વનવગડે વિહરે વીર ૨૮.૩

વનવગડે વિહરે વીર ૨૮.૩

એ એક રાતમાં દેવાર્યે વીસ ઉપસર્ગો જોયા .
૧ .
આકાશમાંથી અપરિસીમ ધૂળનો વરસાદ થયો . દેવાર્ય પૂરેપૂરા ધૂળમાં ઢંકાઈ ગયા . દેવાર્યના મોઢાપર અને નાકપર ધૂળના થર છવાયા . દેવાર્યના શ્વાસ અવરુદ્ધ થઈ ગયા . પણ પ્રસન્નતા ન તૂટી . તે પછી
૨ .
કીડીઓનું ધણ દેવાર્યની આખી કાયા પર ચડી આવ્યું . કીડીઓના ચટકા તીખા અને ઊંડા હતા . કરડતી કીડીઓ દેવાર્યની કાયામાં અંદર સુધી ઉતરી ગઈ હતી . દેવાર્યનું મન સહેજ પણ ચલિત ન થયું . તે પછી
૩.
મચ્છરોનાં ઝૂંડ ઉડતા આવ્યાં . દેવાર્યની કાયા પર બેસીને હજારો ડાંસ મચ્છરોએ , ધગધગતી આગ જેવા ડંખ મારીને દેવાર્યનું લોહી ચૂસ્યું . દેવાર્યનું ચિત્ત અસ્વસ્થ ના જ થયું . તે પછી
૪ .
ઉધઈઓ ફૂટી નીકળી , સેંકડોની સંખ્યામાં. દેવાર્યને તે રીતસર કરડવા લાગી . ઉધઈઓ જે મકાનમાં નીકળે તે મકાનને પણ ફોલી ખાતી હોય છે . દેવાર્યનું શરીર ઉધઈઓનો શિકાર બન્યું હતું . તીવ્ર પીડામાં પણ દેવાર્યનું મન પ્રસન્ન જ રહ્યું . તે પછી
૫ .
વીંછીઓ ઉમટી પડ્યા . દેવાર્યની કાયા પર ઝેરીલા વીંછીઓ સરકતા રહ્યા અને કોઈ પણ જગ્યા કરડતા રહ્યા . મોંમાંથી રાડ નીકળી જાય એવી કાળઝાળ બળતરા દેવાર્યને થતી રહી . પણ દેવાર્ય સમતામાં સ્થિર જ રહ્યા . તે પછી
૬ .
નોળિયા આવ્યા . મોટા અને ક્રૂર . એમણે દેવાર્યને રીતસરના બાચકા ભર્યા . દેવાર્યનાં શરીરનું જીવંત માંસ ચીરાતું રહ્યું . દેવાર્ય તદ્દન શાંત રહ્યા , મનથી અને વચનથી . તે પછી
૭ .
નાગરાજની ફોજ દેવાર્ય પર ચડી આવી . કોઈએ ગળામાં આંટી મારી , કોઈએ પેટ પર , કોઈએ ચહેરા પર , કોઈએ પગમાં . કેટલા નાગ હતા તે ગણી ન શકાયા . દરેક નાગે પૂરા ઝનૂનથી ડંખ માર્યો હતો . દેવાર્યનાં લોહીમાં પ્રાણહારી ઝેર ફેલાયું . દેવાર્ય યથાવત્ સ્વસ્થ ઊભા રહ્યા . તે પછી
૮.
મોટામોટા ઊંદરડાઓ દેવાર્ય પર ચડી આવ્યા . એમણે દેવાર્યની કાયાને ચાકુ જેવા તીવ્ર દાંતથી ઠેરઠેર ફોલી ખાધી . દેવાર્યે નક્કર સાક્ષિભાવ બનાવી રાખ્યો . તે પછી
૯ .
હાથી આવ્યો . એણે દેવાર્યને સૂંઢથી લપેટીને આકાશમાં ઉછાળ્યા . હાથીએ દેવાર્યને લાંબા દંતશૂળથી ઊંચકીને જમીન પર પટકી દીધા . દેવાર્યના હાડકા અને પાંસળાનો કડાકો બોલાઈ જાય એવીરીતે દેવાર્યને દાંતથી દબાવ્યા , ભીંસ્યા . આ પરિસ્થિતિમાં દેવાર્ય ભૌતિક રીતે સ્થાન ભ્રષ્ટ તો થયા ગણાય પણ એમની માનસિકતા શાંત , પ્રશાંત , ઉપશાંત જ રહી . તે પછી
૧૦ .
હાથણ આવી . તેણે કઠોર આક્રમણ કરીને દેવાર્યના આખાં શરીરને જખમી અને લોહીલોહાણ કરી દીધું . તેણે ધક્કો મારીને દેવાર્યને જમીન પર પાડી દીધા . અને પછી તેણે પોતાના ગંદા મૂત્રનો ઢગલો દેવાર્ય પર ઠાલવ્યો . ગંદકી હતી અને જખમો પરની બળતરા વધારનારાં ક્ષારદ્રવ્યો હતાં . દેવાર્યને કેવું કષ્ટ પડ્યું હશે ? પરંતુ દેવાર્યની પ્રસન્નતામાં અંશમાત્ર પણ ફરક ના પડ્યો . તે પછી
૧૧ .
એક પિશાચ આવ્યો . એણે ડરામણા અને રૌદ્ર રૂપમાં દેવાર્યને કઠોર ત્રાસ આપ્યો , શારીરિક કષ્ટ આપ્યું . દેવાર્ય નિર્ભય અને નિશ્ચલ જ રહ્યા . તે પછી
૧૨ .
એક ખૂંખાર વાઘ આવ્યો . તે દેવાર્યની કાયાને ફાડવા જ લાગ્યો . તેના નખ અને દાંત તીક્ષ્ણ હતા . દેવાર્યે વાઘની હરકતોને ગાંઠી જ નહીં . સાધનાનંદ અખંડ . તે પછી
૧૩ .
દેવાર્યને પિતા સિદ્ધાર્થ રાજા અને માતા ત્રિશલાદેવીનો રડવાનો અવાજ સંભળાયો . મા વિલાપ કરીને કહી રહ્યા હતા કે પુત્ર અમે એકલા પડી ગયા છીએ . નંદિવર્ધને અમને ઘરમાંથી કાઢી મૂક્યા છે . તું દીક્ષા છોડી દે અને અમને સંભાળી લે . ( સંદર્ભ : ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત . પર્વ ૧૦ . સર્ગ ૪ . શ્લોક ૨૨૩ / ૨૨૪ ) દેવાર્ય સમજી રહ્યા હતા કે આ દેવની માયા છે . દેવાર્ય મૌન રહ્યા . તે પછી
૧૪ .
એક સાર્થ આવ્યો . ઘણા લોકો હતા . એમનો રસોઈઓ ખાવાનું બનાવવા જગ્યા શોધતો હતો . તે દેવાર્યની સામે આવ્યો . દેવાર્ય કાઉસગ્ગ મુદ્રાએ ઊભા હતા . દેવાર્યના બે પગની વચ્ચે જમીન પર તેણે લાકડીઓ ખડકીને ચૂલો પેટાવ્યો અને તેની પર તપેલીમાં રાંધણ મૂક્યું . દેવાર્યના આખાય પગ આગની લપેટમાં આવી ગયા . દેવાર્યે ખુદને દાઝવા દીધું . પણ ન સરક્યા , ન હલ્યા . તે પછી
૧૫ .
એક શિકારી જેવો ચાંડાલ આવ્યો . એના હાથમાં પંખીઓના પિંજરા હતા . તેણે દેવાર્યની કાયા પર એ પિંજરા લટકાવી દીધા . પિંજરામાં રહેલા પંખીઓએ લાંબી ચાંચથી દેવાર્યને મોટા અને ઊંડા જખમ કરી દીધા . જે રીતે પંખીઓ મોટા ફળને ફોલી ખાય છે તે રીતે આ પંખીઓએ દેવાર્યને ઠેરઠેર ફોલી ખાધા . દેવાર્ય સ્થિતપ્રજ્ઞ રહ્યા . તે પછી
૧૬ .
અચાનક તોફાની વંટોળિયો ચાલ્યો . મોટામોટા વૃક્ષો ઉખડીને જમીનદોસ્ત થવા લાગ્યા . આ વાવંટોળે દેવાર્યને પાંદડાની જેમ અદ્ધર ઊંચકીને જમીન પર પાડી દીધા . હવાના વેગમાં કાંકરા / કાંટા , દેવાર્ય પર તીક્ષ્ણ હથિયારની જેમ વરસી પડ્યા . દેવાર્ય વારંવાર ગબડતા રહ્યા , પડતા રહ્યા . પણ એમનો સમતાયોગ નિરાબાધ રહ્યો . તે પછી
૧૭ .
ચક્રાકાર વંટોળ ધસી આવ્યો . આ વંટોળમાં જે ફસાય તે ગોળગોળ ઘુમવા લાગે . કુંભારના ચકરડા પર માટીનો પિંડો જેમ ગોળગોળ ઘુમે છે તે રીતે દેવાર્ય એક જ જગ્યાએ ચક્કર ચક્કર ઘુમવા લાગ્યા , ઘુમતા રહ્યા . વંટોળની ઝડપ ઓછી થાય અને વધે એમ દેવાર્યનું ચક્રભ્રમણ ધીમું પડતું અને ઝડપ પકડતું . દિમાગનું ખૂન ખળભળી ઊઠે અને ચક્કર લાવીને બેહોશ કરી દે એવી આંધીમાં દેવાર્ય મગજથી સંતુલિત , મનથી આનંદિત રહ્યા . તે પછી

સંગમને ઘણો જ ગુસ્સો આવ્યો . એકથી માંડીને સત્તર સુધીની ઉગ્ર પીડા તે આપી ચૂક્યો હતો . છતાં દેવાર્યની મુખમુદ્રા પ્રસન્ન હતી તે પ્રસન્ન જ રહી , દેવાર્યની મનોદશા શુભ ધ્યાનમાં સ્થિર હતી તે સ્થિર જ રહી . હવે તેણે વાવટો સંકેલી લેવો જોઈતો હતો . સત્તરમાંથી એક કષ્ટ પણ બીજા કોઈ પર આવ્યું હોત તો તે જીવતો બચ્યો ન હોત અને જીવતો હોત તો એ રડતાં રડતાં ત્રાહિ મામ્ પુકારતો હોત . દેવાર્યની વાત અલગ હતી . દેવાર્ય બધી રીતે અવિચલ હતા . દેવાર્યની ઉર્જા જોઈને આદરભાવ જાગવો જોઈતો હતો , સંગમનાં મનમાં . એને તો ગુસ્સો આવી ગયો . દેવલોકમાં એકવાર દેવાર્યની પ્રશંસા સાંભળવી પડી , એ એકમાત્ર માનસિક કષ્ટ સંગમને મળ્યું હતું . એની સામે એણે દેવાર્યને જે કષ્ટો આપ્યાં તે કેટલા પ્રચંડ હતાં ? વાંધો પ્રશંસા સામે જ હતો તો એ પ્રશંસા દેવરાજે કરી હતી , દેવાર્યે નહીં . સંગમને લડવું જ હતું તો એ દેવરાજ સામે લડી લે તે ઠીક ગણાય . દેવરાજની વાતથી ચઢેલો ગુસ્સો સંગમ , દેવાર્ય પર ઉતારે એ કેટલું વહેવારુ હતું ? સંગમે એ પણ જોયું કે દેવાર્ય કશો પ્રતિકાર કરી રહ્યા નથી . આવી એકતરફી લડાઈમાં ઔચિત્ય શું હતું ?સંગમને બસ , ખુન્નસ ચડ્યું હતું . દેવાર્ય ચલિત થાય એટલે ઈન્દ્ર હારી જાય એટલો જ એનો સ્વાર્થ હતો . સત્તર કષ્ટોમાં દેવાર્ય ચલિત ન થયા તો સંગમે એક ભયાનક હથિયાર ઉગામ્યું . આ વખતે સંગમ દેવાર્યને મારી નાંખવા માંગતો હતો . દેવલોક પાછા જતાં પહેલાં દેવાર્યને ચલિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી તે પૂરી કરવાનો આ એક જ રસ્તો બચ્યો હતો એનાં મનમાં .
૧૮ .
એ હતું કાળચક્ર . નામ જ કેવું ખતરનાક છે ? કૃષ્ણના હાથમાં ઘાતક સુદર્શન ચક્ર હતું તે નાનકડું હતું . આ કાળચક્ર એક હજાર ભાર લોઢાનું બન્યું હતું . એમાંથી આગની જ્વાળાઓ વરસતી હતી . સંગમે બે હાથે એ કાળચક્રને ઉગામ્યું અને દેવાર્ય પર ફેંક્યું . આ કાળચક્ર જો મેરુપર્વતનાં શિખર પર ભટકાય તો મેરુપર્વતનાય ભુક્કા બોલાઈ જાય એવું ખતરનાક હતું . એ ઘુમતી ધારે દેવાર્યનાં માથાપર જોરથી અથડાયું . દેવાર્ય જે જમીન પર ઊભા હતા તે જમીનમાં ઘૂંટણસુધી ખૂંપી ગયા , કાળચક્રના ધક્કાને લીધે . જેનું વજન આટલું ભારે હોય એનો માર કેવો હોનહાર હશે ? દેવાર્યનાં માથા પર એકીસાથે લાખો હથોડા ઠોકાયા હોય એવો ભયાનક ફટકો પડ્યો હતો . દેવાર્યે પળવાર મૂર્છા અનુભવી ( સંદર્ભ : તિલકમંજરી ) . પણ દેવાર્યની પ્રસન્નતા ન તૂટી તે ન જ તૂટી . સંગમનો આ વાર પણ નિષ્ફળ ગયો . તે પછી
૧૯ .
સંગમે માયાજાળથી દેવવિમાનની રચના કરી , આસપાસ દેવતાઈ વાતાવરણ રચ્યું અને દેવાર્યને કહ્યું કે હે તપસ્વી , તમારું તપ સફળ થયું છે તેથી તમે આ દેવલોકમાં અવતાર પામ્યા છો . હવે ધ્યાનસાધના છોડીને આ આનંદપ્રમોદનો સ્વીકાર કરો . દેવાર્ય , સંગમની લીલા જાણતા હતા તેથી આત્મલીન જ રહ્યા .
સંગમ કાંઈ ઓછી માયા નહોતો . એણે દેવાર્યને સવારનું અજવાળું દેખાડ્યું અને કહ્યું , રાત વીતી ગઈ છે હવે આપ ધ્યાન મુક્ત બની શકો છો . દેવાર્ય કાઉસગ્ગમાં જ રહ્યા કેમકે દેવાર્ય .અસલી-નકલીનો ફરક જાણતા હતા . તે પછી
૨૦ .
દેવાર્યની આસપાસ રૂપસુંદરીઓ નીકળી આવી . એમનાં વસ્ત્રોમાં કાયાનું માદક પ્રદર્શન છલકતું હતું . એમના હાવભાવમાં કામદેવનો ટંકાર હતો . એમની વાતોમાં ઉઘાડું આમંત્રણ હતું . કોઈ પણ સાધક , તપોભંગ પામે એવા એમના દીદાર હતા . પણ દેવાર્યની સામે એમનાં સુંવાળા શસ્ત્રો નિષ્ફળ નીવડ્યાં . દેવાર્ય દુઃખ સહન કરી શકતા તે એમની પ્રથમ તાકાત હતી . દેવાર્ય સુખ સમક્ષ નિર્લેપ રહી શકતા તે એમની બીજી તાકાત હતી .સંગમનો આ પ્રયોગ પણ નિષ્ફળ જ રહ્યો . (ક્રમશઃ)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *