Press ESC to close

વનવગડે વિહરે વીર (૨૦.૧)

છટ્ઠા વરસનું કથાનક :

ચાર મહિનાના નિર્જલ ઉપવાસ કાંઈ નાનીસૂની વાત નથી . એકસોવીસ ને ચોવીસથી ગુણો એટલે અઠ્યાવીસસો ને એંસી થાય . સામાન્ય માણસ છ-આઠ હોરા ( = કલાક ) સુધી માંડ ભૂખ્યો રહી શકે . કોઈ ત્રણ ચાર દિવસ ભૂખ્યો રહી જાય એને કમજોરી વર્તાવા લાગે . એ આરામ કરે . એ પરિશ્રમ ન કરે . ખાવાનું ન મળે એવા સમયમાં એ પાણીના ઘૂંટડાઓ ભરી ભરીને પેટનો ખાડો પૂરેલો રાખે . દેવાર્યનો ઉપવાસ પાણી વિનાનો જ રહેતો . દેવાર્ય ઉપવાસનાં કારણે થાક્યા હોય તેવું બનતું જ નહીં . દેવાર્યે અઠ્યાવીસસો એંસી કલાક સુધી આહારપાણી ન લીધાં અને એવા ભીષ્મ તપત્યાગના સમયમાં દેવાર્ય સતત ઊભા જ રહ્યા . દીવાલનો ટેકો નહીં . થાંભલાને અઢેલ્યા નહીં . હવા ઉજાસની પરવા નહીં . અણહારી દવાઓનો ખપ નહીં . ચહેરો ઉતરેલો નહીં . થાકકમજોરીની છાયા નહીં . એકસોવીસ ઉપવાસ કરે અને એકસો એકવીસમા દિવસે સવારે પણ વર્તાય જ નહીં કે આમણે એકસોવીસ ઉપવાસ કરી લીધા છે એવી વિરલ , વિલક્ષણ પ્રતિભા એટલે દેવાર્ય . આટલો મોટો તપ દેવાર્યે કર્યો છે એની ખબર સુધ્ધાં કોઈને પહોંચી નહીીં . ચોમાસા પછીના પહેલા દિવસે કોઈ અજાણ્યા સ્થાને , અજાણ્યા માણસના હાથે દેવાર્યે પારણું કરી લીધું . પારણાને વધારે સમય ના આપ્યો દેવાર્યે . હાથની અંજલિમાં જે આવ્યું તે વાપરીને પરત ફરી ગયા .


વિહાર કરી કદલી ગ્રામ પધાર્યા . આગળ જંબૂખંડ ગામ થઈને તુંબાક ગામે પધાર્યા . ગામની બહાર ધ્યાનમાં ઊભા રહ્યા . ગોશાળો કદલીગ્રામ અને જંબૂખંડમાં ખાવાનું શોધવા ગયેલો . એ જ રીતે આ ગામમાં ગોશાળો ગયો . એને જૈન મહાત્માઓ જોવા મળ્યા . દેવાર્ય વસ્ત્રવિરહિત હતા , પાત્રરહિત હતા . આ મહાત્માઓ વસ્ત્રધારી હતા , પાત્રધારી હતા . ગોશાળાએ આ મહાત્માઓની મજાક ઉડાવી . તમે શાના ત્યાગી છો ? વસ્ત્રો રાખો છો ? પાત્રો રાખો છો ? ત્યાગ જેવું કાંઈ છે ખરું ? મારા દેવાર્ય જુઓ . ન વસ્ત્ર ધારે છે , ન પાત્ર રાખે છે . પૂરેપૂરો ત્યાગ . તમે તો અધૂરિયા છો . એ સમતાવંત મહાત્માઓએ ગોશાળાને કાંઈ જવાબ ન આપ્યો . એ મહાત્માઓના પ્રમુખ આચાર્ય શ્રી નંદિષેણજી જિનકલ્પ સ્વીકારી કાયોત્સર્ગમાં લીન રહેતા હતા . મહાત્માઓ ગામમાં બિરાજમાન હતા . ગોશાળો દેવાર્ય પાસે પાછો આવી ગયો .


તે રાત્રે શ્રી નંદીષેણ આચાર્યને ગામના આરક્ષકના પુત્રે ચોર સમજી લીધા . પૂછપૂરછ કરી . આચાર્ય કશું ન બોલ્યા . એ આરક્ષક પુત્રે મોટો ભાલો મારીને આચાર્યની હત્યા કરી નાખી . એને લાગ્યું કે તેઓ ચોર છે . જોકે , આ જાનલેવા આક્રમણમાં આચાર્ય પૂર્ણ સમાધિરત રહ્યા . તેમને છેલ્લી ઘડીમાં અવધિજ્ઞાન થયું . એ દેવલોકમાં સિધાવ્યા . દેવતાઓએ તેમનો વિદાય ઉત્સવ કર્યો . આકાશમાં અજવાળાં રેલાયાં . ગોશાળાએ તે દૂરથી જોયા . એ ત્યાં પહોંચ્યો . એને સમજાયું કે પરિસ્થિતિ શું છે . એને શેખી મારવાનો શોખ હતો . એ મહાત્માઓના નિવાસસ્થાને ગયો . મહાત્માઓ વિરામ લઈ રહ્યા હતા . ગોશાળાએ બૂમાબૂમ કરી તેમને ઉઠાડ્યા . બધાયને બાપની જેમ રોફપૂર્વક ધમકાવ્યા . મહાત્માઓ પોતાના ગુરુ ભગવાન્ પાસે ઉતાવળે પહોંચી ગયા . ગોશાળો દેવાર્ય પાસે આવી ગયો . ગોશાળો ગમે તેવો હોય , દેવાર્યને એ પોતાના ગુરુ માનતો . એટલું જ નહીં એને પોતાના ગુરુ માટે અનહદ સન્માન હતું .


બીજા દિવસે દેવાર્ય વિહાર કરીને કુપિત સંનિવેશ પધાર્યા . રસ્તામાં દેવાર્યને અને ગોશાળાને ગુપ્તચર સમજીને દંડ પુરુષોએ પકડી લીધા . ઓળખાણ પૂછી . એમને જવાબ ન મળ્યો . એ લોકો વિફર્યા . તેમણે દેવાર્યને અને ગોશાળાને બાંધી લીધા . દેવાર્યને અને ગોશાળાને ઘણો માર પડ્યો . દંડ પુરુષોએ બીજો ઘણો ત્રાસ આપ્યો . કુપિત સંનિવેશમાં આ વાત ફેલાઈ ગઈ . સંનિવેશવાસીઓમાં નારાજગી બની . દેવાર્ય માટેની ભક્તિમય સમાનુભૂતિમાંથી શોક અને આક્રોશ જાગ્યો . અંદરઅંદર ચણભણ થવા લાગી
:

‘ દેખાતું નથી ? દેવાર્ય દેવતાથી પણ વધુ તેજસ્વી છે . આમને ગુપ્તચર માની લીધા ? આ રાજવીનું સંતાન છે , આટલી સમજ નથી દંડપુરુષોમાં ? આ દેવાર્યે પોતાની પાસે પહેરવાનું એક કપડું પણ રાખ્યું નથી . એને ગુપ્તચર બનવાની જરૂર પડે ખરી ? આ દંડપુરુષો મહામૂઢ છે કે દેવાર્યને પીડા આપી રહ્યા છે . જુઓ તો ખરા , પૂર્વનાં કર્મોનો ઉદય થાય ત્યારે દેવાર્ય જેવા દેવાર્ય પણ સંકટમાં ફસાય છે . કોઈ આ દંડપુરુષોને સમજાવો કે દેવાર્યને છોડી દે . ‘

એ વખતે વિજયા અને પ્રગલ્ભા નામની બે પરિવ્રજિકાઓ એ જ વિસ્તારમાં હતી . તેઓ પાર્શ્વપ્રભુની અનુયાયી હતી . તેમને સમજાયું હશે કે આ ચોવીસમા તીર્થંકર જ દેવાર્ય છે . તે દોડીને ત્યાં આવી , જ્યાં દેવાર્યને પીડા આપી રહ્યા હતા દંડપુરુષો . દેવાર્યને જોઈને એમણે નમસ્કાર કર્યા . એ દંડપુરુષોને કહેવા લાગી :

‘ આ બધું શું માંડ્યું છે ? તમને લોકોને કાંઈ શરમ જેવું છે કે નહીં ? અરે મૂર્ખાઓ , આ સિદ્ધાર્થ રાજાના રાજકુમાર છે , વર્ધમાન સ્વામી . તમને આ ગુપ્તચર લાગે છે ? તમને તમારા મા-બાપે આવા સંસ્કારો આપ્યા છે ? તમારામાં અક્કલ જેવું કશું છે ખરું ? તમે આમને ત્રાસ આપો છો ? દેવાર્યને ? બુદ્ધિનું દેવાળું ફૂંક્યું લાગે છે તમે ? આ તીર્થંકર છે તીર્થંકર . દેવતાઓ આમને ધર્મચક્રવર્તી કહીને સન્માન આપે છે . ચોસઠ ઇન્દ્રોમાંથી એક પણ ઇન્દ્રને ખબર પડી કે તમારા હાથે દેવાર્યને પીડા પહોંચી છે તો તમે કામથી ગયા છો , એમ સમજી લો . તમે સાક્ષાત્ ભગવાનને દુઃખ આપ્યું છે . તમને સજા દેવતાઓ આપશે . તમને કોઈ બચાવી નહીં શકે . ‘ પરિવ્રાજિકાના અતિ પ્રચંડ પ્રકોપવચન સાંભળીને દંડપુરુષો ગભરાઈ ગયા . એ લોકો દેવાર્યનાં ચરણોમાં માથું મૂકી , હાથ જોડી માફી માંગવા લાગ્યા .

દંડપુરુષોએ દેવાર્યને અને ગોશાળાને બંધનમુક્ત કર્યા . દેવાર્યનાં મનમાં દંડ પુરુષો માટે કેવળ કરુણા હતી . અપરાધ કરનારે , મને સજા શું થશે એ યાદ રાખવું જોઈએ . સજા ભૂલીને અપરાધ કરે એની સજા માફ થતી નથી . અપરાધને તમે અપરાધ માનો નહીં એનાથી એ અપરાધનું અપરાધત્વ મટી જતું નથી . આખું ગામ કહી રહ્યું હતું કે દંડપુરુષોએ અપરાધ જ કર્યો છે . દંડપુરુષોને કર્મ સજા આપવાનું હતું . દેવાર્યનાં હૈયે એ લોકો માટે અનુકંપા જાગી હતી . ( ક્રમશઃ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *