તમને સોંપેલું કામ તમારી શક્તિ પ્રમાણે તમે કરો છો . તમે કામ હાથમાં લો છો . તમને આ કામ દ્વારા જશ મળે તેવી તમારી ઈચ્છા છે . તમે થોડી મહેનત કર્યા પછી કંટાળો છો . તમને થાય છે કે આ કામ સાથેનો જશ મને ન મળે તો શું તકલીફ છે ? તમને જશ જોઈતો હતો . કામ કરવામાં થાક લાગ્યો તેથી તમે વિચારી લીધું કે જશ ન મળે તો શું ફરક પડે છે . તમે નિર્ણય લીધો . નથી કરવું કામ .
તમે કામ અને જશને એક સમજો છો તે જ તમારી ભૂલ છે . તમારા હાથમાં આવેલું કામ કરવાની તમારામાં તાકાત છે . તમે તમારી તાકાત ન વાપરો તો તમે જાતના ગુનેગાર બનો છો . તમારે કશી ચોરી કરવાની નથી . તમારે હોંશથી પ્રવૃત્તિમાં જોડાઈ જવાનું છે . તમે પ્રવૃત્તિનાં પરિણામને જશ માની લો છો . પ્રવૃત્તિ પૂરી થાય તે પછી જશ કે અપજશ નક્કી થાય . પ્રવૃત્તિ અધૂરી રાખો તો અપજશ નક્કી જ સમજવાનો . તમે ધારો તો ઘણાં કામ કામ સારી રીતે નિપટી શકો છો . તમે નથી કરતા . આળસમાં રહી જાય છે બધું .
બીજા શું મહેનત કરે છે તે તમે જોયું નથી . બીજા શું જશ મેળવે છે તે તમે જોયું છે . બીજાને મળેલો જશ તમારે મેળવવો છે . બીજાએ કરેલી મહેનત તમારે કરવી નથી . તમે ભૂલા પડેલા મુસાફર નથી . તમે અટકીને ચોતરફ ફાંફાં મારવા બેસો ત્યારે મૂર્ખા સાબિત થાઓ છો . તમને તક મળી છે . તાકાત મળી છે . તમારે તમારાં કામ પર તૂટી પડવાનું હોય . કામ કરતાં પહેલા પૂરેપૂરો વિચાર કરી લો . કામ કરવામાં તકલીફો પડશે તેની સામે માનસિક તૈયારી કરી લો .
કામ હાથમાં લીધું નથી ત્યાર સુધી તમે સ્વતંત્ર છો . કામ સ્વીકાર્યું એ પછી તમારે વિચારવાનું રહેતું નથી . તમે કામ કરવામાં અધૂરા છો કેમ કે તમે વિચાર્યા વિના કામ શરૂ કરો છો અને કામ ચાલુ થયા પછી વધારે પડતું વિચારવા લાગો છો . તમારું કામ તમારા વર્તમાનને અને ભવિષ્યને ઘડે છે . તમારું કામ તમારા જીવન ઉપર ઊંડી અસર મૂકે છે . તમારું કામ તમારી ગઈગુજરીને ભુલાવે છે . તમે જો કામને સાચવો છો , સજાવો છો તો તમારું નામ આપોઆપ બને છે . તમે નામના મેળવવા ચાહો છો અને કામમાં કંટાળો છો તો કામ અધૂરા નામ અધૂરા – એવો ઘાટ ઘડાય છે . તમારી માટે કામ એ જ જિંદગી હોવી જોઈએ .
તમે રમતી વખતે હાર કે જીતને વિચારો તે ચાલે . જીતવા માટે જ રમો તે ચાલે . પરંતુ તમે રમત રમો છો ત્યારે રમવાનો આનંદ મુખ્ય હોવો જોઈએ . તમને રમતાં આવડે છે અને તમને રમવાનો સારો મોકો મળ્યો છે તે મહત્ત્વની વાત છે . તમને રમતી વખતે કંટાળો આવતો હશે તો તમે જીતી શકવાના નથી અને રમવાનો આનંદ માણી શકવાના નથી .
કામ કરનારા લોકો કામને એક મજબૂરી સમજીને ચાલે છે તે ખોટું છે . તમારું કામ તો તમારા કલાકોને અજવાળે છે . તમે કામ કરો છો માટે તમારી જિંદગી સમી સુઘરી છે . તમે કામ કરો છો માટે તમારી નામના છે . તમારું કામ બોજો હોઈ ના શકે . તમારું કામ તમારો યશ બની શકે . તમારો જુસ્સો જેટલો તીવ્ર હશે તેટલું તમારું કામ સરસ . તમારું કામ સરસ થતું હોય તો તમને નામ દામ તમામ મળી શકે છે .
સબૂર , તમારે કામ કરતી વખતે બે જ બાબતનો વિચાર કરવાનો છે . તમારી કાર્યક્ષમતાનો અને તમારી કાર્યપધ્ધતિનો . કામ કર્યા પછી યશ મળે કે ના મળે તેને તમે મહત્ત્વ આપતા નહીં . તમે કામ કરો છો તે જ તમારી સફળતા છે . પરિણામ તો દૂરની વાત છે .
Leave a Reply