
બીજા વરસનું કથાનક : કંબલ સંબલે નાવ બચાવી
દેવાર્યને પંદર ઉપવાસ થયા . ચંડકૌશિક પહેલો એવો જીવ હતો જેણે દેવાર્યની તપસ્યામાં ભાગીદારી કરી હતી . ચંડકૌશિકના પંદર ઉપવાસ પૂરા થયા અને એનું આયુષ્ય સમાપ્ત થયું . દેવાર્યે જાણ્યું કે ચંડકૌશિકનુ જીવન પૂરું થઈ ગયું છે . તેમણે તરત જ વિહાર કર્યો . ઉત્તરવાચાલા દૂર નહોતી . ત્યાં પધાર્યા . અહીં નાગસેન શ્રેષ્ઠીના ઘેર ઉત્સવ મંડાયો હતો . એનો દીકરો બાર વરસે પાછો આવ્યો હતો તેની ખુશાલીમાં મોટો જમણવાર રાખેલો . મહેમાનો આવ્યા હતા . સૌએ દેવાર્યને નિહાળ્યા . નાગસેને દેવાર્યને ભિક્ષા સ્વીકારવા પ્રાર્થના કરી . દેવાર્યે એની પ્રાર્થના સ્વીકારી . પંદર ઉપવાસનું પારણું ખીરથી થયું . દેવતાઓ પ્રસન્ન થયા . પાંચ દિવ્ય પ્રકટ થયા . ખાસ તો ચાર પ્રકારનો વાજિંત્રનાદ સાંભળવા મળ્યો : ઘન . વિતત . તંતુ . સુષિર .
દેવાર્ય તુરંત આગળ નીકળ્યા . શ્વેતવી નગરી પહોંચ્યા . અહીંનો રાજા પરમાર્હત્ હતો . પ્રદેશી એનું નામ . એ મોટા ઠાઠમાઠ સાથે દેવાર્યને વંદન કરવા આવ્યો . રાજાની પાછળ નગરની સમગ્ર પ્રજા પણ પ્રભુને વાંદવા આવી હતી . દેવાર્ય ધ્યાનમગ્ન હતા . દેવાર્યને રાજાએ અને હજારો પ્રજાજનોએ ત્રણ પ્રદક્ષિણા આપી . પ્રદેશી રાજા દેવાર્ય સમક્ષ બેઠો , એણે પ્રભુની સ્તવનાઓ લલકારીને ગાઈ . ઉદ્ ગાનમાં પ્રજા પણ જોડાઈ .
દેવાર્ય તદ્દન નિર્લેપ હતા . દેવાર્યે દેશના ન આપી . દેવાર્યે કાયોત્સર્ગ ત્યજીને આશીર્વાદ ન આપ્યા . કોઈ ન આવે તેવી ક્ષણોમાં જે સાધક રાજી રહી શકે છે તે સાધક કોઈ આવ્યું હોય તેવી ક્ષણોમાં હરખાઈ ઊઠતો નથી . દેવાર્યને એકાંત ગમી ગયું હતું . કોઈનું આગમન એમને નવી પ્રસન્નતા આપે તેવી મનઃસ્થિતિ એમની હતી જ નહીં . એક સાથે હજારો લોકો દેવાર્યની સ્તવના ગાવા લાગ્યા . સમુદ્રની ગર્જના જેવો તુમુલ ઘોષ આસમાનમાં પડઘાતો રહ્યો . દેવાર્યને સૌએ જોયા . દેવાર્યે કોઈની તરફ ના જોયું . તે અંદર ડૂબેલા હતા , ડૂબેલા જ રહ્યા .
પ્રભુએ અહીંથી સુરભિપુર તરફ વિહાર કર્યો . રસ્તામાં પાંચ મોટા રથ મળ્યા . એમાં પાંચ રાજાઓ બેઠા હતા . તેઓ પ્રદેશી રાજાને મળવા જઈ રહ્યા હતા . પ્રભુને જોઈને તેમણે રથ રોક્યા . પ્રભુને ભાવવિભોર વંદના કરી . પુણ્યોપાર્જન થયું તેનો હર્ષ લઈ તેઓ શ્વેતવી નગરી તરફ ચાલી ગયા . પ્રભુને વિહારમાર્ગમાં અધવચાળે પણ રાજાઓ વંદન કરે છે એ જોઈ સિદ્ધાર્થ હરખાયો હશે . અલબત્ત , સિદ્ધાર્થ દરેક વખતે સાથે જ હોય તેવું બનતું નહીં . ચંડકૌશિકની અગ્નિજ્વાળા વખતે સિદ્ધાર્થભાઈ ગાયબ હતા . એ ક્યારે પ્રગટે અને ક્યારે અપ્રગટ રહે તેનો કશો ભરોસો નહીં . આમ પણ , દેવાર્ય સિદ્ધાર્થ પર નિર્ભર હતા નહીં .
દેવાર્ય સુરભિપુર પધાર્યા . અને આગળ નીકળી ગંગાકિનારે પહોંચ્યા . ભારત દેશની સૌથી મોટી નદીઓમાં ગંગાનું નામ આગલી હરોળમાં આવે . ગંગાનાં પાણી હંમેશા ધસમસાટ ભાગતા હોય . ગંગા પાર કરવી હતી દેવાર્યને . દેવાર્યે કિનારા પર જોયું . નાવ લાંગરેલી હતી . થોડીવારમાં સામા કાંઠે જવા ઉપડવાની હશે . દેવાર્ય નાવ પાસે પહોંચ્યા . પ્રભુ નજીક આવ્યા તેનાથી રોમાંચિત બનેલી ગંગાનું પાણી વહાલપૂર્વક ઉછળ્યું . એનો ધક્કો પામીને નાવ પણ હરખભેર ઝૂલી . એ દેવાર્યને આવકારવા નાચી રહી હોય એવું લાગ્યું . દેવાર્ય આસ્તેથી નાવ પર ચઢ્યા . થોડીવારમાં આખી નાવ ભરાઈ ગઈ . નાવિકો સાબદા થયા . કિનારે બાંધેલું લંગર છોડવામાં આવ્યું . નાવ પાણીના વેગમાં વહેવા લાગી .
કિનારો હજી નજીક હતો . દિવસનો સમય હતો છતાં ઘુવડનો અવાજ સૌના કાને પડ્યો . કિનારે ઊભેલા મોટામોટા વૃક્ષોમાં ક્યાંક ઘુવડ છૂપાયું હતું . લગભગ બધા જ પ્રવાસીઓ કિનારે ઊભેલા વૃક્ષોને તાકવા લાગ્યા . ઘુવડનો અવાજ શુકન કહેવાય કે અપશુકન ? સૌ વિમાસણ અનુભવી રહ્યા . ઘુવડ રાતે દેખાય તે ઠીક નહીં . પરંતુ દિવસના સમયે ઘુવડ દેખાય તે સારું ગણાતું હોય છે . જોકે , આ નાવ પરથી ઘુવડ કોઈને દેખાયું નહોતું . ફક્ત , એનો અવાજ સંભળાયો હતો . આનું શું સમજવું ?
સૌ પ્રવાસીઓ નાવિકોની સામે જોવા લાગ્યા . ગંગાપુત્રો શું બોલે ? નાવ પાછી લેવાનો મતલબ નહોતો . પ્રવાસીઓને ગંતવ્ય સાથે તો પહોંચાડવાના જ હોય ને . નાવ બેધડક , કિનારાથી દૂર સરકવા લાગી . એક જોશી બેઠો હતો નાવમાં . ક્ષેમિલ એનું નામ . એણે સૌને સાંત્વના આપતો હોય તે રીતે કહ્યું :
‘ જુઓ આ ઘુવડ બોલ્યું છે . તેનાથી કંઈક સૂચિત થાય છે . હું તમને બે વાત જણાવવા માંગુ છું . એક , આપણી આ જળયાત્રામાં મોટું વિઘ્ન આવવાનું છે . શું વિઘ્ન આવશે તે હું જાણતો નથી . કંઈક વિઘ્ન આવશે તે પાક્કું છે . ઘુવડ અમસ્તું બોલે નહીં . અને બીજી વાત , આ જે પણ વિઘ્ન આવશે એમાંથી આપણે બચી જઈશું આ ઋષિરાજ દેવાર્યના પ્રતાપે . આપણી નાવમાં આ મહાયોગી છે એટલે વિઘ્ન હારીને વિલીન થઈ જવાનું છે તેય પાક્કું છે . ‘
અચાનક સૌનું ધ્યાન દેવાર્ય તરફ ગયું . દેવાર્ય ધ્યાનમુદ્રામાં હતા . સૌને સધિયારો મળ્યો કે આમની સાધના ચાલુ છે એના પ્રભાવે આપણે બચી જવાના . નૌકા અફાટ જળરાશિને ચીરતી ચીરતી આગળ નીકળી . ( ક્રમશઃ )
Leave a Reply