વનવગડે વિહરે વીર (૧૨.૧)

વનવગડે વિહરે વીર (૧૨.૧)

બીજા વરસનું કથાનક : સર્પરાજની દૃષ્ટિજ્વાળા


દેવાર્ય વનવગડે વિહરી રહ્યા હતા . ચારેકોર જંગલ છવાયેલું રહેતું . રસ્તો ન જડે એવી ગહન ઝાડીઓમાં દેવાર્ય જતા નહીં . દેવાર્ય પગની નીચે પાંદડા ન આવે , ઘાસ ન આવે , ફળ કે ફૂલ ન આવે , લીલ ન આવે એ રીતે ચાલતા . દેવાર્ય જ્યાંથી નીકળતા ત્યાંથી તેઓ કંઈ દિશામાં જાય છે તે દેખાતું પરંતુ દેવાર્ય કંઈ જગ્યાએ જવા માંગે છે તેની કોઈ આગોતરી જાણકારી રહેતી નહીં . પહોંચી ગયા બાદ ખબર પડતી કે હા , દેવાર્ય અહીં પધાર્યા છે . દેવાર્ય ક્યાં પધારવાના છે એની આગોતરી ખબર રહેતી નહીં . દેવાર્ય ક્યાં પધારી ચૂૂૂૂૂૂક્યા છે તેની ખબર રહેતી . દેવાર્ય ચાલીને વનમાર્ગે આગળ વધતા હોય તે જોનારા ઝૂઝ લોકો , દેવાર્ય ક્યાં જઈ રહ્યા છે તેનું અનુમાન દિશાના આધારે કરતા . ઉત્તર વાચાલા તરફ જઈ રહેલા દેવાર્યને ગોવાળોએ જોયા . દેવાર્ય દેદીપ્યમાન વ્યક્તિત્વના સ્વામી હતા . હજારો લોકોની વચ્ચે પણ દેવાર્ય એકદમ અલગ તરી આવે . જંગલમાં એકલા દેવાર્ય જ દેખાય એમાં વધારે ધ્યાન આકર્ષિત થાય . જંગલમાં એકલા નીકળવાની હિંમત કોઈ કરે નહીં . એકલા નીકળે તે ઉગ્ર અને રૂદ્ર હોય અથવા સાવ દીનહીન હોય . જોકે , દેવાર્ય સૌમ્ય , શાંત અને પ્રસન્ન દેખાતા . એમને જ્યાં જુઓ ત્યાં એમની માટે આકર્ષણ થાય , જંગલમાં એ આકર્ષણ વધારે થાય .

ગોવાળો દેવાર્ય પાસે દોડતા આવ્યા . તેમણે કહ્યું : ‘ દેવાર્ય , આપે જે રસ્તો અપનાવ્યો છે તે શ્વેતવી નગરી તરફ જાય છે . આપને શ્વેતવી નગરી જવાની ઈચ્છા હોય તો બીજો પણ એક રસ્તો છે . આપને એ રસ્તે થોડું વધારે ચાલવું પડશે . પણ આપ એ જ રસ્તો લો . આપનો આ રસ્તો ટૂંકો છે પણ સલામત નથી . ‘


દેવાર્ય ગોવાળની વાત સાંભળી રહ્યા હતા પણ જવાબમાં કશું બોલી રહ્યા નહોતા . દેવાર્યને બોલવું જરૂરી લાગ્યું નહીં . અચ્છંદકનો કિસ્સો ઊભો કરનારો સિદ્ધાર્થ દેવ અત્યારે ગાયબ હતો . વર્ના એ બોલત . દેવાર્ય કાંઈ જ ન બોલ્યા . ગોવાળોને દેવાર્યની ચિંતા હતી . તેમણે ડરામણું રહસ્ય ખોલતા હોય એ રીતે કહ્યું કે ‘ આપ જે રસ્તે જઈ રહ્યા છો તે રસ્તે એક ભયંકર સર્પ રહે છે . તે દૃષ્ટિવિષ છે . એની આંખમાંથી જ્વાળા નીકળે છે . એની દૃષ્ટિજ્વાળા જેને અડે તે બળીને ખાખ થઈ જાય છે . એણે કેટલાય મનુષ્યોને અને પ્રાણીઓને બાળી મૂક્યા છે . અહીંના જંગલમાં લીલોછમ વૃક્ષ સમુદાય હતો તે આ સાપની દૃષ્ટિજ્વાળાની લપેટમાં આવી ગયો . હવે આગળના રસ્તે તમને દેખાશે કે ઝાડ , ઠૂંઠા થઈ ગયા છે . પાંદડા નથી અને કોરા થડ અને ડાળખાઓ ઊભા છે . દેવાર્ય , આ સાપ જ્યાં રહે છે તે વિસ્તાર કનકખલ આશ્રમ તરીકે ઓળખાય છે પરંતુ અહીં કોઈ રહેતું નથી . આ આશ્રમ એક જમાનામાં માણસોની અવરજવરથી ધમધમતો રહેતો . પણ જ્યારથી દૃૃષ્ટિવિષ સર્પ આવ્યો છે ત્યારથી માણસો ગાયબ રહે છે . ત્યાં કોઈ ઋષિમુનિ નથી , કોઈ તપસ્વી નથી ત્યાં એક માત્ર દૃૃષ્ટિવિષ સર્પ રહે છે . તેને લીધે જ બધા ભાગી નીકળ્યા છે . આ દૃૃષ્ટિવિષ સર્પે સ્થાનિક રહેવાસીઓને એવા સતાવ્યા કે આખી વસતિ ખાલી થઈ . કેટલા મર્યા તેની ગણતરી નથી . આ સાપ ખૂંખાર છે . એને શિકાર મળે ત્યારે એ વધારે ઝનૂની બની જાય છે . આ તરફનો રસ્તો કોઈ જ અપનાવતું નથી . આપ પણ આ રસ્તે જશો મા . જોખમ બહુ મોટું છે .

ગોવાળની વાત દેવાર્યે સાંભળી લીધી . દેવાર્યે એને કોઈ પ્રશ્ન ન પૂછ્યો . દેવાર્ય તો બસ , અટક્યા વગર આગળ ચાલ્યા . દેવાર્ય આ સર્પનો ઈતિહાસ જાણતા હતા . દેવાર્ય એ પણ જાણતા હતા કે આ સર્પ આક્રમણ કરવાનો જ છે . વળી , પ્રતિકાર ન કરવો તે પણ દેવાર્યનો નિયમ હતો . જીવનું જોખમ હતું . પણ દેવાર્ય અટક્યા નહીં .

કનકખલ આશ્રમની ભૂમિ પર દેવાર્યે પગ મૂક્યો . ચોમેર સન્નાટો પસરેલો હતો . કુટિરો હતી , કુટિરવાસીઓ ન હોતા . હોમકુંડ હતા , હોમવિધિકારકો નહોતા . સ્નાનકક્ષો હતા , નહાવાવાળું કોઈ જ નહોતું . મોટું રસોડું થઈ શકે તેવા ચૂલાઓ હતા , એમાં અર્ધદગ્ધ કાષ્ટ અને રાખનો ઢગલો જમા હતો . રસોઈઓ એક પણ ન દેખાયો . આસપાસ ઉગેલા વૃક્ષોમાં વિવિધા હતી . પણ ક્યાંય કોઈ પંખી દેખાતું નહોતું . વૃક્ષોના જાડા થડ પર હોમવિધિના ધુમાડાનો શ્યામ રંગ ચડેલો હતો . એક સમયે અહીં સેંકડો લોકો એકીસાથે રહેતા હશે . કોઈ કાળ ચોઘડિયે દૃષ્ટિવિષ સર્પ આવી પડેલો . એણે આશ્રમને તહસનહસ કરી નાખ્યો . હવે , કશું જ બચ્યું નહોતું . દૂર એક જગ્યાએ મોટો રાફડો દેખાતો હતો . માટીનો નાનો એવો પહાડ હતો . એમાં છિદ્ર હતા . એની અંદર દ્રષ્ટિ વિષ સર્પ રહેતો હતો . દેવાર્યને સહેજ પણ ડર લાગ્યો નહીં . એક અવાવરું બની ચૂકેલા યક્ષમંદિરના રંગમંડપમાં દેવાર્ય ઊભા રહ્યા . એમણે કાઉસગ્ગ સ્વીકારી લીધો .


હવે એ હલવાના નહોતા . હવે એ બેસવાના નહોતા . હવે એ ચાલવાના નહોતા . હવે એ બોલવાના નહોતા . હવે એ નિયત સમયમર્યાદા સુધી આ જ મુદ્રામાં સ્થિર રહેવાના હતા . હાથ ઘૂંટણ સુધી લંબાયેલા હતા . હાથની આંગળીઓ સીધી હતી , અંગૂઠો સહેજ વળેલો લાગતો હતો . છાતી પહોળી હતી . ખભા ઊંચા હતા . ગરદન ટટ્ટાર હતી . ચહેરા પર અપૂર્વ આભા હતી . ગુલાબી હોઠને સ્મિતનો સુરેખ સ્પર્શ એ રીતે મળેલો કે નિમગ્નતાનો આનંદ હળવે હળવે રેલાતો હોય એવું જ લાગે .

દેવાર્ય શ્વાસ લેતા એનો અવાજ થતો નહીં . શ્વાસની સાથે જે પ્રાણવાયુ અંદર જતો એ દેવાર્યની અંતઃકાયાને સ્પર્શીને જાણે ધન્યતા અનુભવતો . પછી એ શ્વાસ આનંદની અપરિસીમ સુગંધ લઈને બહાર આવતો . દેવાર્યનો ઉચ્છ્વાસ સુવાસિત રહેતો . દેવાર્ય જ્યાં ઊભા હોય ત્યાં સુગંધી વાતાવરણ બની જતું . કનકખલ આશ્રમમાં એ વાતાવરણ બનવા લાગ્યું . સુગંધનો વરસાદ થવા લાગ્યો જાણે . (ક્રમશઃ)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *