Press ESC to close

ભદ્રાવતી તીર્થની વિજ્જાસન ગુફા : વી હેવ લોસ્ટ ઈટ


આપણી પાસે જે છે એનાથી રાજી રહેવું અને આપણી પાસે જે નથી એ બાબતે દુઃખી ન રહેવું આ સંતોષી જીવનની નિશાની છે . આવો સંતોષ જીવનને પ્રસન્નતાથી ભરી દે છે . પરંતુ જૂઠો સંતોષ નુકસાનકારક હોય છે . આપણે નવાં જિનાલયોનાં નિર્માણથી પ્રસન્નતા અનુભવીએ છીએ . આનો સંતોષ રાખવો પણ જોઈએ . નવું જે મળે તેનો હરખ મનાવવાનો જ હોય . પણ જે જૂનું છે તે યથાવત્ બનેલું રહે તે બહુ જરૂરી હોય છે . એ પણ  બહુ જરૂરી છે કે જે જૂનું છે તેનો સમ્યગ્ ઉદ્ધાર થાય . એ તો એકદમ જરૂરી છે કે જે જૂનું છે અને આપણું છે તે આપણું જ બનેલું રહે . આપણી પાસે જે છે તે આપણું હોય તે આપણી નૈતિકતા છે. જે આપણું છે તે આપણી જ પાસે રહે એ આપણી જવાબદારી છે . જ્યારે જ્યારે આપણે કશુંક એ ગુમાવીએ છીએ જે આપણું પોતાનું છે ત્યારે ત્યારે એમ પુરવાર થાય છે કે આપણે જવાબદારીના મામલે નિષ્ફળ સાબિત થયા છીએ . 
પાલીતાણાની વાત લો . સિદ્ધગિરિરાજની ઉપર આપણાં જિનાલયો છે . આપણું ધ્યાન એ જિનાલયો પર છે . પરંતુ ગિરિરાજ પર ઘણીબધી ગુફાઓ છે . આપણું ધ્યાન એ ગુફાઓ પર છે જ નહીં . એ ગુફાઓ અતિશય સુંદર છે . આપણે લોકોએ એ ગુફાઓ પર નજર ન રાખી . આજે દુનિયાના સૌથી મોટા જૈન તીર્થની પાસે કહેવાપૂરતી એકબે ગુફા છે . ( જાલી મયાલી ઉવયાલીની ગુફા . ત્યાં કોઈ જતું નથી . સરસ્વતી ગુફા છે પણ એની આસપાસ નિર્માણ ઘણું થઈ ગયું છે .) આ બે સિવાય બીજી એક પણ ગુફા આપણા હાથમાં રહી નથી . મહારાષ્ટ્રના નાસિક પાસે ચાંદવડ છે . ત્યાં ટેકરી પર જૈન ગુફા છે , આપણે ધ્યાન આપ્યું નહીં . હવે એ ગુફાઓ પર શ્વેતાંબર જૈનોની માલિકી નથી રહી . દેશમાં આવી અગણિત ગુફાઓ સાથે જૈનોનો અને શ્વેતાંબર સંઘનો સંબંધ હતો .  અમુક ગુફાઓ આપણી નથી રહી . સો રૂપિયાની એક થેલી આપણે ખરીદી હોય અને એની પર બીજો કોઈ હાથ મારે તો આપણે એ થેલીને આપણા હાથમાંથી જવા દેતા નથી . સવાલ સો રૂપિયા બચાવવાનો નથી . સવાલ માલિકીનો છે . સો રૂપિયાની એક થેલી આપણે હાથમાંથી જવા દેતા નથી . પરંતુ આપણે હજારો વરસો જૂની કેટલીય ગુફાઓને હાથમાંથી જવા દીધી છે . આપણે શું ગુમાવ્યું છે ? એની જાણકારી આપણને મળે ત્યારે નાલેશીનો અહેસાસ થાય છે . આપણે શું ગુમાવ્યું છે ? એની જાણકારી પણ આપણી પાસે ન હોય ત્યારે અહેસાસ ફક્ત નાલેશીનો નથી થતો બલ્કે આત્મગ્લાનિનો પણ થાય છે .

આપણો વિશાળ શ્રમણ સમુદાય  જ્ઞાની છે , ધ્યાની છે , અનુભવી છે . શું સમગ્ર જૈન શ્રમણસમુદાય એ જાણે છે કે આપણી પાસે જૈન ગુફાઓ કેટલી હતી ? શું સમગ્ર જૈન શ્રમણસમુદાય એ જાણે છે કે આપણે કેટલી જૈન ગુફાઓ ગુમાવી દીધી છે ? કદાચ , આ દિશામાં આપણું ધ્યાન જ ઓછું છે . સકલતીર્થ સ્તોત્રની જેમ એક સકલગુફા સ્તોત્ર લખાય અને એ સ્તોત્ર સકલતીર્થની જેમ જ શ્રમણસંઘને કંઠસ્થ હોય એ બહુ જરૂરી છે . ભારતના દરેક રાજ્યમાં નાની મોટી પહાડીઓ છે અને લગભગ દરેક પહાડીમાં કોઈ ગુફા છે . દરેક ગુફા સાથે જૈન ધર્મ જોડાયો છે એવું ભલે નથી . પરંતુ ઘણીબધી પહાડીમાં એકાદ ગુફા એવી જરૂર છે જ્યાં જૈન ધર્મના નક્કર અવશેષો જોવા મળે છે . 
એક સમયખંડ એવો હતો જ્યારે અમુક મહાત્માઓ શહેરમાં રહેવાનું ટાળતા . ગોચરી લેવાની હોય ત્યારે શહેરમાં કે ગામમાં આવે . બાકી લોકોથી દૂર રહે . નિવાસ માટે ગુફાઓનો ઉપયોગ થતો . વનવાસી મહાત્માઓ જંગલના ઝાડની નીચે તો રહે નહીં . એ ગુફામાં રહે . શાંતસુધારસ ગ્રંથમાં એ મહાત્માઓને ખાસ વંદના કરવામાં આવી જે ઊંડી ગુફામાં ધ્યાનસ્થ બનેલા છે . આમ તો ગુફાઓમાં વાઘ ,સિંહ કે રીંછ રહે છે , ગુફાઓની છત પર ચામાચીડિયા ઊલટા લટકે છે , ગુફામાં સાપના સૂસવાટા અને વીંછીના ડંખ હોય છે , ગુફાઓમાં ઘોર અંધારું અને ભયંકર એકાંત હોય છે . છતાં ગુફાનો આનંદ એકદમ અલગ હોય છે . ગુફામાં ભીડ નથી હોતી . ગુફામાં અવરજવર કે કોલાહલ નથી હોતો . ગુફામાં મૌનનું વાતાવરણ હોય છે . ગુફામાં એકાંતનું અજવાળું હોય છે . ગુફામાં ડૂબકી હોય છે . ગુફામાં જગત્ ભૂલવાની ઘટના હોય છે . ગુફામાં એ જ જાય છે જેને સ્વપ્રચાર કરવો નથી . ગુફામાં એ જ બેસે છે જેને દુનિયાના લોકો પાસેથી આદર સત્કાર લેવાની જરૂર રહી નથી . ગુફામાં સ્વાભાવિકતાનું સામ્રાજ્ય હોય છે . રાચરચીલું ગુફામાં જામે જ નહીં . મંડપ અને માઇકને ગુફામાં મોકો ના અપાય . ખરબચડી દીવાલ , ફરસ અને છતના‌ કાળા રંગમાં ગુફાનો શણગાર પૂરો થઈ જાય છે . ગુફા એટલે દિવસના સમયે એકવાર અંદર આવતું સૂરજનો તડકો . ગુફા એટલે દીવા અને મશાલથી માંડ ભેદાય એવો અંધકાર . ગુફા એટલે ધોધમાર હવાનો અભાવ અને ચોખ્ખીચણક આબોહવા . ઓછામાં ઓછા સાધનો , ઓછામાં ઓછી વ્યવસ્થાઓ અને ઓછામાં ઓછી અપેક્ષાઓ સાથે જે જીવી શકે છે તેને જ ગુફા ફાવે . 

આંધ્રપ્રદેશના વિજયવાડામાં અંબાપુરમ્ ગુફા છે . એ ઈસુની સાતમી શતાબ્દીની ગણાય છે . એમાં મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ છે . કર્ણાટક રાજ્યના બગલકોટ જિલ્લામાં બદામી ગુફા છઠ્ઠી શતાબ્દીની ગણાય છે . ગુજરાતમાં રાજકોટની પાસે ઉપલેટાની નજીકમાં ઢંક પહાડી છે ત્યાં ગુફામાં શ્રી આદિનાથ પ્રભુ , શ્રી આદિનાથ પ્રભુ , શાંતિનાથ પ્રભુ અને પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ છે . મહારાષ્ટ્રમાં બાલાઘાટ પહાડીમાં ધારાશિવ શહેરની પાસે ધારાશિવ ગુફા છે . આ ગુફા પાંચમી શતાબ્દીની ગણાય છે . ગુફામાં શ્રી મહાવીર પ્રભુ , શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ છે . મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લામાં આવેલી ઈલોરાની ગુફાઓ વિશ્વ પ્રસિદ્ધ છે . આ ગુફાઓનો સમયકાળ છઠ્ઠીથી દશમી શતાબ્દી સુધીનો છે . એકસોથી વધુ ગુફાઓમાં ગુફા નંબર ત્રીસથી ચોત્રીસ જૈન છે . તામિલનાડુના મદુરાઈ ઇલાકામાં કુપ્પાલનાથમ્ ગામ પાસે પોઈગઈ માલાઈ ગુફા છે . આનો સમયખંડ નવમી દશમી શતાબ્દીનો છે . મહારાષ્ટ્રના નાસિક પાસે ત્રિરશ્મિ ગુફા છે , જેમાં ૨૩ ગુફાઓ છે . આમનો સમયખંડ પહેલીથી ત્રીજી શતાબ્દીનો ગણાય છે . આમાં અમુક મૂર્તિઓ જૈન છે , અમુક બૌદ્ધ . તામિલનાડુના પુદુકોટ્ટઈ જિલ્લામાં સિત્તનવાસલ ગુફાઓ વિશ્વપ્રસિદ્ધ છે . આમનો સમય પહેલી/બીજી શતાબ્દીનો ગણાય છે . આમાં પ્રાચીન જૈન મૂર્તિ અને જૈન ચિત્રો છે . મધ્યપ્રદેશના વિદિશા વિસ્તારમાં ઉદયગિરિ ગુફા બહુ પ્રચલિત છે : સમય છે પાંચમી શતાબ્દી . આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં ઉંડવલ્લી ગુફાઓ છે : સમય છે સાતમી શતાબ્દી .

ગુજરાતમાં ગિરનાર અને તળાજાની ગુફા  , ઓરિસ્સામાં ભુવનેશ્વરની ગુફા હોય , બિહારમાં રાજગૃહી તીર્થની રોહિણિયા ગુફા અને સોનભંડાર હોય , આ બહુ પ્રસિદ્ધ છે . એક કેલેન્ડર પણ નીકળ્યું છે જૈન ગુફાઓ પર . મારે એ જોવાનું બાકી છે . પણ મેં થોડીક ગુફાઓ નરી આંખે જોઈ છે . અચલગઢની એ ગુફા જેમાં એવું અંધારું છે કે અંદર જવાની હિંમત ન થાય . તારંગાની એ ગુફા જેમાં રાતવાસો કરવા વાઘ આવે છે . મહારાષ્ટ્રમાં જુન્નર પાસેની લેન્યાદ્રિ ગુફાઓ . સમેતશિખરજી પર પારસનાથદાદાની મોક્ષ ગુફા . ભારતભરમાં ઘણી ઘણી ગુફાઓ છે . અફઘાનિસ્તાનની ગુફાઓમાંથી જૈનધર્મના અવશેષો મળી આવ્યા છે એવું કુમારપાળભાઈ દેસાઈનાં મોઢેથી સાંભળવા મળ્યું છે . 


ઘણીવાર એવો વિચાર આવે છે કે જેમ દરેક જૈન સંઘ કે જૈન તીર્થ પાસે પોતાનું દેરાસર હોય છે , પોતાનો ઉપાશ્રય હોય છે એ રીતે દરેક સંઘ કે તીર્થ પાસે પોતાની ગુફા હોય તો કેવું સારું ? ગુજરાતમાં ઈડર તીર્થ પાસે પોતાની ગુફા છે . થોડા વરસ પહેલાં એમ કહી શકાતું કે મહારાષ્ટ્રના ભદ્રાવતી જૈન તીર્થ પાસે પણ પોતાની ગુફા છે . આજે દુઃખની વાત એ છે કે હવે એ ગુફાની બહાર જૈન ગુફા તરીકેનું બોર્ડ લખાતું નથી . એ ગુફાની બહાર બૌદ્ધ ગુફાનું પાટિયું લાગી ગયું છે . આપણી ગુફાને આપણે ગુમાવી દીધી છે . 


ગુફાને બહારથી જુઓ તો એક ટેકરી છે . ટેકરી પર ચડીએ તો આખાય ભદ્રાવતી શહેરનો નઝારો દેખાય છે . ગુફા ટેકરીની તળેટીમાં  છે . ગુફા તરફ જવાના ઘાટીલા પગથિયાં બનેલાં છે . એને પાર કરીને ગુફા પાસે જવાય છે . ભદ્રાવતી શ્રી સંઘના ભાઈબહેનોને સાથે લઈને હું એ ગુફાના દરવાજે પહોંચ્યો હતો . દેરાસરની જેમ જ ગુફાનાં કેન્દ્રસ્થાને ભગવાનનો ગભારો છે . એમાં દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામી ભગવાનની જે મૂર્તિ હતી તે હવે ગૌતમ બુદ્ધની મૂર્તિ તરીકે દલિત બૌદ્ધો દ્વારા પૂજા પામે છે . જૈન મૂર્તિ અન્યધર્મીય મૂર્તિ બની જાય એ કેવી વાત છે ? જાણે આપણા પોતાના શ્વાસ પર બીજા કોઈ માલિકી જમાવી દે . આ દૃશ્ય જોવાનું આંખોને અઘરું પડે છે . બહુ સ્પષ્ટ છે કે આ મૂર્તિ હવે પછી ક્યારેય જૈન મૂર્તિ બનવાની નથી . આ વાક્યની સાથે કદાચ , શબ્દ જોડી શકાય છે . આપણી મૂર્તિ આપણી ના રહે , આપણી ભૂમિ આપણી ના રહે , આ કેવી મનહૂસ લાચારી ? એમ કહેવાય છે કે આ ગુફા બે હજાર વરસ પ્રાચીન છે . મૂર્તિ પણ એટલી જ પ્રાચીન હશે .


 ઈંટ પર ઈંટ મૂકીએ , સિમેન્ટ પાથરીએ ત્યારે મકાન બને છે . ગુફા ઈંટસિમેન્ટથી નથી બનતી . ગુફા નક્કર પહાડની પોલાદી પાષાણથી બનેલી હોય છે . પથ્થરના પર્વતને આરપાર ખોતરીફોડીને પહાડની ભીતરમાં જે નાનકડો અવકાશ બને છે તે ગુફા હોય છે . મકાનની છત અને દીવાલ માંડ એકાદબે ફૂટ જાડી હોય છે .  ગુફાની છત અને દીવાલ સેંકડો ફૂટ જાડી હોય છે . મકાનમાં બહારના અવાજ અંદર આવે છે . ગુફામાં બહારના અવાજ ન આવે . મકાન ઉનાળે તપે અને શિયાળે ઠરે . ગુફા ઉનાળે ટાઢક આપે અને શિયાળે હૂંફ આપે . ખબર નહીં કેમ પણ ગુફામાં પગ મૂકતાવેંત વિચારો સ્થિર અને શાંત થવા લાગે છે . સાચો સાધક તો દરેક પરિસ્થિતિમાં સ્વસ્થ , સંતુલિત અને પ્રસન્ન જ રહે . પણ ગુફામાં જે અહેસાસ મળે છે તે અલગ હોય છે . ઓમ્ કાર કે અન્ય મંત્રોના  કંઠ્ય ઉદ્ઘોષ ગુફામાં કરી જુઓ . ગુફા એક અલગ જ પડઘો સંભળાવશે . અજિતશાંતિ સ્તોત્ર કે અન્ય સ્તોત્ર  સ્તવનો ગાઈ જુઓ એક અલગ જ મસ્તી અનુભવાશે . અધ્યાત્મપરક સજ્ઝાયો લલકારશો ત્યારે એમ લાગશે કે આ તો સ્વયં આનંદઘનજી મહારાજા કે દેવચંદ્રજી મહારાજા બોલી રહ્યા છે . કથાની સજ્ઝાયો ઉચ્ચારશો તો એવો અનુભવ થશે કે આપણે એ પુરાતન સમયકાળમાં પહોંચી ગયા . શાસ્ત્રની ગાથાઓ ધીમે અવાજે વાંચશો તો અર્થનાં ચિંતનમનનનું નવું સ્તર ઉઘડી આવશે . કાઉસગ્ગ કરશો તો ठाणेणं मोणेणं झाणेणं દ્વારા શું વિસર્જન પામે છે એની ઝાંખી થશે . ભદ્રાવતીની વિજ્જાસન ગુફામાં આ બધું જ સંભવિત છે . ઘણાય જૈન સાધકોએ આ ગુફામાં સાધના કરી છે . ઘણાય જૈન ભક્તજનોએ આ ગુફામાં ભક્તિ કરી છે . બહાર રાની પશુ ફરતાં હોય અને અંદર સાધના ઉપાસના ચાલતી હોય એવો પણ એક જમાનો હતો . ગુફામાં  પચાસથી વધારે લોકો આરામથી બેસી શકે એટલી જગ્યા છે . ગુફાની અંદર જ અંતર્ગુફા જેવી બખોલ બેય તરફ બની છે . એમાં તો વળી ઔર ગહન શાંતિ છે . ગભારો મોટો છે . પ્રતિમા બહુ મોટી છે . બેહદ અફસોસની વાત છે કે આધિકારિક રીતે આ ગુફા સરકારી સંપત્તિ બની ગઈ છે . આપણે વિઝિટર તરીકે આવી શકીએ છીએ . કેવી વાત છે ? ઘર આપણું છે , એમાં આપણે મહેમાન તરીકે થોડાસમય માટે આવવાનું છે અને પછી સ્મિતપ્રદર્શનપૂર્વક ચૂપચાપ નીકળી જવાનું છે . શું કરવાનું છે અને  શું નથી કરવાનું એ બોલવાનો આપણને હક નથી . દશ ડિસેમ્બર બે‌ હજાર બાવીસના દિવસે વિજ્જાસન ગુફાને છેલ્લીવાર જોઈ . પછી થોડા દિવસમાં ઋજુવાલિકા માટે વિહાર થયો . વિજ્જાસન ગુફામાં બેસીને જે અનુભૂતિ મેળવી હતી તે કોઈ અલગ જ હતી . એ ગુફા આપણી નથી રહી એની પીડા ત્યારે જેટલી હતી એટલી જ આજે છે . 


ગુફા હાથમાંથી જતી રહી એમાં વાંક કોનો ? એકલો સ્થાનિક તીર્થના સંચાલકોનો વાંક કાઢી શકાય નહીં . વાંક યાત્રાળુઓનો છે કે ગુફા જવાનું એમણે યાદ જ ન રાખ્યું . જો નિયમિત રીતે યાત્રાળુઓ ગુફાએ જતાં હોત તો પરિસ્થિતિ જુદી હોત . વાંક અમારા જેવા સર્વે શ્રમણશ્રમણીઓનો છે . જો અમે તીર્થના સંપર્કમાં રહીને આ બાબતે માર્ગદર્શન આપતા રહેત તો આવા દિવસો જોવા ના પડત .  આપણી ગુફાઓ માટે આપણે શું કરી શકીએ આ પ્રશ્ન પર ચર્ચા તો થવાની જ . દૂર બેઠાં બેઠાં સૂફિયાણી સલાહો આપવાને બદલે આ વિષય પર પ્રામાણિક ચિંતન કરવું જોઈએ . 


ચિંતન એક : ભારતમાં જ્યાં જ્યાં જૈન ગુફાઓ છે એની માહિતી એકત્રિત કરવી જોઈએ અને પ્રસારિત થવી જોઈએ . અમુક ગુફાઓ એકલી જૈન ગુફા છે . અમુક ગુફાઓમાં જૈન ગુફા અને બૌદ્ધ ગુફાઓનું સાયુજ્ય છે . અમુક ગુફાઓમાં જૈન ગુફા , બૌદ્ધ ગુફા અને હિન્દુ ગુફાઓનું સંમિલન  છે . કોઈ ગુફા નિસર્ગનિર્મિત છે , કોઈ ગુફા માનવનિર્મિત છે . કેટલીક ગુફાઓમાં એક કે બે કે ત્રણ માળ છે , કેટલીક ગુફાઓ એકતલ છે એટલે કે કોઈ માળ નથી . ક્યાંક ગુફાઓની શ્રેણી છે , ક્યાંક એકલી ગુફા છે . કોઈ કોઈ ગુફામાં મૂર્તિ છે , કોઈ કોઈ ગુફામાં મૂર્તિ નથી . કોઈ ગુફા જૈન હતી અને જૈન નથી રહી . કોઈ ગુફા શ્વેતાંબર હતી અને શ્વેતાંબર નથી રહી . આ બહુ જ મોટો રિસર્ચ ટોપિક છે . ડિટેઈલ્ડ સ્ટડી થવો જોઈએ . ચિંતન બે : ગીતાર્થ જ્ઞાની ગુરુ ભગવંતો વ્યાખ્યાન , વાચના અને લેખનમાં ગુફાસંસ્કૃતિ વિશે રજૂઆત કરે . ગુફાઓનો ઉપયોગ શો હતો ? સાધુ સાધ્વીજીઓ કેવી કેવી પરિસ્થિતિમાં ગુફામાં નિવાસ કરતા ? ગુફાઓમાં રહેવાની મર્યાદાઓ શું હતી અને સમસ્યાઓ શું હતી ? ગુફામાં ઓરડાઓ શું કામ બનાવતા ? ઘણી ઘણી વાતો થાય . આજે ભલે ગુફાસંસ્કૃતિ સક્રિય નથી . પણ જે જમાનામાં ગુફાસંસ્કૃતિ સક્રિય હતી ત્યારે ગુફાઓમાં શું ગતિવિધિઓ થતી એનો બોધ સકલ શ્રી સંઘને મળવો જોઈએ . સાધુસાધ્વીઓ પચખાણ પારીને જે સત્તર ગાથા ગણે છે એમાં ત્રણ ગાથા સાથે ગિરનારની રાજીમતી ગુફા જોડાયેલી છે .   ચિંતન ત્રણ : પુરાણા સમયમાં ગુફાઓમાંથી જે મળતું તે મેળવવા આજના સમયમાં  શું કરી શકાય ? સામાન્યતઃ ઉપાશ્રયમાં ભોંયરા રચીને આપણે ગુફાની ખોટ પૂરી કરી છે . અમદાવાદમાં ભગવાનનગર ટેકરાનો ઉપાશ્રય અને સાબરમતીમાં પુખરાજ રાયચંદ આરાધના ભવનમાં જે ભોંયરું બનેલું છે તે ગુફાઓની ખોટ વર્તાવા દેતું નથી . આ વ્યવસ્થા ઘણા ઉપાશ્રયોમાં છે . ગુફાઓમાં જવા ન મળે તો ગુફાનું વાતાવરણ કેવી રીતે મેળવવું આ શીખવા જેવું છે . આ ડેકોરેશનવાળો બનાવે છે તે ફિઝિકલ ગુફાની વાત નથી . આ એકાંત અને અધ્યાત્મનું વાતાવરણ રચવાની વાત છે . ગુફા ભીતરનો અવાજ સાંભળવાની પ્રક્રિયા છે . એને બાંધકામ અને વાસ્તુ સમજવાની ભૂલ ન કરાય . ચિંતન ચાર : આજની સ્કૂલોમાં પાષાણયુગની ગુફા તરીકે જેનું વર્ણન થાય છે તે ગુફા અભણ અવસ્થાની લાચારી બતાવે છે . આપણી જૈન  ગુફાઓમાં સુઘડ યોજના છે , કળા છે , સંસ્કૃતિ છે . જૈન ગુફાઓનો  સત્તાવાર પરિચય જૈન પરિભાષા મુજબ જ આપવાનો હોય . કોઈ અર્ધ દગ્ધ પ્રોફેસર પોતાની અક્કલ મુજબનો પરિચય વર્ણવે તે ન ચાલે . ચિંતન પાંચ : આપણે ગુફાઓની ચૈત્યપરિપાટી ગોઠવી શકીએ . ભારતદેશનાં દરેક રાજ્યમાં જે જે ગુફાઓ છે ત્યાં આપણા લોકો જાય . જુએ અને જાણે કે ગુફા શું હોય છે . દરેક ગુફાનો પોતપોતાનો ઇતિહાસ મોટેભાગે સ્થાનિક લોકો કે સ્થાનિક ગાઇડ પાસેથી જાણી જ શકાય છે . તે તે રાજ્યમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓનો તંતુ એ ગુફા સાથે જરૂર જોડાયેલો હશે . 


આ દિશામાં ચિંતન કરતા રહીએ અને સજાગ બનીએ . વિજ્જાસનની ગુફા હાથમાંથી ગઈ . બીજી ગુફા ન જવી જોઈએ . 

Comments (1)

  • અંકુર સુચકsays:

    July 9, 2024 at 12:12 am

    ” ગુફા ભીતરનો અવાજ સાંભળવાની પ્રક્રિયા છે .”

    માર્મિક વાત કરી આપી.

    ગુફા એ અધ્યાત્મની પરંપરાનો સંસ્પર્શ કરવાનો અવસર છે.

    ધ્યાની, યોગીઓ માટે અલખનો ઓટલો છે.

    આપનો આ લેખ જાગરૂકતા લાવે તેવી અભ્યર્થના.

    આપને નમન, વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *