વનવગડે વિહરે વીર (૧૬.૩)

વનવગડે વિહરે વીર (૧૬.૩)

બીજા વરસનું કથાનક : રેતીમાં પગલાં

જોશીએ ઝોળી ફેલાવી . દેવરાજને મના કોણ કરે ? દેવરાજ એની ઝોળીને સાચા સોનાના દાગીનાઓથી ભરી દીધી . દેવરાજે કહ્યું :` આ મારો વૈભવ નથી , આ દેવાર્યનો પ્રભાવ છે . ʼ

‘ ભગવાન્ પર અને શાસ્ત્રો પર શ્રદ્ધા રાખવાની જ હોય . તમે ભગવાન્ અને શાસ્ત્રો પરની શ્રદ્ધા ખોઈ દો એ તમારું કમભાગ્ય કહેવાય . મારા પ્રભુને મળે તે કમભાગી હોઈ જ ન શકે . આ દાગીનાનું મૂલ્ય તમે જાણતા નથી . તમારા પૂર્વજોની સાત પેઢીએ નહીં જોયું હોય એટલું સોનું તમને આ દેવાર્ય સાહેબના આશીર્વાદે આપ્યું છે . એમની પર ભક્તિ બનાવેલી રાખજો . તમારી જિંદગીમાં કોઈ દુઃખ નહીં આવે .

દેવરાજ આટલું બોલીને દેવાર્ય પાસે ગયા હતા . પુષ્પ સામુદ્રિકે અને દેવરાજે દેવાર્યને વંદના કરી હતી . દેવરાજ અદૃશ્ય થયા . જોશી પોતાના રસ્તે ચાલી નીકળ્યો .

દેવરાજ અને સામુદ્રિકે દેવાર્યનાં દર્શન કર્યા તે ભૂમિ હતી થૂણાગ સંનિવેશ . દેવાર્ય અહીંથી નીકળી રાજગૃહી પધાર્યા . ચોમાસું નાલંદામાં કર્યું .

સ્થિરતાની ભૂમિ હતી : અર્જુન વણકરની કાર્યશાલા . અહીં કલાકારો અને કારીગરોની મોટી ફૌજ સતત સક્રિય હતી . વસ્ત્રો બનતાં , રંગાતાં . એમનું વેચાણ થતું . વ્યવસાય ઘણો મોટો હતો અર્જુનનો . એ મહાશ્રીમંત હતો . મહેલ જેવું મકાન હતું રહેઠાણનું . એમાંની એક નાની જગ્યા દેવાર્ય માટે ઉપયોગી હતી : ઘાસ ઊગતું નહોતું , પાણી ભેગું થતું નહોતું , જીવજંતુઓનું આવાગમન નહોતું . અર્જુન વણકર પાસેથી અનુમતિ મેળવીને દેવાર્યે ત્રીજું ચોમાસું આ સ્થાનમાં કરવાનું નિર્ધાર્યું .

દેવાર્યે એક મહિનાના ઉપવાસ કર્યા . ચોમાસાના એકત્રીસમાં દિવસે પારણું કરવા કાર્યશાળાથી બહાર નીકળ્યા . ચાલતાં ચાલતાં વિજય શ્રેષ્ઠીનું ઘર જોયું . દેવાર્ય ઘર તરફ વળ્યા . શ્રેષ્ઠીએ દેવાર્યને જોયા , ઓળખ્યા . પ્રભુને ભિક્ષાનો લાભ આપવા વિનંતી કરી . દેવાર્યે વિનંતી સ્વીકારી . ભરપૂર ભોજન સામગ્રી દ્વારા તેણે દેવાર્યની ભક્તિ કરી . દેવાર્યને માસક્ષમણનું પારણું થયું . પંચ દિવ્ય થયા .

દેવાર્ય કાર્યશાળા પરત થયા . બીજું માસક્ષમણ કર્યું . પારણું કર્યું , આનંદ ગૃહપતિના હાથે ખાજાં સ્વીકારીને . ત્રીજું માસક્ષમણ કર્યું . પારણું સુનંદ શ્રેષ્ઠીના હાથે , સર્વકામગુણિત ભોજન દ્વારા થયું . દરેક પારણે પંચ દિવ્ય થયાં .

ચોથું માસક્ષમણ કર્યું . અને ચોમાસું પૂરું થયું . દેવાર્યે ચારેય માસક્ષમણમાં કેવળ કાઉસગ્ગ કર્યો હતો . ન હલનચલન . ન નિદ્રા . ન વાર્તાલાપ . ન ગતિવિધિ . શરીર મહદંશે અક્રિય . વાણી વિરત . મન નિઃસ્પંદ . દેવાર્ય અગોચર ચિંતનમાં નિમજ્જન સાધી લેતા . અગોચર તત્ત્વ , અપરિસીમ હતું , અવર્ણનીય હતું , અનિવર્ચનીય હતું . દેવાર્ય જ્ઞાનદૃષ્ટિ થકી એ અગોચરમાં નિલીન થઈ જતા . ભૂખ તરસ થાકની કોઈ ભૂમિકા જ બનતી નહીં . દેવાર્યના લાંબા ઉપવાસ , એ અગોચરમાં ડૂબવા માટે થતા . દેવાર્યનું એક એક પારણું , એ અગોચરને સ્પર્શવા માટે જ થતું . દેવાર્યને પોતાની કાયા મહત્ત્વની લાગતી નહોતી . દેવાર્યને એ કાયામાં વસનારો આતમા જ મહત્ત્વનો લાગતો હતો . (ક્રમશ:)

।। બીજા વરસનું કથાનક સમાપ્ત ।।

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *