વનવગડે વિહરે વીર (૧૩.૩)

વનવગડે વિહરે વીર (૧૩.૩)

બીજા વરસનું કથાનક : મહાસર્પના ત્રણ પૂર્વભવોની યાત્રા

ગૌભદ્ર ઉતાવળે પોતાનાં ગામે પહોંચ્યો . ઘરઆંગણે આવીને તેણે જોયું તો ઘરના દરવાજા બંધ . આંગણું વેરાન . તેને જોઈ પાડોશીઓ ભેગા થયા . તેને એક પાડોશીએ પ્રેમથી જમાડ્યો . એ જમવા તૈયાર નહોતો . પાડોશીએ કહ્યું કે તારી પત્ની પિયર ગઈ છે , તું જમી લે . એ જમ્યો . તે પછી પાડોશીએ સંભાળીને કહ્યું કે તારી પત્નીને પેટમાં શૂળ થઈ ગયું . તારી કોઈ ખબર હતી નહીં . અમે લોકો ઉપચાર કરીએ એટલામાં એનું આયખું પૂરું થઈ ગયું . અમે ના છૂટકે અગ્નિસંસ્કાર કરી લીધા . તું ગયો તે પછી થોડા જ સમયમાં આ બન્યું .

ગૌભદ્ર પોક મૂકીને રડ્યો હતો . પત્ની માટે અને એક નાનકડા જીવ માટે એ ઘણું બધું કમાઈને આવ્યો હતો . પણ કમાયેલું બધું બેકાર પડ્યું રહ્યું હતું . એ સંસારમાં એકલો પડી ગયો હતો . પાડોશીએ સાંત્વના આપી . એણે પોતાનું ઘર ખોલ્યું . પરાણે રહેવા લાગ્યો ઘરમાં . થોડો સમય વીત્યો . પાડોશીઓએ તેને બીજીવાર લગ્ન કરી લેવા સમજાવ્યું . એ ન માન્યો . એનું મન સંસાર પરથી ઊઠી ગયું હતું .

થોડા સમય પછી તે ગામમાં શ્રી ધર્મઘોષ સૂરીશ્વરજી મહારાજા પધાર્યા . તેમની દેશના સાંભળી ગૌભદ્રે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો . પોતાની પાસે રત્નો અને બીજી મૂલ્યવાન્ વસ્તુઓ હતી તે વેચી દીધી . એમાંથી જે પૈસા આવ્યા એનાથી ગરીબોને , પશુઓને ભરપૂર ભોજન આદિ આપીને એક શુભદિને દીક્ષા લીધી . આચાર્ય ભગવંતની સાથે પાંચસો સાધુ હતા .

ગૌભદ્ર મુનિ પાંચસો એકના ક્રમે બિરાજીત થયા . ખૂબ વૈયાવચ્ચ કરતા . પ્રતિભાશાળી હતા , પ્રચંડ જ્ઞાન ઉપાર્જ્યું . તપસ્યાઓ કરતા જ રહેતા . વરસો વીત્યાં . કાયાને સાધનાની આદત પડી ગઈ તે પછી માસક્ષમણ જેવા ઉગ્ર તપ પણ કરવા લાગ્યા . સમુદાયમાં ગૌભદ્ર મુનિનું સ્થાન ગૌરવરૂપ બની ગયું .

કોઈ મોટો લેખક , રોમાંચક નવલકથા લખી શકે તેવી ઘટનાઓથી ભરપૂર જીવનકથા હતી એમની . પણ એક દિવસ એવી ગડબડ થઈ કે અત્યાર સુધીનો ઘટના ક્રમ જાણે ભુલાઈ જ ગયો .

દેવાર્ય એ ઘટના જાણતા હતા . ગૌભદ્ર મુનિને ગોચરી લેવા જવાનું હતું . સાથે એક બાળ સાધુને લઈને તેઓ નીકળ્યા . વરસાદની મૌસમ હતી . પાછા વળતા રસ્તામાં ઘણી દેડકીઓ કૂદતી દેખાઈ . સાવધાન હોવા છતાં ગૌભદ્રમુનિના પગતળે એક દેડકી આવી ગઈ . આવી વિરાધના ક્યારેય થઈ ન હતી , ગૌભદ્રમુનિનો જીવ દ્રવી ઉઠ્યો . એ જ વખતે સાથે રહેલા બાળમુનિ બોલ્યા : આ વિરાધના થઈ છે , જુઓ . ગૌભદ્ર મુનિ તપથી શ્રાંત હતા . પોતે જે જાણતા હતા તેની જ શિખામણ બાળમુનિએ આપી હતી એવું એમને લાગ્યું .

તેમણે ખોટી રીતે જવાબ આપ્યો : આ રસ્તા પર આટલી બધી દેડકીઓ મરેલી પડી છે . શું બધાની વિરાધના મેં જ કરી છે ? ‘

બાળમુનિ ચૂપ થઈ ગયા . મકાને પહોંચ્યા . સાંજે પ્રતિક્રમણની વેળાએ ફરીથી બાળમુનિએ સવારવાળી વિરાધનાની આલોચના કરી લેવાની સૂચના આપી . ગૌભદ્ર મુનિ પોતે આલોચના કરવાના જ હતા . આ રીતે એમને બાળમુનિએ કહ્યું તેને લીધે એમને ગુસ્સો આવી ગયો . સાંજનું અંધારું ઉપાશ્રયમાં ફરી વળ્યું હતું . જે દિશામાંથી બાળમુનિનો અવાજ આવ્યો એ તરફ ગૌભદ્ર મુનિ ધસી ગયા . એ બાળમુનિને ઠપકારવા માંગતા હશે . પણ અધવચ્ચે જ એમનું માથું એક થાંભલા સાથે ભટકાયું . થાંભલો વચ્ચે આવી ગયો તે અંધારામાં સમજાયું નહીં અને ગૌભદ્રમુનિ થાંભલા સાથે જોરથી અથડાઈ ગયા . માથું ફાટી ગયું . ત્યાંને ત્યાંજ તે ધરતી પર ઢળી પડ્યા . સહવાસી આત્માઓ પાસે આવ્યા એટલી વારમાં ગૌભદ્રમુનિનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું . સાધના એવી હતી કે બાર દેવલોકમાં કે નવ ગ્રૈવેયકમાં જન્મ મળે . આ ક્રોધે સાધનાનું પુણ્ય કમજોર બનાવી દીધું . ગૌભદ્ર મુનિ બીજા ભવમાં જ્યોતિષ્ક કક્ષાના સામાન્ય દેવ બન્યા . અરબો રૂપિયા મળવા જોઈતા હતા ત્યાં થોડાક લાખ જ મળ્યા . (ક્રમશઃ)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *