વનવગડે વિહરે વીર . ૨૫

વનવગડે વિહરે વીર . ૨૫

ગંડકી નદીના તીરે


દેવાર્ય વૈશાલી નગરી પધાર્યા . વૈશાલીના રાજા શંખે દેવાર્યનો ઘણો બધો આદર સત્કાર કર્યો . દેવાર્યની આસપાસ આખું શહેર ઉમટી પડ્યું . દેવાર્ય નિર્લેપ જ રહ્યા . થોડો વખત રોકાઈને પ્રયાણ કર્યું . રસ્તામાં ગંડકી નદી આવી . નદી પાર નીકળવું હતું . દેવાર્યે નૌકારોહણ સ્વીકાર્યું . ગંડકીનાં ધસમસતાં પાણીમાં સરકતી નાવની છાતી પર ઘણા પ્રવાસી હતા . સૌ હેમખેમ સામા કિનારે પહોંચી ગયા . સૌએ પ્રવાસનું મૂલ્ય ચૂકવી દીધું . દેવાર્ય પાસે ધન હતું નહીં . નૌકારોહણનું ભાડું ચૂકવવાનું હતું . દેવાર્ય પાસે નાવિકે પૈસા માંગ્યા .

દેવાર્ય મૌન રહેત એનાથી ગેરસમજ એ થાત કે આ બાઘો માણસ છે , આ ગેરસમજનો ફાયદો દેવાર્યને મળત . દેવાર્યને નાવિક રોકત નહીં . દેવાર્ય મૌન રહેત એનાથી એવું પણ લાગત કે ` આ આત્મલીન સાધક છે નિર્લેપ છે . એમને જવા દો . ʼ દેવાર્યે બચીને ભાગી નીકળવાનો રસ્તો ન અપનાવ્યો . દરવખતની જેમ દેવાર્યે
પરિસ્થિતિનો સામનો કરવાનો નિર્ણય લીધો .

દેવાર્ય , સામા માણસની ભાવના પારખીને બોલવું કે ન બોલવું તેનો નિર્ણય કરતા . નાવિક હકના પૈસા માંગી રહ્યો હતો . એને મફતિયા ઘરાક ગમતા નહીં . એ જેટલું ભાડું થતું એટલા જ પૈસા માંગી રહ્યો હતો . એણે દેવાર્યને જોયા હતા . જેમ સામે વહેતી નદી વસ્ત્રનાં બંધનથી ઉન્મુક્ત હતી તેમ દેવાર્ય કપડાં માત્રથી વિમુક્ત હતા . કપડાં હોય નહીં મતલબ ગજવું હોય નહીં . ગજવું નહીં મતલબ પૈસા રાખવાની જગ્યા નહીં . જેની પાસે કપડાં નથી , ગજવું નથી તે પૈસા રાખશે ક્યાં ? આ સરળ સવાલ નાવિકનાં મનમાં ઊઠવો જોઈતો હતો . નાવિક હશે કોઈ અણધડ અને જડ માણસ . જેમની કાયા હિમાલયની જેમ આવરણ મુક્ત હતી તેમની પાસે નાવિકે પૈસા માંગ્યા .

દેવાર્ય બોલ્યા . બહુ ઓછા લોકો સાથે દેવાર્ય બોલતા . દેવાર્ય સિદ્ધાર્થ સાથે , ગોશાળા સાથે ભાગ્યે જ બોલ્યા હશે . રાજામહારાજાઓ અને ઈન્દ્ર મહારાજાઓ વંદનાર્થે આવતા . એમની સાથે પણ દેવાર્ય બોલતા નહીં . દેવાર્યને આ બધાનું કામ પડતું નહીં . એ લોકોથી દેવાર્યે કોઈ કામ કરાવેલું પણ નહીં .

આ નાવિક પાસે દેવાર્યે કામ કરાવેલું . નાવ વાપરીને નદી પાર પહોંચવાનું કામ . અને દરેક કામની એક કિંમત હોય છે . કામ કરનાર પૈસા ન માંગે તે એની મરજી . એ પૈસા માંગે તો એને પૈસા આપવા જોઈએ . સાવ સામાન્ય હતી એ બાબત . દેવાર્યે એનો હક છીનવી લેવાનું વિચાર્યું નહોતું . દેવાર્ય નાવમાં બેઠા તે વખતે જ આ નાવિકને સમજાઈ જવું જોઈતું હતું કે દેવાર્ય પાસે પૈસા છે નહીં અને મનેં એ પૈસા ચૂકવશે નહીં . તે વખતે , એ કશું ન બોલ્યો . હવે , સામા કિનારે એને અર્થપુરુષાર્થનું જ્ઞાન લાધ્યું હતું . એને એમ હશે કે , દેવાર્ય નહીં આપે તો દેવાર્ય વતી આસપાસના પ્રવાસીઓ નાણું ચુકવશે , મારા પૈસા છુટ્ટા થશે . એવું કાંઈ બન્યું નહીં . બીજા બધા લોકો નીકળી ગયા . દેવાર્ય નીકળવાનું વિચારતા જ હતા . પણ નાવિકે દેવાર્યને રોકી પાડ્યા . સૂરજ મધ્યાહને તપી રહ્યો હતો . ગંડકી નદીના વિશાળ કિનારા પર રેગિસ્તાનની જેમ રેતી પથરાયેલી હતી તે સૂરજની રોશનીથી , ઉકળતા પાણીની જેમ ધીખી ઊઠી હતી . તડકો રેતી પર પથરાયેલો તે આંખને વાગી રહ્યો હતો . કિનારે પહોંચેલા પ્રવાસીઓ તુરંત ભાગી નીકળ્યા તે આ ભારે ગરમીનાં જ કારણે . નદી કિનારે ઘાટ બને . ઉનાળામાં પાણી ઉતરે એટલે ઘાટ દૂર રહી જાય અને પાણીનો કિનારો રેતાળ બની જાય . ગંડકી નદીની ગણના દેશની સૌથી મોટી નદીઓમાં થતી . એના ઊંડા , અગાધ જળ ચોમાસામાં દરિયાઈ નીર બની જતા . ગરમીની મૌસમમાં નદીનો પટ થોડો સંકોચાયો હતો પણ ગંડકી , ગંડકી હતી . દેવાર્ય તપતી રેતીમાં ખુલ્લા પગે ઊભા રહ્યા અને બોલ્યા : મારી પાસે પૈસા નથી ભાઈ .

દેવાર્યનો અવાજ રેશમી જાદુ રેલાવતો . એમાં વાત્સલ્ય છલકતું , નિર્ભયતા રણકતી , સચ્ચાઈ સંભળાતી . નાવિકને દેવાર્યનો પ્રભાવ સમજાયો નહીં . એણે સમજ્યા વગર દેવાર્યને તપતી રેતીમાં રોકી રાખ્યા . ગરમીમાં માટી કે રેતી કે પથ્થર શિલા ગરમ થાય ત્યારે એ એટલા તપી જાય છે કે એના પર પગ મૂકો તો પગમાં ફરફોલા આવી જાય . દેવાર્ય એવી જ ગરમ રેતીમાં ઊભા હતા . નાવમાં ઊભા રહેલા નાવિકોને દેવાર્યની પીડાની પરવા નહોતી . બીજા કોઈ આદમી હોય તો ધગધગતી રેતીમાં પગ બળે તેને લીધે કૂદવા લાગે . દેવાર્ય રેતીનો તીખ્ખો દાહ પગનાં તળિયે ખમતા રહ્યા .

નાવિકોએ દેવાર્યને અટકાવી રાખ્યા એની થોડી વાર પછી ગંડકી નદીમાં ઘણી બધી નાવ એક સાથે નીકળી . એ વૈશાલી રાજ્યની નૌસેના હતી . મોટા મોટા હલેસા પાણી પર ઝીંકાઈ રહ્યા હતા . પાણીને ચીરતી નૈયાઓની ફોજ આગળ વધી રહી હતી . ગંડકી નદીનાં પાણીમાં તોફાન સરજાયું હતું . મોટા મોટા વમળો કિનારા પર આવીને અથડાઈ રહ્યા હતા . એક નૈયા પર ગણરાજ શંખનો ભાણિયો ચિત્રકુમાર બેઠો હતો . તેણે દેવાર્યને તડકે તપતા જોયા . તેને નાવિકો પર સખ્ખત ગુસ્સો આવ્યો . એણે પોતાની નૈયા દેવાર્યની પાસે , કિનારે લેવરાવી . ગંડકીનાં પાણીને ઉછાળતી , ધકેલતી નૈયા કિનારે આવી . કાંઠાની રેતના ઢગલા પણ પાણીનો ધોધ ધસી આવ્યો . તપતી રેતી એ પાણીને સોસી લે તે પહેલાં ચિત્રકુમાર કૂદીને રેતીમાં આવ્યો . એ નાવિકો સામે ધસી આવ્યો . એણે નાવિકોને ખૂબ ધમકાવ્યા . નાવિકો ગભરાઈ ગયા . તે લોકો દેવાર્યને જાણતા નહોતા , પણ ચિત્રકુમારને તેઓ ઓળખતા હતા . દેવાર્યની તરફેણમાં ચિત્રકુમાર ઊભો રહે તેનો અર્થ એ જ થાય કે વૈશાલીના ગણાધિરાજ શંખ , દેવાર્યની તરફેણ લે છે . નાવિકો બાપડા એકદમ જ ડઘાઈ ગયા . એમણે કરગરી કરગરીને દેવાર્યની માફી માંગી . એ લોકો દેવાર્યના પ્રેમી નહોતા , એ લોકો ગણાધિરાજ શંખનાં નામથી આતંકિત હતા . દેવાર્યે એમની પર રોષ બનાવ્યો જ નહોતો . દેવાર્યને નીકળવું હતું . નાવિકોએ જબરદસ્તી દેવાર્યને અટકાવી રાખેલા . નાવિકોની ઉઘરાણી અટકી એટલે દેવાર્ય ચાલતા થયા .

ગંડકી નદીને દેવાર્યનાં દર્શનનો સરસ લાભ મળી ગયો . ભારતીય ઈતિહાસ કેટલાય પ્રકરણો સાથે ગંડકી નદીનું નામ જોડાયેલું છે . તે દિવસે ગંડકી નદીનું નામ દેવાર્યની કથા સાથે જોડાઈ ગયું . અલબત્ત , દેવાર્યને ગંડકી નદીના કિનારે – નાવિકોએ અપમાનિત કર્યા અને પગ દઝાડતી રેતીમાં ઊભા રહેવું પડ્યું . બેય કિસ્સા સારા નહોતા . પણ એમાં ગંડકીનો વાંક નહોતો . એ નાવિકોની મૂર્ખતા હતી . ચિત્રકુમારે દેવાર્યને વંદના કરી હતી .

દેવાર્ય સાથે જે થયું તે જાહેરમાં થયું . ઘણાએ કિનારેથી જોયું . ઘણાએ પોતપોતાની નાવમાંથી જોયું . ગંડકી નદીના કિનારે બનેલી ઘટનામાંથી એક એવી અફવા ફેલાઈ હતી કે નાવિકોએ દેવાર્યને તપતી રેતીમાં ઊભા રહેવાની સજા ફરમાવી અને અવધૂત દેવાર્યે એ સજા સ્વીકારીને ધધગતી રેતીમાં ઘણો વખત ઊભા રહ્યા હતા .

દેવાર્યના ઘણા પ્રસંગો અજાણ્યા રહ્યા . તેની કથા પણ ન બની , અફવા પણ ન બની . અમુક પ્રસંગો જાણીતા થયા . તેમાં કોઈ યથાવત્ પ્રચાર પામ્યા , કોઈ અફવા બનીને જુદા જ રૂપે ફેલાયા . અલબત્ , દેવાર્યને ન જાણીતા થવાની હોંશ હતી , ન અફવાઓની ફિકર હતી . ( ક્રમશઃ )

( હિમાલયની નેપાળી ભૂમિ પર વહેતી કાલી નદી અને ત્રિસૂલી નદીના સંગમમાંથી ગંડકી પ્રગટ થઈ છે . નેપાળની સરહદમાં આને ગંડક નદી કહે છે . ભારતની સરહદમાં આને જ નારાયણી નદી પણ કહે છે . )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *