વનવગડે વિહરે વીર ( ૨૦.૪)

વનવગડે વિહરે વીર ( ૨૦.૪)

૧ . બિભેલક યક્ષ

વિહાર કરી ગ્રામક , ગામે પહોંચ્યા . સીમા પર હતું . બિભેલક ઉદ્યાન , ત્યાં હતું બિભેલક યક્ષનું મંદિર . દેવાર્ય ત્યાં ધ્યાનસ્થ બન્યા . મંદિરમાં ગભારામાં જે યક્ષ હતો તેને દેવાર્યનું આગમન ગમ્યું . તેણે રાજી થઈ દેવાર્ય સમક્ષ વિવિધરંગી ફૂલો વરસાવ્યા , સુગંધી દ્રવ્યોનાં વિલેપન ધર્યાં . આ રીતે તેણે દેવાર્યની પૂજા કરી . અત્યાર સુધી દેવાર્ય જ્યાં જતા ત્યાં ઉપસર્ગ થતા . આ પહેલો વખત હશે કે દેવાર્યની સ્થિરતા થઈ ત્યાં દેવાર્યનું ઉષ્માભેર સ્વાગત થયું , વર્ધાપન થયું . ઘણા સમય પહેલાં પ્રદેશી રાજાએ સ્વાગત સન્માન કરેલું ખરું પણ તેની પર એટલા બધા પ્રસંગો બની ગયા હતા કે જાણે એ દૂરની ઘટના થઈ ગઈ હતી . તાજેતરમાં આવીને ગયેલા દેવરાજની મનઃકામના બિભેલક યક્ષે પૂરી કરી હતી જાણે . દેવાર્યનું સ્વાગત થવું જોઈએ , થયું . દેવાર્યનું સન્માન થવું જોઈએ , થયું . દેવાર્યને ઉપસર્ગ ન થવો જોઈએ , ન જ થયો .

૨ . કટપૂતના વ્યંતરી
શાલીશીર્ષ ગામે પધાર્યા . સીમ પર ઉદ્યાનમાં કાયોત્સર્ગ ધાર્યો . મહા મહિનાની ઠંડી હતી . સવાર સાંજનો તડકો કૂણો . બાકીના દિવસનો તડકો મનગમતો . રાત ભારે પડે . ઘરમાં ખાટલા પર સૂનારાઓ જાડી ગાદી બિછાવતા અને તગડા ધાબળાઓ ઓઢતા તેમ છતાં ઠંડી લાગતી . દેવાર્ય સાવ ખુલ્લી કાયા સાથે ઉદ્યાનમાં ઊભા રહ્યા . સૂરજ ડૂબ્યો ત્યારથી જ કડાકાની ઠંડી શરૂ થઈ ગઈ . લોકો ઘરમાં બેઠા ધ્રુજતા હતા અને દેવાર્ય ખુલ્લા આસમાન તળે , વૃક્ષની છાયામાં છાતી પહોળી કરીને ઊભા હતા . આસપાસની ખુલ્લી જગ્યા ઠંડીને પૂરતો અવકાશ આપતી હતી . હવા ચાલતી તેના ચાબખા ગાલે અને આખા શરીરે વાગતા . જોકે , દેવાર્ય ઊનાળામાં જે રીતે કાઉસગ્ગમાં રહેતા તેવી સહજ મુદ્રામાં જ ધ્યાનસ્થ રહ્યા .

ઠંડીની મૌસમમાં જે ગરીબ પાસે પૈસા કે કપડાં હોય નહીં તે છાતી પર બે હાથે અદબ વાળી પોતાની જ હૂંફ પોતાને આપે છે . ક્યારેક જમણા હાથનો પંજો ડાબા ખભે રાખી , ડાબા હાથનો પંજો જમણા ખભે મૂકી , છાતી પર હાથની આંટી વાળીને તે પોતાની હૂંફ બનાવે છે . દેવાર્ય અદબ વાળીને કે ભુજા વીંટાળીને ઠંડીથી બચવાની પ્રવૃત્તિ કરતા નહીં . દેવાર્ય બે હાથ લાંબા પસારીને અડીખમ ઊભા રહેતા . ( સંદર્ભ : આચારાંગ સૂત્ર )

ઠંડી બરફ જેવી કાતિલ હતી . દેવાર્ય અગ્નિતપ્ત લોહદંડની જેમ અકંપ હતા . રાતનો પ્રથમ પહોર હજી પૂરો જામ્યો નહોતો ત્યાં દેવાર્ય પર ઠંડા પાણીનો છંટકાવ થયો . પાણીનું એક ટીપું પણ શરીરને અડે એ સહન થાય નહીં એવી ઉગ્ર ઠંડી હતી . દેવાર્યનાં આખા શરીરે પાણી છંટાયું હતું . હજી એ પાણી શરીર પરથી સરકી જાય એટલામાં પાણીની બીજી છોળ દેવાર્ય પર પડી . પાણી બરફ કરતાંય વધારે ઠંડુ હતું . હવે દેવાર્યની સુવર્ણકાયા પરથી પાણી ટપકવા લાગ્યું . ત્રીજી વાર પાણી ઢોળાયું દેવાર્ય પર . શિયાળાને લીધે શરીર ઠરતું હોય છે . શરીર કોરું હોય તે વખતે પણ કડકડતી ઠંડી તલવારની જેમ ચૂભતી હોય છે . શરીર ભીનું થાય તે પછી એ જ ઠંડી દસગુણી વાગે છે . દેવાર્યની કાયાને કોઈ ભીંજવી રહ્યું હતું , જાણી જોઈને . એ પરાક્રમીને બરોબર યાદ હતું કે દેવાર્યને ભીંજવશું એનાથી દેવાર્યની ઘણી વધારે ઠંડી લાગવા માંડશે . એની એ ગણત્રી સાચી પડી રહી હતી . દેવાર્યની કાયા પર પાણી છંટાતું રહ્યું . ભીનાશનાં આવરણ પર ઠંડીનો લેપ ચડતો ગયો . દેવાર્યની કાયામાં વહેતું લોહી થીજીને ઘટૃહિમ બની જાય , એ લોહી વહેતું અટકી જાય એવો આ દાવ હતો . દેવાર્ય પર આખી રાત પાણી ઢોળાતું રહ્યું . શિયાળુ હવાનો વીંઝણો દેવાર્યની કાયા પર ચાબૂકની જેમ અફળાતો રહ્યો .

શાલીશીર્ષ ગામના એકેય છાપરા ઉપર વરસાદ પડી રહ્યો નહોતો . ઉદ્યાનના કોઈ જ વૃક્ષ પર બારિશ નહોતી . પાણી એકલા દેવાર્ય પર ઝીંકાઈ રહ્યું હતું . પાણીમાં પલાળેલાં કપડાને નીચોવ્યા વિના ઝાપટવાથી જે રીતે પાણી ઉડે તે રીતે પાણી , દેવાર્ય પર પડી રહ્યું હતું . સાવ ઠરી જાય દેવાર્ય , એવું જલઆક્રમણ ચાલુ હતું . આજે દેવાર્યની સહનશીલતાની કસોટી થઈ રહી હતી . સામાન્ય માણસ ઠૂંઠવાઈને બેહોશ થઈ જાય અને મરી જાય એવી ઠંડીમાં દેવાર્ય પહાડની જેમ અડોલ ઊભા હતા .

ચાર કઠિનાઈ . એક , મહામાસની કડકડતી ઠંડી . બે , ઉદ્યાનનો ખુલ્લો વિસ્તાર . ત્રણ , રાતભર પાણીનો છંટકાવ . ચાર , સતત વહેતી રહી આંધી જેવી હવા . શરીર ઠરીને ઠીકરું થઈ જાય અને શરીરમાંથી આત્મા બહાર નીકળી જાય તેવી પ્રાણઘાતક પરિસ્થિતિમાં દેવાર્યનું મન પ્રસન્ન જ રહ્યું . શરીરને પીડા થઈ રહી છે તે સમજાતું , સંવેદાતું હતું પણ એ પીડા મન પર હાવી થઈ શકી નહોતી . દુઃખનો અહેસાસ શરીરની ભૂમિકાએ તીવ્ર , તીવ્રતર થતો ગયો તેમ મન વધુ ને વધુ અંતર્નિર્મગ્ન બનતું ગયું . આજ સુધી ઘણાં કષ્ટ આવ્યાં . પણ આવું કષ્ટ પ્રથમ વાર આવ્યું હતું . કષ્ટ થકી કર્મનિર્જરા પ્રચંડ થઈ કેમકે પ્રચંડ પીડામાં શુદ્ધ અધ્યવસાયો પણ ઉત્કૃષ્ટ બનતા ગયા . પરિણામે દેવાર્યને લોકાવધિ કક્ષાનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું . હવે દેવાર્ય , અવધિજ્ઞાન થકી ચૌદ રાજલોકના કોઈ પણ દેશ પ્રદેશને જોઈ શકતા હતા . દેવાર્યનું ધ્યાન આ જ્ઞાન તરફ નહોતું . એમનું ધ્યાન શુભ અને શુદ્ધ અધ્યવસાયો પર પૂર્ણતઃ સ્થિર હતું .

આવો ઉપસર્ગ કોઈ દેવ કે માણસ કરતો હશે તે સમજાતું હતું . એની પ્રત્યે દેવાર્યને દ્વેષ કે દુર્ભાવ થયો નહીં . દેવાર્ય શાંત રહ્યા , પ્રશાંત રહ્યા , ઉપશાંત રહ્યા . જાણે શરીર પર કોઈએ પાણી નાખ્યું જ નથી . આ દ્વેષાતીત , દુ:ખાતીત સંવેદના સામે કોઈક હાર્યું અને પ્રગટ થયું . દેવાર્યની સામે કોઈક રોતું હોય એવો અવાજ થયો . એ મહિલાનો અવાજ હતો . દેવાર્ય એને ઓળખતા હતા .

એ કટપૂતના હતી . વ્યંતર કક્ષાની દેવી . આખી રાત એણે જ દેવાર્ય પર પાણી વરસાવ્યું હતું . દેવાર્ય ડગી જશે એવું એણે માન્યું હતું . દેવાર્ય શુભધ્યાનમાં અડગ રહ્યા . એ હારી ગઈ . એ બોલી :

પ્રભુ મને માફ કરો . મેં આપને ઘણો જ ત્રાસ આપ્યો . હું આપના માટે મનમાં વૈર રાખીને વિચારી રહી હતી . અહીં ઉદ્યાનમાં આપને જોયા . મને મારો પૂર્વભવ યાદ આવી ગયો . એ ભવ જેમાં આપ ત્રિપુષ્ટ વાસુદેવ હતા અને હું આપની એક રાણી હતી . મારું નામ સત્યવતી હતું . હું પૂર્ણ સમર્પિત હતી છતાંય સદંતર આપે મનેં કાયમ ઉપેક્ષિતા જ રાખી હતી . મનેં એ બાબતનો ઘણો રોષ હતો . એ રોષ લઈને જ હું મરી . કેટલાય જન્મો સુધી ભટકી . એક ભવમાં મેં તપ કર્યું અને આ જનમમાં હું વ્યંતરી થઈ . અહીં રહું છું . આપને જોયા ને જૂની વાતો યાદ આવી અને ગુસ્સો ચડી ગયો . મેં જટાધારી ઋષિણીનુ રૂપ લીધું . મારા લાંબા વાળથી આપની પર ઠંડું પાણી છાંટતી રહી હું . આ વલ્કલ વેષથી પણ મેં આપની પર પાણી ઝાપટ્યું . પણ મેં જોયું કે આપ પહેલાં જેવા રહ્યા નથી . આપ ખુદ દુઃખી થયા નહીં . આપે મને દુઃખ આપ્યું નહીં . આપે મને દુઃખ આપવાનો વિચાર પણ ના કર્યો . આપે મારી પર દ્વેષ કર્યો નહીં . આપ આટલા સ્થિર અને સહનશીલ હશો એની મને કલ્પના જ નહીં . આપ મહાન્ સાધક છો . આપની સાધનાને હું વંદન કરું છું . મને માફ કરી દેજો . ʼ

એ પગે પડીને રોઈ હશે , આંસુ વિનાનું દેવતાઈ રૂદન ગજબનાક પીડામય હોય છે . દેવાર્યે મૌન રહી તેને સાંત્વના આપી અને ક્ષમા પણ આપી .

દેવાર્ય આગળ વિહાર કરીને ભદ્રિકાપુરી પધાર્યા . ચોમાસું પણ અહીં જ થયું . ચોમાસામાં સળંગ એકસોવીસ ઉપવાસ કર્યા . આ છઠ્ઠું ચોમાસું હતું . (ક્રમશઃ)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *