આ અધ્યાત્મસિદ્ધ મહાપુરુષે વીસ અસમાધિસ્થાનોને પરાજય આપ્યો હતો

આ અધ્યાત્મસિદ્ધ મહાપુરુષે વીસ અસમાધિસ્થાનોને પરાજય આપ્યો હતો

સાધના કરવી હોય તો ક્ષણેક્ષણ આત્મજાગૃતિ રાખવી જોઈએ . આતમા શરીરનાં માધ્યમે જે અનુભવે છે એ વિભાવ અવસ્થા છે . આત્મા કર્મ ઉદયની પરતંત્રતા હેઠળ જે અનુભવે છે તે સંસાર છે . આતમા શરીર અને કર્મ ઉદય વિનાની અવસ્થા પામે એ મોક્ષ છે . સંસાર અને મોક્ષની વચ્ચેનો માર્ગ છે સાધના . સાધક જીવનનાં સ્તરે પ્રસંગોમાં અને સંબંધોમાં જોડાય છે ત્યારે પાપ અને પુણ્યના ઉદયનો ખેલ ચાલતો રહે છે.  સાધક પાપના ઉદયને ખમી જાય છે અને પુણ્યના ઉદયને જીરવી લે છે . પાપનો ઉદય અસ્વસ્થતાનું નિર્માણ કરી શકે છે . પુણ્યનો ઉદય અસમતુલાનું નિર્માણ કરી શકે છે . સાધક અસ્વસ્થતાને અને અસમતુલાને ટાળે છે . લોકોને શું ગમ્યું , પરિવારને શું ગમ્યું , લોકોને કે પરિવારને શું ન ગમ્યું ? આની અસમંજસથી સાધક સ્વયંને મુક્ત રાખે છે . મારા આત્માને શેનાથી લાભનુકસાન છે એની પર જ સાધક કેન્દ્રિત રહે છે . આ સમાધિ છે . મહાપુરુષોને એમનાં આ અંતરંગ વ્યક્તિત્વના આધારે જ બહુમાન અપાતું હોય છે . પુણ્યાઈ અને મોટાઈ બાળજીવોને આંજે છે . મધ્યમ વૃત્તિના જીવો પ્રારંભિક બોધ પામે છે મહાપુરુષોનાં વ્યક્તિત્વનો . ઉત્તમ વૃત્તિના જીવો સાધકની અંતરંગ અવસ્થા એટલે કે પરિણામધારાને જુએ છે , સમજે છે અને એની અનુમોદના કરે છે . પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાને ,  ઉત્તમ જીવોની ભૂમિકાએથી જોઈએ તો એમની ગરિમા શું બને છે એનું અવલોકન श्री आवश्यकसूत्र बृृहद्वृत्तिના આધારે આપણે કરીશું . 

સાધનાનો આનંદ એ સમાધિસ્થાન છે . સાધક સમાધિસ્થાનથી વંચિત રહે એવી પરિસ્થિતિને અસમાધિસ્થાન કહેવામાં આવે છે . અસમાધિસ્થાન વીસ છે . સાધકે અસમાધિસ્થાનથી બચવાનું હોય . સાધક એવી તકેદારી રાખે કે સમાધિ તૂટે નહીં અને આ અસમાધિ આવે નહીં . મહારાજજીએ નૂતન દીક્ષિત પૂજ્ય મુનિરાજ શ્રી રામ વિજયજી મહારાજા સ્વરૂપે પોષ સુદ તેરસે દીક્ષા જીવનનો પ્રારંભ કર્યો ત્યારથી માંડીને પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા તરીકે અષાઢ વદ ચૌદશે અલવિદા લીધી ત્યાં સુધીના સમયગાળામાં અસમાધિસ્થાનોને એકદમ જાગૃતિપૂર્વક દૂર રાખ્યા હતા .  કેવી રીતે ? વિસ્તારથી જોઈએ . 

પ્રથમ અસમાધિસ્થાન છે दवदवનો સંયોગ . दवदव એટલે ઉતાવળ . સાધક જે ક્ષણે જે પ્રવૃત્તિ કરે છે તેમાં એ પૂર્ણ ઉપયોગ અને અહોભાવને જોડે છે . સંસારીને પોતાની મનગમતી પ્રવૃત્તિમાં આનંદ આવે . સાધકને  સાધનાની ક્રિયાઓમાં આનંદ આવે છે . સાધક દરેક ક્રિયાને અંતર્યાત્રા રૂપે આદરતો હોય છે . જેમાં આનંદ આવતો હોય એમાં ઉતાવળ ના હોય .  ચાર પ્રકારે ઉતાવળ થતી હોય છે  :  दवदवचारी , दवदवभोई , दवदवभासी અને दवदवपडिलेही . दवदवचारी એટલે ચાલવામાં ઉતાવળ અને ઔચિત્યભંગ . दवदवभोई એટલે ખાવાપીવામાં ઉતાવળ અને ઔચિત્ય ભંગ . दवदवभासी એટલે બોલવામાં ઉતાવળ અને ઔચિત્ય ભંગ . दवदवपडिलेही એટલે પડિલેહણ આદિ ક્રિયાઓમાં ઉતાવળ અને ઔચિત્ય ભંગ . 

૧ .

दवदवचारी અવસ્થાનાં ચોકઠામાં સાધક ગોઠવાઈ શકતો નથી . સાધક ચાલે એમાં સ્ફૂર્તિ ઘણી હોય .  સાધક ચાલે એમાં ઉત્સાહની ધાણી ફૂટે . સાધક માંદલો માંદલો ચાલે નહીં . પણ એટલું ચોક્કસ સમજાય કે સાધક ધીમે ધીમે ચાલે છે , ન ઉતાવળ છે , ન ભાગાદોડી છે . સાધકની ચાલમાં સાધનાનો સ્પર્શ વર્તાય છે . મહારાજજીની વિહારચર્યા પર दवदवचारी અવસ્થા હાવી થઈ નહોતી . મહારાજજીએ વિહાર સંબંધી નિયમ બનાવીને રાખ્યા હતા .૧ . અંધારે વિહાર નહીં કરવાનો .૨ . એવો લાંબો વિહાર કરવાનો જ નહીં કે જેની માટે પરોઢનાં અંધારે નીકળવું પડે .૩ . એકીસાથે એટલાબધા પ્રસંગો ન સ્વીકારવા કે લાંબો વિહાર કરવાનો વારો આવે . મહારાજજીએ વિહારયાત્રાને  ભાગદોડ  બનવામાંથી બચાવી રાખી હતી . શાસન પ્રભાવના કરતા સંયમ યાત્રાનું મહત્વ ઘણું જ વધારે છે . એ વાત એમના વિહારક્રમ જોઈને પણ શીખવા મળતી.  એક વર્ષમાં વધારેમાં વધારે કેટલો વિહાર કર્યો એની ગણતરી સંયમયાત્રામાં નથી થતી . જે વિહાર કર્યો તેમાં વિધિ કેટલી જળવાઈ અને અવિધિથી કેટલી હદે બચી શકાયું તેનું જ માહાત્મ્ય જાળવવાનું હોય છે . दवदवથી બચવાનો આ પહેલો મુદ્દો . બીજો મુદ્દો રોજીંદી અવરજવર સાથે જોડાય છે . તેમની દૈનિક અવરજવરની દરેક પ્રવૃત્તિ ઉતાવળથી મુક્ત રહેતી.  ઉપાશ્રયથી દેરાસરે જવું છે, આરામથી જતા . ત્રણ પ્રદક્ષિણા આપવી છે , આરામથી આપતા . ખમાસમણ આપવા છે ,  આરામથી આપતા . દેરાસરથી પાછા ઉપાશ્રયે આવવું છે , આરામથી આવતા .  પોતાની બેઠક પરથી વ્યાખ્યાન હોલ તરફ જવું છે , આરામથી જતા .  જ્યાંથી નીકળતા , આરામથી પસાર થતા . એમની અવરજવરની ક્રિયાઓમાં  ઉતાવળનો અણસાર રહેતો જ નહીં .  સમયના પાબંધ હતા .  વહેલા પહોંચે એ બને ,  મોડા તો ક્યારેય ન પહોંચે . એટલે સમયની મારામારી પણ બનતી નહીં . દરેક કામ પોતપોતાના સમયે પૂરું થઈ જવું જોઈએ એવી નિયમિતતા જાળવતા . એટલે એક જગ્યાએ ફસાયેલા રહ્યા એને કારણે બીજી જગ્યાએ પહોંચવામાં મોડું થયું એવી ગડબડ પણ થતી નહીં . બધું ટકોરાબંધ સમયસર થતું . પોતાની સમયબદ્ધતા અતૂટ રાખી હતી . મોડા પડવાનો સવાલ આવતો જ નહોતો અને જલ્દી કરો જલ્દી કરોવાળી હડબડી બનતી નહોતી . જુવાનીમાં ગોચરી લેવા જતા ત્યારે પણ સમયસર નીકળતા . જ્યાં પહોંચવાનું હોય તે જગ્યા નજીક હોય તો સમય જુદો . જ્યાં પહોંચવાનું હોય એ જગ્યા દૂર હોય તો સમય જુદો . આ રીતે ચોક્કસ ગોઠવણ થતી જ . તેને કારણે તેઓ ગોચરી લેવા નીકળતા એમાં પણ ઉતાવળ વર્તાતી નહીં.  दवदवचारी અવસ્થા એક સમસ્યા છે . આ  સમસ્યા  અવ્યવસ્થા ,  અશાંતિ અને અજંપામાંથી આવે છે  . મહારાજજી વ્યવસ્થા , શાંતિ અને જંપના મહારથી હતા .  આને કારણે दवदवचारीની પરિસ્થિતિ એમને લાગુ પડતી જ નહીં . ઈર્યાપથિકાનો પ્રેમ મહારાજજીમાં આકંઠ . ધીમી ગતિએ ચાલવામાં એમને આધ્યાત્મિક આનંદ સાંપડતો . મારું ચાલવું એ મારી આરાધનાની પ્રવૃત્તિ છે એમ માનતા અને दवदवचारी અવસ્થાને માત દેતા . 

૨ .

दवदवभोई અવસ્થા આહારપાણી સાથે જોડાય છે . આહારનો કોળિયો અને પાણીનો ઘૂંટડો , દેહવૃત્તિ છે . સાધક એમાં શોખ ન પાળે એ હકીકતે સાચું પણ સાધક આહારપાણીમાં અનાવશ્યક ઉતાવળ કરતો નથી . આહારપાણી સાથે સાધક જોડાય છે . આહાર પાણી સાધનાને સહાયક બને છે . આહારપાણી આરાધનાને બળ આપે છે એટલે આહાર પાણી લેતી વખતે વેઠ વાળવાનો તો પ્રશ્ન જ  ઊભો થતો નથી . ઉપવાસ કરો એ સર્વોત્તમ , પણ કેટલા ઉપવાસ કરી શકાય ? પારણું  કરવું જ પડે છે . ઉપવાસ વિનાના દિવસો માથે ઝીલવા જ પડે છે . એ  દરમિયાન આહાર , શક્તિ સાધક બને અને પાણી ,  ઊર્જા સાધક બને એ રીતે આહાર અને પાણી સાથે સમય વીતાવવો જ પડે છે . ઉતાવળે લીધેલો કોળિયો અને ઉતાવળે ભરેલા ઘૂંટડા પેટમાં તુરંત હજમ થતા નથી , લાંબા ગાળે નુકસાન કરે છે .  આહાર લેતી વખતે , પાણી વાપરતી વખતે આનું ધ્યાન ન રખાય તો આરોગ્યશાસ્ત્રના નિયમનો ભંગ થઈ જાય છે . સાધક શરીર પાસેથી કામ લેવા આહાર લે છે , શરીરને બગાડવા માટે નહીં .  આહાર , આત્માનો સ્વભાવ નથી એ વાત સાચી છે પરંતુ આહાર શરીર માટે તો સ્વભાવ જેવી જ આવશ્યકતા છે . એ આહાર , વિવેક વગર લેવામાં , નુકસાન વધુ છે . ખાવા પીવાનો શોખ રાખવાનો નહીં  એ પાકું છે અને ખાવા પીવામાં લોચા વાળવાના નહીં એ પણ છે પાકું છે .  મહારાજજી જે આહાર ગ્રહણ કરતા તેમાં સ્વાદ વૃત્તિ ન પોષવાની તકેદારી જાળવતા . મીઠું મળે તો હરખાય ,  કડવું મળે તો કચવાય એવું થતું નહીં . ગરમાગરમ મળે તો રાજીપો નહીં , ઠંડુગાર મળે તો વસવસો નહીં . જે મળ્યું તે વાપરી લેવાનું .  દોષિત આહારથી બચવાની ભાવના હંમેશા બનેલી રહે .  જેમણે ઉપવાસ અને આંબેલ કર્યા છે એમની અનુમોદના મનમાં ચાલતી રહે . જે પાત્રે આવ્યું છે તેને સંભાળપૂર્વક અંદર ઉતારી દેવાનું જરૂર .  પણ જીભને ટેસડો ના મળવો જોઈએ એટલું તો ખરું જ . ભાવતી વસ્તુ મોંમાં મમળાવવાની અને ન ભાવતી વસ્તુ ઝટ ગળાની નીચે ઉતારી દેવાની એવું વલણ નહોતું રાખ્યું . दवदवभोई અવસ્થાથી બચવા મહારાજજીએ આટલા નિયમ બનાવી રાખેલા . ૧ . ઓછાં દ્રવ્યોથી ચાલી જતું હોય તો વધારે દ્રવ્ય લેવાના નહીં . ૨ . એકાદ વિગઈ છોડી શકાતી હોય તો , છએ છ વિગઈઓનો લબાલબ થાળ  , સ્વીકારવાનો નહીં . ૩ . થોડા સમયમાં વાપરવાનું પૂરું થઈ જતું હોય તો , લાંબો વખત બેઠા રહેવાનું નહીં . ૪ . નિર્દોષ દ્રવ્ય મળી જવાનું નિશ્ચિત હોય ત્યારે દોષિત દ્રવ્ય તરફ લલચાવાનું નહીં . ૫ . નિર્દોષ પાણી નહીં જ મળે એવું પાક્કું હોય ત્યારે જ ન છૂટકે દોષિત પાણી લેવાનું  . આ નિયમો તૂટશે એટલે दवदवभोईનો દોષ લાગશે . અચૂક યાદ રાખતા . 

૩ . 

दवदवभासी અવસ્થા વાણી સંબંધી છે . મનમાં જે આવ્યું તે એમ ને એમ બોલી નાખવું એ ગંભીરતાની નિશાની નથી . અલબત્ત મનમાં જે હોય તે જ બોલવું એને અધ્યાત્મવચન કહેવાય છે પરંતુ એ આગમશાસ્ત્રની અલગ ભૂમિકા છે  .  સામાન્યતઃ મનમાં જે હોય એ બધું જ બોલવા લાયક હોતું નથી . સાંભળનારની ભૂમિકા અને પરિસ્થિતિની આવશ્યકતા અનુસાર જે બોલવાનું હોય એ જ બોલાય . જે ભૂમિકા અને આવશ્યકતાથી વિપરીત હોય તે ના જ બોલાય . જે બોલીએ તે ઉપયોગી હોવું જોઈએ . જે બોલીએ એનું કોઈ સારું પરિણામ આવશે એ નિશ્ચિત હોવું જોઈએ . બસ , આમ બેઠા છીએ તો બોલતા જઈએ એવો ગપ્પાબાજીનો સ્વભાવ સાધકને શોભતો નથી . સાધક વિચારપૂર્વક બોલે . આવેશ અને પૂર્વગ્રહ રાખ્યા વિના બોલે . પોતાનું કથન ભાષા સમિતિ અને વચન ગુપ્તિને અનુરૂપ હોય એની કાળજી સાધક હંમેશા રાખે . વાતો કરવી અને વાર્તાલાપ કરવો આ બંને વચ્ચેનો ફરક સાધક સમજે છે . ઉપયોગી વ્યક્તિ સાથે ઉપયોગી કક્ષાની વાર્તા એટલે કે વાતચીત કરવી એ વાર્તાલાપ છે . જે ઉપયોગી છે જ નહીં એવું બધું બોલવું અને એવી વ્યક્તિ સાથે બેસીને બોલવું જેની કોઈ ઉચિત ભૂમિકા જ નથી એ दवदवभासी અવસ્થા છે . ખુદ તીર્થંકર ભગવાન્ શ્રમણ અવસ્થામાં અલ્પતમભાષી હોય છે આ વાત સાધકને યાદ હોય છે . હું છદ્મસ્થ છું માટે મારે પણ ઓછામાં ઓછું જ બોલવાનું હોય એવી મર્યાદા સાધકને યાદ હોય છે . વાતોડિયો માણસ . તડફડિયો માણસ લાંબા ગાળે કાર્ય સાધક બની શકતો નથી . વાર્તાલાપ માં મર્યાદા હોય છે , સીમા હોય છે અને એક સમુચિત અનુસંધાન હોય છે .  અમથા બેઠા બેઠો , જે આવ્યા એ બધાની સાથે વાતો જ કર્યા કરે એને મર્યાદા શું ? સીમા શું ? અને આગળ પાછળના લેવાદેવા શું ?  મહારાજજી વ્યાખ્યાન વાચસ્પતિ બન્યા તે પૂર્વે વાર્તાલાપવાચસ્પતિ બની ચૂક્યા હતા . બિનજરૂરી બાબતો પર , નકામા મુદ્દા ઉપર બોલવાનું જ નહીં . ચોક્કસ શબ્દો તો ક્યારેય મોઢામાં આવે જ નહીં . જે બોલે તે ધીમે ધીમે બોલે . ધીમું બોલવામાં પણ સ્વાભાવિકતા . દંભી માણસ ચીપી ચીપીને બોલે એમાં કશીક દુર્ગંધ આવતી હોય છે .  ગોઠવી ગોઠવીને બોલનારા સફાઈથી જૂઠ બોલી શકે છે પણ એવું બોલેલું આખરે તો બેકાર જ ગણાય છે . ધીમે ધીમે બોલવું એટલે નુકસાન ન થાય એટલું જ બોલવું . ધીમે ધીમે બોલવું એટલે ભૂલ ન થાય એ રીતે જ બોલવું .  ધીમે ધીમે બોલવું એટલે ઉત્સૂત્ર ન બને એવું જ બોલવું .  હિતકારી વચન . મિત વચન . તથ્ય વચન અને પથ્ય વચન . આ  ચારેય સાથે મહારાજજીને કાયમ સંબંધ રહ્યો . આ ચાર સિવાયની કોઈ વાત મહારાજજીનાં મોઢેથી ક્યારેય કોઈને સાંભળવા મળી નથી .  વાતે વાતે તરત જવાબ આપી દેવો ,  કારણ વગરના પ્રશ્ન પૂછવા , નિંદા કરવી ,  ઉત્સાહ તોડી નાંખવો , શાસ્ત્ર સાથે લેવા દેવા ના હોય એવી બાબતોની ચર્ચા કર્યા કરવી આ બધી બાબતો  दवदवभासी અવસ્થામાં જોવા મળે છે . જે સમજ્યા વિના બોલે છે તે તેને માફી માંગવી જ પડે છે . મહારાજજી  दवदवभासी નહોતા . આવેશમાં આવીને કાંઈપણ બોલી જવું એવો મહારાજજીનો સ્વભાવ ન હતો .  એટલે મહારાજજીને  ૭૭ વર્ષની લાંબી સંયમચર્યામાં ક્યારે પણ માફી માંગવાનો વારો આવ્યો નહોતો . 

૪ . 

दवदवपडिलेही અવસ્થા પ્રતિલેખન આદિ ક્રિયા સંબંધી છે . એક કામ ફટાફટ પૂરું થાય એ પછી બીજું કામ કરવું છે . બીજું કામ ફટાફટ પૂરું થાય એ પછી ત્રીજું કામ કરવું છે આ રીતે ટાર્ગેટ અચિવ કરવાની થિયરી સાધકે રાખી હોતી નથી . સાધકનું સૂત્ર બહુ સિમ્પલ હોય છે : જ્યારે જે કરવું છે તે એકાગ્રતાપૂર્વક કરવું છે , જ્યારે જે કરવું છે તે આજ્ઞા અનુસાર જ કરવું છે . પહેલા શું હતું અને પછી શું હશે એ વિચારવા કરતાં –  અત્યારે શું કરવાનું છે એ વધારે અગત્યનું હોય છે . આગળની અને પાછળની પળોજણમાં અટવાઈને જે વર્તમાન ક્રિયાને ઉતાવળે  પતાવવા માંગે છે તેની હાલત એક એવા પશુ સમાન હોય છે જે ન ઘરનો હોય છે અને ઘાટનો હોય છે . પ્રતિક્રમણ , પડિલેહણ જેવી  ક્રિયાઓ ફટફટ કરી લેવી છે એવું વલણ સાધક રાખતો નથી . આપણી દરેક ક્રિયા એકલે હાથે કેવળજ્ઞાન સુધી પહોંચાડી શકે છે . જે ક્રિયા આટલું મોટું ફળ આપી શકે તે ક્રિયા પૂરતો સમય માંગે એમાં કોઈ આશ્ચર્ય નથી . ઢીલાશ ન રાખવી અને આળસ ન કરવી આ વાત બરોબર છે . પરંતુ ઉતાવળ ઉતાવળ અને ઉતાવળની જ ભૂતાવળ રાખવી એ સદંતર ખોટું છે . ક્રિયાઓની બાબતમાં મહારાજજી ક્યારે ઉતાવળ રાખતા નહીં . કોઈને માંગલિક સંભળાવવાનું હોય કે દિવસમાં વારંવાર પછી પચખાણ આપવાના હોય કે દેરાસરમાં દર્શન કરવાના હોય કે સિદ્ધગિરિરાજની નવ ટૂંક જુહારવાની હોય કે અમદાવાદ – પાટણના ભવ્ય જિનાલય જુહારવાના હોય , મહારાજજી ઉતાવળ વિના જ ક્રિયાઓ કરતા.  કોઈ ઉતાવળ કરે તો એને રોકતા , ટપારતા અને ઉતાવળને નિવારી દેતા . મહારાજજીને મુહપત્તિનાં પડિલેહણમાં વાર લાગતી ,  મહારાજજીનો કાઉસગ્ગ લાંબો ચાલતો . આવું એટલા માટે થતું આવું થતું કારણ કે મહારાજજી મનમાં સૂત્ર બોલતી વખતે પણ ઉતાવળ કરતા નહીં . અનાદિકાલીન ચાર મહાસંજ્ઞાઓ આત્માને મોક્ષથી દૂર રાખી રહી છે  . એ સંજ્ઞાઓ  દુષ્ટ સંસ્કારોનો મહાસમૂહ છે . આ દુષ્ટ સંસ્કારોની સામે ઉત્તમ સંસ્કારોનો મહાસમૂહ ઊભો કરવા માટે જ તો ક્રિયાઓ અને સાધનાઓ કરવાની  છે .  ઉતાવળથી થયેલી ક્રિયાઓ સંસ્કાર નિર્મિતિ કરી શકતી નથી . ઉતાવળ વિના થયેલી ક્રિયાઓ ભરપૂર સંસ્કાર નિર્મિતિ કરી શકે છે . અશુભ સંસ્કારોનું બળ તૂટીને ચૂરચૂર થઈ જાય એ માટે જરૂરી હોય છે કે શુભ સંસ્કારોનું બળ ભરપૂર વધે . દિવસ અને રાત દરમિયાન જે કંઈ પણ ક્રિયાઓ કરવાની છે તે શુભ અને સાત્ત્વિક સંસ્કારોનું પ્રબળ નિર્માણ કરશે એવો આત્મવિશ્વાસ સાધકે રાખવાનો છે.  સંસ્કારનું શુભ તત્ત્વ આત્માની શક્તિ છે.  એવી શક્તિ જે  આગામી ભવોમાં સથવારો બની રહેશે . જે ક્રિયામાં ગોટાળા વાળે છે તેને આગામી ભવોમાં ક્રિયાઓ ફરીથી મળશે જ નહીં . ક્રિયાઓમાં જે માવજત રાખે છે તેને આગામી ભવોમાં ક્રિયાઓ ત્યારસુધી મળ્યા કરશે જ્યાં સુધી એ મોક્ષમાં પહોંચતો નથી . ક્રિયાઓમાં ઉતાવળ ન કરવી એ જ છે दवदवपडिलेही અવસ્થાનો પ્રતિકાર . મહારાજજીએ આ પ્રતિકાર ,  પ્રતિદિન અને પ્રતિપળ ચાલુ રાખેલો .

( ક્રમશઃ ) — લેખક  : देवर्धि 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *