
૧ . વૈશાખ સુદ અગિયારસનો પ્રેમ , વૈશાખ સુદ દશમના પ્રેમને પાછળ છોડી દે એવું દૃશ્ય ગમતું નથી .
વૈશાખ સુદ અગિયારસે મહાતીર્થ પાવાપુરીમાં શાસનની સ્થાપના થઈ . વૈશાખ સુદ અગિયારસે શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા , શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા આદિ કુલ અગિયાર ગણધર ભગવંતો દીક્ષિત થયા . તે દિવસે એક જ દિવસમાં ચાર હજાર , ચારસો પણ દીક્ષાઓ થઈ . આ સાધુ દીક્ષા હતી . સાધ્વી દીક્ષાઓ અલગ . આ જ દિવસે અગણિત શ્રાવક શ્રાવિકાઓએ બાર વ્રત ધારણ કર્યા . સર્વ વિરતિધરો અને દેશવિરતિધરોની સામૂહિક ઉપસ્થિતિ બની અને એ સ્વરૂપે ધર્મતીર્થની , ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ . એ દિવસે દ્વાદશાંગીની રચના થઈ . બાર મહાન આગમસૂત્રોની રચના . એમાંથી અગિયાર આગમસૂત્રો આજે ઉપલબ્ધ છે . વૈશાખ સુદ અગિયારસે જે થયું તેની છાયા એકવીસ હજાર વરસ સુધી રહેવાની છે એ નિશ્ચિત હતું . આ એકવીસ હજાર વરસમાં ચોથા આરાનો સમય હતો ત્યાર સુધી મોક્ષગમન ચાલુ રહ્યું અને પાંચમા આરામાં મહામંગલકારી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો , ચાલુ રહેવાનો છે . વૈશાખ સુદ અગિયારસે મહાઆર્યા ચંદનબાળાજી દીક્ષિત થયા , આજે જે પણ શ્રમણી સમુદાય છે તે એમની વંશપરંપરામાં આવે છે . વૈશાખ સુદ અગિયારસે શું શું થયું એની વાતો ઘણી થઈ શકે છે અને તે વાતો થવી પણ જોઈએ . વૈશાખ સુદ અગિયારસની ઉજવણી શાસન સ્થાપના દિવસ તરીકે થાય છે તે થતી રહેવી જોઈએ . પ્રશ્ન એ છે કે વૈશાખ સુદ અગિયારસ એ શું કલ્યાણકનો દિવસ છે ? પ્રશ્ન એ પણ છે કે વૈશાખ સુદ અગિયારસે જે શાસનની સ્થાપના થઈ તે શાસનનું આયુષ્ય એકવીસ હજાર વરસનું છે તો વૈશાખ સુદ દશમે શ્રી મહાવીર સ્વામી ભગવાનને જે કેવળજ્ઞાન થયેલું એ કેવળજ્ઞાનનું આયુષ્ય પણ શું એકવીશ હજાર વરસનું જ છે ? આ પ્રશ્નનો જવાબ તમે તમારી રીતે શોધી શકો છો . આ પ્રશ્નનું તાત્પર્ય સમજવાની ઘણી જરૂર છે આજે . શાસન સ્થાપના દિવસની ઉજવણી કરનારા મહાનુભાવોને , વૈશાખ સુદ દશમે – કેવળજ્ઞાન કલ્યાણકની ઉજવણી કરવાનું યાદ આવે છે ખરું ?
શાસન સ્થાપનાનું ગૌરવ બહુ મોટું છે . जैनं जयति शासनम् – નો ઘોષ ગાજે છે તે બહુ પ્રિય છે માટે શાસન સ્થાપના દિવસ ગમે છે . प्रधानं सर्व धर्माणां બોલતી વખતે છાતી ગજ ગજ ફૂલતી જ હોય છે માટે શાસન સ્થાપના દિવસ ગમે છે . सर्व कल्याण कारणं નો ઉચ્ચાર કરતી વખતે પ્રખર શ્રદ્ધા ભાવનો ઉમળકો જાગતો હોય માટે શાસન સ્થાપના દિવસ ગમે છે . सर्व मंगल मांगल्यं નું ઉદ્ ગાન રૂંવાડા ઊભા કરી દેતું હોય છે માટે શાસન સ્થાપના દિવસ ગમે છે . વૈશાખ સુદ અગિયારસને પ્રેમ કરવાનાં હજારો / લાખો કારણો છે અને એ દરેક કારણો ગમે છે કેમકે મૂળતઃ વૈશાખ સુદ અગિયારસ ગમે છે , શાસન સ્થાપના દિવસ ગમે છે .
પરંતુ વૈશાખ સુદ અગિયારસનો પ્રેમ , વૈશાખ સુદ દશમના પ્રેમને પાછળ છોડી દે એવું દૃશ્ય ગમતું નથી . વૈશાખ સુદ દશમે પ્રભુને કેવળજ્ઞાન તો થયું પણ પ્રભુએ જે દેશના આપી તે નિષ્ફળ થઈ આમ કહીને કે બોલીને કે લખીને – આપણે વૈશાખ સુદ દશમની વાર્તા પૂરી કરી દેતા હોઈએ છીએ . વલણ એવું બનેલું છે કે વૈશાખ સુદ દશમે કેવળજ્ઞાન થયું અને દેશના નિષ્ફળ ગઈ આ બે વાત ટૂંકાણમાં બોલી દેવાય છે . આ બે સિવાયની બીજી કોઈ બાબત યાદ આવતી નથી . શું આ વલણ બનેલું છે ? જો આ વલણ ના બનેલું હોય તો બહુ સારી વાત છે . પરંતુ જો આ વલણ થોડેઘણે અંશે બનેલું હોય તો એ વલણને સુધારી લેવાની આવશ્યકતા છે .
( ૨ ) દર વરસે હજારો ભક્તો આવવા જોઈએ
પ્રભુ વીરનો સાડાબાર વરસનો કઠિન સાધના કાળ ઋજુવાલિકા પાસે વિરામ લે છે . અહીંથી પ્રારંભ થાય છે પ્રભુ વીરનો તીર્થંકર કાળ . ત્રીસ વરસનો એ દેશના કાળ હતો એમ પણ કહી શકાય . તીર્થંકર ભગવાન્ પ્રથમ દેશના દ્વારા ધર્મ તીર્થની સ્થાપના કરે છે અને પછી પ્રાય: પ્રતિદિન , દેશના ફરમાવતા રહે છે આ વાત સાચી છે . મુખ્ય મુદ્દો એ છે કે પ્રભુ દેશના આપવાનો પ્રારંભ ક્યારથી કરે છે ? કેવળજ્ઞાન થાય ત્યારથી . પહેલાં કેવળજ્ઞાન થાય છે અને પછી જ દેશના થાય છે . કેવળજ્ઞાન ન થાય તો દેશના પણ ન થાય અને શાસન સ્થાપના પણ ન થાય . કેવળજ્ઞાન થાય તે પછી જ દેશના શરૂ થાય . કેવળજ્ઞાન થાય તે પછી જ શાસન સ્થાપના થાય . દેશનાનું મૂળ છે કેવળજ્ઞાન કલ્યાણક . દેશના સફળ છે કે નિષ્ફળ એ અલગ મુદ્દો છે . કેવળજ્ઞાન એ જ સૌથી મોટું ફળ છે , કેવળજ્ઞાન મળ્યું એ જ સૌથી મોટી સફળતા છે . ત્રીસ વરસ સુધી દેશનાઓ સફળ રહી તે કેવળજ્ઞાનના જ પ્રભાવે . હવે વાક્ય પરિવર્તન સાથે પુનરાવર્તન . વૈશાખ સુદ દશમ – આવી તે પછી જ પ્રભુની દેશના આવી . વૈશાખ સુદ દશમ આવી તે પછી જ શાસન સ્થાપના આવી . વૈશાખ સુદ દશમે કેવળજ્ઞાન કલ્યાણક સંપન્ન થયું તે પછી જ પ્રભુએ સમવસરણ સાથેનો સંબંધ સ્વીકાર્ય લેખ્યો . વૈશાખ સુદ દશમે કેવળજ્ઞાન સંપન્ન થયું તે પછી જ પાવાપુરીને ચાર હજાર ચારસો અગિયાર દીક્ષાની ભૂમિ બનવાનો લાભ મળ્યો . વૈશાખ સુદ દશમ એ એકડો છે , કેવળજ્ઞાનનો એકડો . આ એકડા વિના – આગળ વધવાનું સંભવિત જ નથી .
શાસન સ્થાપના દિવસને જે માન-સન્માન મળે છે તે મને ઘણું ગમે છે . પરંતુ શાસનનું આયુષ્ય એકવીસ હજાર વરસનું છે . જયારે પ્રભુ વીરને મળેલ કેવળજ્ઞાનનું આયુષ્ય સાદિ અનંત છે . સંખ્યાથી કેવળજ્ઞાનનું આયુષ્ય માપી જ ના શકાય . છતાં કેવળજ્ઞાન દાયિની વૈશાખ સુદ દશમને , વૈશાખ સુદ અગિયારસ જેવું માન-સન્માન મળતું નથી . મારી આ ગેરસમજ હોઈ શકે . ગેરસમજ સુધારવાનું મને ગમવાનું જ છે . પરંતુ હકીકત એ હકીકત છે . જે ઠાઠ માઠથી ચૈત્ર સુદ તેરસ ઉજવાય છે એ ઠાઠ માઠથી વૈશાખ સુદ દશમ નથી ઉજવાતી : આવું શું કામ ? વિચારવું જોઈએ . જે નિયમિતતાથી દિવાળીનાં મોક્ષ કલ્યાણકની આરાધના થાય છે એ નિયમિતતાથી વૈશાખ સુદ દશમની આરાધના થતી નથી . આવું શું કામ ? વૈશાખ સુદ દશમની ઉજવણી સાવ જ નથી થતી એવું નથી . થોડી ઘણી આરાધના કરે છે , કરવાવાળાઓ . પણ મોટે ભાગે દૃશ્ય એવું રહે છે કે વૈશાખ સુદ દશમ ક્યારે આવી અને જતી રહી તેની પર ધ્યાન જ રહેતું નથી . આપણી આ ઉદાસીનતાથી ઘેરી અસર – ઋજુવાલિકા તીર્થમાં શ્રી કેવળજ્ઞાન કલ્યાણક મંદિરમાં જોવા મળે છે . જે ભૂમિ પર પ્રભુ વીરને કેવળજ્ઞાન થયું એ ભૂમિ પર કેવળજ્ઞાન કલ્યાણકના દિવસે , કોઈ મેળો ભરાતો નથી , કોઈ ભીડ થતી નથી . વૈશાખ સુદ દશમે , ઋજુવાલિકા તીર્થ – બરાકરમાં , માંડ પંદર વીસ યાત્રાળુ હોય છે . છે ને આંચકા દાયક વાત ?
મનેં આની કલ્પના હતી નહીં . હું નાગપુરથી નીકળ્યો ત્યારે જ માનસિકતા સ્પષ્ટ હતી કે જે લોકો દર્શન વંદન કરવા આવવાના છે એમને વૈશાખ સુદ દશમે જ બોલાવવા છે . આ વરસે વૈશાખ સુદ દશમે મુંબઈ , કલકતા , નાગપુર , ભદ્રાવતી , યવતમાળ , ચંદ્રપુર , વર્ધા , અમદાવાદ , નાસિક આદિથી આશરે સવા બસો લોકો આવ્યા હતા . મનેં આ સંખ્યા ઓછી લાગી , વૈશાખ સુદ દશમની આરાધના સરસ રીતે થઈ . બધા રવાના થયા તે પછી મેં પૂજારીને પૂછ્યું : હર સાલ કિતને લોગ હોતે હૈં વૈશાખ સુદ દશમ કે દિન . પૂજારીએ કહ્યું : ગુરુજી , કોઈ નહીં આતા હૈ . પૂજારીના શબ્દો કાનમાં ઘણની જેમ વાગ્યા . પૂજારીએ કહ્યું : મુશ્કિલ સે દસ બારહ યા પંદરહ બીસ લોગ હોતે હૈ . ઈસ સાલ કાફી લોગ આ ગયે .
પૂજારી પ્રશંસા કરવાના સૂરમાં બોલ્યો હતો પરંતુ મને એ પ્રશંસા ગમી નહીં . બસો / સવા બસો લોકો જોઈને મને થયું હતું કે ‘ અરે , ઋજુવાલિકાની ભૂમિ પર કેવળજ્ઞાન કલ્યાણકના દિવસે ઓછામાં ઓછું હજાર / પંદરસો માણસ થવું જોઈએ , એને બદલે ફક્ત બસો / સવા બસો લોકો ? ‘ અલબત્ , મનેં જે સંખ્યા નાની લાગતી હતી તે સંખ્યા અહીંની પરિસ્થિતિ પ્રમાણે ઘણી વધારે હતી .
જોવા જેવી વાત એ છે કે વૈશાખ સુદ દશમે જ કેવળજ્ઞાન કલ્યાણકનાં મુખ્ય જિનાલયની ધ્વજા , વાર્ષિક ધ્વજા હોય છે . વાર્ષિક ધ્વજા માટે પણ કોઈ વિશેષ મોટી ઉપસ્થિતિનો માહોલ હોતો નથી . આજે ભારતમાં અને ભારત બહાર – શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં કેટલાં જિનાલયો હશે ? એ દરેક જિનાલયની ધ્વજાનો પ્રસંગ કેવો સરસ ઉજવાતો હોય છે ? સત્તરભેદી પૂજા થાય , સંઘજમણ થાય , આખો સંઘ ભેગો થાય , ગગન ભેદી જયઘોષ થાય તે પછી ધ્વજા ચડે . પાલીતાણાના આદીશ્વર દાદાની ધ્વજા જુઓ , શંખેશ્વરના પારસનાથ દાદાની ધ્વજા જુઓ ….. શો ઠાઠમાઠ હોય છે ? ઋજુવાલિકા તીર્થ , બરાકરમાં ન કેવળજ્ઞાન કલ્યાણક તિથિનો ઠાઠ માઠ હોય છે , ન વાર્ષિક ધ્વજારોહણનો ભવ્ય આડંબર . આ દૃશ્ય દર વરસનું છે . તીર્થમાં ધર્મશાળા છે , ભોજનશાળા છે . ઉપાશ્રય છે . એવું નથી કે વ્યવસ્થા નથી . પણ સચ્ચાઈ એ છે કે વૈશાખ સુદ દશમની ભૂમિ પર વૈશાખ સુદ દશમે કેવળજ્ઞાન કલ્યાણક તિથિનો દબદબો બનતો નથી . તિથિ આવે છે અને આવતાં વરસને બોલાવવા ઝડપથી આગળ નીકળી જાય છે .
આ પરિસ્થિતિ બદલવી જોઈએ . આ ફરિયાદ છે . આ પીડા છે . પ્રભુ મહાવીરના લાખો ભક્તોમાંથી બે ત્રણ હજાર ભક્તો દર વૈશાખ સુદ દશમે ઋજુવાલિકા આવે એવું વાતાવરણ બનવું જોઈએ .
(૩) વૈશાખ સુદ દશમે ઋજુવાલિકામાં શું શું કરી શકાય ?
વૈશાખ સુદ દશમે ઋજુવાલિકામાં શું શું કરી શકાય ? આ જિજ્ઞાસા ઘણાનાં મનમાં હતી . ત્રણ રીતે ભક્તિ કાર્ય થયાં .
એક . નદીકિનારે ધ્યાન .
વૈશાખ સુદ દશમની બપોરના છેવાડે , અમે સૌ ઋજુવાલિકાની રેતી પર , શિલા પર , માટી પર , ચાલતાં ચાલતાં નદી કિનારે પહોંચ્યા હતા . ત્યાં પ્રભુ મહાવીરને યાદ કરીને ગોદોહિકા આસન સાથે ધ્યાન કરવાનો પ્રયત્ન કર્યો હતો . પ્રભુ મહાવીરે આશરે બે દિવસ સળંગ ગોદોહિકા આસન ધારણ કર્યું હતું . અમારામાંથી કોઈ પણ વ્યક્તિ એવી ના નીકળી જે બે મિનિટ પણ ગોદોહિકા આસને રહી શક્યું હોય . ડગમગતું હતું અમારું ગોદોહિકા આસન . ઘૂંટણ અને પાનીમાં ખેંચાણ આવતું હતું , પગની દશ આંગળી પર ભાર આવ્યો હતો , બેલેન્સ બનાવવાનું મુશ્કેલ લાગ્યું હતું . પ્રભુ મહાવીરના બે દિવસની સામે અમારી પાસે સમ ખાવા પૂરતી બે મિનિટ નહોતી બની ગોદોહિકામાં . પણ પ્રયત્ન કર્યો હતો . જોકે ગોદોહિકા વિના , આરામ આસનમાં તો અમે સૌ ઘણું બેઠા . પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકનો જાપ કર્યો . ઋજુવાલિકાની આત્મસંવેદનાની ભાવયાત્રા કરી . દૂર દૂરથી નદીનાં પાણી આવી રહ્યા હતા . અમે બેઠા હતા ત્યાં પાણી શિલાઓને અફળાઈ રહ્યા હતા એટલે પાણીમાંથી કલશોર જાગી રહ્યો હતો . સામા કિનારે વિશાળ જંગલ હતું તે આખું હવાના તાલે ઝૂમતું હતું . આકાશમાં વાદળાં જામેલાં હતા એટલે તડકો તીખો લાગ્યો નહોતો . ઘણું બેઠા . ઊઠવાનું મન જ થતું ન હોતું . એમ લાગતું હતું કે હમણાં ક્યાંકથી પ્રભુ દર્શન આપશે . પણ સૂર્યાસ્ત પહેલાં આહાર પાણી કરી લેવાના હતા – અને સૂરજ પશ્ચિમ કોરે ઢળવા લાગ્યો હતો એટલે સૌ પરાણે ઉઠ્યા . તીર્થસ્વરૂપ ઋજુવાલિકાનો નદીકિનારો એકદમ ઉર્જાવાન્ છે . એ દિવસે સમજાયું હતું .
બે . શ્રી કેવળજ્ઞાન સૂત્ર વાંચન .
પર્યુષણમાં કલ્પસૂત્ર વાંચન થાય છે . એમાં શ્રી મહાવીર જન્મવાંચનનું સૂત્ર સકલ શ્રી સંઘ એકી સાથે સાંભળે છે . આ જ કલ્પસૂત્રમાં પ્રભુને કેવળજ્ઞાન થયું એનું પણ વર્ણન છે . બરાકરની ભૂમિ પર , કેવળજ્ઞાન કલ્યાણક મંદિરના ચોગાનમાં , વૈશાખ સુદ દશમે સવારે , આશરે બસો લોકોની સમક્ષ શ્રી મહાવીર કેવળજ્ઞાન સૂત્ર વાંચન થયું હતું . પ્રભુના દીક્ષાકાળને વર્ણવતાં સૂત્રોમાંનાં છેલ્લા બે સૂત્રો શ્રી બારસા સૂત્રના મૂળ અક્ષર રૂપે વાંચ્યા હતા . તે પછી બેય સૂત્રનો અર્થ સમજાવ્યો હતો . એમાં છેલ્લી પંક્તિ : પ્રભુને કેવળજ્ઞાન / કેવળદર્શન પ્રાપ્ત થયું … બોલાઈ તે પછી સત્યાવીસ ડંકા વાગ્યા હતા અને સૌ ઊભા થઈને નાચ્યા હતા .
મેં મારી જિંદગીમાં પહેલીવાર શ્રી બારસા સૂત્રના આધારે જાહેરમાં શ્રી કેવળજ્ઞાન કલ્યાણક સૂત્રનું વાંચન કર્યું . વાંચન કરતાં કરતાં અહોભાવનાં સ્પંદનો બન્યા , શ્રવણ કરતાં કરતાં શ્રોતાઓમાં પણ એ જ સ્પંદનો બન્યાં . પ્રભુ વીરની કૈવલ્ય ભૂમિ પર , પ્રભુ વીરનાં કૈવલ્ય દિવસે , પ્રભુ વીરનાં કૈવલ્યસૂત્રનું વાંચન આ રીતે પ્રાય: સર્વપ્રથમ વાર સંપન્ન થયું હતું .
સકલ શ્રી સંઘને એક પ્રાર્થના કરવાનું મન થાય છે . વૈશાખ સુદ દશમે , સાધુ ભગવંતો જ્યાં હોય ત્યાં , આ બારસાસૂત્ર અંતર્ગત કેવળજ્ઞાન સૂત્ર વાંચનનું વ્યાખ્યાન રાખી શકે ? સાધુ – સાધ્વી ઉપલબ્ધ ના હોય તો , કલ્પસૂત્ર ઢાળિયાના આધારે પણ કેવળજ્ઞાન વાંચન કરી શકાય . સાધુ ભગવંતો વિહારમાં હોય , વ્યાખ્યાનની સંભાવના ન હોય તો – સૌ મહાત્માઓ સાથે બેસીને – શ્રી કેવળજ્ઞાન સૂત્ર વાંચન , બારસા સૂત્રના આધારે કરે . સૂત્ર વાંચવાનું ન બને તો અર્થનો સ્વાધ્યાય કરી જ શકાય . જેમ પર્યુષણમાં – પારણું ઝૂલાવવાના દિવસે – આરોગ્યવતી માતાએ આરોગ્યવાન પુત્રને જન્મ આપ્યો – આ શબ્દોને વધાવવામાં આવે છે તે રીતે દર વૈશાખ સુદ દશમે – પ્રભુને કેવળજ્ઞાન / કેવળદર્શન પ્રાપ્ત થયું – આ શબ્દોને વધાવવા જોઈએ . પ્રભુને કેવળજ્ઞાન મળ્યું એ પ્રભુનાં જીવનની સૌથી મહત્વપૂર્ણ ક્ષણ હતી . વૈશાખ સુદ દશમે એ ક્ષણને યાદ કરવી જોઈએ . એ ક્ષણનું મહિમા ગાન કરવું જોઈએ . એ ક્ષણ જે દિવસે આવી , એ જ દિવસે એ ક્ષણનું ગૌરવગાન કરવું જોઈએ . સકલ શ્રી સંઘ આ પ્રાર્થના પર વિચાર કરશે એવી આશા છે . શ્રી બારસા સૂત્રમાં પ્રભુ વીરની કેવળજ્ઞાન પ્રાપ્તિની ક્ષણોને ચૌદ પૂર્વધર , મહાપ્રભાવક શ્રી ભદ્રબાહુ સૂરીશ્વરજી મહારાજાએ આ મુજબ વર્ણવી છે .
દેવાધિદેવ શ્રમણ ભગવાન્ શ્રી મહાવીર પરમાત્મા દીક્ષિત અવસ્થામાં હતા ત્યારે શેષકાળમાં આઠ માસ વિહાર કરતા અને ચોમાસામાં એક સ્થાને સ્થિરતા ધારણ કરતા . આઠમાસનાં વિચરણ દરમ્યાન પરમાત્મા ગામડામાં એક રાત , નિવાસ કરતા અને શહેરમાં પાંચ રાત , નિવાસ કરતા . પરમાત્મા સમક્ષ કોરું વાંસ મૂકો કે સુગંધિત ચંદન મૂકો – પરમાત્માનું માનસ એકસમાન રહેતું . પરમાત્મા સમક્ષ સસ્તું ઘાસ મૂકો કે મોંઘુ મણિરત્ન મૂકો પરમાત્માની માનસિકતા એક સરખી રહેતી . પરમાત્મા સમક્ષ કિંમતવિહોણું માટીનું ઢેફું મૂકો કે અતિશય કિંમતી સોનું મૂકો , પરમાત્માની મનઃસ્થિતિમાં કશો ફરક આવતો નહીં . પરમાત્મા સુખમાં અને દુઃખમાં એકસમાન પ્રશન્નતા રાખતા . પરમાત્મા વર્તમાન જીવન અને ભાવિ જીવન વિશે નિર્વિકલ્પ રહેતા . અર્થાત્ પરમાત્મા આ લોક વિશે કોઈ કામના રાખતા નહીં અને પરલોક વિશે કોઈ આકાંક્ષા સેવતા નહીં . પરમાત્માને જીવવાનો મોહ નહોતો , મરવાનો ભય નહોતો . પરમાત્મા મારે ઘણું જીવવું છે એમ પણ ના વિચારતા અને મારે આયુષ્ય સમાપ્ત કરવું છે એમ પણ ના વિચારતા . પરમાત્મા સંસારના સામા કિનારે પહોંચ્યા હતા . પરમાત્મા પોતાના આત્મા પર રહેલા કર્મોનો નાશ કરવા ઉદ્યમવંત હતા , તત્પર હતા . આ રીતે પ્રભુનો દીક્ષા કાળ વીતી રહ્યો હતો .
આ પવિત્ર સાધનાકાળ દરમ્યાન પરમાત્માનું જ્ઞાન સર્વ શ્રેષ્ઠ હતું , પરમાત્માની શ્રદ્ધા સર્વ શ્રેષ્ઠ હતી , પરમાત્માની ચારિત્ર સાધના સર્વશ્રેષ્ઠ હતી . પરમાત્માનો નિવાસ કાળ સર્વશ્રેષ્ઠ હતો . પરમાત્માનો વિહાર કાળ સર્વશ્રેષ્ઠ હતો . પરમાત્માનો વીર્યોલ્લાસ સર્વશ્રેષ્ઠ હતો . પરમાત્માની સરળતા સર્વશ્રેષ્ઠ હતી . પરમાત્માની નમ્રતા / કોમળતા સર્વશ્રેષ્ઠ હતી . પરમાત્માની અપરિગ્રહવૃત્તિ સર્વશ્રેષ્ઠ હતી . પરમાત્માની ક્ષમા સર્વશ્રેષ્ઠ હતી . પરમાત્માની નિર્લોભ મનોદશા સર્વશ્રેષ્ઠ હતી . પરમાત્માનો મનવચનકાયા પરનો આત્મસંયમ સર્વ શ્રેષ્ઠ હતો . પરમાત્માની અંતરંગ પ્રસન્નતા સર્વશ્રેષ્ઠ હતી . પરમાત્માનું સત્ય , સંયમ અને તપ આદિ ગુણોનું આચરણ સર્વશ્રેષ્ઠ હતું . આથી પરમાત્માના મોક્ષમાર્ગની આરાધના પણ સર્વશ્રેષ્ઠ હતી . પરમાત્માનું સમ્યગ્ દર્શન , સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર સર્વશ્રેષ્ઠ હતું . સર્વશ્રેષ્ઠ આરાધનાઓને લીધે પરમાત્માનો નિર્વાણલાભનો સમય ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો . પરમાત્મા સર્વશ્રેષ્ઠ ગુણો દ્વારા આત્માને ભાવિત કરતા રહેતા હતા . દીક્ષા જીવનના ૪૫૧૫ દિવસો વીત્યા . બાર વરસ અને સાડા છ મહિના પસાર થઈ ગયા . એ દરમિયાન ૪૧૬૬ ઉપવાસ થયા હતા અને ૩૪૯ પારણાંં થયાં હતાં . બાર વરસ વીત્યાં . તેરમાં વરસનો મધ્યાંતર સમય આવ્યો . વૈશાખ માસ હતો . શુક્લ પક્ષ હતો . દશમ તિથિ હતી . પોરિસીનો કાળ પૂર્ણ થયો હતો . સુવ્રત નામનો દિવસ હતો . વિજય નામનું મુહૂર્ત હતું . પરમાત્મા જૃંભકગ્રામની બહાર , ઋજુવાલિકા નદીના કિનારે , એક જીર્ણ થયેલાં ચૈત્યની નજીકમાં , શ્યામાક નામના ગૃહપતિનાં ખેતરમાં – ગોદોહિકા આસન ધારણ કરીને ધ્યાન અવસ્થાએ સ્થિર થયા .
પરમાત્માએ ચોવિહારો છઠ , તપરૂપે આચર્યો હતો . જયારે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્રમાનો યોગ થયો ત્યારે ધ્યાન દશાએ બિરાજમાન પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવાનને અનંત , ઉત્તમોત્તમ , અવરોધ રહિત , આવરણ મુક્ત , સમગ્ર રીતે પરિપૂર્ણ એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયું .
પરમાત્મા અરિહંત બન્યા . પરમાત્મા અંતરંગ શત્રુઓના વિજેતા બન્યા . પરમાત્મા ત્રણ લોક માટે પૂજનીય બન્યા . પરમાત્મા સર્વજ્ઞ , સર્વદર્શી થયા .
આ કેવળજ્ઞાન સૂત્રવાંચનનો પાઠ હજી લાંબો થઈ શકે . ત્રેવીસ તીર્થંકરનો છદ્મસ્થકાળ કેટલા દિવસનો કે વરસનો હતો તે વર્ણવી શકાય . ત્રેવીસ તીર્થંકરોની કેવળજ્ઞાનની તિથિ , ભૂમિ અને કૈવલ્યસમયનું ( સવાર હતી કે બપોર હતી તેનું ) વર્ણન પણ આવરી શકાય . અનુકૂળતા હોય તો સાધનાકાળનાં દરેક સૂત્રોનું , વિશેષણોનું વર્ણન થઈ શકે છે . જેટલો સમય હોય , જેટલો ઉત્સાહ હોય તેટલું કરી શકાય .
ત્રણ . કૈવલ્ય મંત્રનો જાપ અને અનુષ્ઠાન
કોઈ ગાયક કલાકારને બોલાવીને ઘણાંબધાં ગીતો કે પદો ગાવાનો ઉપક્રમ રાખ્યો નહોતો . કલકત્તાથી બાંસુરીવાદક / તબલાવાદક આવ્યા હતા . એમનાં સંગીત ના સથવારે – કેવળજ્ઞાન કલ્યાણક મંત્રના ઘણા જાપ કર્યા હતા . અને જાપ કરતાં કરતાં આશરે ચાલીસ હજાર પુષ્પો કેવળજ્ઞાન કલ્યાણક મંદિરની ચરણ પાદુકા પર સમર્પિત કર્યા હતા . ચાલીસ હજાર ફૂલો બે મોટી પાટ પર પાથરવામાં આવ્યાં હતાં . તે બધાજ નાનકડી દેરી પર સમાઈ ગયાં હતાં . આ ચમત્કાર જેવી કમાલ હતી .
આટલાં બધાં ફૂલો અર્પિત થઈ રહ્યાં હતાં ત્યારે વારંવાર સૂચના આપી હતી કે એકપણ ફૂલ પગની નીચે ન આવે એનું ધ્યાન રાખજો . સૂચનાનું પાલન પણ થયું હતું . જે ફૂલો પ્રભુ માટે આવ્યાં તેમાંના મોટાભાગનાં ફૂલો પ્રભુને અર્પિત થઈ ગયાં . થોડાઘણાં ફૂલ જે જમીન પર પડી ગયેલાં એમને ભેગા કરીને પ્રભુની સમક્ષ થોડેદૂર પાટપર બિછાવી દીધાં . એટલે એ ફૂલો પણ પ્રભુ સાથે વિના આશાતનાએ જોડાઈ ગયાં . સૂચના આપી હતી : જે ફૂલ ભગવાન્ પાસે આવે છે તે ભગવાનને અર્પિત થયાં વિના પાછું ન જવું જોઈએ .
કેવળજ્ઞાનનો દિવસ હતો એટલે પંચમ જ્ઞાનની આરાધના રૂપે પ્રભુ સમક્ષ ૫૧ સ્વસ્તિક , ફળ , નૈવેદ્ય , દીપકની સુંદર ગોઠવણ કરવામાં આવી હતી . પ્રારંભે ઉત્તમ ઔષધિ જળથી લઘુશાંતિ ધારા અભિષેક પણ થયો હતો . ધ્વજા ઠાઠમાઠથી ચડી હતી .
આ રીતે વૈશાખ સુદ ૧૦ ના દિવસે ત્રણેય ભક્તિકાર્યપૂર્વકનું આયોજન પ્રાય: પ્રથમવાર થયું હતું . આ આયોજનનો સંપૂર્ણ લાભ નંદપ્રભા પરિવારે લીધો હતો . પંખીઓ અને પશુઓની જીવદયા પણ થઈ , અનુકંપા દાન પણ થયું .
વિ.સં.૨૦૭૯માં આ કૈવલ્ય ઉત્સવ થયો . દરવરસે કૈવલ્યતીર્થમાં કૈવલ્ય મહોત્સવ માટે પ્રભુ વીરના ભક્તો મોટી સંખ્યામાં આવે એવી ભાવના રહે છે .
Leave a Reply