વનવગડે વિહરે વીર (૧૫.૨)

વનવગડે વિહરે વીર (૧૫.૨)

બીજા વરસનું કથાનક : કંબલ સંબલે નાવ બચાવી

હિમાલયમાં ગંગોત્રીનાં સ્થાને ગંગાની ધાર સાવ નાની છે પણ ધીમે ધીમે એ જગદ્-ગંગા બનીને ચારેકોર ફેલાઈ જાય છે . દેવાર્યની નૈયાની ચોતરફ , પાણી એટલું બધું દેખાતું હતું કે જાણે આખો હિમાલય પીગળીને પાણી મોકલી રહ્યો હોય .

ગંગા પાર કરવા માટે ખલાસીઓનાં હલેસાંઓ અવિરત ચાલી રહ્યાં હતાં , લાંબા દાંડાના છેવાડે જાડા પટ હતા તે પાણીને પાછળ ધકેલતા અને નૌકાને આગળ સરકાવતાં . એક કર્ણધાર હતો જે નાવને ચોક્કસ દિશામાં દોરી રહ્યો હતો . બાકી નાવની બેય કિનારીપર પથ્થર જેવા મજબૂત હાથોથી હલેસાં ચલાવનારા ખલાસીઓ હતા . એમને પરસેવાના રેલા ફૂટી રહ્યા હતા .

ગંગાનો ધસમસતો પ્રવાહ નાવને ક્યાંક બીજે ધકેલતો . એની સામે આ ખલાસીઓના હાથ અને હલેસા લડતાં હતાં . ગંગાની તાકાત ઘણી વધારે . પણ ખલાસીઓ કળાત્મક રીતે પાણીની મહાધારાને ચાતરીને સામા કિનારા તરફ નાવ હંકારી રહ્યા હતા . નાવ લગભગ મધ્ય ગંગાએ પહોંચી . પાછળનો કિનારો ઘણો દૂર રહી ગયો હતો અને આગળનો કિનારો પણ એકદમ દૂર દેખાતો હતો . માટીના માર્ગે રથ ભાગે એને માટીનો ધક્કો નથી લાગતો માટે રથ જોરથી ભાગી શકે . પાણીમાં નૌકા ચાલે તેને પાણીના હડસેલા લાગતા હોય છે માટે નૌકા રથની જેમ ઝડપથી ભાગી શકતી નથી .

જોકે , નાવના સઢની કારીગીરી જોવા જેવી હોય છે . નાવની વચોવચ એક ઊભો પ્રચંડ થાંભલો હોય છે . એને કૂવાથંભ કહેવામાં આવે છે . આની પર જાડી જાડી રસ્સીઓના સથવારે મજબૂત , વિશાળ કાપડ બાંધેલું હોય છે . આ કાપડ એટલું જાડું હોય છે કે હવા એની આરપાર નીકળી શકતી નથી . હવાનો ધક્કો આ સઢનાં કાપડને લાગે છે . હવાના ધક્કાનું વજન , કર્ણધાર પારખે છે અને પાણીના ધક્કાનાં વજનની સામે , હવાના ધક્કાનું વજન વધારે કામ કરે એવી કુશળતા એ દાખવે છે . પાણી હારે અને હવા જીતે ત્યારે નાવ સડસડાટ ભાગે છે . જાણે તેજીલો તોખાર . હવા ન હોય ત્યારે પાણીના ધક્કાનું ચડી વાગે છે . ક્યારેક હવાનું વજન વધારે પડતું હોય ત્યારે નાવ ચલાવવાનું કઠણ થઈ જાય . ક્યારેક પાણીનો ધસમસતો વેગ , હવાની ગતિને મહાત આપી દે છે .

નૈયાના કર્ણધાર પર નિર્ભર હોય છે કે નાવની ગતિ કેવી રહેશે ? અત્યારે દેવાર્યની નાવ સમંદર જેવા જળપ્રવાહને વીંધીને આગળ નીકળી રહી હતી . અડધો રસ્તો વીતી ગયો છતાં તોફાન જેવું કશું વર્તાયું નહોતું . પ્રવાસીઓ રાજી હતા .

ત્યાં અચાનક પાણીએ ઉથલો માર્યો . નૈયા હચમચી ઊઠી . નૈયામાં બેસેલા બધા જ પ્રવાસીઓએ સંતુલન ગુમાવ્યું . દરિયામાં ભરતી આવે ને પાણી ઉપર ચડે તે રીતે ગંગાનું જળ ઊંચકાયું . નૈયા ચાલકનો અંકુશ રહ્યો નહીં . હલેસાં બેકાર થઈ ગયાં . આંધીનો ઝાટકો લાગ્યો અને નાવવચાળે રહેલો કૂવાથંભ તૂટી ગયો . નૈયા , કપાયેલા પતંગની જેમ નિરાધાર થઈ ગઈ . નૈયા હાલમડોલમ થવા લાગી . ઘડીકમાં નૈયા એક તરફ ઝૂકતી , ઘડીકમાં બીજી તરફ . પાણી નાવમાં ભરાવા લાગ્યું હતું . પ્રવાસીઓ રીડિયામણ કરવા લાગ્યા હતા . આવું તોફાન ખલાસીઓએ ક્યારેય જોયું નહોતું . ઘૂઘવાતા પાણી જાણે નૈયાને પેટાળમાં ગરક કરી દેવા માંગતા હતા . આજે ગંગાજીએ ચંડરૌદ્ર રૂપ ધારણ કર્યું હતું . જળસમાધિ શબ્દ કેટલો ડરામણો છે તે આજે સમજાતું હતું . એક વાર નાવ પાણીમાં ડૂબે એટલે નદીનાં તળિયે પહોંચી અથડાય . પ્રવાસીઓ ઊંડા પાણીમાંથી બહાર આવી ન શકે , શ્વાસ લઈ ન શકે . ઉપરાંત , નાક-મોઢેથી પાણી શરીરમાં પેસે . શ્વાસ રૂંધાઈ જાય અને બાજી પૂરી .

નિર્મળતા બક્ષનારી ગંગા નિર્દયતા ધારણ કરી રહી હતી . પાણીનું તોફાન ભારે હતું . તરવૈયાઓ તરી પણ ના શકે . આ શું થઈ ગયું ? કલ્પાંત કાળ આવી લાગ્યો હતો જાણે .

ક્ષેમિલ જોશીની આગાહી સાચી પડી હતી . વાવંટોળ આવ્યું જ હતું . અલબત્ , આગાહીનો ઉત્તરાર્ધ દેવાર્ય સાથે પણ જોડાયો હતો . દેવાર્ય આ આફતમાંય અંતનિર્મગ્ન હતા . દેવાર્યની તરફ સૌ આશાભરી નજરે તાકી રહ્યા હતા . નૈયાકંપ એવો હતો કે બેસી શકાતું નહોતું , ઊભા રહેવાનું સંભવિત નહોતું . જળતાંડવ ચરમસીમાએ હતું . અચાનક જાણે દેવાર્યે સૌની પ્રાર્થના સાંભળી હોય એવી ઘટના બની .

નાવ પાણીમાં અટવાઈ ગઈ હતી તે અચાનક સામા કિનારા તરફ સરકી . પાણીમાં તોફાન એવું જ ચાલુ હતું . પરંતુ નાવને એ તોફાન , હવે અડી નહોતું રહ્યું . પાણી ઉછળી રહ્યું હતું . પરંતુ નાવ દેવવિમાનની જેમ નિરાબાધ હતી . બહુ ઝડપથી સામો કિનારો આવી ગયો . નાવ કાંઠે અટકી . પ્રવાસીઓ ઝપાટાભેર જમીન પર ઉતરી ગયા . દેવાર્ય પણ ઉતરી ગયા .

ક્ષેમિલની આગાહી મુજબ જ બન્યું હતું . દેવાર્યને લીધે નૈયા પાર થઈ ગઈ હતી . દેવાર્ય કિનારે આવીને સાવ કાંઠા પર જ ઈર્યાપથિકનાં કાઉસગ્ગમાં ઊભા રહ્યા . દેવાર્ય પર ફૂલો વરસ્યા . દેવાર્ય સમક્ષ વાજિંત્રો વાગ્યાં . દેવાર્ય સમક્ષ બે સ્વરૂપવાન્ યુવાનો નાચવા લાગ્યા . પ્રવાસીઓ જોતા રહી ગયા . આ યુવાનો નાવમાં નહોતા , કિનારે નહોતા . આ યુવાનો ક્યાંથી આવ્યા ? શું આ દેવતા હશે ? (ક્રમશઃ)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *