વનવગડે વિહરે વીર (૧૩.૧)

વનવગડે વિહરે વીર (૧૩.૧)

બીજા વરસનું કથાનક : સર્પરાજના ત્રણ પૂર્વભવોની યાત્રા

દેવાર્ય આ સર્પના પૂર્વભવોને જાણતા હતા . દેવાર્યને આ સર્પમાં એક ભવ્ય આત્મા દેખાતો હતો . એનો ઉદ્ધાર કરવા માટે દેવાર્ય કનકખલ આશ્રમ આવ્યા હતા . દેવાર્ય જે જોઈ શકતા તે સર્પ જોઈ શકતો ન હોતો . સર્પ જે સમજી શકતો નહોતો તે દેવાર્યને સમજાતું હતું . સર્પ પોતાનો અતીત ભૂલી ચુક્યો હતો . શું હતો એ અતીત ? એ અતીત ગજબ હતો . એ ચાર જનમોની કથા હતી . ત્રણ પૂર્વભવ અને એક વર્તમાન ભવ .

(૧)
પ્રથમ જનમની કથામાં આ સર્પ , બ્રાહ્મણ હતો . એનું નામ હતું ગૌભદ્ર . એની પત્નીનું નામ હતું શિવભદ્રા . ગૌભદ્ર વિદ્યાવાન્ , કલાનિધાન અને પરગજુ હતો . પણ એનાં નસીબમાં પૈસાનું સુખ નહોતું . એ ઓછા પૈસે પણ આત્મસંતુષ્ટ હતો . એ શ્રીમંતોને જોતો અને વિચારતો કે
‘ આ લોકો પૈસાની પાછળ મંડ્યા રહે છે , આ લોકો જિંદગીને માણી નથી શકતા . બસ , પૈસાની ખાતર ઘરની – પરિવારની અને શરીરની ઉપેક્ષા કરતા રહે છે . આવી જિંદગીનો શો મતલબ છે ? ‘
એને પૈસા બનાવવાનો શોખ જ નહોતો .

એકવાર શિવભદ્રાએ ગૌભદ્રને કહ્યું હતું કે ‘ હું ગર્ભવતી છું . ‘ ગૌભદ્ર ખુશખુશાલ થઈ ગયો હતો . પત્નીએ કહ્યું હતું કે , ‘ અત્યાર સુધી આપણે ઓછા પૈસે ચલાવતા હતા તે ઠીક છે . હવે આ ઘરમાં નવો મહેમાન આવવાનો છે . એની માટે તો ઘણી કમાણી કરવી પડશે તમારે . હવે એમનેમ બેઠા રહેશો એ નહીં ચાલે .

ગૌભદ્રને શિવભદ્રાએ શ્રીમંતોની પાસે જઈને દક્ષિણા માંગવાનું કહ્યું . ગૌભદ્ર આ રીતે ભીખમંગો બનવા તૈયાર નહોતો . શિવભદ્રાએ ગૌભદ્રને બનારસ જવા કહ્યું , બનારસમાં ગંગાકિનારે બેસીને હિંદુ વિધિવિધાન કરાવવાનું કહ્યું . ગૌભદ્ર તૈયાર થઈ ગયો . તે બનારસ જવા નીકળ્યો . અડધે રસ્તે એને એક સિદ્ધપુરુષે જોયો . એણે ગૌભદ્રને નામ દઈને બોલાવ્યો . ગૌભદ્ર આશ્ચર્ય ચકિત થઈ ગયો . એ સિદ્ધપુરુષ પાસે બેઠો . સિદ્ધપુરુષે એનો ઈરાદો અને કાર્યક્રમ જાણી લીધો અને ગૌભદ્રને જણાવી પણ દીધો . હવે તો ગૌભદ્ર સિદ્ધપુરુષ સમક્ષ અવાચક બની ગયો . કમાલ એ થઈ કે સિદ્ધપુરુષે ગૌભદ્રને પોતાની સાથે આવવા જણાવ્યું . ગૌભદ્ર તૈયાર થઈ ગયો સાથે જવા . બંને જંગલના માર્ગે જઈ રહ્યા હતા . રસ્તામાં થાક ચડ્યો , ભૂખ લાગી . બેય બેઠા . સિદ્ધપુરુષે કશોક જાપ કર્યો એવું ગૌભદ્રને લાગ્યું . અને તુરંત વૃક્ષની પાછળથી જમવાની રસોઈ વાસણોમાં આવી અને સાથે થાળી વાટકા પણ આવ્યા . રસોઈ કોણે બનાવી , કોણે મોકલી એ પૂછવાનું હતું નહીં . સિદ્ધપુરુષ ચમત્કારી હતા . તેમણે ગૌભદ્રને વહાલથી પીરસીને જમાડ્યો . તે પછી ગૌભદ્રે આદરપૂર્વક પીરસીને સિદ્ધપુરુષને જમાડ્યો . પછી વાસણો અને થાળીવાટકા આપોઆપ વૃક્ષની પાછળ ચાલી ગયા . ભોજનનો કાર્યક્રમ ખતમ . આરામ કરીને ફરીથી ચાલ્યા . બપોર વીતી . સાંજ ઢળવા આવી ત્યારે વિરામ લીધો . ગૌભદ્ર બેઠો .

સિદ્ધપુરુષે કોઈ ધ્યાન ધર્યું અને અંધારું અવતરિત થાય તે સમયે આસમાનથી એક વિમાન ઉતર્યું . એમાંથી દેદીપ્યમાન મહિલા ઉતરી . તેણે સિદ્ધપુરુષને વિમાનમાં આવીને આનંદપ્રમોદ કરવાની વિનંતી કરી . ગૌભદ્રને આશ્ચર્ય એ થયું કે સિદ્ધપુરુષે તે વિનંતી માનીને ધ્યાનનો ત્યાગ કર્યો અને વિમાનમાં જઈને વિલાસ પ્રવૃત્તિ શરૂ કરી દીધી . ગૌભદ્ર સ્તબ્ધ હતો ત્યાં વિમાનમાંથી એક સુંદરી ઉતરીને ગૌભદ્ર પાસે આવી . તેને સિદ્ધપુરુષે મોકલી હતી . તે ગૌભદ્ર સમક્ષ વિલાસ પ્રવૃત્તિની પ્રાર્થના કરવા લાગી . ગૌભદ્રે આવો અનુભવ ક્યારેય લીધો નહોતો . તેણે તુરંત ના કહી દીધી . તેણે મહિલાને પોતાની બહેન જેવો જ આદર આપ્યો . આવનારી મહિલા આ પ્રતિભાવથી આશ્ચર્ય પામી . સિદ્ધપુરુષના આદેશનું એણે પાલન કરવાનું હતું . એ પાછી ન ગઈ . રાતભર તેણે ગૌભદ્ર સાથે વાર્તાલાપ કર્યો . ગૌભદ્રને જિજ્ઞાસા હતી કે આ બધું શું થઈ રહ્યું છે ?

એ સુંદરીએ બધી જ વાત જણાવી હતી . તેણીનું નામ હતું ચંદ્રલેખા . તેની બહેનનું નામ હતું ચંદ્રકાંતા જેની સાથે સિદ્ધપુરુષ વિલાસાનંદ માણી રહ્યો હતો . સિદ્ધપુરુષનું નામ હતું ઈશાનચંદ્ર . તેણે કાત્યાયની દેવીનું અમોઘ વરદાન પામવા પોતાનું મસ્તક તલવારથી કાપી દેવા માટે તલવાર ઊઠાવી લેવાનું મહાન્ પૌરુષ દાખવ્યું હતું . તેનું મસ્તક કપાય તે પૂર્વે જ કાત્યાયની દેવી પ્રગટ થઈ હતી અને તેને રક્ષા વલય આપીને દેવીએ તેને સિદ્ધપુરુષ બનાવી દીધો હતો . કાત્યાયની દેવીએ આપેલા રક્ષાવલયને સિદ્ધપુરુષે પોતાની ભુજા પર બાંધ્યું હતું . એ રક્ષાવલયના પ્રતાપે તેને કોઈ પણ મનુષ્ય કે દેવ , બાધા પહોંચાડી શકતું નહીં . આનો જ ગેરફાયદો ઊઠાવીને સિદ્ધપુરુષ અલગ અલગ મહિલાઓનો આસંગ કરવા લાગ્યો . તેને રોકવાનું અસંભવ હતું . પુરુષો તેની સામે લડી ન શકતા . મહિલાઓ પર તે સંમોહિની બિછાવી દેતો . તેથી મહિલાઓ પણ પ્રતિકાર વિના સમર્પિત થઈ જતી . આ ચંદ્રકાંતા પર સંમોહિનીનો જ પ્રભાવ હતો કે તે સિદ્ધપુરુષને આધીન થઈ ગઈ હતી .

ચંદ્રલેખાએ ખાસ જણાવ્યું કે તેણી અને ચંદ્રકાંતા સાત દિવસની સાધના દ્વારા સ્વયંપ્રભા મહાવિદ્યા સિદ્ધ કરવાના હતા . પરંતુ સિદ્ધપુરુષે ચંદ્રકાંતાને વશમાં લઈને તેણીનું બ્રહ્મચર્ય બરબાદ કરી દીધું હતું . બચી ગઈ એક ચંદ્રલેખા . એને ગૌભદ્રે હાથ સુદ્ધાં લગાવ્યો નહોતો . તે હજી પણ સાત દિવસની સાધના કરવા માંગતી હતી . વાતોમાં ને વાતોમાં રાત વીતી ગઈ . સવારે ભાઈ અને બહેન બનીને ગૌભદ્ર અને ચંદ્રલેખા છૂટા પડ્યાં . સિદ્ધપુરુષ ચંદ્રકાંતા પાસેથી પાછો આવી ગયો . વિમાન મહિલાઓને લઈને નીકળી ગયું .

ગૌભદ્રને ખાસ યાદ રહી ગઈ બે વાત . એક , ચંદ્રકાંતા અને ચંદ્રલેખા જોગિણી હતી , એવી જોગિણી જેના વશમાં દેવ હોય અને આવી જોગિણી પર પણ સિદ્ધપુરુષનો અધિકાર ચાલતો હતો . બે , આ જોગિણીઓ જાલંધરમાં રહેતી હતી .

સિદ્ધપુરુષ અને ગૌભદ્ર બનારસના રસ્તે આગળ ચાલ્યા . (ક્રમશઃ)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *