
પાંચમા વરસનું કથાનક : ઠંંડીની મૌસમમાં
દેવાર્યે દીક્ષા બાદ પહેલીવાર ચોમાસી તપ કર્યું . એનું પારણું નંદીવર્ધન મહારાજા કરાવત તો કેવો ઠાઠમાઠ થાત ? પણ દેવાર્યે એવું કર્યું કે ચોમાસી તપનું પારણું ક્યાં થયું , કોણે કરાવ્યું એની જાણકારી કોઈને ના મળી .
ચોમાસા બાદનો વિહાર તુરંત થયો . દેવાર્ય , કૃતમંગલ સંનિવેશ પધાર્યા . અહીં દરિદ્રસ્થવિર નામની જાતિના પાખંડીઓ રહેતા . તેઓ સાવદ્ય પ્રવૃત્તિઓ આચરતા , મહિલાનો સંગ સ્વીકારતા , ખૂબ બધો પરિગ્રહ રાખતા , મોટું કુટુંબ રહેતું . પોતાની અલગ વસતિ જ બનાવતા . આખો મહોલ્લો નહીં , બલ્કે આખો કસ્બો એમની જાતિના લોકોનો બની જતો . એમાં વચ્ચે મોટું મંદિર બનતું . આ મંદિરની રચના ગજબ રહેતી . મંદિરનું શિખર ઘણું ઊંચું રહેતું પરંતુ રંગમંડપ કે શૃંગારચોકીની સંરચના જોવા મળતી નહીં . મંદિર મેદાનની વચોવચ રહેતું અથવા ઊંચા ચોતરાની મધ્યમાં . લોકો ખુલ્લા આસમાનતળે બેસી ભક્તિ કરતા , મંદિરની ફરતે પ્રદક્ષિણા દેતા , નાચતા . ઊંચા મિનારા જેવા મંદિર સમક્ષ લોકો દૈનિક અનુષ્ઠાનો કરતા .

પર્વ દિવસોમાં મોટા ઉત્સવ થતા , દિવસે સંખડી એટલે કે સમૂહ ભોજન થતું . સૂરજ ડૂબે તે પછી મશાલો ધધકતી અને સૌ રાત્રિજાગરણમાં જોડાતાં . પુરુષો અને મહિલાઓ સાથે મળીને દારૂ પીતાં , ગાતાં . પુરુષોની હાજરીમાં મહિલાઓ નાચતી . આ ધર્મનાં નામે થતું . આખી રાત ગીતવાજિંત્રનાચનો ઠાઠમાઠ જામતો .
દેવાર્ય જે દિવસે કૃતમંગલ પધાર્યા તે દિવસે આ સમાજનું કોઈ પર્વ હતું . દેવાર્યે એમનાં મંદિરમાં કાઉસગ્ગ સ્વીકાર્યો હતો . સાંજ પછી મંદિર માંગલિક થાય અને રાત્રે શાંતિ રહે એવી ધારણા હતી . આ ગામના લોકોનો ઉત્સવ જ રાત્રે શરૂ થયો . પુરુષો અને સ્ત્રીઓ સાથે મળીને ગાતાં હતાં . પુરુષોની સમક્ષ મહિલાઓ નાચી રહી હતી . ઘણો અવાજ થઈ રહ્યો હતો . દેવાર્ય આ સહન કરવા સક્ષમ હતા . ગોશાળો આ ન ખમી શક્યો . એણે બરાડા પાડવાનું શરૂ કર્યું :
‘ ઓય , તમને શરમ આવે છે ? પુરુષોની હાજરીમાં મહિલાઓ નાચે છે . આવું કેવી રીતે ચાલે ? ‘ એ બોલવા લાગ્યો . ‘ તમે દારૂ પીઓ છો . તમે કામ કથાઓ કરો છો . ધ્યાન અને સ્વાધ્યાય પર તમારું ધ્યાન જ નથી . જીવદયાનો છાંટોય નથી તમારામાં . આ કેવો ધરમ છે તમારો ? ‘
મંદિર સમક્ષ ભેગા થયેલા લોકોને ગોશાળા પર ગુસ્સો આવ્યો . તેમણે ગોશાળાને ઊંચકીને મંદિરની બહાર દૂર વગડામાં ફેંકી દીધો . ભયાનક ઠંડી હતી . માર પડવાના ભયે એ પાછો મંદિરમાં ન આવ્યો . ઠંડીના લીધે તેના દાંત કડકડવા લાગ્યા , હાથ-પગની આંગળીઓ ઠરવા લાગી . એ ઠૂંઠવાઈ રહ્યો છે તે જોઈને એને બીજા લોકો મંદિરમાં લઈ આવ્યા .
ગોશાળો કોનું નામ ? અંદર આવતાવેંત તેણે પહેલાની જેમ ફરિયાદો અને બૂમાબૂમ ચાલુ કરી . ગાવા નાચવાવાળાઓએ એને ઉઠાવીને ફરીવાર બહાર ફેંકી દીધો . એ સૂસવાતી ઠંડીમાં કરમાવા લાગ્યો . બીજા લોકો એને ફરી મંદિરમાં લાવ્યા . એ ગજબ માણસ હતો . તેણે ફરીથી બૂમબરાડા શરૂ કર્યા . ફરી એકવાર એને નાચવાગાવાવાળાઓએ બહાર ફેંકી દીધો . તે પાછો ઠંડીમાં તડપવા લાગ્યો . પેલા બીજા લોકો એને હજી એકવાર અંદર લાવ્યા . ગોશાળો ત્રણ-ત્રણ વાર બોલ્યો અને દરેક વખતે બહાર ફેંકાયો . હવે ચોથી વાર એ ચૂપ રહેશે એમ લાગતું હતું . પણ ભાઈ શરૂ થઈ ગયા . આ વખતે એણે જુદી જ વાત કરી .
‘ તમને સાચી વાત સાંભળવાની ગમતી નથી , એમ ને ? હું કહું છું તેમાં ખોટું શું છે , એ મનેં સમજાવો . મને મારશો એનાથી તમારો ખોટો વહેવાર સાચો સાબિત થવાનો નથી . ‘
ગોશાળાની વાતમાં ગંભીરતા હતી . મંદિરમાં જે લોકો ભેગા થયા હતા તેઓ વિચારમાં પડ્યા . ખીજવાયેલા લોકોના હાથે ગોશાળાને માર પડવાનો જ હતો એટલામાં એક વડીલે કહ્યું : આ માણસ કોની સાથે આવ્યો છે તે જુઓ . અહીં મંદિરમાં એક સાધક ઊભા છે . એમનું નામ દેવાર્ય છે . આ માણસ એમની સેવામાં હોય એવું લાગે છે . એને જવા દો . એની બડબડ સહન ના થતી હોય તો ઢોલ નગારા જોરથી વગાડો . એનો અવાજ કાને જ નહિ પડે . પણ આને હેરાન ન કરો . એ દેવાર્યનો દાસ હોય એવું જણાય છે . ‘
જોરથી ઢોલ વાગ્યા . ગોશાળાનો અવાજ ઢંકાઈ ગયો . આખી રાત ઢોલીડાઓ ધમધમાટી મચાવતા રહ્યા . અવાજ એવો કે કાન ફાટી જાય . દેવાર્યને ધ્યાન પ્રિય હતું . ધ્યાન માટે તેઓ એકાંત શોધતા . શાંત વાતાવરણ ધ્યાન માટે અનુકૂળ હોય છે . દેવાર્યનું એકાંત અને શાંત વાતાવરણ રાતભર માટે ડહોળાઈ ગયું . પરંતુ દેવાર્યનું મન એકાગ્ર રહ્યું અને અશાંત ન થયું . દેવાર્યની સાધના વાતાવરણથી નિરપેક્ષ હતી . ઘોંઘાટ દેવાર્યને અડચણ રૂપ લાગ્યો નહીં . ટોળાએ ધમાલ મચાવી તેનાથી દેવાર્યને ખલેલ ન પહોંચી . આખી રાતનો શોરબકોર સહન કર્યા બાદ દેવાર્યે સવારે જ ત્યાંથી પ્રયાણ કર્યું . (ક્રમશઃ)
Leave a Reply