહ્યો હતો . મનેં ડર એ લાગ્યો કે ચમરને બદલે આપને વજ્ર વાગી જશે તો મહાઆશાતના થઈ જશે . હું પાછળ દોડ્યો . આ વજ્ર આપને અડતાં અડતાં રહી ગયું . પ્રભુ , આ હથિયાર મેં આપની સામે ઉગામ્યું નહોતું પણ એ આપની સામે જ આવી ગયું , એ મારો અપરાધ છે . પ્રભુ , હું આપની માફી માંગું છું . ʼ

દેવાર્યે બધું સાંભળી લીધું . એ કશું ન બોલ્યા . દેવરાજે દેવાર્યને ત્રણ પ્રદક્ષિણા આપીને ફરી ક્ષમાયાચના કરી . દેવરાજ દેવાર્યથી થોડે દૂર ઊભા રહ્યા . ચમરનાં કારણે આ અપરાધ થયો , એમને સમજાતું હતું . એમનાં મનમાં ચમર માટે પ્રચંડ ગુસ્સો જાગી રહ્યો હતો . એમણે ક્રોધમાં ને ક્રોધમાં ત્રણ વાર પગ પછાડ્યો અને ચમરને ઉદ્દેશીને કહ્યું :

` ઓ ચમર , તું દેવાર્યનાં શરણમાં છે તે બહુ સારી વાત છે , તેં જે ભૂલ કરી તેનો પરચો તને મળી જ ગયો છે પણ હજી સજા થવાની બાકી હતી . અત્યારે તું દેવાર્યનાં શરણે છે તે જોયાબાદ તારી સજા માફ કરું છું અને તારાપર મનેં જે ક્રોધ આવેલો છે તેનો પણ હું ત્યાગ કરું છું . તું મુક્ત છે . તું ચમરચંચા નગરીમાં જઈને રાજ કર . હું તને હેરાન નહીં કરું . તને મારા તરફથી અભયદાન . ‘

દેવરાજે આકાશમાર્ગે વિદાય લીધી . થોડીવારે , ચમર દેવાર્યના પગ વચ્ચેથી બહાર આવ્યો . એણે દેવરાજથી બચવા સાવ કીડી જેવું રૂપ બનાવેલું . હવે તેણે માનવ જેવું રૂપ ધારણ કર્યું . એ દેવાર્યને આપવીતી કહેવા લાગ્યો :

` પ્રભુ મનેં માફ કરજો . હું હમણાં હમણાં જ દેવ બન્યો છું . હજી ગઈકાલ સુધી હું મનુષ્યના અવતારમાં હતો . પૂરણ મારું નામ . સુખી જીંદગી હતી . મનેં લાગ્યું કે આવતા જનમમાં સુખી બનવું હશે તો તપ કરવું પડશે . મેં તાપસદીક્ષા લીધી . મારો દીક્ષાચાર દાનામ પરંપરાનો હતો . હું બે ઉપવાસનાં પારણે બે ઉપવાસ કરતો . પારણાના દિવસે ભિક્ષા માંગવા નીકળતો . મારું ભિક્ષાપાત્ર ચાર ખાનામાં વિભાજીત હતું . પહેલા ખાનામાં રહેલી ભિક્ષા હું પ્રવાસીઓને આપતો . બીજા ખાનામાં રહેલી ભિક્ષા હું પંખીઓને આપતો . ત્રીજા ખાનામાં રહેલી ભિક્ષા હું જલચરોને આપતો . ચોથા ખાનામાં રહેલી ભિક્ષા હું વાપરતો . બાર વરસો સુધી આ આચાર પાળ્યો . કષાયો અને વાસનાઓને સદંતર અંકુશમાં રાખ્યા . છેવટે વિભેલ ગામમાં એક માસનું અનશન કરી આયુષ્ય પૂરું કર્યું . તપના પ્રભાવે અધોલોકમાં અસુરકુમારની શ્રેણિમાં દેવનો અવતાર મળ્યો અને ઈન્દ્રની પદવી પામ્યો . ચમરચંચા નગરીનું રાજ્ય અને એક સાગરોપમનું આયુષ્ય . જનમતાવેંત અવધિજ્ઞાનથી ઊર્ધ્વલોકને જોયો . પ્રથમ દેવલોકનો ઈન્દ્ર મારા માથાની ઉપર જ સિંહાસન પર બેસે છે તે દેખાયું . આમ તો , એ મારા દેવવિમાનથી ઘણેઘણે દૂર હતો પણ મને દેવપદનું ઘમંડ આવી ગયું . મેં વિચાર્યું કે એ ઇન્દ્રને પડકારું , હરાવું અને એને ગાદી પરથી હટાવું . મનેં મારા સેવાવર્તી દેવોએ રોક્યો . હું ન માન્યો . આપનું શરણ લઈ હું , એક લાખ યોજનની કાયા બનાવી સૌધર્મ દેવલોકમાં પહોંચ્યો . દેવલોકના ઇતિહાસમાં પહેલીવાર કોઈ અસુરકુમાર આટલે સુધી આવ્યો હતો . મને એમ કે હું જીતીશ પણ ઇન્દ્રનો પ્રતાપ મારાથી ઘણો વધારે છે તે સમજાયું . ઇન્દ્રે વજ્જર ઉગામ્યું અને મારા હાલ બૂરા થઈ ગયા . હું ભાગ્યો અને આપનાં ચરણોમાં છુપાયો . આપના પ્રતાપે આજે હું બચી ગયો . આપ ન હોત તો મારું શું થાત તેની હું કલ્પના પણ કરી શકતો નથી . આપને મારા વંદન છે . આપના લાખો ભક્તોમાં એક નામ મારું પણ ઉમેરાઈ ગયું છે હવેથી .

દેવાર્ય મૌન જ રહ્યા . દેવરાજ આવે કે ચમર ઈન્દ્ર , દેવાર્યને કશો ફરક પડતો નહીં . પણ દેવરાજને અને એવા લાખો દેવતાઓને દેવાર્ય પાસે આવીને ઘણો ફરક લાગતો . દેવાર્ય એક વાતાવરણ બનીને , મનઃસ્થિતિ બદલતા . દેવાર્ય એક માર્ગદર્શક બનીને રસ્તો સુઝાડતા . દેવાર્ય એક લહેરખી બનીને રોમેરોમને આહ્લાદિત કરતા . મજાની વાત એ હતી કે કર્તૃત્વમાં દેવાર્ય રહેતા નહીં અને સામ્રાજ્ય દેવાર્યનું છવાઈ જતું . દેવાર્ય યોગિરાજ હતા , અપરિસીમ અંતરંગ ઐશ્વર્યના અધિપતિ . ( ક્રમશઃ )

( સુંસુમારપુર આજે ક્યાં છે , તે વિશે तीर्थंकर महावीर પુસ્તકમાં શ્રી ઈન્દ્રસૂરિજી મહારાજા જણાવે છે કે સુંસુમારપુર , વૈશાલી અને શ્રાવસ્તીની વચ્ચે ક્યાંક હતું . આજે જે ઈલાકો ચુનાર તરીકે ઓળખાય છે તે પ્રાયઃ: સુંસુમાર પુર હોવું જોઈએ . અહીં ચુનાર પર્વત અને ચુનાર શહેર છે . પ્રાચીન અવશેષો ઘણા છે . )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *