
૧૧ સપ્ટેમ્બર , ૨૦૦૧નો દિવસ . અમેરિકાના ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ગગનચુંબી ઈમારતો પર તદ્દન અપ્રત્યાશિત હુમલો થયો . પેટ્રોલથી ઠાંસોઠાંસ ભરેલા વિમાન ટ્રેડ સેન્ટરને ટકરાયા . અકલ્પનીય તબાહી મચી . ૩૦૦૦ લોકોની મોત થઈ . ૬૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા . અમેરિકામાં અને સમગ્ર વિશ્વમાં હાહાકાર ફેલાઈ ગયો . આ ઘટના પછી અમેરિકાના સમાજચિંતક વિદ્વાનોની એક બેઠક મળી . આ બેઠકમાં જે વિચારો ચાલ્યા એનો સારાંશ કંઈક કામ મુજબ છે : અલગ અલગ દેશો અને સંસ્કૃતિઓ એકબીજા સાથે લડે અને એકબીજાને નુકસાન કરે આ પદ્ધતિ હજારો વર્ષોથી ચાલી આવે છે . લડે છે બે દેશ , લડે છે બે પરંપરા , લડે છે બે સંસ્કૃતિ પણ એનું કડવું પરિણામ સમગ્ર માનવસમાજ ભોગવે છે . માનવસમાજને ચિરકાલીન નુકસાનથી બચાવવો હશે તો અરસપરસ લડવાની વૃત્તિ ઓછી થાય એવા વિચારોનો પ્રસાર કરવો પડશે . હવે , વિચારવસ્તુની દૃષ્ટિએ જોઈએ તો ક્ષમાપનામાં સંક્લેશનિવારણની શક્તિ ઘણી મોટી છે .
આ વિચારને આધારસૂત્ર બનાવીને The society of forgiveness જેવા કોઈ નામનું સંગઠન બન્યું . વિશ્વના દરેક ધર્મમાં ક્ષમાપના વિશે શું શું લખવામાં આવે છે , શું શું સમજાવવામાં આવે છે , શું શું કરવામાં આવે છે , શું શું કહેવામાં આવે છે એનો અભ્યાસ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી . આ ટીમ વિશ્વના દરેક દેશોમાં ફરી . આ ટીમ ભારતમાં પણ આવી . ભારતમાં વૈદિક ધર્મ , બૌદ્ધ ધર્મ ઈસ્લામિક ધર્મ , શીખ ધર્મ , પારસી ધર્મ અને જૈન ધર્મ – ક્ષમાપના વિશે શું કહે છે એનો આ ટીમે અભ્યાસ કર્યો . જૈન ધર્મમાં ક્ષમાપના વિશે જે અવધારણા રજૂ કરવામાં આવી છે એનાથી આ ટીમ ઘણી જ પ્રભાવિત થઈ છે . એમને ગમેલી અવધારણા શું છે ? જાણીએ .
દરેક માણસ અન્ય વ્યક્તિ માટે મનમાં દ્વેષ બનાવે છે ત્યારે એની પાસે એક બહાનું હોય છે કે સામા માણસે આવો અયોગ્ય વહેવાર કર્યો એને કારણે મેં મનમાં દ્વેષ બનાવ્યો છે . મારાં મનમાં દ્વેષ બને છે એનું કારણ સામા માણસનો વ્યવહાર છે આવું દરેક વખતે લાગતું હોય છે . આ વાત એવી રીતે ગોઠવાઈ જાય છે કે સામા માણસે અયોગ્ય વ્યવહાર કર્યો છે એટલે મને દ્વેષ કરવાની છૂટ મળી ગઈ છે . એ માણસ ભૂલ કરત જ નહીં તો મારાં મનમાં દ્વેષ બનત જ નહીં . પહેલી નજરે આ વાત સાચી લાગે છે પણ હકીકત એ છે કે આ વાતમાં ભ્રમણા વધુ છે . હું દ્વેષ શું કામ કરું છું એનાં કારણો આપણી પાસે સેંકડો હશે . પણ એ કારણો દ્વેષ વધારવામાં જ મદદગાર થાય છે . એ કારણો દ્વેષને ઓછો કરવામાં ઉપયોગી થતા નથી .
દ્વેષને ઓછો કરવામાં ઉપયોગી બને એવો વિચાર કંઈક જુદો છે . હું અત્યારે મારાં મનમાં દ્વેષ જીવતો રાખીને બેઠો છું . એ દ્વેષને કારણે ભવિષ્યમાં શું પરિણામ આવશે એનો વિચાર મારે કરવો જ જોઈએ . બે દેશ એકબીજાની માટે દ્વેષ રાખીને ચાલશે એનું પરિણામ છેવટે યુદ્ધમાં આવશે અને યુદ્ધનું પરિણામ છે પ્રજાની પાયમાલી . બે સંસ્કૃતિ એકબીજાના વિરોધમાં કટ્ટર ભાવે ઊભી હશે એનું પરિણામ છેવટે લાંબા સંઘર્ષમાં આવશે . બે વ્યક્તિ એકબીજાના વિરોધમાં વિચાર કરતી હશે એનું પરિણામ છેવટે લડાઈમાં જ આવશે . દ્વેષનું કારણ સામા પક્ષનો વહેવાર છે આ મુદ્દે ઘણી લાંબી ચર્ચા ચાલે છે એને કારણે દ્વેષમાંથી નીપજેલી લડાઈ પણ ઘણી લાંબી ચાલે છે . દ્વેષ કરનારો માણસ ખુદ પણ અશાંત રહે છે . દ્વેષ કરનારો માણસ અન્યને પણ અશાંત બનાવે છે . દ્વેષ કરનારો માણસ વાતાવરણમાં અને સમાજમાં પણ અશાંતિના વમળો ફેલાવે છે . અશાંત માનસિકતા અને અશાંત પરિસ્થિતિને સુધારવી હોય તો કામ એક જ જગ્યાએ કરવું પડે . અરસપરસનો દ્વેષ ઓછો થાય એવો માનસિક પુરુષાર્થ સ્વયં કરવો અને એવો માનસિક પુરુષાર્થ સૌ કરે એવો માહોલ રચવો .
ક્ષમાપનાનો સિદ્ધાંત કહે છે કે પરસ્પર જે સંઘર્ષ ચાલે છે , લડાઈ ચાલે છે એનું લાંબા ગાળે પરિણામ શું આવશે એનો વિચાર કરવાનું શરૂ કરો . દ્વેષ કરવાનાં કારણો ગમે તેટલા મજબૂત હોય પરંતુ તમે દ્વેષ કર્યો હોય એનું પરિણામ ક્યારે પણ સારું આવતું નથી . દ્વેષ એટલે કોઈની ઉપર ગુસ્સો કરવો . દ્વેષ એટલે કોઈની ઉપર હુમલો કરવો . દ્વેષ એટલે કોઈની માટે ખરાબ બોલવું . દ્વેષ એટલે કોઈની સાથે સ્પર્ધામાં ઉતરવું . દ્વેષ એટલે કોઈની ઈર્ષ્યા કરવી . દ્વેષ એટલે કોઈની વિરૂદ્ધમાં કાવતરાં રચવા . દ્વેષ એટલે કોઈની માટે નારાજ રહેવું . દ્વેષ એટલે કોઈને નુકશાન કરવું કે નુકશાન કરવા માટે વિચારવું . દ્વેષની માનસિકતા હજારો છે પણ દરેક માનસિકતા નેગેટિવ છે .
દ્વેષનું પહેલું ખરાબ પરિણામ એ છે કે દ્વેષ તમારી માનસિક પ્રસન્નતાને ધક્કો પહોંચાડે છે . જેનાં મનમાં દ્વેષ તીવ્ર હશે એનાં મનમાં જો આનંદ બને તો એ આનંદ ખોખલો હશે . જેનાં મનમાં દ્વેષ નહીં હોય કે દ્વેષ ઓછો હશે એની પ્રસન્નતા શક્તિશાળી હશે , એનો આનંદ નક્કર હશે . દ્વેષ માનસિક શાંતિને ખાઈ જાય છે , યાદ રાખજો .
દ્વેષના આવેશમાં આપણે અન્યને હેરાન કરવા લાગીએ છીએ . એ આપણને પહેલાં હેરાન કરે છે કે આપણે એને પહેલાં હેરાન કરીએ છીએ એ નક્કી કરવાનું મુશ્કેલ થઈ જાય છે . બંને એકબીજાને હેરાન કરે છે . બંને એકબીજાને ગાળો આપે છે . બંને એકબીજાને બદનામ કરે છે . બંને એકબીજાનો વિરોધ કરે છે . બંને એકબીજાને મુશ્કેલીમાં મૂકે છે . બંને એકબીજાના સુખને છીનવે છે . બંને એકબીજાને દુઃખમાં ડૂબાડે છે . આ પરિસ્થિતિ દ્વેષને કારણે આવે છે . દ્વેષનું બીજું ખરાબ પરિણામ એ છે કે આપણો દ્વેષ અન્યની માનસિક પ્રસન્નતાને ધક્કો પહોંચાડવા ચાહે છે , કોઈની પ્રસન્નતાનો નાશ કરવાની ભૂખ આપણા મનમાં સતત બનેલી રહે છે . આ સાત્ત્વિક મનોવૃત્તિ ના જ કહેવાય .
દ્વેષનાં ઝનૂનમાં આવેલો માણસ થોડા દિવસ કે થોડા મહિના પૂરતો જ અશાંત રહે છે એવું નથી . એ વર્ષો સુધી દ્વેષની આગમાં સળગ્યા કરે છે . જૈન ગ્રંથકારો જણાવે છે કે દ્વેષ જો એક વર્ષથી વધારે ચાલે છે તો એવા દ્વેષવાળો જીવ , મરીને નરકમાં જ જાય છે . એક વર્ષથી વધારે ચાલેલો દ્વેષ , જીવનભરના ધર્મને નિષ્ફળ બનાવી દે છે . દ્વેષનું આ ત્રીજું ખરાબ પરિણામ છે . જીવનભર બાળે છે દ્વેષ . મર્યા પછી પણ બાળતો રહે છે દ્વેષ .
પ્રશ્ન એ છે કે ક્ષમાપનામાં દ્વેષ ઘટાડવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે . જવાબ એ છે કે દ્વેષ ઘટાડવાની પ્રક્રિયામાં પાંચ ચરણ હોય છે .
પહેલાં ચરણમાં આપણે પોતાની જાતને સૂચના આપીએ છીએ કે દ્વેષની માનસિકતા મારા આત્મા માટે નુકસાનકારી છે . મારે દ્વેષના તીવ્ર સંસ્કારો ખતમ કરવા છે . અન્યથા મારે ઘોર દુર્ગતિમાં જવું પડશે .
બીજાં ચરણમાં આપણે વર્તમાન પરિસ્થિતિથી સાવધાન બનીએ છીએ . સામા માણસનાં કારણે મારાં મનમાં અત્યારે જે જે દ્વેષની ધારાઓ ચાલી રહી છે એ દરેક ધારાને મારે કમજોર પાડવી છે એવો સંકલ્પ કરવાનો છે .
ત્રીજાં ચરણમાં આપણે સામી વ્યક્તિનાં મનમાં ચાલી રહેલા દ્વેષની ધારાને કમજોર પાડવાનો સંકલ્પ કરીએ છીએ . જો સામો માણસ મારાં વચનો કે મારા વહેવારને કારણે મારી માટે દ્વેષ રાખે છે તો એ મારા મનમાં દ્વેષ જગાડી પણ શકે છે . જો સામા માણસનાં મનમાં મારા થકી નીપજેલો દ્વેષ જીવતો ના બચે તો એ મને પણ દ્વેષમાં ફસાવી નહીં શકે .
ચોથા ચરણમાં આપણે સામી વ્યક્તિને મળીને એની સમક્ષ ક્ષમાયાચના કરીએ છીએ .
પાંચમા ચરણમાં આપણે સામી વ્યક્તિ સમક્ષ ભવિષ્યમાં ક્યારેય દુઃખદાયક વાણી કે દ્વેષકારક વચનો ન બોલવાનો સંકલ્પ કરીએ છીએ , દુઃખદાયક વહેવાર કે દ્વેષકારક વર્તન ન કરવાનો સંકલ્પ કરીએ છીએ .
આ રીતે પાંચ ચરણમાં જે દ્વેષને કમજોર પાડવાનો પ્રયત્ન કરે છે તે ક્ષમાયાચના સમ્યગ્ રીતે કરી શકે . The society of forgiveness જેવા સંગઠન માને છે કે ભવિષ્યમાં સમગ્ર માનવસમાજને સંઘર્ષમુક્ત રાખવો હશે તો ક્ષમાપનાનો સિદ્ધાંત અમલીકરણમાં લાવવો પડશે .
( પર્યુષણ દ્વિતીય દિન પ્રવચન : ૨૦૨૪ )

Leave a Reply