સ્ટીફન કોવીનું વિશ્વપ્રસિદ્ધ પુસ્તક છે . સફળ થવાના નહીં પરંતુ ઉત્તમ બનવાના સાત મુદ્દાની તેમાં ચર્ચા છે . કરોડો બુક્સ વેંચાઈ છે . વેંચાયા કરે છે . હમણાં એમનું નવું પુસ્તક આવ્યું છે . એમાં આઠમી આદતની ચર્ચા છે . આ વિચારકની રજૂઆત એક મુખ્ય પાયા પર ઊભી છે : તમારી સાથે જે બને છે તે બધા સાથે બને છે . તમે જે કરો છો તે બધા કરે છે . તમે બીજાથી અલગ નથી પડતા . તમારી તે કમજોરી છે . તમે વાતમાં આવી જાઓ છો . તમે પ્રભાવમાં ખેંચાઈ જાઓ છો . તમારે નવેસરથી તમારું ઘડતર કરવાનું છે .
તમારી સમક્ષ કોઈ પ્રસંગ આવે છે . તમે તરત પ્રતિભાવ આપો છો . તમે ગાળ સાંભળી અને તરત તમે ગુસ્સો કર્યો . તમને માર પડ્યો અને તરત તમે સામો હુમલો કર્યો . તમને નિષ્ફળતા મળી અને તરત તમે બહાનાબાજી શરૂ કરી . તમને સફળતા મળી અને તરત તમે પાર્ટી આપી દીધી .
તમારી સમક્ષ સંયોગ આવે . તમે એનો પ્રતિભાવ આપી દો . આ ચીલાચાલુ પદ્ધતિ છે . સ્ટીવન કોવી કહે છે તમારી સમક્ષ સંયોગ આવે છે અને તમે તેનો પ્રતિભાવ આપો છો આ બે વાક્યની વચ્ચે ખાલી જગ્યા હોય છે . તમે ત્યાં ઊભા રહીને વિચારી શકો છો . તમે પ્રતિભાવ આપતાં પહેલાં અટકી શકો છો . તમે એ ખાલી જગ્યાને શોધવાની આદત પાડો .
ગાળ સાંભળીને ગુસ્સો આવે છે . આ એક વાક્યમાં બે વાત છે . ગાળ સાંભળી એ તાજો ભૂતકાળ છે . ગુસ્સો આવવાનો છે . આ નજીકનો ભાવિકાળ છે . આ બંનેની વચ્ચે એક વર્તમાન ક્ષણ આવે છે . તમે આ ક્ષણને મળતા નથી . તમે આ ક્ષણને સમય આપતા નથી . તમારું ધ્યાન આ ક્ષણ પર કેન્દ્રિત થતું નથી . તમે આ ક્ષણને ગુમાવી દો છો . તમે આ ક્ષણ પર અટકીને સાવધાનીથી વર્તી શકો છો . તમારા પ્રતિભાવ પર તમારો કાબૂ ન હોય તો તે તમારી કમજોરી બની જાય છે .
તમને જે સૂઝ્યું તે તમે બોલી નાંખો એ પ્રતિભાવ નથી . એ તો પ્રત્યાઘાત છે . તમે ગાળ સાંભળ્યા પછી વિચારો કે આ માણસને જવાબ આપવાનો અર્થ નથી તો તમારો પ્રતિભાવ બદલાશે . પછી એ પ્રત્યાઘાત નહીં , એ કેવળ પ્રતિભાવ હશે . તમે ગાળ સાંભળ્યા પછી વિચારો છો કે આ માણસને જવાબ આપીશું તો એ સુધરવાનો નથી . તમે ટાળી દો છો . આ પ્રત્યાઘાત નથી . આ પ્રતિભાવ છે .
તમારી સામે અણગમતી વાત આવે છે . તેનો જવાબ આપતાં પહેલાં તમે તમારી રીતે સાચવી સાંભળીને બોલવાનો આશય જાળવી રાખો છો . આવું બનશે તો પ્રતિભાવ આવશે . તમે તરત જ વળતો જવાબ આપી દેશો તો એ પ્રત્યાઘાત હશે . તમારી પાસે ધીરજ હશે તો તમે પૂર્વતૈયારી કર્યા બાદ રજૂઆત કરશો . તમે ડર્યા વિના આક્રમણ કરો તે પ્રત્યાઘાત છે . તમે ડરતા નથી પરંતુ સાચવીને રજૂઆત કરો છો તો એ પ્રતિભાવ બની છે . તમારું રિએકશન વિચાર્યા વગરનું હોય તો એ પ્રત્યાઘાત છે . તમારું રિએકશન વિચારપૂર્વકનું હોય તો એ પ્રતિભાવ છે .
Leave a Reply