Press ESC to close

વનવગડે વિહરે વીર (૧૨.૨)

બીજા વરસનું કથાનક : સર્પરાજની દૃષ્ટિજ્વાળા

દૃષ્ટિવિષ સર્પે એ સુગંધને પારખી લીધી . એની જીભ લપકતી હતી . એની ઝીણી આંખો કોઈ રત્નની જેમ ચમકી રહી હતી . દૃષ્ટિ વિષ સર્પને કોઈનો ડર નહોતો . દૃષ્ટિ સર્પની કાયા , મગરમચ્છની પૂંછડી જેવી જાડી અને લાંબી હતી . એ ચપળતાથી સરકતો સરકતો દેવાર્યની તરફ આગળ વધ્યો . એનાં શરીરની નીચે પાંદડાં ચંપાયાં અને ખખડ્યાં . એ ઘાસ પરથી સરક્યો . સૂકા તણખલાઓ દબાયા અને વંકાયાં . એ મુલાયમ માટી પરથી ચાલ્યો . સર્પને પગ ન હોય પણ ગતિ જરૂર હોય . સર્પ શરીરને ટુકડે ટુકડે આડું અને તેડું સરકાવે છે . તે જ્યાંથી નીકળે ત્યાં લાંબા લીસોટા મૂકીને જાય છે . સર્પ દેવાર્ય તરફ આગળ વધી રહ્યો હતો એની પાછળ એક પ્રલંબ જાડી રેખા અંકાતી જતી હતી . નાના ખેતરમાં પાણીની પાતળી નીક બનેલી હોય છે એવો એ લીસોટો બની રહ્યો હતો .

આ સર્પનો ફૂંફાડો , સિંહબાળના ઘુરકાટ જેવો હતો : ભયકારી . એને દેવાર્ય દેખાયા . એણે આશ્ચર્ય અનુભવ્યું . એને દેવાર્ય કેવળ મનુષ્ય રૂપે દેખાયા . એને શું સમજે કે ભગવાન્ શું અને તીર્થંકર શું ? એને બસ , એટલું સમજાયું કે આ મનુષ્ય છે અને મારા ઈલાકામાં મનુષ્યના અસ્તિત્વ માટે કોઈ જગ્યા નથી . એ દેવાર્યની નજીક પહોંચ્યો . એને ગુસ્સો આવી રહ્યો હતો કે આ માણસે અહીં પગ શી રીતે મૂક્યો ? આ માણસ મનેં જોઈને ડરતો કેમ નથી ? આ માણસ મારાથી દૂર ભાગવા માટે પગ કેમ ઉપાડતો નથી ? આ માણસની હિંમત જ કેવી રીતે થઈ અહીં સુધી આવવાની ?

આ સર્પની અધિકાર વૃત્તિ તીવ્ર હતી . જે મારું છે તે મારું જ રહેવું જોઈએ , એમાં બીજા કોઈએ હાથ નાંખવાનો નહીં . આ જંગલ મારું છે . આ જંગલમાં સિંહ ન રહી શકે , વાઘ ન રહી શકે , હાથી કે વાંદરા પણ ન રહી શકે . આ જંગલમાં કેવળ એક જ સર્પ રહી શકે . બીજા કોઈ પશુ – પંખી આવે તે જીવી જ ન શકે . આ જંગલમાં માણસ તો આવે જ શાના ? આ માણસો જંગલમાં આવે છે , વૃક્ષો સાથે છેડછાડ કરે છે , ભૂમિને બદલે છે , બગાડે છે . એમને આ વિસ્તારમાં આવવાની જરૂર જ નથી . માણસો એમના વિસ્તારમાં રહે , અમે પશુઓ માનવવિસ્તારમાં જઈશું નહીં . અમે પશુઓ , આ જંગલમાં રહીએ અને માનવોએ અમારાં જંગલમાં આવવાનું નહીં . જો માણસ જંગલની ભોમકામાં પગપેસારો કરશે તો અમે પશુઓ વિરોધ કરવાના જ . સર્પ , અમે બનીને વિચારતો પરંતુ હું બનીને જીવતો . સર્પને માણસો પણ ન ગમતા અને પશુઓ પણ ન ગમતા . સર્પને એકલું પોતાનું સામ્રાજ્ય બનાવવું હતું . તે એણે બનાવી લીધેલું . પશુઓ , પંખીઓ ખાખ થઈ ચૂક્યા હતા અને જે બચ્યા હશે તે ગાયબ થઈ ચૂક્યા હતા . આશ્રમ નિવાસી માનવો થોડાક મર્યા હતા અને બાકીનાઓ ભાગી નીકળ્યા હતા .

એમ તો દેવાર્યને પણ બીજાનું અસ્તિત્વ ઉપયોગી લાગતું નહીં અને એટલે જ દેવાર્ય બીજા કોઈને ભાવ આપતા નહીં . પણ દેવાર્ય અન્ય વિરોધી કે અન્ય દ્વેષી નહોતા . દેવાર્ય નિજાનંદી હતા . જ્યારે આ સર્પ અન્ય વિરોધી હતો , અન્ય દ્વેષી હતો . સર્પ હિંસાનંદી હતો . દેવાર્ય કોઈને મળવાનું ચાહતા નહીં . સર્પ કોઈને જીવતા છોડવામાં માનતો નહોતો . દેવાર્ય ધારે તો સર્પનું નામોનિશાન મટી જાય . દેવાર્ય પ્રતાપી હતા , ઊર્જસ્વી હતા . એમની સામે સર્પ ટકી જ ન શકે . તો આ સર્પની સામે પણ આજ સુધી કોઈ ટકી શક્યું નહોતું . સર્પની પાસે દૃષ્ટિજ્વાળા હતી . એ સર્પ સૂરજની સામે જોઈને જેની તરફ જુએ તેની પર એની આંખોમાંથી આગ વરસતી . જેમ ફુવારામાંથી પાણીનો ધોધ ફૂટી નીકળે છે તેમ સર્પની આંખમાંથી આગનો ધોધ ઉછળી પડતો . સર્પ જેની તરફ તાકે તેને એ આગનો ધોધ વળગી જતો . આગ એવી ખતરનાક રહેતી કે માણસ , પશુ , પંખી , વૃક્ષ જે આગની લપેટમાં આવે તે ભડથું થઈને રાખમાં ફેરવાઈ જતા . લોકો આ સર્પને દૃષ્ટિવિષ સર્પ કહેતા . સાપની પ્રવૃત્તિ પ્રમાણે જોઈએ તો આ દૃષ્ટિઆગ સર્પ હતો . તમે એને આગદૃષ્ટિ પણ કહી શકો .

આ સર્પ સાધારણ સર્પ નહોતો , એ મહાસર્પ હતો . એ ઝાડ પરથી લટકે તો વડવાઈ જેવો પ્રલંબ દેખાતો . એ રાફડામાંથી નીકળે તો ઝરણાં જેવો સુદીર્ઘ દેખાતો . એ કોઈ માણસની કાયાને વીંટળાઈ વળે તો અજગર જેવો પ્રચંડ લાગતો . એ કોઈ પત્થરશિલા પરથી ઝૂલતો ત્યારે ગજરાજની સૂંઢ જેવો કદાવર લાગતો . એની દૃષ્ટિજ્વાલાની સત્ય ઘટનાઓમાંથી કેટલીય દંતકથાઓ બની હતી . લોકો એને દેવતાઈ અવતાર સમજતા કેમ કે એના દીદાર અસાધારણ હતા . એની તુલના રામાયણકાળના રાક્ષસો સાથે થતી કેમકે તે ક્રૂર અને હિંસક હતો . યમરાજના ભાઈ જેવો હતો આ સર્પ . એ જેને જોતો એના રામ રમી જતા .

એ દેવાર્યને તાકવા લાગ્યો . દેવાર્યનું તેજ અગ્નિ જેવું હતું . દેવાર્યના ચહેરા પર શાંતિ અને સ્થિરતાના ભાવ અંકિત થયા હતા . દેવાર્યનો કાઉસગ્ગ , મૃતક જેવો જડ હતો . પશુઓનું ધ્યાન ખેંચાય એવી ઝીણી કે મોટી કોઈ જ હલચલ દેવાર્યની કાયામાં વર્તાઈ રહી નહોતી . દેવાર્યે સર્પના રાફડાને કાંકરીચાળો કર્યો નહોતો . દેવાર્યે સર્પને છંછેડવાની કશી જ હરકત કરી નહોતી . જેટલી દૃઢતાથી આસપાસમાં , વૃક્ષો નિશ્ચલ ઊભા હતા તેટલી જ કે તેથી પણ વધુ દૃઢતાથી દેવાર્ય અડીખમ ખડા હતા . સર્પને ગુસ્સો કરવાનું કોઈ જ કારણ દેવાર્યે આપ્યું નહોતું . અને આ સર્પ એવો હતો કે એને ગુસ્સો કરવા માટે કોઈ કારણની જરૂર નહોતી . એને ગુસ્સો આવતો એ કહેવા પૂરતું વાક્ય હતું . હકીકતમાં તો એ હરપળ ગુસ્સામાં રહેતો . એને જ્યારે પણ , જે પણ માણસ દેખાય તેની પર એ ગુસ્સો વરસાવતો . એની દૃષ્ટિજ્વાળાનું રહસ્ય કોઈ સમજી શકતું નહીં . આ સર્પની દૃષ્ટિજ્વાળા જેણે જોઈ હોય તે જીવતો બચી શકતો નહીં . દેવાર્યને આ દૃષ્ટિજ્વાળા જોવા મળે તેવો તખ્તો ઘડાઈ ચૂક્યો હતો . ( ક્રમશઃ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *