વનવગડે વિહરે વીર : ૨૮.૫

વનવગડે વિહરે વીર : ૨૮.૫

દેવાર્ય ત્રણ ઉપવાસ કરી પારણું કરવાના હતા . સંગમે ચોથા દિવસે દેવાર્યને પારણું કરવા ન દીધું . દેવાર્ય ભિક્ષા લેવા નીકળ્યા , સૂઝતી ગોચરી લેવાની તૈયારીમાં જ હતા કે સંગમે અશુદ્ધિ ઊભી કરી દીધી . દેવાર્ય ભિક્ષા લીધા વિના જ પાછા ફરી ગયા . દેવાર્યને ચોથો ઉપવાસ થઈ ગયો . પાંચમા દિવસે દેવાર્ય ભિક્ષા લેવા નીકળ્યા તેમાં પણ સંગમે અંતરાય ઊભો કર્યો . પારણું ન થયું . આ રીતે એક મહિનો નીકળી ગયો . દેવાર્ય પારણું કરવાની ધારણાથી નીકળે અને સંગમ પારણું જ ન થવા દે . દેવાર્યની મનઃસ્થિતિ થોડી પણ બગડે તો સંગમ જીતી જાય , પણ દેવાર્ય પ્રસન્ન જ રહેતા . ક્રૂર સંગમે સળંગ છ મહિના સુધી દેવાર્યનું પારણું ન થવા દીધું . આ ભારે ઉપસર્ગ હતો . દેવાર્યને જ્યાં ત્રણ જ ઉપવાસ કરવા હતા ત્યાં સંગમે એકસોએંશી ઉપવાસ કરાવી દીધા . છ મહિનાના ઉપવાસ કોઈ નાનીસૂની વાત નથી . એમાં વળી એક રાતના વીશ ઉપસર્ગોનું કષ્ટ અને રોજેરોજની પ્રતાડનાઓ . દેવાર્ય ઉપવાસમાં પાણી વાપરતા નહીં એટલે છ મહિના સુધી જલપાન પણ ન થયું . દેવાર્યને છ મહિના સુધીના ઉપવાસમાં આરામ ન મળ્યો અને કષ્ટ બેસુમાર મળ્યા . આરામનો અર્થ છે કષ્ટનો અભાવ . આરામ ઉપવાસને સરળ રાખે . કષ્ટ ઉપવાસને કઠિન બનાવે .

એકસોએંશીમા ઉપવાસની સવારે દેવાર્યે ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો નહોતો . દેવાર્ય ભિક્ષાર્થે નીકળ્યા જ હતા . દેવાર્યને એમ હતું કે સંગમ જતો રહ્યો છે . પરંતુ જ્યાંથી ભિક્ષા લેવાની ધારણા બનાવી ત્યાં અશુદ્ધિ બની . તે જોઈ દેવાર્યને સમજાયું કે સંગમ હજી ગયો નથી . દેવાર્ય પાછા , ગામની બહાર એકાંતમાં આવી ધ્યાનસ્થ બન્યા . મનમાં કોઈ જ દુર્ભાવ નહીં .


સંગમે જોયું કે દેવાર્યની અંતરંગ પ્રસન્નતા અતૂટ છે , શરીરની કોઈ પણ પીડા દેવાર્યની માનસિક પ્રસન્નતાને ખંડિત કરી શકતી નથી . એણે છ મહિના સુધી કોશિશ કરી હતી દેવાર્યને ધ્યાનભ્રષ્ટ કરવાની . એ નિષ્ફળ ગયો હતો . એની પ્રતિજ્ઞા તૂટી હતી . એ દેવાર્યને વિચલિત કરી શક્યો નહોતો . એને અફસોસ થયો . એ દેવાર્ય સમક્ષ પ્રગટ થયો અને બોલ્યો :
‘ આપને ધન્ય છે . સાચે જ , ઈન્દ્ર મહારાજે આપની જે પ્રશંસા કરી છે તે સાચી છે . મેં એ પ્રશંસાને સાચી માની નહીં . ઈર્ષાની ધૂનમાં આપને ચલિત કરવાની મેં પ્રતિજ્ઞા લીધી હતી , મેં લાખ કોશિશ કરી પણ આપ અવિચલ રહ્યા . આપે આપની ધ્યાનપ્રતિજ્ઞાનો ભંગ થવા દીધો નથી . મારી પ્રતિજ્ઞાનો ભંગ થઈ ગયો છે . છેલ્લા છ મહિનાથી હું આપને સતત હેરાન કરી રહ્યો હતો . હવે હું પાછો જાઉં છું . મેં આપની સાથે જે કાંઈ અધમતા આચરી તે મારી ભૂલ છે , હું આપની ક્ષમા યાચું છું . આપ હવે યથેચ્છ વિહરી શકો છો . આપને મારાતરફથી કોઈ ઉપસર્ગ થશે નહીં . આપ ભિક્ષા લેવા પણ જઈ શકો છો , અત્યાર સુધી ભિક્ષામાં જે અશુદ્ધિ થતી હતી તે હું જ ઊભી કરતો હતો , હવે કોઈ અશુદ્ધિ થશે નહીં . ‘

સંગમનું મોઢું ઝાંખું પડી ગયું હતું . એના અવાજમાં ભક્તિભાવની ગરિમા હોતી બલ્કે પરાજિત યોદ્ધાની લાચારી હતી . શું એ માફી માંગી લે એટલામાત્રથી દેવાર્યને થયેલાં કષ્ટોનો હિસાબ પૂરો થઈ જતો હતો ? એણે તો દેવાર્યને મારી નાંખવાની કોશિશ કરી હતી , એ નિષ્ફળ ગયો એ જુદી વાત હતી . બાકી એ તો દેવાર્યને નુકશાન કરીને રાજી જ થવાનો હતો . દુષ્ટતા અને ક્રૂરતાની તમામ સીમા પાર કરી દીધી હતી સંગમે . મનફાવે તે તમામ દુર્વ્યવહાર કરી લીધા પછી હવે બે પળની માફી માંગીને છુટ્ટા થવું હતું ભાઈને . વાહ , દુર્જનનાં મોઢે સજ્જનતાની વાત ?
સંગમની ત્રણ ભૂલો હતી . એક , તેણે દેવાર્યની પ્રશંસા સાંભળીને મનમાં ઈર્ષા અને ગુસ્સો બનાવ્યો . બે , દેવાર્યને ધ્યાનભ્રષ્ટ કરવાની પ્રતિજ્ઞા લીધી . ત્રણ , દેવાર્યને છ મહિના સુધી અમાનુષી કષ્ટો આપ્યાં . માફી માંગી લેવાથી એની ભૂલો માફ થઈ શકે નહીં . દેવાર્યે ચંડકૌશિકને પ્રતિબોધ આપવા મીઠા બોલ કહ્યા હતા કેમકે ચંડકૌશિકને સાચો પસ્તાવો થવાનો જ હતો . સંગમની માફીમાં નગદ લાચારી હતી , એ પ્રતિબોધને લાયક હતો જ નહીં , અભવ્ય હતો . દેવાર્યે કડક ભાષામાં જવાબ આપ્યો સંગમને .

` મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી , ભાઈ . મારે ક્યાં વિહાર કરવો અને ક્યાં વિહાર નથી કરવો એ હું જ નક્કી કરીશ . તારા કહેવાથી કે કોઈના કહેવાથી મારા વિહારના નિર્ણય થતા નથી . મારી ઈચ્છા હશે ત્યાં હું જઈશ અને મારી ઈચ્છા નહીં હોય ત્યાં હું નહીં જઉં . મારે શું કરવું છે તે હું જોઈ લઈશ . તારે એમાં બોલવાની જરૂર નથી . ‘

આ દેવાર્યનો જવાબ હતો . સ્પષ્ટ , કડક . સંગમ વીલે મોઢે નીકળી ગયો . એ જઈ રહ્યો હતો ત્યારે દેવાર્યને એની દયા આવી રહી હતી . આત્માઓ એકવાર ભગવાન્ પાસે આવે છે અને ભવોભવનું ભાથું કમાઈ લે છે . સંગમ છ મહિના સુધી ભગવાન્ પાસે રહ્યો અને ભવોભવ સુધી ન ખૂટે એવા કર્મો બાંધીને ગયો . લોકો ભગવાન્ પાસે આવીને પાપનો નાશ કરે . સંગમે ભગવાન્ પાસે આવીને જ પાપ બાંધ્યાં , એનો ઉદ્ધાર થવાનો જ નહીં . બિચારો સંગમ , લાંબી દુર્ગતિ એની રાહ જુએ છે . દેવાર્યની આંખની કોરે ભીનાશ છવાઈ હતી , એ કરુણાભાવ હતો .

અને દેવલોકમાં સંગમનું કેવું સ્વાગત થયું ? ઈન્દ્રે એને ધુત્કારી કાઢ્યો . અન્ય દેવોએ એને મારીમારીને અધમૂઓ કરી નાંખ્યો . એને દેવલોકમાંથી , દેવવિમાનમાંથી દેશવટો મળ્યો . એને કાઢી મૂક્યો સૌએ મળીને . એક સાગરોપમ જેટલું જીવવાનું એનું બાકી હતું તે એણે મેરુપર્વતની કોઈ જગ્યાએ વીતાવવું પડશે , એવા સમાચાર દેવલોકમાં પ્રસારિત થઈ ગયા . એ રવાના અને સાથે એની દેવીઓ પણ રવાના . સંગમ તો હતો જ અભવ્ય . પણ એની સાથે રહેવા ગયેલી દેવીઓ પણ અભવ્ય હશે ? સંગમનું મહાપાપ જગજાહેર હતું છતાં એની સાથે જે દેવીઓ જાય તેમને દેવી કહેવાય કે ડાકણ ? સંગમ નીકળેલો દેવાર્યને ધ્યાનભ્રષ્ટ કરવા અને એ પોતે જ દેવલોકથી ભ્રષ્ટ થઈ ગયો . અક્કરમી , નઠારો અને હીણો જીવ .

એકસો ને એક્યાસીમો દિવસ ઉગ્યો . દેવાર્ય ભિક્ષાર્થે નીકળ્યા . વ્રજભૂમિ હતી . ગોવાળોનાં ઘરો ઘણાં હતાં . ગઈકાલે ઉત્સવ હતો એટલે ઘેરઘેર ખીર હતી . સંગમને લીધે ગઈકાલે દેવાર્યને સૂઝતી ભિક્ષા મળી નહીં . આજે દેવાર્ય ભિક્ષાર્થે આવ્યા હતા તો ઘેરઘેર ખીર નહોતી પરંતુ એક ગરીબ અને વૃદ્ધ ગોવાળણે , બીજાની પાસેથી દૂધ માંગીને પોતાનાં ઘેર આજે ખીર રાંધી હતી . દેવાર્ય એનાં આંગણે પધાર્યા . એ વૃદ્ધાએ અઢળક શ્રદ્ધા સાથે દેવાર્યને ખીર વહોરાવી . દેવાર્યને છ માસના ઉપવાસનું પારણું થયું . એ વૃદ્ધાને ખબર નહોતી કે એણે દેવાર્યને એમની સૌથી મોટી તપસ્યાનું પારણું કરાવ્યું હતું . દેવતાઓએ રાજી થઈ પંચ દિવ્ય પ્રગટાવ્યા . ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *