વનવગડે વિહરે વીર ( ૨૨ )

વનવગડે વિહરે વીર ( ૨૨ )

પ્રયાગ . ગંગા અને જમના નદીનો ભવ્ય સંગમ . આંખોને આંજી દેનારો નઝારો . લાખો કરોડો વૈદિક ભક્તોની અવરજવરે આ તીર્થને ધમધમતું રાખ્યું હતું . સંગમ પર ઘાટ હતો . ત્યાં ડૂબકી લગાવનારાઓનો મેળો જામેલો હતો . ગંગાના ઊજળાં નીર , જમનાનાં શામળા નીરને ભેટી પડતાં . જમના આલોપ થઈ જતી . એકલવીર ગંગા ધસમસતી આગળ નીકળી જતી . કિનારા પર વસેલું શહેર . પુરિમતાલ . કાંઠા પર જ વસેલું ઉદ્યાન શકટમુખ . દેવાર્ય આ ઉદ્યાનમાં કાયોત્સર્ગ ધારીને રહ્યા . આ દેવાધિદેવ શ્રી ઋષભદેવ ભગવાનની કૈવલ્ય ભૂમિ છે અને આશ્ચર્ય એ વાતનું હતું કે અહીં શ્રી મલ્લિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય હતું . વાગુર શ્રેષ્ઠીએ આ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો . વાગુર શ્રેષ્ઠીની પત્નીનું નામ હતું ભદ્રા . પતિ પત્ની સંતાન પ્રાપ્તિના અભાવે પીડિત હતા . એકવાર તેઓ મલ્લિનાથ જિનાલયમાં દર્શન કરવા આવ્યા . પ્રભુ પ્રતિમાની ઉર્જાથી પ્રભાવિત થઈ ગયા . સંકલ્પ કર્યો કે જો પ્રભુપ્રભાવે સંતાન મળે તો આ જિનાલયનો સંપૂર્ણ ઉદ્ધાર કરાવીશું . આશ્ચર્ય એ બન્યું કે આ સંકલ્પ કર્યો તે પછી ટૂંકા સમયમાં તેમને સંતાન પ્રાપ્તિ થઈ . પ્રભુનો પ્રભાવ શિરોધાર્ય ગણી એમણે જિનાલયનો ભવ્ય જીર્ણોદ્ધાર કરાવ્યો . રોજ પૂજા કરે . એકદા આ જ ઉદ્યાનમાં શ્રી સૂરસેન આચાર્ય પધાર્યા . તેમની દેશના સાંભળી દંપતિએ શ્રાવક વ્રતોનો સ્વીકાર કર્યો અને પ્રતિદિન અષ્ટપ્રકારી પૂજાનો નિયમ લીધો .

આ બધી ઘટનાઓ દેવાર્યનાં આગમન પૂર્વે બની ચૂકી હતી . દેવાર્ય પધાર્યા ત્યારે તે રોજે રોજના ક્રમ અનુસાર તે મલ્લિનાથ જિનાલય તરફ ચાલ્યો . એણે દેવાર્યને જોયા પરંતુ એને દેવાર્ય ઓળખાયા નહીં હોય કે પછી બીજું કોઈ કારણ હશે એટલે તેણે દેવાર્ય પર ધ્યાન ન આપ્યું .

આ તરફ – બીજા દેવલોકના ઈન્દ્ર ઈશાન , શ્રી આદિજિન કૈવલ્યભૂમિ પર , પ્રભુવીર પધાર્યા છે તેમ જાણી ખાસ પ્રભુને વાંદવા માટે આવ્યા . ઈશાનેન્દ્ર પ્રભુની સ્તવના કરી રહ્યા હતા ત્યારે તેમણે વાગુર શ્રેષ્ઠીને મલ્લિનાથ જિનાલય તરફ જતા જોયા . વાગુર શ્રેષ્ઠીએ દેવાર્યની ઉપેક્ષા કરી તે ઈશાનેન્દ્રને ન ગમ્યું . તેમણે ઊંચા અવાજે વાગુર શ્રેષ્ઠીને બોલાવ્યો . ઠપકો આપ્યો કે અહીં સાક્ષાત્ તીર્થંકર પધાર્યા છે એમની તું ઉપેક્ષા કરે છે ? તું આવો અવિવેકી હશે તેવું મેં ધાર્યું નહોતું .

વાગુર શ્રેષ્ઠી માટે બે આશ્ચર્ય બન્યાં હતાં . એક , ઈશાનેન્દ્રને જોયા , એમનું સંબોધન સાંભળ્યું અને એમાં પોતાને ઠપકો મળ્યો . બે , સાક્ષાત્ તીર્થંકર ભગવાનને નજરે નિહાળ્યા . એ ગદ્ગદ થઈ પ્રભુની સમક્ષ ઝૂકી પડ્યો . વાગુર શ્રેષ્ઠીએ અને ઈશાનેન્દ્રે સાથે મળીને ઘણી બધી પ્રભુ ભક્તિ કરી .

૨ .
દેવાર્ય આગળ નીકળ્યા . ઉષ્ણાક સંનિવેશ તરફ પ્રયાણ ચાલુ હતું . ગોશાળાએ ફરી એકવાર છમકલું કર્યું . એક નવવિવાહિત દંપતિ પોતાના કુટુંબ સાથે જઈ રહ્યું હતું . પતિ પત્ની બંને દેખાવે કુરૂપ હતા . ગોશાળાએ તેમની બદસૂરતીની વારંવાર મજાક ઉડાવી . એકાદવારની મજાક માફ થઈ જાત . વારંવારની મજાકથી સ્વજનોને ગુસ્સો ચડ્યો . એમણે ગોશાળાને પકડી પકડીને માર્યો . હાથે-પગે બાંધીને વાંસની ઝાડીમાં નાંખી દીધો .

ગોશાળો રોવા લાગ્યો : દેવાર્ય , બચાવો . મારું ધ્યાન આપ રાખશો નહીં એ કેમ ચાલશે ?

સિદ્ધાર્થ બોલ્યો : આ તારું રોજનું છે . ગમે તેવા પરાક્રમો કરે છે ને પછી સજા થાય ત્યારે મારી પાસે બચાવની અપેક્ષા રાખે છે . તું સુધરવાનો નથી પાક્કી વાત છે . તારા આવા જ હાલ થવાના કાયમ .

દેવાર્ય આગળ ચાલ્યા . થોડેક દૂર જઈ દેવાર્ય ગોશાળાની રાહ જોતા ઊભા રહ્યા . નવવિવાહિત યુગલના પરિવારજનોને સમજાયું કે દેવાર્ય આ ગમાર ગોશાળાની પ્રતીક્ષામાં ઊભા છે . એમણે ગોશાળાને ઝાડીમાં બહાર કાઢ્યો . હાથે પગે બાંધેલું તે છોડી દીધું . ગોશાળો દોડતો દોડતો દેવાર્ય પાસે પહોંચી ગયો .

દેવાર્ય પ્રસ્થાન કરી ગોભૂમિ પધાર્યા . અહીં ગાયો ઘણી હતી કેમકે ભૂમિ પર લીલો આહાર ઘણો નીકળતો હતો . ચરવૈયા ગોવાળો દેખાવે કઢંગા હતા . ગોશાળાએ એમની અવમાનના કરવા માટે કહ્યું : ઓ કદરૂપા લોકો , આ રસ્તો કઈ તરફ જાય છે ?

ગોવાળો બોલ્યા : તમે અમારી મજાક કેમ ઉડાવો છો ? આવું અપમાન તમે કરો તે શોભાસ્પદ નથી . તમે સંત છો .

ગોશાળો કહે : ‘ તમે છો જ એવા વિરૂપ કે તમારી મજાક કરવી જ પડે . ‘

હવે એ ગોવાળોએ ગોશાળાને પકડ્યો . તેની ખાસ્સી બધી ધોલાઈ કરી . બાંધીને ઝાડીમાં ફેંકી દીધો . પછી એમને સમજાયું કે આ દેવાર્યની સાથે છે એટલે એને બંધનમુક્ત કર્યો .

કશો જ બોધપાઠ લીધા વગર , ગોશાળો દેવાર્ય પાસે દોડી આવ્યો . એને એમ જ લાગતું કે દેવાર્યે મને બચાવવો જોઈએ , દેવાર્ય મને બચાવતા કેમ નથી ? પોતાની ભૂલ થાય છે એવું ગોશાળાને લાગતું જ નહીં . જેને પોતાની ભૂલ જોતા આવડતી નથી તે હેરાન થવાનો જ છે . પોતાની ભૂલ જોવાની દૃષ્ટિ જે કેળવતો નથી તેને બીજાની ભૂલ તુરંત દેખાવા લાગે છે . ગોશાળો એકની પછી એક છબરડા વાળતો , એ એની ભૂલ હતી . ગોશાળાને પોતાના છબરડાનો કોઈ વાંક જણાતો નહીં . પણ છબરડા બાદ લોકો એને સજા કરતા ત્યારે ગોશાળાને દેવાર્યની ભૂલ દેખાતી . ભૂલ શું તો કે દેવાર્યે મને બચાવવો જોઈએ ને ? દેવાર્ય દર વખતે મને એકલો છોડી દે છે હેરાનગતિમાં .

ગોશાળો મૂર્ખામી કરતો તેય દેવાર્યે ખમવાની . ગોશાળો બુદ્ધિમત્તા વિનાના આક્ષેપો રચી કાઢતો દેવાર્ય પર . દેવાર્યે તે પણ ખમવાનું . દેવાર્ય ગોશાળાને ભગાવી કેમ નહોતા દેતા ? સિદ્ધાર્થ કેમ ગોશાળાને ક્યાંક દૂર ખદેડી મૂકતો નહોતો ? દેવાર્યને ગોશાળાનો કશો ખપ નહોતો . ગોશાળા વિના દેવાર્યનું ક્યાંય કશું અટકવાનું નહોતું . છતાં દેવાર્ય ગોશાળાને ઝેલી રહ્યા હતા . આ દેવાર્યની ઉદારતા હતી . ગોશાળાને આ દરિયાદિલી સમજાઈ હશે કે કેમ ? એ ગોશાળો જ જાણે .

દેવાર્ય વિહાર કરી રાજગૃહી પધાર્યા . આઠમું ચોમાસું રાજગૃહીમાં કર્યું . વિવિધ અભિગ્રહો લીધા . સળંગ એકસોવીસ ઉપવાસની આરાધના કરી . દેવાર્ય માટે ઉપવાસ જાણે રમતવાત હતી . દેવાર્યે ક્યારે આહાર ગ્રહણ કર્યું તે શોધવું પડતું . વરસે કેટલા ઉપવાસ થતા અને અને કેટલું આહાર ગ્રહણ થતું એની તુલના કરો ત્યારે દેખાતું કે વરસે સવા ત્રણસોથી વધુ ઉપવાસ તો દેવાર્ય કરતા જ હશે . આવું તપ આજ સુધી કોઈએ કર્યું નહોતું . (ક્રમશઃ)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *