Press ESC to close

વનવગડે વિહરે વીર ( ૧૧ . ૧ )

બીજા વરસનું કથાનક : અચ્છંદક . અસૂયા અને અપ્રીતિ

અચ્છંદક એ નામ છે એવું લાગે . પરંતુ અચ્છંદક એક સંબોધન છે . ગામમાં ઘણા બધા બ્રાહ્મણ આવ્યા હોય અને એમાંનો એક બ્રાહ્મણ ભિક્ષાર્થે નીકળે ત્યારે એ બ્રાહ્મણનું નામ બોલાતું નથી . બ્રાહ્મણ આવ્યો – એમ બોલાય છે . જેમ બ્રાહ્મણ એ નામ નથી પરંતુ સંબોધન છે . તેમ અચ્છંદક પણ નામ નહોતું , બલ્કે એક સંબોધન હતું . મોરાક સંનિવેશમાં જે એકલો અચ્છંદક રહેતો હતો તેની જામેલી ધાક , સિદ્ધાર્થનાં કારણે તૂટી હતી . એ અચ્છંદક નારાજ થઈને દેવાર્યને પડકારવા વનમાં આવ્યો હતો .

દેવાર્યની આસપાસ ટોળું જમા હતું . સિદ્ધાર્થે ફેલાવેલી લીલાનું આ પરિણામ હતું . અચ્છંદક પણ એક ટોળું લાવ્યો હતો . અજાણતામાં જ બે પક્ષ બની ગયા હતા . એક ટોળું દેવાર્યની તરફેણમાં હતું . બીજું ટોળું , અચ્છંદકની તરફદારીમાં હતું . અચ્છંદક દેવાર્યની સામે ઊભો રહ્યો . દેવાર્ય કોઈ મુકાબલો કે પ્રતિસ્પર્ધા કરવાનું માનસ રાખતા નહોતા . દેવાર્યને વાત જ કરવી નહોતી . મૌનનો મલક દેવાર્યને પ્રિય હતો . પેટ ચોળીને શૂળ ઊભું કરનાર સિદ્ધાર્થ હતો . અચ્છંદક માટે દુશ્મન પુરવાર થયા હતા દેવાર્ય . આવો કોઈ દેવ હશે જે દેવાર્યની કાયામાં રહી બોલતો હશે એની અચ્છંદકને કલ્પના નહોતી . બધાની જેમ એ પણ દેવાર્યને જ વક્તા અને ઉદ્બોધક સમજતો હતો . ભરજંગલમાં એકાંત માણવાનો આનંદ લેનારા દેવાર્યને કૌતુકપ્રિય માનવોએ ઘેરી લીધા હતા . આ માનવો દેવાર્યની ( એટલે કે સિદ્ધાર્થની ) ભૂતભાવિ કથનશક્તિથી પ્રભાવિત હતા . અને ઘણા ખરા અચ્છંદકથીય આ જ રીતે પ્રભાવિત હતા . એકનિષ્ઠ ભક્ત કોઈ હતું કે કેમ તે પ્રશ્ન હતો . જે લોકો દેવાર્ય અને અચ્છંદકને એક સરખા સમજતા હોય તેમને પ્રભાવિત કરવા દ્વારા સિદ્ધાર્થને શું હાંસિલ થયું હશે ? સિદ્ધાર્થે અચ્છંદકને જોયો . સિદ્ધાર્થને એટલું સમજાયું કે આને જવાબ આપવો જ પડશે . અચ્છંદક દેવાર્યને જૂઠા સાબિત કરવા ઈચ્છતો હતો . જો દેવાર્ય જૂઠા સાબિત થાય તો પોતે જૂઠો નથી તે આપોઆપ સાબિત થઈ જાય . જો દેવાર્ય જૂઠા નથી તેવું સાબિત થાય તો અચ્છંદક જૂઠાડો છે તે પુરવાર થઈ જાય .

પોતાનું જૂઠ છૂપાડવા માટે , બીજા કોઈને જૂઠા સાબિત કરી દેવાની વૃત્તિ , માણસમાં ક્યાંથી આવતી હશે ? પોતે ક્યાં કમજોર છે , પાંગળો છે તે માણસ જાણતો જ હોય છે . બીજા કોઈની તથાકથિત કમજોરી ઉજાગર કરી દેવાથી , એ પોતાની કમજોરીને ઢાંકી શકવાનો નથી . પોતાની કમજોરીની બાબતમાં પ્રામાણિક દૃષ્ટિકોણ રાખવો જોઈએ . પોતાનામાં કમજોરી ન હોય એ શ્રેષ્ઠ પરિસ્થિતિ છે . પોતાનામાં કમજોરી હોય તો એ કમજોરીનો ઢંઢેરો પીટવાની જરૂર નથી . ઠીક છે . બીજાની કમજોરીનો ઢંઢેરો પીટીને એમ સાબિત કરવું કે મારામાં કમજોરી નથી , આ વલણ ખોટું છે .

અચ્છંદક સર્વજ્ઞ હતો નહીં પણ અચ્છંદકને સાબિત એ કરવું હતું કે દેવાર્ય સર્વજ્ઞ નથી . આ માણસને બોધપાઠ મળવો જ જોઈએ એવું દેવાર્ય જાણતા હશે ? દેવાર્ય સિદ્ધાર્થને બોલવા દેતા હતા , સિદ્ધાર્થ બોલવામાં ભૂલ કરે ત્યારે પણ તેને રોકતા નહોતા . સિદ્ધાર્થ છબરડો વાળે તેમાં દેવાર્યનું જ ખરાબ દેખાવાનું હતું છતાં દેવાર્યને સિદ્ધાર્થના વાણીવહેવાર સાથે કોઈ લેવાદેવા જ નહોતી .

અચ્છંદકે દેવાર્યની સામે ઊભા રહી ઘાસનું તણખલું હાથમાં લીધું .

અચ્છંદકે ગ્રામવાસીઓને જણાવ્યું હતું કે ` આ દેવાર્ય તમારી આગળ મોટી મોટી વાતો કરે છે કેમ કે તમે અજ્ઞાની છો . એ મારી સામે ટકી શકે નહીં કેમ કે હું જ્ઞાની છું . એ જો મને સાચો જવાબ આપશે તો હું માનીશ કે દેવાર્ય ત્રિકાલવેદી છે . જો એ જવાબ આપવામાં કમજોર નીવડશે તો સમજી લેજો કે એ જ્ઞાની નથી . ‘

આ પડકારની ભાવનાથી જ અચ્છંદકે દેવાર્યની સામે જોયું . ( ક્રમશઃ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *