વનવગડે વિહરે વીર : ૨૮.૧

વનવગડે વિહરે વીર : ૨૮.૧

સંગમ દેવના ભયાનક ઉપસર્ગ

દેવાર્ય ફરીવાર અનાર્યભૂમિમાં પધાર્યા . દૃઢભૂમિ રાજ્ય . પેઢાલ ગામ . પેઢાલા ઉદ્યાન . પોલાસ ચૈત્ય . દેવાર્યે ત્રણ ઉપવાસનો સંકલ્પ કર્યો , અટ્ઠમ . એક જ જગ્યાએ કાઉસગ્ગ કરવાની ધારણા બાંધી . ખાસ નિયમ એ લીધો કે એક અહોરાત્ર સુધી આંખો અપલક રહેશે . ઉપરનું પોપચું નીચેનાં પોપચાને અહોરાત્ર સુધી અડશે નહીં એવો ભીષણ સંકલ્પ . દેવાર્ય જે નક્કી કરતા તે થઈને જ રહેતું . એક વિરાટ શિલાખંડ પાસે દેવાર્ય ધ્યાનમુદ્રાએ સ્થિર થયા . મન સમતામય પ્રસન્નતામાં સ્થિર . આંખો એકાદ અચિત્ત દ્રવ્ય પર સ્થિર . શરીર એક સ્થાન પર , એક જ મુદ્રામાં સ્થિર . હોઠ અને જીભ મૌનમાં સ્થિર . એ સ્થિર અવસ્થા અલૌકિક હતી .

દેવરાજને એ સ્થિરતા દેખાઈ . બનેલું એવું કે એ જ વખતે દેવલોકમાં દેવરાજને દેવાર્યની યાદ આવી . અવધિજ્ઞાનથી એમણે દેવાર્યને જોયા . તેણે સિંહાસન ત્યાગીને નમુત્થુણં-ના ઉચ્ચાર સાથે વંદન કર્યા . પછી એમણે દેવાર્યની આ સ્થિરદશાનું આકલન કર્યું .

હું સતત સુખદુઃખમાં રતિઅરતિ બનાવીને અસ્થિર થતો રહું છું ʼ દેવરાજે વિચાર્યું ‘ અને આ દેવાર્યને તો જુઓ , એમને સુખદુઃખથી કોઈ લેવાદેવા નથી , એમને રતિઅરતિના ભાવો સ્પર્શી શકતા નથી , એટલું જ નહીં . દેવાર્ય આટલી ઊંચાઈએ બેસીને પણ સ્વયંને તરાશતા રહે છે . કમાલ છે , કમાલ છે . દેવાર્ય સ્વયંમાં સ્થિર છે , એમને શુભધ્યાનથી કોઈ ચલિત ન કરી શકે . ʼ

દેવરાજ આમ વિચારતા વિચારતા સુધર્માસભાનાં મુખ્ય સિંહાસન પર બેઠા . દેવરાજની કુલ પાંચ સભાઓ હતી : સુધર્મા સભા , ઉપપાત સભા , અભિષેક સભા , આલંકારિક સભા અને વ્યવસાય સભા . ( સંદર્ભ : સૂત્રકૃતાંગ સૂત્ર ) એમાંથી આ સુધર્માસભામાં જ રાજદરબાર , કહો કે દેવદરબાર સજતો . સામાનિક , ત્રાયસ્ત્રિંશક , લોકપાલ , અંગરક્ષક , સેનાપતિ , આભિયોગિક , કિલ્બિષી આદિ પ્રકારના લાખો લાખો દેવ એકીસાથે બેસી , આનંદપ્રમોદનાં વાતાવરણમાં વાર્તાલાપ કરતા . ઈન્દ્રાણી અને દેવીઓની બેઠક વ્યવસ્થા અલાયદી રહેતી . દેવરાજ જે કહે તે સૌ સાંભળતા અને દેવરાજને જે કંઈ કહેવું હોય તે પણ કહી શકાતું . દેવરાજે દેવસભા પર નજર ફેરવી . સૌ દેવતાઓ અને દેવીઓ શ્રવણોત્સુકભાવે શાંત . દેવરાજ બોલ્યા :

` આપણા દેવાર્ય પ્રભુ , સાધનામાં નિરત છે . એમને સુખસાતાની કશી પરવા નથી . એ પોતાની મસ્તીમાં મગન છે . એમણે જે સ્થિરતા બનાવી છે તે ગજબ છે . એ કષ્ટ અને કષાયની અસરથી પર છે . અત્યારે એમણે સ્થિરમુદ્રાનો પ્રચંડ સંકલ્પ કરેલો છે . તમે સૌ અવધિજ્ઞાની છો . તમે જુઓ એમની સ્થિરતાને . આપણે બધાય , બદલાતાં સુખોમાં પણ અસ્થિર રહીએ છીએ અને અચાનક આવતાં દુઃખોમાં પણ અસ્થિર બનીએ છીએ . આપણામાં પળપળ આર્તધ્યાન રૌદ્રધ્યાનની અસ્થિરતાએ ઘર જમાવેલું છે . આમણે પવિત્ર વિચારોમાં ક્ષણવાર પણ સ્થિરતા બનાવી શકતા નથી અને આ દેવાર્ય , પવિત્ર ધ્યાનમાં એવા નિમગ્ન છે કે તેમને એ મહાધ્યાનમાંથી કોઈ ચલિત કરી શકતું નથી . દુનિયામાં એવો કોઈ દેવ નથી , અસુર નથી , યક્ષ નથી , રાક્ષસ નથી , પશુ નથી , માનવ નથી – જે દેવાર્યને ધ્યાનથી ચલિત કરી શકે . આ સ્થિરધ્યાનને વંદન હોજો . ʼ દેવરાજે દેવાર્યની સ્તવના કરી તેની સંગાથે સર્વ દેવોએ પણ અનુમોદનાપૂર્વક દેવાર્યને વંદના કરી . દેવસભામાં આવું અવારનવાર બનતું . દેવરાજ વિહરમાન તીર્થંકરને યાદ કરતા અને આખી સભા દેવાર્યની સાથે જોડાઈ જતી . આજે પણ એ જ દૃશ્ય બનવાનું હતું પણ અચાનક એક દેવ ઉછળી પડ્યો . ખબર નહીં કેમ , પણ એને દેવાર્યની પ્રશંસા ગમી નહીં . એ ગુસ્સામાં એલફેલ બોલવા લાગ્યો . ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *