વનવગડે વિહરે વીર ( ૨૪.૩ )

વનવગડે વિહરે વીર ( ૨૪.૩ )

ગોશાળો મોટી મજાક ઉડાવી રહ્યો છે તે તાપસને સમજાયું . ગોશાળો પાક્કો અટકચાળીયો હતો . તેણે ટીખળ કરવાનું ચાલુ રાખ્યું છતાં તાપસ મૌન હતો એમાં ગોશાળાને છુટ્ટો દૌર મળી ગયો . વારંવારની મજાકથી આખરે તાપસનો આત્મસંયમ તૂટ્યો . એને ક્રોધ આવ્યો . તે જ ક્ષણે એની આંખમાંથી આગની જ્વાળા નીકળી અને ગોશાળા તરફ ઉડી . એ દૃશ્ય ગજબ હતું . હવામાં સળગતું કપડું ઊડતું જાય તેમ આગનો એક ગોળો ગોશાળા ભણી ઉડ્યો હતો . ગોશાળાને સમજાયું નહીં કે શું થયું છે . દેવાર્યને સમજાયું કે તાપસે તેજોલેશ્યાનો પ્રયોગ કર્યો છે . દેવાર્યે સામો શીતલેશ્યાનો પ્રયોગ કર્યો . એકદમ આશ્ચર્યકારી બાબત . પોતાના બચાવનો દેવાર્યે ક્યારેય કોઈ પ્રયાસ કર્યો નહોતો . ગોશાળાના બચાવમાં પણ દેવાર્ય કદી ઉતરતા નહીં . આજે તેજોલેશ્યા ગોશાળાને બાળીને ખાખ કરી નાંખે એવી સંભાવના બની હતી ત્યારે પહેલી વાર દેવાર્યે ગોશાળાની રક્ષા કરી હતી . દેવાર્યે પોતાની શક્તિથી શીતલેશ્યાનો પ્રયોગ કર્યો . તાપસની આંખમાંથી નીકળેલી અગ્નિધારાની આસપાસ , દેવાર્યની હિમધારા જેવી શીતલેશ્યા વીંટળાઈ ગઈ . તાપસની તેજોલેશ્યાનો અગ્નિ અધવચ્ચે બુઝાઈ ગયો . ગોશાળો સહીસલામત રહ્યો .

તાપસ અવાક્ રહી ગયો . તે ઊભો થયો . દેવાર્ય સમક્ષ આવ્યો . દેવાર્યના પગમાં ઝૂક્યો અને બોલ્યો : મારી તેજોલેશ્યા આજ સુધી નિષ્ફળ ગઈ નથી . આપે તેજોલેશ્યા જેવી તેજોલેશ્યાને વિફળ બનાવી દીધી છે . આપે કમાલ કરી દીધી છે . આપનું તપ તેજ અપૂર્વ છે . મને ખબર નહીં કે આ માણસ ( ગોશાળો ) આપની સાથે છે . મેં અજાણતામાં અપરાધ કર્યો છે . મને માફ કરી દો .

દેવાર્ય મૌન રહ્યા : ગોશાળાને હજી પણ સમજાયું નહોતું કે શું થયું છે . તેણે દેવાર્યને પૂછ્યું કે આ બાવાજી શું અનાપશનાપ બોલી રહ્યા છે ? મને કાંઈ સમજાઈ રહ્યું નથી . આપ કહો શું વાત છે ?

દેવાર્ય બોલ્યા . સિદ્ધાર્થ નહીં , દેવાર્ય . આજસુધી ગોશાળો બોલતો એનો જવાબ સિદ્ધાર્થ આપતો . આજે સ્વયં દેવાર્ય બોલ્યા હતા . ગોશાળાને સમજાયું નહીં કે આ સાક્ષાત્ દેવાર્યનો જ અવાજ છે . તે દરવખતની જેમ જવાબ સાંભળવા લાગ્યો . દેવાર્યે કહ્યું :

`સાંભળ . તને સમજાવું . તું આની વારંવાર મજાક ઉડાવી રહ્યો હતો એટલે તેને ગુસ્સો આવી ગયો . તેણે તારા પર તેજોલેશ્યાની આગ વહેતી મૂકી . આ આગ પાણીથી , વરસાદથી , બરફથી કે કાદવથી બુઝાતી નથી . એ બાળીને જ રહે છે . તે તને બાળી નાંખવા માંગતો હતો . મેં તેજોલેશ્યાને રોકવા , શીતલેશ્યાનો પ્રયોગ કર્યો . આ શીતલેશ્યામાં પાણીની ધારા જેવો શીતલ આભા સ્પર્શ વહેતો થાય છે . એનાથી પેલી તેજોલેશ્યાની આગ બુઝાઈ ગઈ . પોતાની તેજોલેશ્યા નિષ્ફળ ગઈ તે તાપસને સમજાયું . તે હવે મારી માફી માંગી રહ્યો છે . તેની તેજોલેશ્યા તારી કાયાને સહેજ પણ ગરમ સ્પર્શ આપે તે પૂર્વે મેં એને શમાવી દીધી . તેનું એને આશ્ચર્ય છે .ʼ

ગોશાળો પહેલાં તો ડરી ગયો કે એનું મરણ આજે આવી લાગ્યું હતું . પછી રાજી થયો કે દેવાર્યે એને બચાવી લીધો . આખરે ગુરુએ આ ચેલાની લાજ રાખી હતી . પછી એને કૌતુક થયું કે તેજોલેશ્યા કેવી હોય ? તે સિદ્ધ થઈ શકે ? એની માટે શું કરવું પડે ? તેનાં અંતરમાં દેવાર્ય માટે ભક્તિના અનોખા ભાવ જાગ્યા . દેવાર્યે એને આજે મરતાં બચાવ્યો હતો . એણે દેવાર્યને વંદન કર્યા . પ્રશ્ન પૂછ્યો : આ તેજોલેશ્યાની લબ્ધિ કેવી રીતે હાંસિલ થાય ?

દેવાર્યે તરત જવાબ આપ્યો : છ મહિનાનું તપ કરવું પડે . છઠનાં પારણે છઠ કરવાના . પારણાના દિવસે , નખ પર સમાય એટલા સૂકા અડદના દાણા ખાવાના . પાણી એક જ ઘૂંટડો પીવાનું . કોઈ પણ જાતની ભૂલ વિના છ મહિના સુધી તપ ચાલુ રાખવાનું . પરિણામ ચોક્કસ મળે . તેજોલેશ્યા સિદ્ધ થાય .

ગોશાળો સાંભળીને ઉત્સાહિત થઈ ગયો . એ કાઠીએ મજબૂત હતો . ગરીબીના લીધે ભૂખ્યા રહેવાની આદત હતી . કોણ જાણે કેમ પણ એનાં શરીરમાં કષ્ટ ખમવાની ખાસ્સી બધી તાકાત હતી .

તેણે વેશિકાયનને જોયો , જેણે તેજોલેશ્યા સિદ્ધ કરી હતી . ગોશાળાને ધગધગતી તેજોલેશ્યા ગમી ગઈ હતી . એને દેવાર્યની શીતલેશ્યામાં મુદ્દલ રસ ના પડ્યો . તેજોલેશ્યાથી દુનિયા જીતી શકાય તે એને યાદ રહી ગયું . શીતલેશ્યાની સામે તેજોલેશ્યા હારી જાય એ વાત તેને મહત્ત્વની ન લાગી . આ બસ , ગોશાળાના સ્વભાવની સમસ્યા હતી . ગોશાળાએ શીતલેશ્યાની વિધિ ન પૂછી . એને એ સૂઝ્યું જ નહીં . વેશિકાયને શીતલેશ્યાની યાચના ન કરી . એને શીતલેશ્યા સમજાઈ નહીં હોય . સમજાઈ હશે તો વેશિકાયન પોતાને શીતલેશ્યાને લાયક માનતો નહીં હોય . તેજોલેશ્યાના માલિકે શીતલેશ્યા ન માંગી . એ ઠીક હતું . ગોશાળો તેજોલેશ્યાને બદલે શીતલેશ્યા માંગી શક્યો હોત . સર્વ શ્રેષ્ઠ બનવાનું સપનું આ રીતે પૂરું થવાનું જ હતું . ગોશાળાએ શીતલેશ્યા માંગી નહીં . એણે તેજોલેશ્યા માંગી . દેવાર્યે પણ એને શીતલેશ્યા માટે વિચારવાનું ન કહ્યું . દેવાર્યે ગોશાળાને તેજોલેશ્યાની વિધિ ન બતાવી હોત તો ગોશાળો જિંદગીભર ભીખમંગો રહેવાનો હતો . દેવાર્યે એને વિરાટ શક્તિનો રસ્તો ચીંધી દીધો હતો . તેજોલેશ્યા ભયાનક હતી . તેજોલેશ્યાને સાધવાની વિધિ પણ ભયાનક કઠિન હતી . ૧૮૦ દિવસમાંથી ૧૨૦ દિવસ ઉપવાસ કરવાના થાય . બાકીના ૬૦ દિવસોમાં એટલા જ અડદના દાણા ખાવાના , જેટલા આંગળીના એક નખ પર સમાય . પાણીનો એક જ ઘૂંટડો ભરવાનો . આવું પ્રચંડ તપ કરવાની હિંમત કોઈ ન કરે . ગોશાળો તુરંત કાંઈ બોલ્યો નહીં કે મારે તેજોલેશ્યા સિદ્ધ કરવી છે . એ દેવાર્યની સાથે થોડો વખત રહ્યો .

દેવાર્ય સિદ્ધાર્થ નગર પધાર્યા . ગોશાળો મતલબી હતો . એને સમજાઈ ગયું કે હવે તેને દેવાર્ય સાથે રહેવાની જરૂર નથી . એ તેજોલેશ્યા સિદ્ધ કરીને પોતાની મનમરજી મુજબનું જીવન જીવી શકતો હતો . એ દેવાર્યને છોડીને જતો રહ્યો , હંમેશ માટે જતો રહ્યો .

દેવાર્ય દાનેશ્વરીઓના કુલગુરુ હતા . દેવાર્યે ગોશાળાને જે આપ્યું તેના થકી ભવિષ્યમાં ગોશાળો ભગવાન્ તરીકે પૂજા પામવાનો હતો . દેવાર્યની સાથે રહેનારો , જીવનમાં દરિદ્રનારાયણ રહી જ ના શકે . ગોશાળો દેવાર્યની સાથે આટલું રહ્યો . દેવાર્યને જે જે કષ્ટ આવ્યા તેને થોડા થોડા ગોશાળાએ પણ સહ્યા હતા . દેવાર્ય અનાર્ય દેશમાં ગયા ત્યાંય ગોશાળાએ દેવાર્યનો સાથ ના છોડ્યો . પોતાની મૂર્ખામીને લઈને ગોશાળાએ દેવાર્યને તકલીફમાં મૂક્યા તે ખરું . ગોશાળાએ ક્યારેય દેવાર્યને કષ્ટ આપવાનું વિચાર્યું નહોતું . ગોશાળાને પ્રેમ કરતા આવડતું હતું કે નહીં તે વિષય અલગ હતો . ગોશાળાને પ્રેમ દેખાડતા આવડતું હતું કે નહીં તે વાત પણ અલગ હતી . ગોશાળાને દેવાર્ય માટે ખાસ્સી બધી લાગણી હતી . દેવાર્ય હતા જ એવા . જે દેવાર્યને મળે તે દેવાર્યના પ્રેમી બની જાય .

ગોશાળો સાત વરસ સુધી દેવાર્યની સાથે રહ્યો . દેવાર્ય બોલે છે એમ સમજીને એ સિદ્ધાર્થ સાથે વાતોના તડાકા બોલાવતો . એ દેવાર્યને પ્રશ્ન પૂછતો . દેવાર્યે આપેલા જવાબ સાચા જ પડતા . ઘણીવાર એવું થતું કે ગોશાળો દેવાર્યે આપેલા જવાબ ખોટા સાબિત થાય તેવો પ્રયત્ન કરતો પરંતુ દેવાર્યનો જવાબ જૂઠો સાબિત થતો જ નહીં . જોકે , ગોશાળાએ એમાંથી પણ નિયતિવાદનો સિદ્ધાંત બનાવી લીધો . ગોશાળો દેવાર્યને છોડી ગયો પરંતુ તેજોલેશ્યા અને નિયતિવાદ રૂપે ગોશાળાની સાથે દેવાર્યની છાયા હંમેશા બની રહી .

ગોશાળો પહેલી વાર ગયો ત્યારે ખાલી હાથે ગયો હતો . અને પાછો આવી ગયો હતો . બીજી વાર આ ગયો તે ખાલી હાથે નહોતો ગયો એટલે એ પાછો આવે તેવી સંભાવના નહોતી . દેવાર્યને શું ફરક પડતો હતો ? ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *