તમે ભદ્દિલપુરની યાત્રા કરી છે ? આ શીતલનાથ પ્રભુનાં ચાર કલ્યાણકની ભૂમિ છે .

તમે ભદ્દિલપુરની યાત્રા કરી છે ? આ શીતલનાથ પ્રભુનાં ચાર કલ્યાણકની ભૂમિ છે .

૧ . ૩૦૦૦ યાત્રાળુઓની ભૂમિ  

અમદાવાદ , મુંબઈ , સુરત , વડોદરા જેવા શહેરોમાં એક દિવસના કાર્યક્રમમાં ૩૦૦૦ જૈનો ભેગા થઈ જાય એ બહુ સહેલું છે . વરસમાં એટલી બધી વાર ૩૦૦૦ લોકો ભેગા થાય છે કે ૩૦૦૦ લોકોનું ભેગા થવું એ કોઈ મોટી વાત લાગતી જ નથી . પણ એક કલ્યાણક તીર્થ એવું છે જ્યાં આખા વર્ષમાં કુલ મળીને ૩૦૦૦ જેટલા જ જૈનો આવે છે . શું આવું બને છે ?  આજના જમાનામાં બને છે ? હા , આજે આવું બની રહ્યું છે . 
તમે જે સંઘમાં રહો છો , જે શહેરમાં રહો છો , જે વિસ્તારમાં રહો છો ત્યાં શ્રી શીતલનાથ ભગવાનની મૂર્તિનાં દર્શન તો થતાં જ હશે . કલકત્તામાં શ્રી શીતલનાથ ભગવાનનું જિનાલય બાબુ બદ્રીદાસ ટેમ્પલ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે અને ત્યાં અગણિત યાત્રાળુઓ આવે પણ છે . જે આવે છે એની ખુશી બિલકુલ હોવી જોઈએ . પરંતુ શ્રી શીતલનાથ ભગવાનનું જ્યાં ચ્યવન કલ્યાણક થયું , જ્યાં જન્મ કલ્યાણક , દીક્ષા કલ્યાણક અને કેવળ જ્ઞાન કલ્યાણક થયું એ ભૂમિ પર બાર મહિનાના ૩૬૦ દિવસમાં ફક્ત ૩૦૦૦ જેટલા જૈનો જ આવે છે એ હકીકત જૈન સંઘ માટે ઘણી જ શરમજનક કહેવાય . હોઈ શકે છે કે વરસે ત્રણ હજારને બદલે પાંચ હજાર કે આઠ હજાર જૈનો આવતા હોય . ત્રણ હજારનો આંકડો ત્યાંના પૂજારીએ આપ્યો . 
ઋજુવાલિકા તીર્થમાં કેવલજ્ઞાન કલ્યાણક મંદિરનાં આંગણે આસપાસના નજદીકી તીર્થોનાં નામ અને એ કેટલા દૂર  છે એની જાણકારી આપતું એક બોર્ડ રાખવામાં આવ્યું છે .

ઋજુવાલિકા તીર્થથી શિખરજી અઢાર કિલોમીટર દૂર છે . ચંપાપુરી બસ્સો ત્રીસ કિલોમીટર . પાવાપુરી બસ્સો પચીસ કિલોમીટર . લછવાડ એકસો સાઠ કિલોમીટર . રાજગૃહી બસ્સો ચાલીસ કિલોમીટર . કાકંદી એકસો પચાસ કિલોમીટર . આ સિવાય અન્ય સ્થાનોના નામ પણ એ બોર્ડ પર છે . પરંતુ એ બોર્ડમાં શીતલનાથ ભગવાનનાં ચાર કલ્યાણકનાં એક તીર્થનું નામ નથી . આનો અર્થ એ છે કે શીતલનાથ ભગવાનનાં મુખ્ય કલ્યાણકતીર્થનું નામ હજી જન સાધારણ સુધી પહોંચ્યું નથી . 
એ તીર્થનું નામ છે શ્રી ભદ્દિલપુર તીર્થ . ઋજુવાલિકાથી શ્રી ભદ્દિલપુર તીર્થ આશરે બસ્સો ચાલીસ કિલોમીટરની દૂરી પર છે . વાહન માર્ગે પાંચ કલાક જેટલો સમય થાય . આ ભદ્દિલપુરનો ઉલ્લેખ વિ. સં. ૧૭૭૦માં શ્રી સૌભાગ્યવિજયજી મ.સા.એ  સ્વરચિત તીર્થમાળામાં આ મુજબ કર્યો છે : 
તિહાંથી સોલેં કોસેં જાણજો રે ભદ્દિલ પૂર છે , દતારા પ્રસિદ્ધ રે વિષમ મારગ છે વનખંડે કરી રે સાથે પંથ દિખાઉં લિદ્ધ રે . ૬આવ્યા ભદ્દિલપુર ઉલટ ધરી રે ગિરિ ચડિયા જિન પૂંજે ભાય રે રાજાનો આદેશ લઈ કરી રે ફરસ્યા પારસનાથના પાય રે . ૭સપ્તફણામણી મૂરતિ પાસની રે એક ગુફામાં એક મલ્લ રે નિપર સરોવર કમલ ફૂલે ભર્યો રે નિર્મલ પાણી તસ અવલ્લ રે . ૮પૂજીને તે ગિરીથી ઉતરી રેઆવ્યા ગામ દંતારે જેથ રેજનમ થયો શીતલ જિનરાયનો રે ચાર કલ્યાણક હુઆ એથ રે . ૯

તેઓ એમ લખે છે કે ‘ અમે બોધિગયાથી ભદ્દિલપુર આવ્યા .  અમારો એ વિહાર સોળ કોસનો થયો . રસ્તામાં જંગલ ઘણું હતું. ક્યાંથી નીકળશું , ક્યાં પહોંચશું એ સમજાય પણ નહીં એટલે અમે એક વોળાવિયો રાખેલો .  એ અમને ભદ્દિલપુર સુધી દોરીને લાવ્યો . ભદ્દિલપુરમાં અમે પહાડ ઉપર યાત્રા કરી .  રાજાનો આદેશ મેળવીને પહાડી ઉપર ગુફામાં બિરાજમાન અને મણિસદૃશ સાત ફણાથી દીપી રહેલી શ્રી પારસનાથ દાદાની પ્રતિમાનાં દર્શન કર્યાં . પહાડ પર તળાવ છે એનું પાણી એકદમ નિર્મળ છે અને એમાં ઢગલાબંધ કમળો ઉગે છે . ત્યાં પૂજા થઈ તે પછી અમે નીચે ઉતર્યા . ‘ શ્રીસૌભાગ્યવિજયજી મહારાજા જણાવે છે કે અમે નીચે ઉતર્યા ત્યાં શ્રી શીતલનાથ ભગવાનનાં જન્મ કલ્યાણકની ભૂમિની સ્પર્શનાનો લાભ મળ્યો . 

આજે કેટલા જૈનોએ શ્રી શીતલનાથ ભગવાનનાં જન્મ કલ્યાણકની ભૂમિની સ્પર્શનાનો લાભ મેળવ્યો છે ? પ્રશ્ન વિચારવા જેવો છે . એવું નથી કે આજે શ્રી શીતલનાથ ભગવાનનાં જન્મ કલ્યાણકની ભૂમિ પર કોઈ સગવડ નથી . દેરાસર છે , ધર્મશાળા છે , ભોજનશાળા છે , ઉપાશ્રય છે , નાનો એવો બગીચો છે , સુગંધિત ફૂલો છે . હાઇવે છે , વાહન વ્યવહાર છે , નાનું એવું શહેર છે . ખેદની બીના એ છે કે આવવાવાળાની સંખ્યા સીમિત છે . અને આ ઓછી સંખ્યા પણ ખુશી આપે છે . આટલા જૈનો આવે છે તે હમણાંથી આવતા થયા છે . 


૨ . વિચ્છેદ પામેલું તીર્થ ફરીથી સાંપડ્યું 

બાકી એક સમય એવો પણ હતો કે આ ભદ્દિલપુરમાં જૈનોને પગ મૂકવાનું પણ સૂઝતું નહોતું . ભદ્દિલપુર તીર્થનો ઉચ્છેદ થઈ ગયો છે આ એક કહાની એવી ગોઠવાઈ ગઈ હતી કે જૈનોને ભદ્દિલપુરની આ ભૂમિની જાણ જ નહોતી . શું એ દિવસો હશે ? જ્યાં શીતલનાથ ભગવાનની માતા મહારાણી નંદાદેવીએ ચૌદ સપનાં જોયાં એ નગરમાં એક જૈન બચ્ચો જોવા ના મળે . જ્યાં શીતલનાથ ભગવાનના પિતા મહારાજા દૃઢરથે સ્વપ્નલક્ષણપાઠકોના શ્રીમુખે ચૌદ સપનાં સંબંધિત દિવ્ય ભવિષ્યવાણી સાંભળી ત્યાં પ્રભુની એક સ્તુતિ ગવાતી ના હોય . જ્યાં છપ્પન દિશા કુમારીઓએ આવીને સર્વપ્રથમ જન્મ મહોત્સવ કરેલો ત્યાં  સ્નાત્ર પૂજા કરવા માટે ભગવાનની મૂરતિ નહોતી , ત્રિગડું વગેરેની વ્યવસ્થા પણ નહોતી અને કોઈ સ્નાત્રપૂજાર્થી પણ નહોતા . જ્યાં આવીને ઈન્દ્રે પાંચ રૂપ ધારણ કરેલા ત્યાં એક પણ પ્રભુભક્ત જોવા મળતો નહોતો . આવું શી રીતે થયેલું એની ચર્ચા , કેસ સ્ટડી રૂપે કરવી જોઈએ . ક્યારેક એ કરીશું . પણ એ પરિસ્થિતિ દોઢસો વરસ રહી . શ્રી શીતલનાથ ભગવાનનાં જન્મ કલ્યાણકની ભૂમિ લુપ્ત થઈ ચૂકી છે એવું માનીને જૈન સંઘે એ ભૂમિનાં દર્શન વિશે આશા રાખવાનું છોડી દીધું હતું . આકરી ભાષા વાપરીએ તો શ્રી શીતલનાથ ભગવાનનાં જન્મ કલ્યાણકની ભૂમિને આખો જૈન સંઘ ભૂલી ગયો હતો . શ્રી શીતલનાથ ભગવાનનાં જન્મ કલ્યાણકની ભૂમિ પર જૈન યાત્રાળુ આવતા જ નહોતા . શીતલનાથ ભગવાનની હજારો મૂર્તિઓ છે ભારત દેશમાં .  એ મૂર્તિની પૂજા કરનારા ભકતજનોને ભદ્દિલપુરની ભૂમિ પર આવવાનો વિચાર આવતો જ નહીં . એક જ દલીલ હતી કે શ્રી શીતલનાથ ભગવાનનાં જન્મ કલ્યાણકની ભૂમિ એ લુપ્ત તીર્થ છે . જ્યાં શ્રી શીતલનાથ પ્રભુએ એક વરસ સુધી વરસી દાન આપીને દીક્ષા લીધી એ ધન્ય ભૂમિ પર શ્રી શીતલનાથ પ્રભુનું નામોનિશાન નહોતું બચ્યું . વિ. સં . ૧૭૭૦ પછી  વિ. સં . ૧૮૭૦ સુધી આ ભૂમિ પર પ્રભુનું કોઈક અસ્તિત્વ હશે . વિ. સં .૧૯૦૦ સુધીમાં પરિસ્થિતિ દર્દનાક બની . તીર્થ વિચ્છેદ પામ્યું છે એમ સરેઆમ બોલાતું હતું , લખાતું હતું .  આજથી ત્રીસ વરસ પહેલાં સુધી એ દર્દ ઊભું રહ્યું .  
સન ૧૯૯૩માં એક નરબંકો જાગ્યો . એને લાગ્યું કે આમ હાર માનીને બેઠા ન રહેવાય . એના બાપ અને એના દાદાએ એને જોશ આપ્યું . એ કામે લાગી ગયો . એણે ઘણા ખાંખાખોળા કર્યાં . શ્વેતાંબર , દિગંબર , હિંદુ અને બૌદ્ધ સાહિત્યના સંદર્ભો તપાસ્યા . એને માહિતી મળવા લાગી . શ્રી સૌભાગ્યવિજયજી મહારાજા જે પહાડની વાત કરે છે તે પહાડ , આજના ઝારખંડનો કોલ્હૂઆ પહાડ છે  એમ પાક્કું થયું . પહાડની પાછળની તળેટીમાં દંતારા ગામ છે એને દિગંબરો ,  શ્રી શીતલનાથ ભગવાનનાં જન્મ કલ્યાણકની ભૂમિ માને છે  અને આપણી તીર્થમાળાઓ પણ દંતારા ગામનો ઉલ્લેખ કરે છે . પરંતુ ચોક્કસ સંદર્ભોના આધારે સમજાવા લાગ્યું કે દંતારાથી અલગ એક શહેર કે ગામ છે જેનું નામ ભદ્દિલપુરને મળતું આવે છે . એ કયું શહેર કે ગામ છે ? એ શહેર કે ગામ ક્યાં છે ? એની તપાસ ચાલુ રહી . એક દિવસ નામ મળ્યું : ભોંદલ ગામ . બંગાળી ભાષામાં અકારનો ઉચ્ચાર ઓકારથી કરે છે . કમલને કોમલ કહે , રસને રોસ કહે , જયને જોય કહે . આ જ તાલમાં ભદ્દિલનું ભોદ્દિલ થયું હોય અને ભોદ્દિલનું ભોંદલ થયું હોય એ રીતે તાળો મેળવ્યો . આ ભોંદલ ગામ કોલ્હૂઆ પહાડની નજીકમાં હોય એ જરૂરી હતું . એ નરબંકો  કોલ્હૂઆ પહાડની નજીકમાં હટવરિયા ગામમાં તપાસ ચલાવી રહ્યો હતો કે ભોંદલ ગામ છે ક્યાં ? સન ૨૦૦૬ની આ વાત છે . ત્યાં એને જાણવા મળ્યું કે કોલ્હૂઆ પહાડની બીજી તરફ હન્ટરગંજ છે અને એને અડીને જે ગામ છે તેનું નામ જ ભોંદલ ગામ છે . એ નરબંકો હટવરિયા ગામથી તુરંત દોડ્યો . હન્ટરગંજ પહોંચ્યો . હન્ટરગંજની ભાગોળે એણે  ભોંદલ ગામનું નામ વાંચ્યું .

એની આંખોમાં હરખનાં આંસુ ઉભરાયા . દોઢસો વરસથી લુપ્ત મનાતું આવેલું અતિ પ્રાચીન તીર્થ , ભદ્દિલ શબ્દના અવશેષ જેવા ભોંદલ શબ્દનો શંખ વગાડતું , અડીખમ ઊભું હતું . એ નરબંકો , ભોંદલની ગલી ગલીએ ફર્યો . ભોંદલ ગામને અડીને વહે છે નિરંજના નદી . સરિતાતટના પરિવેશને લીધે ભોંદલ ગામમાં છુપાયેલું ભદ્દિલપુર જાણે કે આખેઆખું ઊઘડી આવ્યું હતું . એ નરબંકાએ ઘણા અનુભવીઓ સાથે ચર્ચાવિમર્શ કર્યો . સૌનું કથન એક જ હતું કે , આપણે જેને લુપ્ત માનતા હતા તે તીર્થની ભૂમિ આ જ સંભવે છે . 
ભોંદલની શોધ કરનાર એ નરબંકાનું નામ છે લલિતકુમાર નાહટા . એના પિતાનું નામ હરખચંદજી નાહટા . એના દાદાનું નામ ભંવરલાલજી નાહટા . દાદા અને પિતા લાંબા સમયથી ભદ્દિલપુરની શોધમાં હતા . બેયના સપનાંને સાકાર કર્યું આ નરબંકાએ . ચૌદ વરસની શોધ પછી પ્રભુ શ્રી શીતલનાથ દાદાની ભૂમિ મળી હતી . તીર્થ લુપ્ત છે એવી લોકવાયકા બન્યા બાદ દોઢસો વરસે તીર્થભૂમિનું પ્રાગટ્ય થયું હતું . તીર્થલોપની લોકવાયકા આખરે ખોટી પુરવાર થઈ . હજાર વરસના ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળે એવી ઘટના બની . જમીનમાંથી પ્રાચીન ભગવાન મળી આવે એવું જોવા મળ્યું છે . જમીનમાંથી પ્રાચીન દેરાસર મળી આવે એવું જોવા મળ્યું છે . મોહેંજોદડો , લોથલ જેવી નગરી જમીનમાંથી મળી આવી એ પણ જોવા મળ્યું છે . પરંતુ એક ગામ સાબૂત હોય છતાં એની ઓળખ ભૂંસાઈ ગઈ હોય એવું પ્રાય: પહેલીવાર બન્યું હતું . અને એ ગામને શોધી કાઢવામાં આવ્યું હોય અને એને તીર્થભૂમિ તરીકેની ઓળખ આપવાનો પવિત્ર પુરુષાર્થ થયો હોય એવું પણ પ્રાય: પહેલીવાર બન્યું હતું . નાહટા પરિવારને જે લાભ મળ્યો તે અકલ્પનીય હતો . 
ભોંદલ ગામ સાથે ભદ્દિલપુર તીર્થનું નામ ફરીથી જોડાય એ માટે શું કરવું પડે ? ભોંદિલ ગામમાં એક ભૂમિખંડ ખરીદવો પડે . એ ભૂમિખંડ એવી જગ્યાએ હોય કે આખું ગામ જોઈ શકે . એ ભૂમિખંડ પર જિનાલયનું નિર્માણ થાય , એમાં ભૂમિની ઓળખાણને અનુરૂપ પ્રભુ બિરાજમાન થાય , પ્રભુની સાથે એવો આડંબર રચાય કે આવનારો દર્શનાર્થી અભિભૂત થાય . આ બધી જ વાતોનો વિચાર , નાહટા પરિવારે કર્યો . ભોંદલ ગામ જ ભદ્દિલપુરની ભૂમિ છે એ નક્કી થયું તે પછી તરત જ લલિતકુમાર નાહટાના માતા શ્રીમતી રૂખમણીદેવી નાહટાના નામે ભૂમિ ખરીદવામાં આવી . ગામમાં સસ્તા ભાવે જમીન  ઘણી મળતી હતી પરંતુ તીર્થભૂમિ તરીકેનો દરજ્જો શોભાવે એવી જમીન લેવાની હતી . ભૂમિની આસપાસના લોકો સારા જ હોવા જોઈએ .  રાષ્ટ્રીય મહામાર્ગ અને નિરંજના નદીની વચોવચ એક જમીન જોવામાં આવી . જમીનના એક છેડે મહામાર્ગ ધમધમતો હતો અને બીજા છેડે નદી ખળખળતી હતી . આવું વાતાવરણ જોયું , ગમ્યું . તે પછી મોંઘા ભાવની જ જમીન લેવામાં આવી . સસ્તી જમીનનો મોહ રાખ્યો જ નહીં . તીર્થની ગરિમા પણ તો જોવાની હોય ને . 
હજી એક કામ થયું . જૈન શ્વેતાંબર કલ્યાણક તીર્થ ન્યાસ , આ નામે ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન થયું અને નાહટા પરિવાર નામે જે ભૂમિ હતી તે આ ટ્રસ્ટને અર્પિત કરવામાં આવી . આમ તીર્થભૂમિ સાથે સકલ શ્રી સંઘ જોડાય એવી વ્યવસ્થા બની . જોતજોતામાં જિનાલય બન્યું , પ્રતિષ્ઠા થઈ . સરકારી પદાધિકારીઓ ભૂમિપૂજનથી માંડીને પ્રતિષ્ઠા સુધી જોડાયેલા રહ્યા . આણંદજી કલ્યાણજી પેઢી , જૈન શ્વેતાંબર સોસાયટી જેવી વડીલ સંસ્થાઓ  પણ સાથે જોડાઈ હતી . યાત્રાળુઓને ભક્તિ અને આરાધનાની દરેક સુવિધા મળે એવું તીર્થ નિર્માણ પામ્યું . એક ભગવાન બિરાજ્યા . ચાર કલ્યાણકની ચાર  ચરણપાદુકાઓ બિરાજિત થઈ .  
નાહટા પરિવારે જે કરવાનું હતું , એણે કર્યું . હવે જે કરવાનું હતું તે સમગ્ર ભારતના જૈન પરિવારોએ કરવાનું છે . શું જૈન પરિવારો  ભોંદલ ગામ સાથે ,  ભદ્દિલપુરની ભૂમિ સાથે મોટી સંખ્યામાં જોડાયા છે ? પહેલો જવાબ એ છે કે વરસે ત્રણેક હજાર યાત્રાળુ આવે છે એટલે કોઈ નથી આવતું એવું ના કહેવાય . સાવ કોઈ નહોતું આવતું એને બદલે આટલા આવે છે એ સારી વાત છે . હવે બીજો જવાબ એ છે કે હજારો હજારોની ભીડ જે રીતે પાવાપુરી , સમેત શિખરજીમાં જોવા મળે છે એવી ભીડ અહીં નથી . અહીં માટે પાલીતાણા કે શંખેશ્વર જેવી ભીડની કલ્પના પણ મુશ્કેલ છે . ભદ્દિલપુર તીર્થ માટે મુખ્ય મુદ્દો એ છે કે આ કલ્યાણક તીર્થનો પ્રચાર કરવાની જવાબદારી આપણી છે એ આપણને સમજાયું જ નથી . 

૩ . શ્રી સીયલ ભગવાન્ તમારી રાહ જુએ છે
ભદ્દિલપુર કરતાં ઋજુવાલિકા તીર્થમાં વધારે યાત્રાળુ આવે છે . અહીં બહારના બોર્ડ પર બીજા તીર્થોની જેમ ભદ્દિલપુરનું પણ નામ હોય તો ? આ વિચાર આવે છે અને તરત એવું લાગે છે આમાં ઋજુવાલિકા તીર્થની ભૂલ કાઢવાનો કોઈ આશય નથી . બીજાને સલાહ આપવી અને બીજાની ભૂલો કાઢવી આ આપણા બધાનો કાયમી બિઝનેસ છે . શું સલાહ આપી દેવાથી કામ થઈ જશે ? શું ભૂલો ગણાવી દેવાથી રસ્તા નીકળી જશે ? કામ કરવું હોય અને રસ્તા કાઢવા હોય તો જાતે પસીનો પાડવો જોઈએ .  એમ સલાહ જરૂર આપી શકાય કે દરેક તીર્થનાં આંગણે ભદ્દિલપુર તીરથનો  પ્રચાર કરનારા બોર્ડ હોવા જોઈએ વગેરે વગેરે . પણ એ અન્યને આપવામાં આવેલી સલાહ કહેવાય .  જવાબદારી એ હોય કે મારા તમામ પરિચિતોને હું , મારી ભૂમિકા અનુસાર , ભદ્દિલપુર તીર્થ વિશે જાણકારી અને પ્રેરણા આપું . હું જેને ઓળખતો હોઉં અને મને જે ઓળખતા હોય તે સૌને હું ભદ્દિલપુર તીર્થ વિશે કશુંક જણાવું તો જ જવાબદારીનું પાલન કર્યું લેખાય . આ તમે જે ભદ્દિલપુર વિશે વાંચી રહ્યા છો એ તમને વાંચવા મળે , આ વાંચતા વાંચતા તમે ભદ્દિલપુર વિશે જે વિચારી રહ્યા છો તે તમે વિચારી શકો તેની જ માટે આ લેખ તમારી સામે આવ્યો છે . મારી જવાબદારી છે , તમને ભદ્દિલપુર વિશે જણાવવાની અને હું એ જણાવી જ રહ્યો છું . 
યાદ કરો , સીયલ નામનો પવિત્ર શબ્દ આપણે લોગસ્સ સૂત્રમાં બોલીએ છીએ . આજસુધી આપણે સેંકડો સેંકડો વાર , લોગસ્સ સૂત્ર બોલી ચૂક્યા છીએ . એ લોગસ્સ સૂત્રમાં બિરાજમાન શ્રી સીયલ ભગવાન્ , જ્યાં માતાની કુક્ષિમાં પધાર્યા એ ભદ્દિલપુરની ભૂમિ તમારી રાહ જુએ છે . એ લોગસ્સ સૂત્રમાં બિરાજમાન શ્રી સીયલ ભગવાન્ , જ્યાં માતાને ચૌદ સપનાં દેખાડી ચૂક્યા છે એ ભદ્દિલપુરની ભૂમિ તમારી રાહ જુએ છે . એ લોગસ્સ સૂત્રમાં બિરાજમાન શ્રી સીયલ ભગવાન્ , જ્યાં જન્મ કલ્યાણકના સ્વરૂપે પધાર્યા એ ભદ્દિલપુરની ભૂમિ તમારી રાહ જુએ છે . એ લોગસ્સ સૂત્રમાં બિરાજમાન શ્રી સીયલ ભગવાન્ , જ્યાં દીક્ષા કલ્યાણકના સ્વરૂપે શ્રમણ બન્યા એ ભદ્દિલપુરની ભૂમિ તમારી રાહ જુએ છે . એ લોગસ્સ સૂત્રમાં બિરાજમાન શ્રી સીયલ ભગવાન્ , ચાર ઘાતી કર્મોનો નાશ કરીને જ્યાં કેવલજ્ઞાની બન્યા એ ભદ્દિલપુરની ભૂમિ તમારી રાહ જુએ છે . તમે મોટા મોટા તીર્થોની યાત્રા કરો છો તે જરૂર કરો . એ યાત્રા કરવાની જ હોય . બસ , શ્રી શીતલનાથ ભગવાનની ચાર કલ્યાણકની ભૂમિને ભૂલવાની નથી . એટલું યાદ રાખજો . ભદ્દિલપુરની ભૂમિ તમારી રાહ જોતી હતી , રાહ જુએ છે , રાહ જોતી રહેશે . તમે ભદ્દિલપુરની યાત્રા કરી નહીં હોય તો તમારી પ્રભુભક્તિ અધૂરી છે , સમજી લેજો . 

૪ . શ્રી શીતલનાથ જિનાલય અને શ્રી પાર્શ્વનાથ ગુફા

બનારસથી ઋજુવાલિકાના રસ્તે , ઓન ધ રોડ ભદ્દિલપુર આવતું નથી . બનારસથી ચંદોલી , મોહનીયા , સાસારામ , ડેહરી , ઔરંગાબાદ , મદનપુર , શેરઘાટી સુધી આવો . ત્યાંથી ડોભી આવો . ડોભીથી એક રસ્તો જમણા હાથે હન્ટરગંજ જાય છે . ડોભીથી ૧૪ કિલોમીટર અંદર હન્ટરગંજ આવે . હન્ટરગંજની સાથે જ ભોંદલ જોડાયેલું છે . અમે આ રસ્તે ચાલી રહ્યા હતા . આશ્ચર્યજનક બાબત હતી કે ડોભીથી અંદર વળ્યા ત્યારથી માંડીને છેક હન્ટરગંજ સુધી , જે જે વાહનો નીકળ્યા તે તમામ પર , ઢોલનગારાવાળા જોરજોરથી ઢોલનગારા વગાડતા હતા . જે વાહન પર ઢોલનગારાવાળા નહોતા એમની પરથી ડીજેનો ઘનઘોર શોર આવી રહ્યો હતો . પહેલાં તો લાગ્યું કે આજે કોઈને ત્યાં લગ્ન હશે એમાં આ ગાડીઓ દ્વારા મહેમાનો જઈ રહ્યા હશે . પછી રહસ્ય ખૂલ્યું કે આ ગાડીઓમાં બેેસીને હિંદુ યાત્રાળુઓ કોલ્હૂઆ પહાડ તરફ જઈ રહ્યા છે . કોલ્હૂઆ પહાડ પર રોજ હજારો હિન્દુઓ યાત્રા કરવા આવે છે . અમે ડોભીથી અંદર વળ્યા ત્યાંથી માંડીને હન્ટરગંજ સુધી , વાહનોના વાજીંત્રવાદન થકી કોલ્હૂઆ પહાડના ડંકા વાગતા જ રહ્યા . હન્ટરગંજ શહેરના હાઈવેના મુખ્ય ગેટ પર કોલ્હૂઆ પહાડીનું સ્વાગત બેનર લાગેલું છે . એની પર લખ્યું છે કે આ હિંદુ , બૌદ્ધ અને જૈન તીર્થ ભૂમિ છે , પધારો . ૨૬ માર્ચના દિવસે સવારે સાડાઆઠની આસપાસના સમયે , જિંદગીમાં પહેલીવાર ભોંદલમાં એટલે કે ભદ્દિલપુરમાં પગ મૂક્યો . મનમાં ચાલી રહ્યાં હતાં શીતલનાથ પ્રભુનાં પ્રાચીન સ્તવનો . શીતલ જિન મોહે પ્યારા . મુજ મનડામાં તું વસ્યો રે . જોતજોતામાં નજરની સામે આવ્યું દેરાસર . ઊંચું અને રમણીય . જે મહેલમાં પ્રભુનો નિવાસ હતો , એ મહેલ કેવો હશે ? જ્યાં શૈશવ અને બાળપણ વીત્યું , યૌવન આવ્યું એ રાજમહાલય કેવો હશે ? વિચાર ચાલતા રહ્યા . ધવલ ઉજ્જ્વળ પ્રતિમાનાં દર્શન કર્યાં . જેની મૂરતિ આવી ટાઢક આપે છે એ ભગવાન જીવતા જાગતા બેઠા હશે ત્યારે એમનાં દર્શન કરનારને કેવી ટાઢક મળતી હશે ? વિચાર આવતા રહ્યા . શાંતિથી પ્રભુદર્શન કર્યા બાદ નિરંજના નદીને નિહાળી . એક વાત સમજાઈ . જે પ્રસિદ્ધિ ઋજુવાલિકાને મળી છે એના એકસોમા ભાગની પ્રસિદ્ધિ પણ આ નિરંજના નદીને નથી મળી . ઋજુવાલિકા નદીનો ઠાઠમાઠ અનેરો છે . નિરંજના નદીના પટ પર પાણી હોતું નથી , આખી નદી ખાલી દેખાય છે . હિંદુ પરંપરા મુજબની માન્યતા છે કે આ નદીને અભિશાપ લાગેલો છે . અભિશાપ એ કે આ નદીમાં પાણી રેતીની નીચે દબાયેલું રહેશે , રેતી જે ખોદશે એને પાણી મળશે પણ નદીની ઉપર પાણી વહેતું જોવા નહીં મળે . ખરેખર એવું જ દૃશ્ય હતું . રેગિસ્તાન જેવી રેતાળ અને સૂકીભઠ નદી . આ નદીના પશ્ચિમ કિનારે દેરાસર છે . વહેલી સવારે સામા કિનારે પૂૂરવમાં સૂરજ ઉગે છે એનું લાલ , ગુલાબી , સોનેરી અજવાળું દેરાસરના શિખરના રંગરૂપને નવી આભા બક્ષે છે .

૨૭ માર્ચના દિવસે કોલ્હૂઆ પહાડની યાત્રા કરી . ભદ્દિલપુરથી આ પહાડ બાર કિલોમીટર દૂર છે . નદીરસ્તે શોર્ટકટથી જઈએ તો સાત આઠ કિલોમીટર થાય .

કોલ્હૂઆ પહાડ પર ચાર આરાધ્ય આલંબન છે . એક , ગુફામાં બિરાજમાન શ્રી પાર્શ્વનાથ ભગવાન્ . બે , તળાવ પાસે શ્રી શીતલનાથ ભગવાનનાં ચરણપાદુકા . ત્રણ , શ્રી શીતલનાથ ભગવાનનાં કેવલજ્ઞાન કલ્યાણકનાં ચરણપાદુકા . ચાર , પહાડીની દીવાલ પર ઉત્કીર્ણ જિનપ્રતિમાઓ . પહાડનું આરોહણ ત્રણ કિલોમીટરનું છે . પગથિયાં સિદ્ધગિરિ જેવા સરળ નથી . ચઢાણ ઘણું છે . ચડતાં ચડતાં શ્વાસ ભરાય . લગભગ એક કલાકે આરોહણ પૂરું થયું . વિશાળ સંખ્યામાં ઊભેલી પૂજાપાની દુકાનો અને ખાવાપીવાની હાટડીઓમાં કોલાહલનો પાર નહોતો . કોલ્હેશ્વરી દેવીનાં મંદિરે પૂજા કરવા માટે હજારો હિંદુ આવેલા એમની લાંબી કતાર ખડી હતી . કોઈના હાથમાં થાળી , કોઈના હાથમાં થેલી , કોઈના હાથમાં કાળી બકરીને બાંધેલી દોરી . આ પહાડ પર યાત્રાળુઓની ખાસ્સી ભીડ હોય પરંતુ જૈનો નહીંવત્ . હિંદુઓની ભીડ મુખ્ય . એમના રીતરિવાજ મુજબ યાત્રા કરે .આ કોલ્હેશ્વરી દેવીનું મંદિર , અસલમાં તો શ્રી શીતલનાથ ભગવાનની અધિષ્ઠાયિકા અશોકા દેવીનું મંદિર હતું , એમ કહેવાય છે . દુર્ગમ પહાડી પર જૈનોની અવરજવર વધુ હતી નહીં એમાં એ મંદિર આપણા હાથમાંથી ચાલી ગયું . જોકે , આ રીતે અલગ જગ્યાએ અલાયદું અધિષ્ઠાયિકા મંદિર બનાવવાનું કારણ શું હશે એ વિચારવું જોઈએ . આ પહાડ પર પ્રભુને કેવળજ્ઞાન થયું અને કેવળજ્ઞાન પછી શાસનસ્થાપના થઈ એ વખતે જે અધિષ્ઠાયક અધિષ્ઠાયિકાની સ્થાપના થઈ એની સ્મૃતિમાં આ મંદિર બન્યું હોય એમ સંભવે છે . ગિરનાર પર પણ અંબિકા દેવીનું અલાયદું મંદિર છે જ . મહાભારતના સમયમાં પાંડવોએ ગુપ્તવાસનો સમય અહીં વીતાવેલો . કૌરવોએ પાંડવોના ગુપ્તવાસનો રહસ્યસ્ફોટ કરવા અહીં જ સૈન્ય આક્રમણ કરાવ્યું હતું . ગુપ્તવાસ દરમ્યાન પાંડવોને આશ્રય આપનારા રાજા વિરાટે કોલ્હૂઆ પહાડી પર આ મંદિર બનાવડાવ્યું અને એમાં કાલીદેવીની મૂર્તિ બેસાડી એવી હિંદુઓની માન્યતા છે . હિંંદુઓ અહીં મુંડન સંસ્કાર અને વિવાહ સંસ્કારની રસમ પાળે છે . કોલ્હેશ્વરી મંદિરની પાસે જ એક પથ્થરિયું તળાવ છે . એને આકાશલોચન નામ મળ્યું છે . એનાં પાણી નિર્મળ છે , એમાં ઢગલેઢગલા ભરાય એટલા કમળ ઉગે છે . જોકે , અમારે જવાનું હતું પારસનાથ દાદાની ગુફા તરફ . કાળા શિલાખંડો પર પગ મૂકીમૂકીને પહાડી પર આગળ ચાલ્યા . આગળ માથોડા ઊંચી કાળચટ્ટી શિલાઓ આવી . એની વચ્ચેથી પસાર થયા . એક નિસર્ગ રચિત સાંંકડી ગલી દેખાઈ . સાથે ભોંદલથી પૂજારી આવેલો , એણે કહ્યું કે ગુરુજી , યહીં પર ગુફા હૈ , આપ દર્શન કર લો . મને ગુફા દેખાઈ નહીં . હું એમનેમ ઊભો રહ્યો .એ પૂજારી ગલીમાં સાત-આઠ ડગલાં આગળ ગયો . પછી એ અધડૂક ઝૂકીને ડજમણી તરફ પથ્થરમાં ઘૂસ્યો એટલે દેખાતો બંધ થયો . હવે મનેં સમજાયું કે ગુફા ક્યાં છે . એ ગુફા અને સાંકડી ગલીમાંથી બહાર આવ્યો . એટલી નાની એ ગલી હતી કે બે જણા સાથે ચાલી ન શકે . એ પૂજારી ગલીમાંથી બહાર આવ્યો તે પછી હું એ ગલીમાં ગયો . મનેં કબીરદાસજીના શબ્દો યાદ આવી રહ્યા હતા : जब मैं था तब गुरु नहीं,अब गुरु हैं हम नाय … प्रेम गली अति सांकरी, जा में दो न समाय … જ્યાં સુધી એ ગલીમાં હતો , મારું જવાનું બંધ હતું . હવે હું ગલીમાં હતો તો એનું જવાનું બંધ . થોડાક ડગલાં ભર્યા , જમણી તરફ લાંબો અને ઊભો ખાંચો દેખાયો , હું વાંકો વળીને એ ખાંચામાં ઘૂસ્યો .

સાવ જ ઓછી જગ્યા . આગળ વનરાજની બોડ જેવી નાનીસરખી ગુફા હતી . જોકે , આને ગુફા કહેવાય કે બખોલ ? એ પ્રશ્ન થયો . અંદર થોડું અંધારું લાગતું હતું . દીવાનું અજવાળું કરાવ્યું ત્યારે શ્યામવરણી પ્રતિમાનાં દર્શન થયાં . આ જ ગુફાની વાત શ્રી સૌભાગ્યવિજયજી મહારાજાએ કરી હશે , એ પાક્કું . એમણે શ્રી પાર્શ્વનાથ પ્રભુની જે પ્રતિમાની વાત કરી હતી તે જ આ પ્રતિમા હશે ? આ પ્રતિમાને , હિંદુઓ ભૈરોજી બાબા તરીકે પૂજે છે , બૌદ્ધો બોધિધર્મ તરીકે માને છે અને આપણે જૈનો તીર્થંકર તરીકે આરાધીએ છીએ . આપણે દેરાસરમાં પ્રભુને જે રીતે બિરાજેલા જોઈએ છીએ એનાથી સાવ જુદી રીતે ભગવાન્ બેઠા હતા . આશાતના નિવારણની કોઈ વ્યવસ્થા નથી . પૂજાવિધિ કે સામગ્રી સમર્પણની કોઈ સુવિધા નથી . સત્તરભેદી પૂજામાં શ્રી સકલચંદ્રજી મહારાજા લખે છે એમ ભગવાન્ પૂજામાં જે થાય એ પણ સહન કરી લે છે : સુણો જિનરાજ તવ મહનં , ઈન્દ્રાદિક પરે કિમ હમ હોવત ? તો ભી તુમ સબ સહનં…… પ્રભુ અવ્યવસ્થા અને આશાતનાથી ઘેરાયેલા હતા . પ્રતિમામાં આર્હન્ત્યનાં દર્શન કર્યા . મૂર્તિ પ્રાચીન નહોતી . પૂજારીને પૂછ્યું . પૂજારીએ કહ્યું કે અહીં એક દિગંબર મુનિ આવેલા . એમણે જાહેરમાં કહ્યું કે આ મૂર્તિનાં મસ્તકમાં રત્ન છે . આ ઢંઢેરો પીટીને એ મુનિ તો જતા રહ્યા . પણ મૂર્તિનાં મસ્તકમાં રત્ન છે એની ચર્ચા ચોતરફ થઈ . વેરાન રાતે ચોર આવ્યા , મૂર્તિ ચોરવાની કોશિશ કરી , મૂર્તિનાં મસ્તકને છૂટું પાડીને ઊઠાવી ગયા . પ્રાચીન પ્રતિમા પ્રગટ થયેલી તળાવમાંથી . એ પ્રાચીન મહાશક્તિનો ગરિમાભંગ થયો . ગુફામાં ખંડિત પ્રતિમા રાખવામાં ઔચિત્ય નહોતું . એ પ્રાચીન પ્રતિમાની જગ્યાએ , આ નવી પ્રતિમા બિરાજિત કરવામાં આવી છે . આજની તારીખે , ગુફા પ્રાચીન છે અને પ્રતિમા અર્વાચીન છે . પરંતુ તીર્થની અપરિસીમ ઊર્જાનો સંચય આ ગુફામાં સમ્યક્ સંગૃહીત છે . એ ઊર્જામાં બેસીને સ્તવના ગાઈ , જાપ કર્યા , પ્રાર્થના કરી . સરખું પલાંઠી વાળીને બેસી શકાય એટલી પણ જગ્યા નહોતી . છતાં ત્યાંથી ઊઠવાનું મન થતું નહોતું . પણ , રાંચીથી અમુક બુદ્ધભક્તો આવ્યા હતા , એમને પૂજા કરવાની હતી , એ પાછળ ચૂપચાપ ઊભા હતા . એમની માટે હું ગુફામાંથી સરકીને બહાર આવ્યો . મેં અજંતા , ઈલોરા , ચાંદવડની ગુફાઓ જોઈ છે . એ કેવી મોટ્ટી મોટ્ટી હોય છે ? એમની સરખામણીમાં કોલ્હૂઆ પહાડની આ ગુફા કદકાઠીએ સાવ નાની લાગે . જોકે આવી તુલના કરાય નહીં . દરેક તીર્થભૂમિ અને દરેક પ્રતિમામાં પવિત્રકારી તત્ત્વ એકસરખું હોય છે .

૫ . આકાશલોચનનો અફસોસ રહી ગયો 

ગુફાથી નીકળ્યા તો મહાશિલાઓ મળી . દશમાળની ઈમારતો જેવા ગગનચુંબી ઘાટ કોણે ઘડ્યા હશે , કેવી રીતે ઘડ્યા હશે ? આ શિલા કેટલા વરસ પુરાણી હશે ? આ આપમેેળે વધીને મોટી થઈ છે કે હવાઓથી ઘસાઈને નાની થઈ છે ? આમને ઊઠાવીને અહીં લાવી શકાય ખરી ? તર્કવિહોણા સવાલો જાગતા ગયા . કોઈ શિલા ઉપરથી એકદમ પહોળી અને નીચેથી સાવ સાંકડી . એમ થાય કે આ શિલા હમણાં ગબડી પડશે . એવી એક શિલાની નીચે બેસીને જાપ કર્યો . જાપ કરી લીધાબાદ માથું ઊંચકીને ઉપર જોયું તો સમજાયું કે શિલા વિરાટ , અતિ વિરાટ હતી અને એની નીચે બેસનાર , સાવ કીડી જેટલો વામન લાગતો હતો . 
કાળચટ્ટા પહાડનો ઢાળ આકાશલોચન તળાવ તરફ નીચે જતો હતો . એ ઢાળે ઉતરીને અમેે સામે દિગંબર મંદિર તરફ ચડવાનું શરૂ કર્યું . હલકોફૂલકો હાંફ ખાતાં ત્યાં પહોંચ્યા . મંદિર માંગલિક હતું . હવે નજર ગઈ આકાશલોચન ટેકરી તરફ . 
એવું વાંચ્યું હતું કે આકાશલોચનની ટેકરી પર ચડવાનું ઘણું જ અઘરું છે . એ વાંચ્યું’તું ત્યારે એક પડકારનો અહેસાસ થયેલો . જ્યારે કોલ્હૂઆની ચટ્ટાન પરથી એ ટેકરીને નજર સામે જોઈ તો ઝનૂન મનમાં સવાર થયું કે કોઈ પણ હાલતમાં આ ટેકરીના શિખર સુધી તો પહોંચવું જ છે . અઘરું શાનું પડે ?  સાચી રીતે ધારીએ તો કોઈ પણ કામ પાર પાડી શકાય છે . આકાશ લોચનની ટેકરી ચડવાનું શરૂ કર્યું . ખરેખર કઠણ હતું . પગથિયા નહીં , ટેકા પણ નહીં . સીધે સીધી શ્યામલ શિલાઓ . ક્યાંક ખરબચડી , ક્યાંક લિસ્સી . સતત ચાલવાનું હતું , ચડાણ એટલું ઊભું હતું કે ચડનાર વાંકો થઈને ચાલે છે એવું લાગે . થોડુંક ચડો અને પોરો ખાઓ , થોડું ચડો અને છાતીમાં શ્વાસ ભરો . ઊભા ઊભા પાછળ વળીને જુઓ તો એકદમ નીચે , દૂર કોલ્હાદેવીના બજારના એકેએક છાપરાં દેખાય . ચોતરફ નજર નાંખો તો દૂર સુધી જંગલ અને પહાડીઓ ફેલાયેલી દેખાય . આ જંગલમાં કેટલા પશુઓ હશે ,  કેટલા આદિવાસીઓ હશે , એ લોકોની જિંદગી કેવી રીતે ચાલતી હશે , આપણે એમની હડફેટે આવ્યા એ લોકો આપણી શું હાલત કરશે એ બધું મનમાં આવ્યા કરે . ઝાઝું ટેન્શન લીધા વિના ફરીથી ચડવાનું શરૂ કરવાનું . એક એક પગલું પસીનો પાડી દે . એક એક ડગલું શ્વાસની નિચોવી લે .  પણ આનંદ અપાર અનુભવાય . શીતલનાથ ભગવાનના કેવળજ્ઞાનના સ્થાન ઉપર આપણે પહોંચી રહ્યા છીએ એનો આનંદ . 

શ્રી શીતલનાથ ભગવાનનું ચ્યવન કલ્યાણક સંપન્ન થયું ચૈત્ર વદ છઠના દિવસે . જન્મ કલ્યાણક સંપન્ન થયું પોષ વદ બારસના દિવસે .  દીક્ષા કલ્યાણક સંપન્ન થયું પોષ વદ બારસના જ દિવસે . કેવળજ્ઞાન કલ્યાણનો દિવસ કયો ? માગશર વદ ચૌદસ . પ્રભુનો છદ્મસ્થ કાળ ત્રણ મહિનાનો છે એમ ત્રિષષ્ટિમાં લખ્યું છે પરંતુ પોષ વદ બારસે  દીક્ષા થાય અને માગશર વદ ચૌદસે કેવળજ્ઞાન થાય તો ત્રણ માસની વાત સંગત ના થાય . શ્રી વીરવિજયજી મહારાજાએ પ્રભુનો છદ્મસ્થ કાળ ત્રણ વરસનો છે એમ ચોમાસી દેવવંદનના ચૈત્યવંદનમાં જણાવ્યું છે .

દીક્ષાના ત્રણ વરસ બાદ , એ ધન્ય દિવસે પ્રભુ , આ આકાશલોચનનાં શિખરે પધારેલા .  ઉત્તમ સાધના હતી . ઉત્તમ તિતિક્ષા હતી . ઉત્તમ તપસ્યા હતી . ઉત્તમ શુદ્ધિ હતી . ઉત્તમ અધ્યવસાય શ્રેણી હતી . પ્રભુ શુક્લ ધ્યાને આરૂઢ થયા . ચાર ઘાતી કર્મોનો નાશ થયો . પ્રભુ કેવળજ્ઞાન , કેવળ દર્શન પામ્યા . પ્રભુ મોહ વિજેતા અરિહંત બન્યા . પ્રભુ વિશ્વ વંદનીય તીર્થંકર ભગવાન્ બન્યા . સમવસરણની રચના થઈ . પ્રભુ સર્વ પ્રથમ વાર ચતુર્મુખ રૂપે બિરાજમાન થયા . ઈન્દ્ર મહારાજાએ સ્તવના કરી . પ્રભુએ પ્રથમ દેશના ફરમાવી . દેશનામાં સંવરનું વિવરણ થયું હતું : ચોથા ગુણઠાણે મિથ્યાત્વનો સંવર થાય . પાંચમા ગુણઠાણે અવિરતિનો સંવર થાય . સાતમા ગુણઠાણે પ્રમાદનો સંવર થાય . અગિયારમા અને બારમા ગુણઠાણે કષાયનો સંવર થાય . ચૌદમા ગુણઠાણે યોગનો સંવર થાય . સૌ જીવો પોતપોતાની ભૂમિકાએ સંવર કરે એનાથી જ સાચું આત્મકલ્યાણ સધાશે , પ્રભુએ ફરમાવ્યું હતું . 
આકાશલોચનની ઉત્તુંગ ટેકરી ચડતાં ચડતાં પ્રભુની પ્રથમ દેશનાનું સ્મરણ થઈ રહ્યું હતું . વચ્ચે વીશ તીર્થંકરની ગુફા આવી હતી . પહાડીની કુદરતી દીવાલો પર પ્રભુની પ્રતિમાઓ કોતરાયેલી છે . ન દેરાસર , ન દેરી , ન ગોખલો . સીધેસીધી દીવાલ પર જ મૂર્તિઓ . હિંંદુઓ માટે એ એમના ભગવાન્ . બૌદ્ધો માટે એ એમના ભગવાન્ . દિગંબર જૈનો માટે એ એમના ભગવાન્ . આપણી માટે આપણા ભગવાન્ . ખૂબ ખૂબ શ્રદ્ધા આદર સાથે ઘણો જાપ કર્યો . અહીં કોઈ અલૌકિક સ્પર્શના વસેલી છે એવી સંવેદનાપૂર્વક ઊંડા શ્વાસ લીધા અને તીર્થની પરમ ચેતનાને અંદર ભરી લેવાનો પ્રયાસ કર્યો .

આદિલ મનસૂરીના શબ્દો થોડાક બદલીને યાદ આવે છે : આ તીર્થની હવાને મારા શ્વાસમાં ભરી લેવી છે , ખબર નથી કે અહીં પાછું આવવા મળે ન મળે . ગુફાનંદમાં ખાસ્સો સમય વીતાવ્યો અને પછી પહાડની છેલ્લી ટોચ તરફ પ્રસ્થાન કર્યું . મનમાં હતું કે હવે શ્રી શીતલનાથ ભગવાનનાં કેવલજ્ઞાનનાં ચરણપાદુકાની સ્પર્શના થશે . છેલ્લી ટોચ પર સંભાળી સંભાળીને ચાલતાં ચાલતાં પહોંચ્યા .  


એક પ્રચંડ નિરાશા અહીં તૈયાર ઊભી હતી . આકાશલોચનની એ છેલ્લી ટેકરી પર ચડવાનો કોઈ રસ્તો જ નહોતો . એકદમ ઊંચા  , સાવ  ઊભા અને ખૂબ લપસણા મહાપથ્થરોનો પ્રચંડ ખડકલો નજર સામે હતો . ઉપર ચડવાની કોશિશ કરી પણ પગ જ લપસી જાય . જબરદસ્તી થોડું ચડીને પાછળ જોયું તો ઉતરવાની હિંમત ન થાય એવી ઊંડી અગાધ ખીણો દેખાય . ચડતા તો ચડી જવાશે , ઉતરશું શી રીતે એવો ભય જાગતો હતો . બીજા યાત્રાળુઓ ડરીને પાછા નીકળ્યા છે એ જોયું . ટેકરીની બીજી કિનારીએ જઈને જોયું . બે હાથેથી અદ્ધર લટકીને ચડવું પડે એવું ઊંચાણ હતું . આપણું એવું ગજું નથી . સમજાયું . આકાશલોચન પર ચડવાનું સંભવિત નથી એ મનમાં સ્પષ્ટ થયું એ જ ક્ષણે આંખમાં ઝળહળિયાં આવી ગયાં .

કેવલજ્ઞાન કલ્યાણકની ચરણપાદુકાને જુહાર્યા વિના પાછા જવાનું મન થતું નહોતું . ચડવા માટે , રસ્સી કે સીડી કે પાઈપ જેવું કાંઈ જ નહોતું . પારાવાર નિરાશા સાથે પાછા ફર્યા . અમુક ટીનેજર્સ વાંદરાની જેમ છલાંગ મારીને ઉપર પહોંચી રહ્યા હતા એ દેખાતું હતું . આવી છલાંગ મારવાનું આપડું કામ નહીં એ પણ સમજાતું હતું . ભારે હૈયે , ગમગીન આંખે કેવલજ્ઞાનભૂમિની યાત્રા અધૂરી છોડી નીચે ઉતરવાનું શરૂ કર્યું . દિલના ટુકડે ટુકડા થઈ ગયા હતા . વારંવાર નજર પાછળ જતી હતી , જીવ બળતો હતો . પ્રભુ , આવી નિરાશા કોઈને આપતા નહીં એવી પ્રાર્થના કરતાં કરતાં ઉતરવાનું શરુ કર્યું . ચડવાનું જેમ અઘરું હતું એમ ઉતરવાનું પણ અટપટું હતું . સહેજ ગાફેલ રહ્યા તો લીસ્સા પથ્થર પરથી લપસ્યા સમજો . 


ફરીથી કોલ્હેશ્વરી મંદિરની બજારમાં પહોંચ્યા . એક જગ્યાએ રસ્તાની વચોવચ  ,  બિલકુલ જમીનના લેવલે , શ્રી શીતલનાથ દાદાની ચરણપાદુકા હતી .

આજુબાજુ ગ્રામીણ લોકોની ભીડ હતી . એ પગલાં પર  હિંદુઓ અને બૌદ્ધોનો પણ પૂજા હક હતો .  થોડોક સમય એનાં દર્શન કર્યાં . પ્રભુનાં ચરણપાદુકાની કોઈ આમન્યા નહોતી જળવાઈ રહી , ભયંકર આશાતના ચાલુ હતી . જોઈને પારાવાર પીડા થઈ . આ આમન્યાભંગ અટકે , આશાતનાઓ અટકે એનો કોઈ ઈલાજ , આજની તારીખે આપણી પાસે નથી . આ સચ્ચાઈ છાતીમાં ખંજરની જેમ વાગી રહી હતી . 
કોલ્હૂઆ પહાડી ઉતરતી વખતે માનસિક પીડા ઘણી હતી . ભોંદલથી વિહાર કર્યો એ પણ આ જ પીડાને સાથે રાખીને . આપણે આપણાં પવિત્ર તીર્થોને ભૂલી ગયા છીએ.  એ તીર્થમાં થનારી અવ્યવસ્થાઓનો દોષ , આપણને જ લાગવાનો છે . નાહટા પરિવારે , ભદ્દિલપુરમાં તીર્થ અને તીર્થનું વાતાવરણ રચી આપ્યું છે . હવે , જૈનોએ જાગવાનું છે અને ભદ્દિલપુર વારંવાર આવવાનું છે.  
( હું ઋજુવાલિકા પહોંચ્યો એના થોડા દિવસ પછી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હર્ષતિલક સૂરીશ્વરજી મ.સા. ભદ્દિલ પુર પધાર્યા . એમણે કોલ્હૂઆ પહાડીની યાત્રા કરી અને સારી વ્યવસ્થા ગોઠવીને , આકાશલોચનના ચરમ શિખરે કેવળજ્ઞાન કલ્યાણકના ચરણપાદુકાની પણ યાત્રા કરી . એમણે પત્ર લખીને મનેં આ સમાચાર આપ્યા . હવે , આકાશલોચન માટે  બીજીવાર ભદ્દિલપુર જવાની ભાવના બની છે . જોઈએ દાદાનો હુકમ ક્યારે થાય છે ? )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *