Press ESC to close

વનવગડે વિહરે વીર (૧૩.૪)

બીજા વરસનું કથાનક : સર્પરાજના ત્રણ પૂર્વભવોની યાત્રા

એ દેવનો ભવ પૂરો થયો તે પછી ગૌભદ્ર મુનિનો જીવ આ જંગલમાં વસનારા તાપસનાં ઘરે સંતાન તરીકે અવતર્યો . નામ રાખ્યું કૌશિક . બાળક મોટું થયું . પૂર્વભવનાં મરણસમયનો ક્રોધ સાથે આવ્યો હતો . કૌશિક ગુસ્સો બહુ કરતો . બીજા બાળકો સાથે વારંવાર બાઝતો . જોકે , બીજા અમુક બાળકોનું નામ પણ કૌશિક હતું પણ તે બાળકો ગુસ્સાળુ નહોતા . આ તાપસપુત્રનો ગુસ્સો કૈંક વધારે જ હતો . તેથી તેને જુદી ઓળખ આપવા વનવાસીઓએ તેનું નામ પાડ્યું ચંડકૌશિક . જેમ જેમ વય વધતી ગઈ તેમ તેમ ગુસ્સો વધતો જ ગયો . આશ્રમમાં ૫૦૦ તાપસ રહેતા . ચંડકૌશિક એક કુલપતિનો પુત્ર હતો . તેની દાદાગીરીથી બધા ડરતા . એ યુવાન થયો . એક દિવસ કુલપતિ પરલોકવાસી થયો . હવે ચંડકૌશિકને કુલપતિ જાહેર કરવામાં આવ્યો . આ નિર્ણય ઘણો ભારે હતો .

કુલપતિ બન્યા બાદ ચંડકૌશિકનો દબદબો વધી ગયો . તેણે ઘણાબધા નવા વૃક્ષો , છોડવાઓ વાવ્યા . એણે આખાય વન વિસ્તાર પર પોતાનો વ્યક્તિગત કબ્જો છે એવું માની લીધું . આ વનવિસ્તારના વૃક્ષોને કોઈ હાથ નહીં લગાવે તેવો એણે આગ્રહ રાખવા માંડ્યો . આશ્રમવાસીઓ પણ ફળફૂલ તોડી શકતા નહીં . બહારથી આવનારા લોકોનો તો સવાલ જ નહોતો બનતો . ધીમે ધીમે મોટાભાગના તાપસોએ આ આશ્રમ છોડી દીધો . ગણત્રીના લોકો ચંડકૌશિકની સાથે રહ્યા . ચંડકૌશિકની અધિકારવૃત્તિ તીવ્ર હતી . તે એક એક વૃક્ષનાં ફળ અને પાંદડાનું ઘણું જ ધ્યાન રાખતો . પ્રત્યેક છોડનાં ફૂલ પર એની નજર રહેતી . તેના સિવાય બીજા કોઈએ હરિયાળીને અડવાનું નહોતું .

નજીકમાં શ્વેતાંબી નગરી હતી . ત્યાંના રાજકુમારો વનમાં આવી ફળફૂલ તોડવાની કોશિશ કરતા . તેમને ચંડકૌશિક ભગાવી દેતો . આસપાસના કસબાઓમાં રહેનારા ગોવાળિયાઓ પણ ફળ ચોરવા આવતા . તે પણ ચંડકૌશિકની નજરોમાં આવી ગયા હતા . એમનેય ચંડકૌશિક ભગાવતો . રાજકુમારો અને ગોવાળિયાઓ માટે ચંડકૌશિક ખલનાયક હતો .

જંગલ જાજરમાન હતું . રાજકુમારો અને ગોવાળિયાઓ જંગલમાં આવવાની તાકમાં રહેતા . એકવાર રાજકુમારોને ખબર મળી કે ચંડકૌશિક ક્યાંક દૂર ગયો છે . રાજકુમારો તુરંત જંગલમાં આવ્યા . તેમને તાપસને ત્રાસ આપવાનું ઝનૂન ચડેલું હતું . તેમણે આવીને વૃક્ષો ઉખેડી નાંખ્યાં . મુલાયમ પૌધાઓને બર્બાદ કર્યા . નિવાસસ્થાન , યજ્ઞમંડપ , બેઠક , કમંડળ – કળશ – માટલાને તોડ્યા . ગોવાળિયાઓએ આ જોયું . તેમણે દોડતાં જઈને ચંડકૌશિકને ખબર આપી . ચંડકૌશિકના હાથમાં પરશુ હતી . તે પરશુ ઉગામીને આશ્રમ તરફ ભાગતો આવ્યો . એ બરાડા પાડી રહ્યો હતો .

રાજકુમારો તેને આવતો જોઈ શ્વેતાંબી તરફ ભાગ્યા . ચંડકૌશિક એમની પાછળ દોડ્યો . રાજકુમારોને જોવાની , જોઈ લેવાની ચાનકમાં ચંડકૌશિક જમીન પર નજર રાખવાનું ચૂકી ગયો . અચાનક એના પગ પાળી વગરના કૂવા પર આવી ગયા અને એ કૂવામાં ખાબકી પડ્યો . જંગલના મોટા વૃક્ષોના થડને કાપનારી ધારદાર પરશુ જે એના હાથમાં હતી તે એને જ જોરથી વાગી અને એનું માથું ફાટી ગયું . એ કૂવામાં જ મરી ગયો .

દેવાર્યને આ ઘટનાની જાણ હતી . આજે એ જંગલ હતું . એ આશ્રમ હતો . એ વનરાજી હતી . એ કૂવો હતો . પણ એ ચંડકૌશિક તાપસ નહોતો .

એ મરી ગયો છે તેના સમાચાર ફેલાયા હતા . તાપસો પાછા આવ્યા હતા . લોકોની અવરજવર વધી હતી . ફળફૂલ અને વૃક્ષોનો યથેચ્છ ઉપયોગ થવા માંડ્યો હતો . થોડો સમય આમ ચાલ્યું હતું . પછી આ જંગલમાં એક ઘણો મોટો સાપ જોવા મળ્યો હતો . એ સાપ ફળફૂલ લેનારાઓ પર ત્રાટકતો . વૃક્ષછેદન કરનારા પર હુમલો કરતો . તેની આંખમાંથી આગ વરસતી . તેણે ઘણાયને બાળી નાંખ્યા . આ સાપ પણ ચંડકૌશિક તાપસની જેમ સૌને રોકી રહ્યો છે તે સમજમાં આવ્યું . કદાચ , આ કારણે આ સાપનું નામ પણ ચંડકૌશિક પડી ગયું . લોકો વાત કરતા હશે કે આ ચંડકૌશિકનો જીવ જ પાછો આવ્યો લાગે છે . ચંડકૌશિક મહાસર્પનો ખૌફ જંગલમાં ચોતરફ ફેલાઈ ગયો હતો .

દેવાર્ય ગોભદ્રના જીવને જાણતા હતા . ગૌભદ્ર ઉત્તમ આત્મા હતો . એક દિવસના ક્રોધે એ આત્માને દુર્ગતિમાં ધકેલી દીધો હતો . દેવાર્ય એનો ઉદ્ધાર કરવા માંગતા હતા . સાપ આ બાબતે સાવ અજાણ હતો . (ક્રમશ:)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *