વનવગડે વિહરે વીર (૧૪.૩)

વનવગડે વિહરે વીર (૧૪.૩)

બીજા વરસનું કથાનક : બુજ્ઝ બુજ્ઝ ચંડકોસિયા

જોકે , સ્થિરતા એને ભારે પડી હતી . દેવાર્ય , દૃષ્ટિવિષ સર્પના રસ્તે ગયા હતા તે જોનારા ગોવાળો દેવાર્યની ચિંતામાં હતા . તેમણે દૂરથી સંભાળીને જોયું કે દેવાર્યને સર્પની દૃષ્ટિજ્વાળાઓ નડી નથી . તે લોકો વધારે નજીક આવ્યા . તેમણે સર્પને જમીન પર પથરાયેલો જોયો . એમને થયું કે આ જીવતો છે કે મરી ગયો ? એમણે દૂરથી સર્પને પથરા માર્યા . સર્પને એ પથરા વાગ્યા . એની કાયા પર જખમ થયા . સર્પ બિલકુલ હલ્યો નહીં .

એ ધારત તો બિલમાંથી મોઢું બહાર કાઢી આગ વરસાવી શકત પણ એ શાંત થઈ ગયો હતો . તેણે સહન કરવાનું નિર્ધારી લીધું હતું . સર્પ હાલ્યો નહીં એટલે ગોવાળો સાપની પાસે આવી ગયા . તેમણે હાથમાં રહેલી લાઠીઓ મારીને સાપને છંછેડવાની કોશિશ કરી . સાપ લાઠી વાગવા છતાંય ન હાલ્યો તે ગોવાળો માટે બહુ મોટી વિસ્મયકારી ઘટના હતી . એ લોકો પોતાની વસતિ ભણી દોડ્યા . એમણે વાત ફેલાવી દીધી કે દેવાર્યે દૃષ્ટિવિષ સર્પને શાંત બનાવી દીધો છે .

વનવાસીઓ અને ગ્રામીણજનો દોડતા આવ્યા . તેમણે જોયું કે સાપ સાચેસાચ શાંત થઈ ગયો છે . એમણે દેવાર્યનું ગૌરવગાન કર્યું અને સર્પને દૈવી અવતાર માનીને સર્પની ઘી થકી પૂજા કરી . મૂર્તિ પર દ્રવ્ય છાંટવાથી મૂર્તિમાં ચીકાશ આવે છે પણ મૂર્તિને પીડા નથી થતી . સર્પ પર દ્રવ્ય નાખવાથી સર્પને પીડા થઈ કેમકે લોકો તો ઘીના છાંટણા કરીને નીકળી ગયા એ ઘીના થપેડા સાપનાં શરીર પર રહ્યા . એની સુગંધથી કીડીઓ ઉભરાઈ પડી . એ જંગલી કીડીઓ સર્પની કાયા પર તૂટી પડી . કીડી કરડે એની બળતરા અસહ્ય હોય છે . એકસાથે સેંકડો કીડીઓ સર્પ પર ફરી વળી . પછી તો કીડીઓની સંખ્યા હજારોની થઈ ગઈ .

સાપ પર લોકો ઘી , દૂધ , દહીંના છાંટણાં કરીને ગયાં હતાં . કીડીઓને સાપનાં શરીર પરથી આ સુગંધ મળી રહી હતી એટલે એ કીડીઓ સર્પની કાયામાં જ સ્વાદ અને આહાર શોધવા લાગી . સાપની કાયામાં છિદ્ર બનાવીને એ છિદ્રમાંથી કાયાની અંદર ઘુસવા લાગી . જંગલની કીડીઓની નાનકડી સૂંઢ જેવી ડંખીલી ઝીણી ચાંચ સાપની કાયાને કાતરવા લાગી . સાપની કાયા પર કીડીઓએ ગણ્યા ન ગણાય એટલા બધા છિદ્ર પાડી દીધા . એક તબક્કે એવું થયું કે કીડીઓ સાપનાં શરીરમાં બનેલા એક છિદ્ર માંથી શરીરની અંદર પેસી જતી અને બીજા છિદ્રમાંથી બહાર નીકળતી . બધી કીડીઓ સાપના શરીરને માટીનો રાફડો સમજીને ખૂની રમતે ચડી હતી . સાપની આખી કાયાની આરપાર નીકળવા માંડી કીડીઓ .

આ નરક જેવી અતિ ભયાનક પીડા હતી . સાપને લાગ્યું કે પોતે શરીરને સહેજ હલાવશે એટલે કીડીઓ બધી દૂર ભાગશે . પણ એને થયું કે મારી કાયા આમતેમ હલશે એનાથી કેટલીય કીડીઓને પીડા થશે , મારે એકપણ જીવને પીડા આપવી નથી . કીડીઓ કરડતી રહી , ડંખતી રહી . સાપ સહેજ પણ સળવળ્યો નહીં .

સાપ ઉપવાસમાં ભૂખ્યો અને તરસ્યો રહ્યો . વળી, એની કાયાને કીડીઓએ ચાળણી જેવું છિદ્રાળુ બનાવી દીધું હતું . પથ્થરના અને લાઠીના ઘાવ હતા . લોહી નીતરતું હતું . પીડા હતી પણ ગુસ્સો ન હતો . કષ્ટ હતું પણ આવેશ નહોતો . આમને આમ પંદર દિવસો વીત્યા . લોકો આવતા રહ્યા . ઘી , દૂધ અને દહીંના છાંટણા કરતા રહ્યા . કીડીઓ આવતી રહી , મુલાયમ સર્પકાયાને સોયની જેમ વાગતી , કરડતી રહી . સાપ , પૂર્વજન્મોની યાદમાં સાધકદશા સંવેદતો રહ્યો અને જૂની ભૂલોનો પસ્તાવો કરતો રહ્યો . દેવાર્યની કૃપાદૃષ્ટિ એની પર બનેલી રહી .

પંદરમા દિવસના અંતે સાપનું આયુષ્ય પૂરું થઈ ગયું . એણે જિંદગીભર પંચેન્દ્રિય વધકનું પાતક આચરેલું . એ મરીને નરકમાં જવાનો હતો . પરંતુ દેવાર્યના સત્સંગથી છેલ્લા પંદર દિવસમાં એને પાપોનો પ્રચંડ પસ્તાવો થયેલો . દેવાર્યના પ્રતાપે એ સહસ્રાર દેવલોકમાં ઉત્પન્ન થયો . ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *