વનવગડે વિહરે વીર . ૨૨

વનવગડે વિહરે વીર . ૨૨

પ્રકરણ ૨૨ . મારગ ચલત ચલત

૧ .
વિહાર થયો . નવો મુકામ આવ્યો અને ગોશાળાના છબરડા શરૂ થઈ ગયા . દેવાર્યે કુંડ સંનિવેશમાં , વાસુદેવ મંદિરમાં નિવાસ સ્વીકાર્યો . એક ખૂણે કાઉસગ્ગમાં ઊભા રહ્યા . ગોશાળાને કાંઈક કરતૂત કરવી હતી . તે મંદિરની મુખ્ય મૂર્તિ સાથે તદ્દન બેહૂદી રીતે વળગીને બેઠો રહ્યો . પૂજારીએ ગોશાળાની વિચિત્ર વર્તણૂક જોઈ . એને થયું આને હમણાં જ ધીબેડી નાંખું . પછી એણે વિચાર્યું કે સાવ એકલો છું . આ નાગાબાવા જેવો સાધુ ગડબડ કરે છે એનો પુરાવો શો છે મારી પાસે ?

એણે ગામવાસીઓને બોલાવ્યા . સૌએ ગોશાળાની વાહિયાત વર્તણુક જોઈ . ગોશાળાને ટોળાએ મળીને ખાસ્સોબધો મેથીપાક ચખાડ્યો . એક વૃદ્ધ આદમીએ ગોશાળાને છોડાવ્યો , એમ કહીને કે આ દેવાર્ય સાહેબનો સેવક છે .

અહીંથી વિહાર કરીને દેવાર્ય મર્દન ગામે પધાર્યા . બલદેવ મંદિરમાં રોકાયા . દેવાર્ય કાઉસગ્ગમાં રહ્યા પરંતુ ગોશાળો અવળચંડાઈ ભૂલ્યો નહોતો . તેણે મંદિરની મુખ્ય મૂર્તિ = બળદેવ મૂર્તિને અભદ્ર આલિંગન આપ્યું . પૂજારીએ ગયા વખતની જેમ આ જોયું . ગામજનોને બોલાવી લાવ્યો . ગામવાસીઓએ કચકચાવીને ગોશાળાને પીટ્યો . છેવટે એક વૃધ્ધે દેવાર્યની મર્યાદા જાળવી એને છોડાવ્યો .

૨ .
અહીંથી વિહાર કરી દેવાર્ય બહુશાલ ગામે પધાર્યા અને શાલવનમાં કાઉસગ્ગ ધરી રોકાયા . અહીં કટપૂતના જેવી એક વ્યંતરી હતી : શાલા . તેણે દેવાર્યને જોયા . પૂર્વભવની કોઈ વૈરભાવના એનાં હૈયામાં જાગી . એણે દેવાર્યને દુઃખ દેવાનું શરૂ કર્યું . દેવાર્યની કાયા કષ્ટ અનુભવશે એટલે દેવાર્યને કાઉસગ્ગ અધૂરો છોડવો જ પડશે , દેવાર્યને આ રીતે ખલેલ પહોંચાડવાનો એના વિચાર હતા . દેવાર્યે શરીર પર આવેલ દુઃખને દુઃખ રૂપે જોયું . એમાંથી જ મનમાં જાગી શકતો હતો પીડાનો ભાવ . દેવાર્યે પીડાનો ભાવ મનમાં બનવા જ ન દીધો . દુઃખ શરીરનાં સ્તરે છે , હું આત્માનાં સ્તરે છું . દુઃખ કર્મના ઉદયથી આવે છે અને કર્મ નિર્જરા જ મારું પ્રમુખ લક્ષ્ય છે . દુઃખ અશાતા વેદનીયનો ઉદય છે . પીડા અરતિનો કષાય મોહનીયનો ઉદય છે . મારે કષાય કે નોકષાયને નિષ્ફળ બનાવવાના છે . દેવાર્ય શું વિચારતા હશે તેનું અનુમાન થઈ શકે કેવળ .

શાલા વ્યંતરીના ઉપદ્રવ વિફળ રહ્યા . તેને પોતાની ભૂલ સમજાઈ . તે પ્રભુનાં ચરણે પડી . બોલી : પ્રભુ હું આપને સામાન્ય માનવી માની રહી હતી . મારી આશા હતી કે આપ દુઃખી થશો , દ્વેષ કરશો . આપ દુઃખી ન થયા . આપે દ્વેષ ન બનાવ્યો . આ ગજબની વાત છે . આપ પરમ સાધક છો . મને માફ કરી દો . હું ક્ષમા યાચું છું .

દેવાર્ય પીડાભાવથી મુક્ત હતા તેમ નારાજગીથી પણ વિમુક્ત હતા . દેવાર્ય શાલા માટે નારાજ થયા જ નહોતા . દેવાર્ય યથાવત્ પ્રસન્ન અને મૌન રહ્યા . દેવાર્યની પ્રસન્નતા અને મૌન મગ્નતા સામે શાલા હારી . વૈર ભાવનાનું વિસર્જન કરી એણે વિદાય લીધી .

૩ .
દેવાર્ય લોહાગલ પધાર્યા . આ ઈલાકાનો રાજા જિતશત્રુ હતો . તેને અન્ય એક રાજા સાથે મોટો વિરોધ ઊભો થયો હતો . દેવાર્યને અને ગોશાળાને જોઈને જિતશત્રુના સૈનિકોને લાગ્યું કે આ લોકો દુશ્મન રાજા તરફથી ગુપ્તચર બનીને આપણા ગામમાં ઘુસી આવ્યા છે . બેયને ગુનેગારની જેમ પકડી લેવામાં આવ્યા . દેવાર્યને એમના તથાકથિત ગુનાની સજા શું આપવી તેનો વિચાર હજી રાજા કરવાનો જ હતો કે રાજાના દરબારમાં ઉત્પલ નામનો જોશી આવ્યો , તેણે દેવાર્યને ઓળખી લીધા . એ દેવાર્યના પગમાં પડ્યો . તેણે દેવાર્યની સ્તવના કરી . રાજા જોતો રહી ગયો . સૈનિકો જેને ગુનેગાર તરીકે દરબારમાં લઈ આવ્યા હતા તેને આ નૈમિત્તિક વિદ્ધાન્ આટલું બધું માન સન્માન કેમ આપતો હતો ? એને પ્રશ્ન થયો . જવાબ ઉત્પલ પાસેથી મળ્યો . ઉત્પલેે રાજાને દેવાર્યની સાચી ઓળખ આપી . હવે રાજા સંકોચમાં આવી ગયો . એને સમજાયું કે મારા હાથે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે . તે દેવાર્યનાં ચરણોમાં માથું ઝૂકાવી માફી માંગવા લાગ્યો . તપસ્વી સાધકો નારાજ થઈને શાપ આપી દે એનાથી રાજા અને રાજ્ય બરબાદ થઈ જાય તેવા કિસ્સાઓ રાજાએ સાંભળ્યા હતા , જોયા હતા . તેને ડર લાગ્યો કે મારી સાથે આવું થવાનું છે કે શું ?

અલબત્ત , દેવાર્ય નારાજ નહોતા થયા . તેઓ મૌન રહ્યા . રાજાએ દેવાર્યને અને ગોશાળાને માનભેર છોડી દીધા અને આદરપૂર્વક વિદાય આપી . દેવાર્ય હવે પ્રયાગ પધાર્યા . (ક્રમશઃ)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *