
બીજા વરસનું કથાનક : રેતીમાં પગલાં
ગંગાનદીને કેટલો પસ્તાવો થયો હશે . એ વિચારતી હશે કે દેવાર્ય મારા ખોળે પહેલીવાર પધાર્યા . એમની જળયાત્રા સુખરૂપ બને તેનું ધ્યાન રાખવાની જવાબદારી મારી હતી . અને સુદંષ્ટ્ર દેવની અવળચંડાઈએ કેવો કેર વર્તાવી દીધો ? એમાં મારો શો વાંક ? મારે તો શાંત અને સંતુલિત જ રહેવું હતું , હું એવી રહી પણ ખરી . અડધી યાત્રા સરસ જ થઈ હતી ને . પણ પછી દેવાર્યને હાલાકી વેઠવી પડી . કામ સુદંષ્ટ્રનું હતું અને બદનામી મારી થઈ .
ગંગા આમ વિચારતી હશે એ દેવાર્યને સમજાયું હશે . ગંગાને સાંત્વના આપવા દેવાર્ય ગંગાની રેતીમાં ચાલ્યા , ચાલતા રહ્યા , ચાલતા જ રહ્યા . રેતીમાં ભેજની છાયા હતી . દેવાર્ય ચાલતી વખતે એક પગ જ્યાં મૂકતા ત્યાં પગનો પંજો રેતીમાં દબાતો . એ પગ ઊઠીને આગળ વધતો ત્યારે રેતીમાં તે પગલાંની છાપ છૂટતી . દેવાર્ય એકધારું ચાલી રહ્યા હતા . દેવાર્યની પાછળ રેતીમાં પગલાંઓની લાંબી પંક્તિ બની રહી હતી . એ પંક્તિ દ્વારા જાણે દેવાર્ય નદીને આશ્વાસન આપી રહ્યા હતા .
નદીને સંભળાયું હશે કે ‘ હું જાણું છું ગંગા . તારી કશી ભૂલ નથી . પેલો સુદંષ્ટ્ર ગાંડો થયો હતો . એમ કાંઈ હું ડૂબી જાઉં એવું બને ખરું ? તું મને ડૂબવા દે એ પણ તો સંભવિત નથી . હું પાણીમાં ન પડ્યો , નાવમાં જ રહ્યો . મારી પર તારા પાણી અફળાયાં . એ બહાને તે મારો સ્પર્શ લીધો . આ તારી કમાણી થઈ . તારે જીવ બાળવાનો નહીં . ‘
નદી દેવાર્ય દ્વારા આ રીતે સાંત્વના પામી હશે . અતિશયોક્તિ કે ઉત્પ્રેક્ષા દ્વારા વર્ણવી શકાય તેવી એ ઘટના હતી . દેવાર્ય ગંગાકાંઠે પથરાયેલી રેતી પર ઘણું ચાલ્યા , ઘણું ઘણું ચાલ્યા . રેતીમાં દેવાર્યનાં ચરણચિહ્ન અંકિત થતાં રહ્યાં .
રેતીમાં બનેલી નિશાનીઓને ભૂંસાતા ઘણી વાર નથી લગતી , થોડી વાર તો લાગે જ છે . દેવાર્ય એક જગ્યાએથી થૂણાગ સંનિવેશ ભણી વળી ગયા . હવે કિનારા પર કેવળ પગલાંઓ જ પગલાંઓ હતાં , લાંબી કતારમાં . ગંગાના હાથ પર કોણી સુધી મહેંદી રચવામાં આવી હોય એવો નઝારો બન્યો હતો . રેતીચિત્રના કલાકારે મુલાયમ હાથે રચ્યા હોય તેવા એક એક ચરણ ચિહ્ન હતાં . અંગૂઠાનો ખાડો મોટો . ચાર આંગળીઓનો ખાડો નાનો અને બાકીના પંજાનો ખાડો લાંબો . પાનીનો ગોળાર્ધ સરસ ઉપસેલો . સૌથી ખાસ વાત એ કે પગલાંની છાપમાં નાના નાના ચિત્રાંકન બન્યા હતા . પદ્મ , સ્વસ્તિક , ધનુષ જેવી જે નિશાની દેવાર્યના પગના તળિયામાં હતી તે રેતીમાં પણ આબાદ ઝીલાઈ હતી . પગલાઓનું વૃંદ ગંગાકાંઠે પોતાની મસ્તીમાં હતું . થોડા સમયની જિંદગીને મૌજથી માણવાનો માહોલ બનેલો હતો .
એમાં એક આદમીએ પ્રવેશ કર્યો . એના કપાળ પર ત્રિપુંડ્ર અંકિત થયેલું હતું . એના હાથમાં પોથી હતી . એણે જનોઈ પહેરી હતી . પગમાં પાદુકા હતી . ચાણક્ય મંત્રીના પૂર્વજ જેવી એની આભા હતી . એ એકલો શીદ નીકળ્યો હશે ? નાવ પકડી સામા કિનારે જવું હશે ? નાવ હજી આવી જ નહોતી . જંગલથી બચવું હશે એટલે કિનારે કિનારે ચાલી રહ્યો હશે . કારણ ગમે તે હોય , એ રેતી પરથી ચાલતો ગયો . એની પાદુકાના ધબ્બા રેતીમાં બનતા ગયા . એણે દેવાર્યની પદપંક્તિનું પ્રથમ ચરણચિહ્ન જોયું . એ રેતીમાં ત્યાં જ બેસી ગયો . એણે દેવાર્યના પગનાં તળિયાની છાપને ધ્યાનથી જોઈ . એ રોમાંચિત થઈ ગયો .
‘ આવા અદ્ભુત લક્ષણો ? બેય પગમાં ? કમાલ છે ? આ તાજાં જ પગલાં છે . હમણાં જ અહીંથી નીકળ્યું છે કોઈ . એમનું પુણ્ય જબરદસ્ત દેખાય છે . આ ચક્ર , આ કમળ , આ સ્વસ્તિક , આ રેખાઓ . આ સાધારણ ઈન્સાનનો પગ નથી . આ ચક્રવર્તીનો પગ છે . ‘
એ એકલો એકલો બોલી પડ્યો હતો . એને ચરણચિહ્નોની લાંબી હાર દેખાઈ . એ લગભગ દોડ્યો . એની પાદુકાના ધબ્બાઓએ રેતીની સુંદરતાને વિખેરી દીધી . એને સમજાઈ ગયું કે થોડીક ક્ષણો પહેલાં અહીંથી કોઈ નીકળ્યું છે . એ કોઈ , જે પણ હોય , તેનાં લક્ષણ ચક્રવર્તીનાં હતાં .
એ જોશીને અચાનક પોતાની ગરીબી યાદ આવી ગઈ . પોતાની પાસે વધારે પૈસા નહોતા , મોટું ઘર નહોતું , મોંઘા વસ્ત્ર અને આભરણ નહોતા . એક સરેરાશ આદમી બનીને એ રહી ગયો હતો . મોટા માણસ બનવાનું એનું સપનું હતું . દેવાર્યના પગલાંઓ જોઈને એનામાં જોશ આવી ગયું . એને થયું કે ‘ આ વ્યક્તિ અત્યારે એકલવાયી છે , આને અત્યારે સહાયની જરૂર હશે . હું એને સથવારો આપી દઉં . એ કાલે મોટો માણસ બની જશે . તે વખતે એ મને સથવારો આપશે . ‘
લાલચના વિચારે એના પગમાં ઉતાવળ આવી . હું પહોચું એની પહેલાં બીજું કોઈ ત્યાં પહોંચી ન જાય એવી અધીરતા . (ક્રમશઃ)
Leave a Reply