વનવગડે વિહરે વીર (૧૮.૧)

વનવગડે વિહરે વીર (૧૮.૧)

ચોથા વરસનું કથાનક
૧૮ . ગોશાળો રે ગોશાળો

તૃતીય ચાતુર્માસ બાદ તુરંત દેવાર્ય કાલાક સંનિવેશ પધાર્યા . બીજા સાઠ ઉપવાસનું પારણું ક્યારે , કોણે કરાવ્યું એની જાણકારી પણ ઉપલબ્ધ ન થઈ . પારણા પછી દેવાર્યે સૂમસામ , અવાવરુ મકાનમાં કાઉસગ્ગ ધારણ કર્યો . ગોશાળો સાથે હતો .

રાતે અંધારાનો ગેરલાભ લેવા કોઈ આવ્યું . એનું નામ સિંહ હતું . એ ગામના મુખિયાનો પુત્ર હતો . એણે જોરથી અવાજ આપ્યો . આ મકાનમાં કોઈ છે ? કોઈ શ્રમણ , બ્રાહ્મણ કે પ્રવાસી – આ મકાનમાં હોય તો જવાબ આપો . મનેં અંધારામાં સમજાઈ રહ્યું નથી . જો અહીં કોઈ હોય તો અમે બીજે જતાં રહીએ . ‘

અમે બોલ્યો કારણકે એની સાથે યુવાન દાસી આવી હતી . એ બન્ને લંપટ પ્રવૃત્તિ કરવા અહીં આવ્યા હતા . દેવાર્ય મૌન રહ્યા , ગોશાળો પણ દેવાર્યનું જોઈને મૌન રહ્યો . સિંહે , દાસી સાથે સ્વચ્છંદ કામ પ્રવૃત્તિ આચરી . એ બન્નેને ખબર જ નહીં કે મકાનમાં દેવાર્ય અને ગોશાળો હાજર છે . બેય જ્યારે પાછા નીકળી રહ્યા હતા ત્યારે ગોશાળાએ દાસીને હાથ લગાડ્યો . એ દાસી ડરી ગઈ . વિદ્યુન્મતી એમનું નામ હતું . એણે સિંહને કહ્યું કે , ‘ કોઈ મને અડ્યું છે .ʼ

સિંહે અંધારામાં જ ગોશાળાને ખોળી કાઢ્યો અને ખૂબ પીટ્યો . ગોશાળાને માર પડ્યો ત્યારે દેવાર્ય મૌન જ રહ્યા . સિંહ ગયો . ગોશાળો નારાજ થઈ ગયો . એણે દેવાર્યને કહ્યું : મને પેલાએ લાઠીથી ટીપી નાખ્યો . આપે એને રોક્યો નહીં ? મને બચાવવા આપે કાંઈ જ ન કર્યું ?

સિદ્ધાર્થ હાજર હતો . તે બોલ્યો : તારે એની દાસીના હાથને અડકવાની શું જરૂર હતી ? તું અડપલું કરીશ તો તને માર જ પડશે ને ? તને સંયમથી રહેતા નથી આવડતું ?

ગોશાળો ચૂપ થઈ ગયો . પણ એના લખ્ખણ સુધારવાના નહોતા .

દેવાર્ય વિહાર કરી પત્રકાલ ગામે પધાર્યા . પહેલાની જેમ જ શૂન્ય ભવનમાં કાઉસગ્ગ ધારી રોકાયા . આ સ્થાને પણ કાલાક સંનિવેશની જેમ રાતે કોઈ દાસી લઈને અંધારામાં દુષ્ટ કાર્ય કરવામાં આવ્યું . દેવાર્ય મૌન રહ્યા . ખંધક નામના એ યુવાને , દંતલિકા નામની દાસી સાથે , યથેચ્છ કામાચરણ આદર્યું . ઘણા સમયે તેઓ બહાર જવા નીકળ્યા . આ વખતે ગોશાળો એમની પર હસવા લાગ્યો . એ યુવાન પણ ગામના મુખીનો દીકરો હતો . તેણે ગોશાળાને ખાસ્સો બધો માર માર્યો . આ વખતે પણ દેવાર્ય મૌન રહ્યા . પેલાના ગયા પછી ગોશાળો દેવાર્ય પર ચીડી ગયો . દેવાર્ય જે એકાંતમાં મહાધ્યાન આદરતા હતા એ જ એકાંતમાં કામવિલાસી જનો લાજશરમ વિના ભોગાચાર આદરતા . દેવાર્યે આ પણ સહેવાનું હતું . સાથોસાથ , આવા લોકો સાથે ગોશાળો ચેનચાળા કરતો એ પણ દેવાર્યે ઝેલવાના હતા . ઉપરાંત આ રીતે ગોશાળો માર ખાધાનો ગુસ્સો દેવાર્ય પર ઉતારે તેનેય દેવાર્યે ખમવાનો હતો .

‘ આપ મને બચાવતા કેમ નથી ? મારે કેટલી વખત માર ખાવાનો ? આપ મારું ધ્યાન જ રાખતા નથી . ‘ સ્વયં નિર્દોષતાનો અવતાર હોય એ રીતે ગોશાળો બોલ્યો . દેવાર્ય વતી સિદ્ધાર્થે કચકચાવીને જવાબ આપ્યો :

‘ તું પરાક્રમ કરીશ એના જવાબ તને મળશે જ ને ? તે અત્યાર સુધી માર ખાધો તે કાંઈ નથી . હજી પણ તું સુધર્યો નહીં ને , તો આનાથીય વધારે પીટાઈ થવાની છે તારી . જોઈ લેજે , હા . તારો બચાવ હું કરીશ એવું તને લાગે છે ? તુંય ગજબ છે . અરે , હું તારો બચાવ કરવા લાગીશ તો લોકો મારી પણ ધોલાઈ કરવા માંડશે . તારે મારી સાથે રહેવું છે ? તો તું સુધરી જા . વર્ના તું રોજ માર ખાતો રહીશ . હું ક્યાંય બચાવવા નહીં આવું . ʼ

ગોશાળો દેવાર્યને તાકતો રહ્યો . એને ખબર નહોતી કે વાત સિદ્ધાર્થ કરી રહ્યો હતો . હંમેશા એની નજર દેવાર્યનાં પારણાના દિવસ પર રહેતી . રાજગૃહીમાં દેવાર્યે પહેલાં માસક્ષમણનું પારણું કર્યું ત્યારે થયેલાં પંચ દિવ્યો જોઈને જ ગોશાળો દેવાર્ય પ્રત્યે આકર્ષાયો હતો . હવે , બે વાર માર પડ્યો એટલા માત્રથી એ ભાગી જવાનો નહોતો . દેવાર્યનાં પારણા સાથે જોડાયેલા પંચ દિવ્ય , ગોશાળાને દેવાર્ય સાથે રહેવા મજબૂર કરતા . એ દેવાર્યને છોડીને બીજે ક્યાંય જઈ શકવાનો નહોતો .

દેવાર્યે (મતલબ કે સિદ્ધાર્થે) કહી દીધું કે તારું ધ્યાન તું રાખ . હું તને બચાવવાનો નથી . આને સાફ ગુજરાતી ભાષામાં એમ કહેવાય કે દેવાર્યે (મતલબ કે સિદ્ધાર્થે)પોતાના હાથ ઉપર કરી દીધા . પરંતુ ગોશાળો લાલચુ હતો . એ માર ખાઈનેય સાથે જ રહેવાનો હતો . જડ માણસોના તમામ લક્ષણો ગોશાળામાં મૌજૂદ હતાં . (ક્રમશઃ)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *