
પાંચમા વરસનું કથાનક : ઠંડીની મોસમમાં
શ્રાવસ્તી આવ્યા . થોડાક દિવસ રોકાઈને હરિદ્રાગ્રામ પહોંચ્યા , ગામની બહાર હળદરનું મોટું વૃક્ષ હતું . તેની નીચે ધ્યાનસ્થ મુદ્રામાં ઊભા રહ્યા .
ઠંડીની મૌસમ હતી . પગપાળા પ્રવાસીઓની અવરજવર ઘણી હતી . એક સાર્થ દેવાર્યની નજર પહોંચે એટલી નજીકમાં રોકાયો . રાતનું અંધારુ ભારે હતું . ઠંડી કડાકાભેર હતી . સાર્થના પ્રવાસીઓએ મોટું તાપણું જલાવ્યું . કડકડતી ઠંડીમાં સૌ શેકોટી લેતા રહ્યા . બળતી લાકડીઓની ગંધ ફેલાતી રહી . ધુમાડો હવામાં ઘેરાતો રહ્યો . તડતડ અવાજ કરતા તણખાઓ , આગિયાની જેમ અંધારામાં ઉડતા રહ્યા . પ્રવાસીઓની ગપ્પાગોષ્ઠી ચાલતી રહી . કો’ક ઊંઘના ઝોલા ખાતું હતું , કોક નશો કરતું હતું . કોક કાંબળો ઓઢી થરથર કાંપતું હતું . થોડી થોડીવારે એકાદ જણ ઊભું થઈ ડાળીઓ , પાંદડાઓ લાવતું અને ધૂણીમાં નાખતું . સાવ સૂમસામ જંગલમાં ઊભેલા નાનામોટા વૃક્ષો પર ધૂણીની આગનો કેસરિયો રંગ રેલાતો હતો અને ભૂતાળવી લાગે એવી હલચલ જગાવતો હતો . સમય વીત્યો . ચાંદો ઢળ્યો . ધ્રુવનો તારો ઝાંખો પડ્યો . પૂરવ દિશાએ લાલાશ પકડી . સાર્થે પ્રયાણ કર્યું .
નીકળવાની ઉતાવળમાં તાપણું બુઝવવાનું રહી ગયું . હવાએ જોર પકડ્યું . તાપણામાંથી તણખાઓ ઉડ્યા અને દૂર સુધી વેરાયા . જંગલની જમીન પરના ઘાસને આગ અડી અને અગનજાળ પ્રકટી . આગ દેવાર્યની દિશામાં સરકવા લાગી . ગોશાળો સાથે જ હતો . એણે જોયું કે આ જ્વાળા દેવાર્યને અડકવા આવી રહી છે . એણે દેવાર્યને કહ્યું : ભાગો , આગ આવી છે આગ . દાઝી જઈશું .
દેવાર્યે ગોશાળાને જવાબ ન આપ્યો . ગોશાળો જંગલી જમીન પર વિસ્તરી રહેલી અગનજાળને જોઈ ગભરાયો અને ભાગ્યો દૂર . દેવાર્ય હલી રહ્યા નથી તે જોયા બાદ પણ ગોશાળો દેવાર્યથી દૂર ભાગ્યો . એ પોતાને દેવાર્યનો શિષ્ય ગણાવતો . દેવાર્યને એ પોતાના ગુરુ માનતો . ગુરુને એકલા છોડીને જવામાં એને કશો સંકોચ લાગ્યો નહીં . એ આગથી બચી ગયો . દેવાર્ય પાછળ કેવી પીડામાં ફસાશે તેની ગોશાળાને પરવા હતી અથવા નહોતી . મરવાનો ડર હતો ગોશાળાને . પેલો સિદ્ધાર્થ પણ ગાયબ હતો . દેવાર્ય જેમ દીક્ષા વખતે એકાકી હતા તે જ રીતે આગની જાળની સામે એકલવીર ઊભા રહ્યા .
લપકતી આગ દેવાર્યનાં ચરણો પાસે આવી . ગંગાની રેતીમાં સુરેખ છાપ ઉપસાવનાર પગને આગ અડી . દેવાર્યની માખણ જેવી મુલાયમ ચામડી દાઝવા લાગી . કપડું આગ પકડે તેમ શરીર પણ આગ પકડી શકે ખરું ? આ દઝાડતો પ્રશ્ન છે . દેવાર્યના પગની આંગળીઓને આગ સ્પર્શી . અંગૂઠો બળવા લાગ્યો . મુલાયમ લાલ પાનીને જાળ લાગી . આંગળીઓ પર અગ્નિનો નાચ શરૂ થયો . આગની લપેટ ઘૂંટણ સુધી ઉપર ચડી . કોઈ પણ માણસ કૂદકા મારીને ભાગે , બળતરાની ચીસો પાડે એવી પરિસ્થિતિ હતી . દેવાર્યની કાયા પર આગનું આક્રમણ થયું હતું . દેવાર્યને આગ દઝાડી જ રહી હતી . પરંતુ દેવાર્ય પથ્થરની જેમ સ્થિર ઊભા રહ્યા . જેમ લોકો નદી કિનારે પાણીમાં પગ ડૂબાડીને ઊભા રહે તેમ દેવાર્યે આગમાં પગને ડૂબવા દીધા હતા . દેવાર્યની સ્નિગ્ધ ત્વચા પર આગે કેર વર્તાવી દીધો . થોડા સમયમાં આગ બુઝાઈ . દેવાર્યના પગ ઘૂંટણ સુધી દાઝીને ઘટ્ટશ્યામ થઈ ગયા .
જોકે , દાઝવાની અસર દેવાર્યના ચહેરા પર નહોતી આવી . ચહેરો સ્મિતાર્દ્ર હતો , પ્રસન્ન હતો . આંખો આનંદિત હતી . મુખરેખા ઉલ્લસિત હતી . છતાં એ પાકું હતું કે દેવાર્ય આગથી સખ્ખત દાઝી ગયા હતા .
જંગલની આગ ઘાસપાંદડા ન મળે ત્યાં અટકી પડે છે . દેવાર્ય ઘાસપાન વિનાની સૂકી ભૂમિ પર ઊભા રહેલા . ઉડીને આવેલા તણખાઓએ ફેલાવેલી આગ દેવાર્ય પાસે પહોંચી હતી તે થોડી વાર ચાલુ રહી અને આખરે બુઝાઈ ગઈ . દેવાર્ય આગ પર પગ મૂકવાના નહોતા . આગ ઠરી , પાંદડાના પાતળા અંગારા બુઝાયા તે પછી દેવાર્યે બળેલા પગે જ વિહાર કર્યો . મંગલ ગામે પધાર્યા . વાસુદેવ મંદિરમાં રોકાયા . ગોશાળો દેવાર્યને શોધતો શોધતો આવી પહોંચ્યો . દેવાર્યે દાઝેલા પગનો કોઈ ઈલાજ કર્યો નહીં . વનના વાયરાએ દેવાર્યની બળેલી ત્વચાને ફૂંકો મારી હશે . જંગલી ઔષધિઓની રજકણો ઉડી હશે અને દેવાર્યની કાયાના જખમ પર ઉપચાર કાજે બેઠી હશે . તડકાએ દેવાર્યને રાહત બક્ષવા હૂંફાળો ગરમાવો આપ્યો હશે . જે પણ હશે . દેવાર્ય નિજી કાયા પ્રત્યે બેપરવા હતા . (ક્રમશઃ)
Leave a Reply