વનવગડે વિહરે વીર (૧૫.૩)

વનવગડે વિહરે વીર (૧૫.૩)

બીજા વરસનું કથાનક : કંબલ સંબલે નાવ બચાવી

હા , તેઓ દેવતા જ હતા . કંબલ સંબલ તેમનું નામ . તેઓ નાગકુમારના દેવ હતા . તેમને દેવતાનો અવતાર મળેલો , જૈન પરિવારનાં કારણે .

દેવતા બન્યા પૂર્વે તેઓ મથુરાના આભીર પરિવારના ગોકુળમાં ગાયની કૂખે વછડાનો જનમ પામ્યા હતા . તેમના માલિકે તેમને બાળવયે જ જિનદાસ શ્રાવક અને સાધુદાસી શ્રાવિકાનાં ઘેર મૂકી દીધા હતા . આ શ્રાવક / શ્રાવિકાએ પશુપરિગ્રહનો ત્યાગ કરેલો હતો . તેમના ઘેર દૂધ – દહીં આભીર પરિવાર પહોંચાડતો . આભીર પરિવારની વહુ એમને દૂધ – દહીં વેંચવા જતી . જિનદાસ બધું જ ખરીદી લેતો . તમારું બધું દૂધ – દહીં અમે ખરીદી લેશું એવો જિનદાસ / સાધુદાસીનો પ્રેમાળ વાયદો હતો . ભરવાડણ રોજ દૂધ દહીં આપવા આવતી તેમાંથી સાધુદાસી સાથે એનો મૈત્રીસંબંધ બની ગયેલો .

એકદા આભીર પરિવારમાં દીકરીનાં લગન હતા . મૈત્રીના દાવે ભરવાડણે જિનદાસ / સાધુદાસીને લગ્નપ્રસંગે ઘેર આવવાનું આમંત્રણ આપ્યું . એને આવું આમંત્રણ આપવામાં સંકોચ થતો હતો . અલબત્ત , જિનદાસે આમંત્રણ સ્વીકાર્યું નહોતું . પણ એ લગ્ન માટે , દાગીના – કપડાં – વાસણ આદિ મોંઘી સાધન સામગ્રી ખૂબ લાગણીપૂર્વક આપી હતી . આભીર પરિવારનાં લગનમાં જિનદાસ / સાધુદાસીએ આપેલી કિંમતી ચીજવસ્તુઓ એ ડંકો વગાડી દીધો હતો . મહેમાનોએ , જાનૈયાઓએ આભીર પરિવાર પર તારીફની ઝડીઓ વરસાવી દીધી હતી . લગન સરસ રીતે ઉકલી ગયા તે પછી આભીર પરિવારે જિનદાસ / સાધુદાસીને લગનનાં ભેટણાં તરીકે બે બાળવૃષભ આપેલાં . ( આ બે બાળ પશુઓ જ બીજા જનમમાં કંબલ સંબલ બન્યા હતા .) જિનદાસ / સાધુદાસી જો આ બાળપશુઓને સ્વીકારી ન લે તો એ આભીર પરિવારમાં પાછા જાય અને ત્યાં એમને કેવા કેવા કષ્ટો પડે તે કહી શકાય નહીં . બળદ હતા એટલે ખેતીમાં જોતરે , ગાડે બાંધે , ઘાણીમાં ઘુમાવે . એના કરતા ભલે અહીં રહ્યા , એમ વિચારી બાળવૃષભોને જિનદાસ / સાધુદાસીએ ઘેર રાખી લીધા . બેય ઊંચા ધર્માત્મા હતા . ચૌવિહાર કરે . સામાયિક પ્રતિક્રમણ કરે . બાળપશુઓને ધર્મમાં જોડે .

બેય બાળપશુ સમજદાર નીકળ્યા . એ રસપૂર્વક નવકાર સાંભળવા લાગ્યા . અરે , જિનદાસ / સાધુદાસીના રાત્રિભોજનત્યાગને જોઈજોઈને ચોવિહાર સુદ્ધાં કરવા માંડ્યા . સામાયિકમાં સ્વાધ્યાય થતો તે સાંભળતા . પ્રતિક્રમણનાં સૂત્રોને આદર આપતા . જિનદાસ / સાધુદાસીની દરેક ધર્મક્રિયા સાથે જોડાવાની તેઓ કોશિશ કરતા . વૃષભરાજો પાક્કા જૈન બની ગયા .

વખત વીત્યો . પશુબાળો યુવાન થઈ ગયા . જિનદાસ / સાધુદાસી એમને સંતાન જેવું જ વાત્સલ્ય આપતા . એ વૃષભો બળવાન્ બન્યા હતા છતાં જિનદાસ / સાધુદાસીએ તેમને ખેતીમાં , ગાડીમાં , ઘાણીમાં , કૂવાની અરઘટૃીમાં કે બીજે ક્યાંય કામે ન લગાવ્યા નહીં . આરામની જિંદગી આપી . ધર્મના સંસ્કારો આપ્યા .

એકવાર જિનદાસ / સાધુદાસી બહાર ગયા હતા . જિનદાસનો એક મિત્ર , સાવ પૂછ્યા વગર બેય બળદને ભંડીરવનની વૃષભસ્પર્ધા માટે લઈ ગયો . ત્યાં બળદગાડીમાં બેયને બાંધ્યા અને ખૂબ દોડાવ્યા . બે વૃષભો જિંદગીમાં પહેલીવાર બળદગાડી સાથે દોડ્યા . એમની પીઠ પર , ગળા પર અને પગમાં જખમ થઈ ગયા . એમને ઘણો થાક લાગી ગયો , વધારે પડતો થાક . એ મિત્ર બળદોને ઘેર પાછા મૂકીને પાછો જતો રહ્યો . બળદ બિચારા લોથપોથ થઈ ગયા .

જ્યારે જિનદાસ બહારથી આવ્યો , તેણે બળદોની હાલત જોઈ . પરિજનોએ મિત્રની વારદાત જણાવી . જિનદાસને ઘણું દુઃખ થયું . તેણે બળદોને પાણી પાવાની કોશિશ કરી . બળદોએ પાણી ન પીધું . તેણે બળદોને ચારો નીર્યો . બળદોએ ચારાને મોઢું ન લગાડ્યું . જિનદાસ વહાલથી સમજાવતો રહ્યો પણ બળદોએ ચારોપાણી ન લીધા . એ બળદોના ભાવ જિનદાસને સમજાયા . એ વૃષભો જૈનશાસનની ક્રિયાઓને સમજતા હતા , આચરતા હતા . એમનામાં ધર્મની સમજણ હતી . એ વૃષભોના હાવભાવ જણાવતા કે તેઓ અનશન કરવા ચાહતા હતા . જિનદાસે તેમને અંતિમ પચખાણ આપ્યા , નિર્યામણા કરાવી , સમાધિ દાયક શ્રવણ કરાવ્યું . એ વૃષભોનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું . અત્યંત સમાધિપૂર્વક પ્રાણત્યાગ કર્યો હતો તેથી તેઓ નાગકુમારના દેવતા બન્યા .

દેવતા બનતાવેંત તેમનાં સિંહાસન કંપાયમાન થયા હતા . પ્રભુની નાવ પર ઉપદ્રવ આવ્યો છે તેની જાણ તેમને અવધિજ્ઞાનદ્વારા થઈ હતી . તેઓ તત્કાળ વૈક્રિયશક્તિથી પ્રભુ પાસે પહોંચ્યા હતા . એક તરફ , સંબલે દેવાર્યની નૈયાને સ્થિર બનાવીને સામા કિનારે પહોંચાડી દીધી હતી .

બીજી તરફ , કંબલે શું કર્યું હતું ? તેણે પાણીનાં તોફાનનું મૂળ પકડીને તેની પર હુમલો કર્યો હતો . એ પાણીનું તોફાન સુદંષ્ટ્ર નામના દેવે ઊભું કર્યું હતું . તે દેવ પૂર્વભવોમાં ક્યારેક સિંહ હતો . તે વખતે દેવાર્ય , પૂર્વભવોમાંના એક ભવમાં ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ હતા . વાસુદેવે એ સિંહની હત્યા કરી હતી . સુદંષ્ટ્ર દેવ એ પુરાણી ઘટનાને યાદ કરીને દેવાર્ય પર હુમલો કરી રહ્યો હતો . એ ચાહતો હતો કે દેવાર્ય પાણીમાં ડૂબીને નામશેષ બને .

કંબલે સુદંષ્ટ્રને પડકાર્યો . આમ તો સુદંષ્ટ્ર , કંબલ કરતાં વધુ શક્તિશાળી હતો . પરંતુ તેની દેવ અવસ્થાનો અંતિમ સમય ચાલતો હોવાથી તે કમજોર પડી ગયો હતો . કંબલ તાજેતરમાં જ દેવ બનેલો . તેનું ઓજ ઘણું હતું . તેથી સુદંષ્ટ્ર હારી ગયો અને પલાયન થઈ ગયો . પ્રભુની ભક્તિના ભાવ ઊંચા હોવાને લીધે કંબલ જીતી ગયો . ગંગાનાં પાણીનું તોફાન શાંત થઈ ગયું .

પ્રવાસીઓ પ્રભુનો પ્રભાવ જોઈ અહોભાવિત થયા . સૌએ કબૂલ્યું કે આજે તો આપણને દેવાર્યે જ બચાવ્યા છે . બધા દેવાર્યને ખૂબખૂબ વંદના કરી પોતપોતાના રસ્તે નીકળી ગયા . કંબલ સંબલે દેવાર્યની ભરપૂર ભક્તિ કરીને પાતાલલોક તરફ વિદાય લીધી . દેવાર્યે ગંગાનો કિનારો છોડ્યો નહીં . ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *