વનવગડે વિહરે વીર . ૨૯

વનવગડે વિહરે વીર . ૨૯

અગિયારમું ચોમાસું : જીરણ શ્રેષ્ઠી

દેવાર્યનો વિહાર અવિરત ચાલતો રહ્યો . દેવતાઓ સંગમની દુષ્ટ હરકતોથી ત્રસ્ત હતા . એના ઉપસર્ગો પૂરા થયા તે પછી અલગ અલગ ઈન્દ્ર શાતા પૂછવા આવવા લાગ્યા . આલંભિકામાં વિદ્યુત્ કુમાર દેવોનો ઈન્દ્ર હરિ , દેવાર્યને વંદન કરવા આવ્યો . તેણે કહ્યું : પ્રભુ , મોટા ભાગના ઉપસર્ગો પૂરા થઈ ગયા છે . થોડા જ બાકી છે . આપને વંદન છે .

દેવાર્ય વિહાર કરી શ્વેતાંબિકા આવ્યા . અહીં વિદ્યુત્ કુમાર દેવોનો ઈન્દ્ર હરિસ્સહ , દેવાર્યને વંદન કરવા , શાતા પૂછવા આવ્યો .

દેવાર્ય વિહાર કરી શ્રાવસ્તી આવ્યા . અહીં સ્કંદપ્રતિમાનાં ભજનકીર્તનનો મેળો ભરાયો હતો . હજારો લોકો સ્કંદપ્રતિમાની સેવા કરી રહ્યા હતા . દેવરાજે સ્કંદપ્રતિમામાં પ્રવેશ કર્યો . એ મૂર્તિને માનવની જેમ ચલાવીને દેવરાજ , દેવાર્ય સમક્ષ લાવ્યા અને એ મૂર્તિએ દેવાર્યને વંદન કર્યાં . હજારો લોકોએ અચંભિત થઈને દેવાર્યને વંદના કરી .

દેવાર્ય વિહાર કરી કૌશાંબી આવ્યા . અહીં ચંદ્ર ઈન્દ્ર અને સૂર્ય ઈન્દ્ર , દેવાર્યને વંદન કરવા , શાતા પૂછવા આવ્યા .

દેવાર્ય વિહાર કરી વારાણસી આવ્યા . અહીં દેવરાજ , દેવાર્યને વંદન કરવા , શાતા પૂછવા આવ્યા .

દેવાર્ય વિહાર કરી રાજગૃહી આવ્યા . અહીં ઈશાન ઈન્દ્ર , દેવાર્યને વંદન કરવા , શાતા પૂછવા આવ્યા .

દેવાર્ય વિહાર કરી મિથિલા આવ્યા . અહીં ધરણ ઈન્દ્ર , દેવાર્યને વંદન કરવા , શાતા પૂછવા આવ્યા . રાજા જનકે પણ દેવાર્યની શાતા પૂછી .

દેવાર્ય વિહાર કરી વૈશાલી આવ્યા . નગરની બહાર સમર ઉદ્યાન હતું , બળદેવમંદિર હતું . અગિયારમું ચોમાસું અહીં રોકાયા . હજી હમણાં જ છ મહિનાના ઉપવાસ થયા હતા છતાં ચોમાસામાં દેવાર્યે સળંગ એકસોવીસ ઉપવાસ કર્યા . દેવાર્યને શાતા પૂછવા ભૂતાનંદ ઈન્દ્ર આવ્યો હતો .

દેવાર્યને વંદન કરવા એક શ્રાવક રોજ આવતો . નામ એનું જિનદત્ત હતું પરંતુ સૌ એને જીરણ શ્રેષ્ઠી કહેતા . એ પહેલા જ દિવસથી વંદન કરવા આવતો . એ રોજ દેવાર્યને વિનંતી કરતો કે કાલે ઉપવાસનું પારણું કરવા મારા ઘરે પધારજો . થોડા દિવસ સુધી એને સમજાયું નહીં કે દેવાર્ય લાંબી તપસ્યા કરી રહ્યા છે , પણ જ્યારે લાંબી તપસ્યાનું સમજાયું કે તરત એણે દેવાર્યને માસક્ષમણનાં પારણા માટે વિનંતી કરી . દેવાર્યે માસક્ષમણથી વધુ મોટો તપ કર્યો છે તે સમજાયું તો એણે સાઈઠ ઉપવાસનાં પારણા માટે વિનંતી કરી . દેવાર્યે બે મહિને પારણું ન કર્યું તો એને સમજાયું કે દેવાર્ય ત્રણમાસી તપ કરશે , એણે દેવાર્યને ત્રણમાસી તપનાં પારણાં માટે વિનંતી કરી . હવે એને સમજાયું કે દેવાર્ય ચોમાસી તપ કરશે . એણે દેવાર્યને એકસોવીસ ઉપવાસનાં પારણાનો લાભ આપવા વિનંતી કરી . એ રોજેરોજ વિનંતી કરતો કે કાલે પારણું હોય તો મનેં જ લાભ આપજો . ચોમાસાના છેલ્લા દિવસે એ ફરી વિનંતી કરી ગયો .

પારણાની સવારે એ દેવાર્યની પ્રતીક્ષામાં રહ્યો . પરંતુ દેવાર્યે બીજા કોઈનાં ઘરે જવાનું મુનાસિબ માન્યું . ગૃહસ્થનો વિનય ન કરવો , એ નિયમ યાદ રાખ્યો હશે દેવાર્યે ? શું ખબર ? જીરણ શ્રેષ્ઠી પોતાનાં ઘરના દરવાજે રાહ જોતા ઊભા રહ્યા અને દેવાર્ય અભિનવ શ્રેષ્ઠીનાં ઘેર પધાર્યા . એણે નોકરાણીને ઈશારો કરી દીધો કે આમને શું આપવું છે , તું જોઈ લે . એ નોકરાણીએ પરાણે આપવાનું હોય એ રીતે દેવાર્યને લાકડાની કડછીથી અડદના બાકળા આપી દીધા . દેવાર્યે તેનાથી પારણું કરી લીધું . પંચ દિવ્ય થયા . પેલા શેઠને હવે દેવાર્યનો મહિમા સમજાયો . વૈશાલીમાં પંચ દિવ્યને લીધે પારણાની કે ઘટનાની ઘણી ચર્ચા ચાલી . રાજાએ અને લોકોએ અને જીરણ શ્રેષ્ઠીએ અભિનવ શ્રેષ્ઠીની પ્રશંસા કરી . આ શ્રેષ્ઠીએ પણ જૂઠ કહ્યું કે હા , મેં જ દૂધપાકથી ( પાયસથી ) પારણું કરાવ્યું છે .

દેવાર્ય ત્યાંથી નીકળી ગયા . વૈશાલીનાં ઉદ્યાનમાં એક કેવલજ્ઞાની મહાત્મા પધાર્યા . એમને રાજાએ અને નગરજનોએ પૂછ્યું કે નગરીમાં સૌથી મોટો ભાગ્યવાન્ કોણ છે જેણે પુણ્યની ઘણી કમાણી કરી હોય ?

કેવલી ભગવંતે જીરણ શ્રેષ્ઠીનું નામ આપ્યું . સૌને આશ્ચર્ય થયું . એક સમય હતો જ્યારે જીરણ શ્રેષ્ઠીની સંપત્તિ બેસુમાર હતી . પણ હાલમાં તેનો વૈભવ ઓસરી ચૂક્યો હતો . એણે શું પુણ્ય કમાયું હશે ? વળી , અભિનવ શ્રેષ્ઠીએ પારણું કરાવ્યું અને ત્યાં દેવતાઈ પંચ દિવ્ય થયાં એ બધાએ જ જોયું હતું . સૌએ કેવળજ્ઞાનીને આ સવાલ પૂછ્યો . જવાબમાં –

જીરણ શેઠ રોજેરોજ દેવાર્ય પાસે જતા એ વાત કેવલજ્ઞાની ભગવંતે સૌને જણાવી . પારણાના દિવસે – દેવાર્ય મારાં ઘરે જ પધારશે , હું એમને પારણું કરાવીશ અને ધન્ય બનીશ – એવી મનોરથમાળામાં જીરણ શ્રેષ્ઠી ડૂબેલા હતા . દેવાર્યે બીજે પારણું કરી લીધું તે અવસરે દેવતાઓએ દુંદુભિ વગાડી એ સાંભળીને જીરણ શ્રેષ્ઠીને સમજાયું કે મનેં લાભ નહીં મળે . એમની મનોરથમાળા અટકી પડી . કેવલજ્ઞાની ભગવંતે સભાને કહ્યું કે જીરણ શ્રેષ્ઠીની ભાવના એટલીબધી ઊંચાઈએ પહોંચી ગઈ હતી કે એમને કેવળજ્ઞાન જ થઈ જાત પરંતુ દુંદુભિનાદે ભાવનાનો ભંગ કર્યો અને કેવળજ્ઞાન થતાં થતાં રહી ગયું . એમણે પારણું ભલે ન કરાવ્યું પણ એમણે પુણ્ય સૌથી મોટું બાંધ્યું છે . વાત રહી અભિનવ શ્રેષ્ઠીની તો એમને ફક્ત ભૌતિક લાભ થયો છે , આધ્યાત્મિક નહીં .

આખી નગરી જીરણ શ્રેષ્ઠીની અનુમોદના કરવા લાગી . ભારતદેશને તે દિવસે પહેલીવાર જાણવા મળ્યું કે દેવાર્યની ભક્તિ કરવાના પ્રામાણિક વિચારથી પણ કેવળજ્ઞાન સુધી પહોંચી શકાય છે . ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *