સંબંધે સંબંધે ભૂલની વ્યાખ્યા બદલાય . તમારાં મનમાં કોઈ સંબંધ વિશે કોઈ અસંતોષ હશે તો એનાં મૂળ તમે ધારો તેથી વધુ ઊંડા હશે . તમારો સંબંધ કદી પરિપૂર્ણ હોઈ શકે નહીં . તમે અને તમારા સંબંધી , એમ બે અંતિમ વચ્ચેની દોરી એ જ સંબંધ છે . તમે માણસ છો , ભગવાન્ નથી . એ માણસ છે , ભગવાન્ નથી . ભૂલ તો થશે જ . ભૂલની સમજણ પડે તે પહેલાં ભૂલને લીધે ગેરસમજ ઊભી થઈ જશે . તમે તમારી ભૂલ સુધારી લો તો પણ તમારા માટેની ગેરસમજ ભૂંસાય નહીં તેવું બને .
તમે એક ભૂલમાંથી બહાર આવી ગયા છો અને એ ભૂલને લીધે તમારા વિશે ઊભી થયેલી ગેરસમજથી તમારા સ્વજન બહાર નથી આવ્યા . તમારી હાલત કફોડી છે . તમે ભૂલની માફી માંગી લીધી છે અને તમને એ જ ભૂલની સજા કરવામાં આવે છે . તમે ભૂલનો ખુલાસો કરી લીધો તો પણ તમને ગુનેગાર માનવામાં આવે છે . તમારા નજદીકના સંબંધમાં આવી બે પાંચ ભૂલો અને એકાદ – બે ગેરસમજ આવી ગઈ છે જે તમને સતત ટેન્શનમાં રાખે છે .
તમે ભૂલથી પણ કંટાળો છો અને સજાની સામે તમે વિદ્રોહ કરી બેસો છો . ન ઘરના રહો છો , ન ઘાટના . તમે તદ્દન એકલા પડી જાઓ છો . ફરીવાર ભૂલ નથી કરવાના . તમે તેની ખાતરી આપી શકો તેમ છો . તમે ભૂલ સાથેનો નાતો તોડી જ ચૂક્યા છો . તમે ભૂલ કરી હોય તો પણ તમે સારા છો તેવું તમારે સાંભળવું છે . તમે ભૂલ કરી તેને લીધે તમે નકામા નથી બની ગયા તેવો વિશ્વાસ તમને જોઈએ છે . તમે ભૂલ કરી તેનો તમે બચાવ નથી કરવા માંગતા . પરંતુ તમારી ભૂલને એક કમનસીબી તરીકે ભૂલી જવાય તે તમને ગમે છે . તમે ભૂલ સુધારી તે મહત્વનું નથી . તમે ભૂલ કરી તેને માફ કરી દેવામાં આવી છે તેવું તમારે સાંભળવું છે . તમે પ્રામાણિક છો માટે ભૂલ કબૂલી . તમે પ્રામાણિક છો માટે ભૂલમાંથી બહાર આવ્યા . હવે તમારા સ્વજનો પાસેથી તમારી અપેક્ષા શું છે તે વિચારો . ભૂલને ગૌણ ગણીને બાજુ પર મૂકી દેવાય તે તમારી લાગણી છે .
તમારી ભૂલને પંપાળવાની વાત નથી . તમારી ભૂલને યાદ ન રાખવાની વાત છે . તમે ભૂલ કરી તે વખતના સંયોગો જુદા હતા . આજના સંયોગો જુદા છે . તમારી ભૂલની શરૂઆત ખોટી હતી . તમે ત્યારે ખરેખર થાપ ખાધી અને વધુપડતું વેતરી બેઠા . આજે તમને જે સમજાય છે તે ત્યારે સમજાયું હોત તો એ ભૂલ થઈ જ ન હોત . તમને ન સમજાયું તે ભૂતકાળ છે . આજે તમને કંઈક સમજાઈ રહ્યું છે તે વર્તમાન છે . ન સમજાયું તેની ફરિયાદ પૂરી થઈ ગઈ તે સાથે જ ભૂલ નામની ઘટના ખતમ થઈ ગઈ .
તમારી સમજણ તમે સુધારી રહ્યા છો તે બતાવવાની ફરજ તમારી છે . એટલું જ નહીં તમે ખરેખર ખોટી સમજમાંથી બહાર આવી શકો તે તમારી માટે અગત્યનું છે . તમે ખુલાસો કરીને છટકવા માંગો તે ખરાબ . તમે ખુલાસો કરીને ભૂલથી અટકવા માંગો તે સારું . તમારાં મનની સચ્ચાઈ માટે તમે ભૂલને ઓળખી લો . તમે એ ભૂલને લગતી વિચારણામાં તટસ્થ બની જાઓ . તમારી જાતને એ ભૂલમાંથી બહાર કાઢવાનું સાચું વચન આપો . તમે તમારી જાત સાથે આટલી હદે સ્પષ્ટ થઈ જાઓ તે પછી સામી વ્યક્તિને , સ્વજનને તમારી માટેની શું ભાવના છે તે ઓળખવા માંડો . તેમની ભાવનામાં જામી ગયેલી ગેરસમજને દૂર કરવા તમે પ્રયાસ કરો .
તમે ગેરસમજને દૂર તો જ કરી શકશો જો તમે ભૂલને દૂર કરી શકશો . તમે ભૂલને ભૂંસ્યા પછી ગેરસમજને દૂર કરવા બેસશો તો તમારો ખુલાસો માન્ય થશે અને તમને સાચો દિલાસો મળશે . ભૂલ થયા પછી ખુલાસો કરીએ તે તમારી જવાબદારી . ભૂલ થઈ ગઈ તે બદલ દિલાસો આપે તે તમારા સ્વજનની જવાબદારી . તમારો ખુલાસો મજબૂત હશે તો તમને દિલાસો મજબૂત મળશે .
Leave a Reply