વનવગડે વિહરે વીર ( ૨૦.૨)

વનવગડે વિહરે વીર ( ૨૦.૨)

ગોશાળાએ કર્યો દેવાર્યનો બહિષ્કાર

વિહાર કર્યો . રસ્તે બે મારગ આવ્યા. એક વૈશાલીનો . બીજો રાજગૃહીનો . દેવાર્ય પળભર ઊભા રહ્યા . કયો માર્ગ લેવો ? તેનો વિચાર કર્યો હશે . આ ક્ષણે અચાનક ગોશાળાનો આક્રોશ ફૂટી નીકળ્યો . એ લાંબા સમયથી દેવાર્યની સાથે હતો . એ જડ હતો . જિદ્દી હતો તે ખરું . પણ તેનામાં બુદ્ધિનો એકાદ છાંટો હતો જરૂર . એણે શું વિચાર્યું અને એણે શું યાદ રાખ્યું એ બધું એના સિવાય બીજા કોઈને સમજાવાનું નહોતું . ગજબ હતું કે દેવાર્ય માટે એને પાંચ ફરિયાદો સૂઝી આવી હતી . એણે દેવાર્યને કહેવા માંડ્યું :

‘ મારે હવે તમારી સાથે નથી રહેવું . ન ફાવે તમારી સાથે . તમારી સાથે કોણ રહે છે મારા સિવાય ? પણ તમને મારી પરવા જ નથી અને ચિંતા પણ નથી . તમે પોતાની ધૂનમાં રહો છો . સહવાસીનું ધ્યાન રાખવાનું તમને સમજાતું નથી અને આવડતુંય નથી . હું હવે મારો રસ્તો શોધી લઈશ .
તમે આ સામે દેખાય છે તે બે માર્ગમાંથી જે માર્ગ સ્વીકારશો એ તમારો માર્ગ હશે , જે માર્ગ તમે નહીં સ્વીકારો તે મારો માર્ગ હશે . મને તમારા માટે ઘણી ફરિયાદ છે . તમારે એ સાંભળવી પડશે . ‘

‘ એક , મને જ્યારે માર પડે છે ત્યારે તમે મારો બચાવ કરતા નથી . હું તમારી સાથે રહું છું . તમારી સેવા કરું છું . તમારી ફરજ નથી ? મારું ધ્યાન રાખવાની ? પણ ના . તમને મારી કોઈ પડી નથી . તમે ફક્ત તમારાં ધ્યાનમાં ને ધ્યાનમાં રહો છો . લોકો મને ધોબીનાં કપડાંની જેમ ધોઈ નાંખે છે . તમે એમને રોકતા નથી . તમે એમનો પ્રતિકાર પણ કરતા નથી . ‘

‘ બે , તમને પણ તકલીફો આપે છે લોકો . મેં જોયું છે કે મનેં તકલીફ આપનારા લોકો તમને તકલીફ નથી આપતા પણ તમને તકલીફ આપનારા લોકો મનેં જરૂર તકલીફ આપે છે . મતલબ , મારું દુઃખ મારે વેઠવાનું જ છે , છોગામાં તમારું દુઃખ પણ મારે વેઠવું પડે છે .

ત્રણ , તમારાં કષ્ટોમાં હું સાથે રહું એનો વાંધો નથી . પણ મેં જોયું છે કે દર વખતે , પહેલાં મારી પીટાઈ થાય છે , તે પછી જ તમને હેરાન કરે છે લોકો . દરેક વખતે પહેલો માર મારે જ ખાવાનો ? આ કેવું ? ‘

ચાર , તમને પોતાના ખાવાપીવાની પરવા નથી . પણ મનેં ભૂખતરસ લાગે છે એનું શું ? હું તમારી સાથે રહું છું પણ મારી ખાવાપીવાની કોઈ પણ વ્યવસ્થા તમે કરો છો ખરા ? તમારી સાથે રહેનારો ભૂખ્યો તરસ્યો જ રહે . તમારી આ જ ખાસિયત છે . હું ભૂખ્યો રહી રહીને કંટાળી ગયો છું હવે ? દિવસમાં એકવાર સરખું ખાવાનું પણ ન મળે ? આ કેવો સંગાથ છે તમારો ? નથી રહેવું તમારી સાથે . ‘

‘ પાંચ , તમે સાધનાની ભૂમિકાએ ખૂબ ઊંચે પહોંચી ગયા છો . પર્વત પર ચડનારે તળેટીને ભૂલવી ન જોઈએ . તમને સુખદુઃખ એક સમાન લાગે છે . તમને મિત્રશત્રુ એક સમાન લાગે છે . તમને મારા માટે મમતા જેવું કાંઈ નથી . હું તમારો શિષ્ય છું , સેવક છું , એમ માનીને તમે મને વાત્સલ્ય આપતા નથી . તમે વીતરાગી અવસ્થામાં લીન રહો છો . હું સાધારણ માણસ છું . મને પ્રેમની ભૂખ છે . તમે પ્રેમ આપી શકતા નથી . મારો એકતરફી પ્રેમ તમને સમજાતો જ નથી . ‘

‘ હવે બહુ થયું . તમે હવે , રહેજો એકલા . આજ સુધી મેં તમારી જે સેવાચાકરી કરી તે યાદ કરજો . હું જાઉં છું . હવે હું પાછો આવવાનો નથી . સમજી લેજો ‘

ગોશાળો વિચિત્ર હતો એ સાચું હતું . આજની વાતો પરથી સમજાતું હતું કે દુનિયામાં ગોશાળા જેવું વિચિત્ર પ્રાણી બીજું કોઈ હશે જ નહીં . એને દેવાર્ય માટે ફરિયાદ હતી , પાંચ પાંચ ફરિયાદ . હદ છેને.

ગોશાળો આટલું બધું બોલી ગયો તે દેવાર્યે સાંભળી લીધું . ગોશાળો દેવાર્યના મુકાબલે શૂન્યથી પણ નીચે હતો . એને આટલો બધો અહંકાર હશે એની કલ્પનાય ન આવી શકે . એણે દેવાર્યની શું સેવાઓ કરી હતી ? કેમ જાણે એના વિના દેવાર્યના કામ અટકી પડવાનાં હોય એવી વાતો એ કરી રહ્યો હતો . દેવાર્યે ગોશાળાને જવાબ જ ન આપ્યો . તમે લાંબી લાંબી બડબડ કરી લો અને તમને જવાબ ન મળે એ તમારું સૌથી મોટું અપમાન છે . જોકે , દેવાર્યે જવાબ ન આપ્યો એનો ઉદ્દેશ અપમાન કરવાનો હતો નહીં . અને જવાબ ન આપવો એ અપમાન છે એ કોને સમજાય ? જેનામાં બુદ્ધિ બરોબર હોય તેને . ગોશાળાને સમજાયું જ નહીં કે મારું અપમાન થયું છે . એને એમજ લાગ્યું કે : ‘ જોયું , મારી વાતનો દેવાર્ય પાસે કોઈ જવાબ જ નથી . ‘ આવા ગોશાળાની સાથે દેવાર્ય ન બોલે એ બરોબર જ હતું .

પણ સિદ્ધાર્થ આટલું લાંબું અપમાન સહન કરી શક્યો નહીં . એણે ગોશાળાને જવાબ આપી દીધો – ‘ જો ભાઈ તારે જે કરવું હોય તે તું કરી શકે છે . તારે જે નિર્ણય લેવો હોય તે લે . હું અત્યાર સુધી જેવો રહ્યો છું એવો જ હંમેશા રહેવાનો છું . તારું શું છે તે તું જાણે . ‘

દેવાર્યે એને સાંત્વના ન આપી , રોકવાની કોશિશ ન કરી એ પણ , અપમાન જ કહેવાય . જોકે , દેવાર્ય અપમાનનો આશય રાખ્યા વિના , નિર્લેપ બની રહ્યા હતા . દેવાર્યે વૈશાલીનો રસ્તો લીધો .

ગોશાળાએ રાજગૃહીનો માર્ગ લીધો . ગોશાળો જતો રહ્યો . દેવાર્યને કશો ફેર ન પડ્યો . આ સિદ્ધાર્થ જતો રહે એનાથી પણ દેવાર્યને ફરક ના પડે . દેવાર્યે સિદ્ધાર્થને બોલાવ્યો નહોતો , સાથે રહેવા . દેવાર્યે ગોશાળાને આમંત્રણ નહોતું આપ્યું અને સુસ્વાગતમ્ પણ કર્યું નહોતું . આવનારા આવે છે . જનારા જાય છે . કુદરતનો ક્રમ છે . દેવાર્યને એનાથી કશો ફેર પડતો નહોતો . દેવાર્ય ગોશાળા વિના અધૂરા નહોતા . ગોશાળો દેવાર્ય વિના અધૂરો હતો .

એ રાજગૃહીના માર્ગે ચાલવા લાગ્યો . જંગલ ગાઢ બનતું ગયું . ચારે તરફ ગગનચુંબી વૃક્ષોની ઊંચાઈ વધતી ગઈ . ગોશાળાને જંગલમાં એક પણ માણસ દેખાતો ન હોતો . એને એમ જ હતું કે સૂમસામ જંગલ છે . હકીકત જુદી હતી . દૂર ઊંચા ઝાડની પર્ણઘટામાં ચોરના સરદારનો ગુપ્તચર છુપાઈને બેઠો હતો . તેણે ગોશાળાને આવતો જોયો . એને લાગ્યું કે , ‘ આ રાજાનો ગુપ્તચર છે . ‘ એણે આસપાસમાં છૂપાયેલા અન્ય ચોરોને ખબર આપી .

ચોરના સમુદાયે ગોશાળાને પકડ્યો . ચોર હતા પાંચસો . એકી સાથે બધા ચોર ગોશાળા પર ધસી આવ્યા . ચોરોનો સરદાર ગોશાળાને ઘોડો બનાવી તેની પીઠ પર બેઠો . તેણે પાલતુ જનાવરની જેમ ગોશાળાને ચલાવ્યો . ગોશાળો હાથે અને ઘૂંટણિયે ઘસાતો ઘસાતો ચાલ્યો . ગોશાળો થોડુંક ચાલ્યો . ચોરનો સરદાર ઉતરી ગયો . ત્યાં બીજો ચોર ગોશાળાની પીઠ પર આવીને બેઠો . આ રીતે પાંચસો ચોર વારાફરતી એની પીઠ પર બેઠા . આમાં ગોશાળાના ટેભાં તૂટી ગયાં . દેવાર્યને છોડવાની સજા તેને મળી ગઈ . એણે દેવાર્યનો દ્વેષ બનાવી લીધેલો તે તૂટી ગયો . દેવાર્ય વિનાનો આ પહેલો જ દિવસ હતો . એમાં જ એની ભારે વાટ લાગી ગઈ હતી . આગળ શું થશે એની કલ્પનામાત્રથી એ ધ્રુજી ઊઠ્યો . એને પસ્તાવો થયો . એણે દેવાર્યની પાસે પાછા ફરવાનો સંકલ્પ કર્યો . ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *